લંડનમાં ચોરાયેલો ફોન ચીનમાંથી કેવી રીતે મળી આવ્યો

ફોનની ચોરી, લૂંટ, સાયબર અપરાધ, બ્રિટન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ગ્રેહામ ફ્રેસર અને ટૉમ જર્કન
    • પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર

એપ્રિલ મહિનાના એક શનિવારની વહેલી સવારે આકારા ઇત્તેહ નામના એક યુવાન પોતાનો ફોન ચેક કરીને મધ્ય લંડનના હૉલબૉર્ન ટ્યૂબ સ્ટેશનની બહાર નીકળી રહ્યા હતા.

થોડીવારમાં જ ઇલેક્ટ્રિક બાઇક પર પાછળથી આવીને તેનો ફોન કોઈએ ઝૂંટવી લીધો. આકારાએ તેનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન ઝૂંટવી લેનારો ભાગી ગયો.

ઇંગ્લૅન્ડ અને વૅલ્સમાં આ વર્ષે માર્ચ મહિનાના અંત સુધીમાં 78 હજાર લોકો આવી લૂંટનો ભોગ બન્યા છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડો ખૂબ મોટો છે.

આવા મામલામાં ગુનો સાબિત થવાનો દર ખૂબ ઓછો રહ્યો છે. પોલીસનું કહેવું છે કે તેઓ ગુનેગારોને પકડવાની કોશિશ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આમાં ઉત્પાદકો અને ટૅક કંપનીઓનો પણ મોટો ફાળો છે.

આ લૂંટનો ભોગ બનેલા પીડિત લોકોએ બીબીસીને કહ્યું છે કે તેમની હજારો અગત્યની તસવીરો અને હજારો પાઉન્ડ ચોરાઈ ગયા છે.

આકારા જેવા અનેક લોકો તેમનો ફોન ટ્રૅક કરવામાં સફળ નીવડ્યા છે, તેમને ખ્યાલ છે કે તેમનો ફોન ક્યાં હોઈ શકે છે, પરંતુ તેમની પાસે કોઈ તાકાત નથી કે તેઓ ત્યાં પહોંચી શકે.

ક્યારેક લંડનમાં ફોન રણકતો તો ક્યારેક અન્ય શહેરમાં

ફોનની ચોરી, લૂંટ, સાયબર અપરાધ, બ્રિટન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AKARA ETTEH

ઇમેજ કૅપ્શન, આકારા ઇત્તેહ

આકારાએ ઘરે આવીને લગભગ ફોન લૂંટાયાના કલાકમાં જ તેમના આઇફોન-13ને લૉસ્ટ મોડમાં મૂકી દીધો હતો. આથી, ફોન લૂંટી જનારા લોકો તેમાં રહેલી માહિતીનું ઍક્સેસ ન મેળવી શકે. ત્યારબાદ તેમણે લૅપટૉપથી ‘ફાઇન્ડ માય આઇફોન’ ફીચર પણ શરૂ કરી દીધું હતું.

તેના કારણે આકારાને તેમના ફોનનું રફ લોકેશન ટ્રૅક કરવામાં સફળતા મળી હતી અને તરત જ તેમને ખબર પડી હતી કે તેમનો ફોન ઇલિંંગ્ટનમાં છે. આઠ દિવસ પછી તેમનો ફોન ઉત્તર લંડનમાં અલગ-અલગ જગ્યાઓએ જોવા મળ્યો હતો.

તેમના ફોનનું લોકેશન જે જગ્યાએ દેખાઈ રહ્યું હતું ત્યાં તેઓ ગયા પણ હતા. પરંતુ તેઓ કહે છે કે એ રીતે ન જવું જોઈએ.

તેઓ કહે છે, "આમ જવું એ ધણું જોખમી છે, પણ મને એ સમયે ખૂબ ગુસ્સો આવતો હતો."

તેમણે ત્યાં કોઈ સાથે વાત કરી ન હતી પરંતુ તેમને એવું લાગ્યું કે તેમના પર કોઈ નજર રાખી રહ્યું છે. ત્યારપછી તેઓ ઘરે પાછા ફર્યા.

તેઓ કહે છે, "હું ખરેખર ખૂબ ગુસ્સામાં હતો. મારો ફોન ખૂબ મોંઘો હતો. એ પૈસા કમાવા માટે હું સખત મહેનત કરું છું, અને લોકો એમ કહે છે કે, છોડી દો."

ફોન ચોરાયાના એક મહિના પછી તેમણે ફરી ‘ફાઇન્ડ માય આઇફોન’ ફીચર ચેક કર્યું તો તેઓ ચોંકી ગયા. તેમના ફોનનું લોકેશન ચીનના શેનઝેનમાં દેખાઈ રહ્યું હતું.

ચોરાયેલા ફોન ચીનના શેનઝેન પહોંચી જાય છે એ વાત નવી નથી. જે ફોનનું લૉક ખુલી શકતું નથી કે કોઈ માહિતી ઍક્સેસ થઈ શકતી નથી તેના પાર્ટ્સનું ડિસેમ્બ્લિંગ કરવા માટે તેને ચીન મોકલી દેવામાં આવે છે.

ચીનનું શેનઝેન શહેર એ 1.76 કરોડ લોકોનું ઘર છે અને ટૅક્નૉલૉજીનું હબ છે. તેને ચીનની સિલિકૉન વેલી પણ ગણવામાં આવે છે.

પોલીસ પણ મદદ કરી શકતી નથી

ફોનની ચોરી, લૂંટ, સાયબર અપરાધ, બ્રિટન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આકારાનો ફોન ચોરાઈ ગયો તે પછી થોડી જ ક્ષણોમાં તેમણે પોલીસ અધિકારીઓને શેરીમાં જોયા અને તેમને આ સમગ્ર મામલો કહ્યો હતો. તેમના કહ્યા પ્રમાણે અધિકારીઓને પણ એ વાતની જાણ હતી કે ચોર આ વિસ્તારમાં ફોન ચોરવા માટે રેકી કરતા હોય છે. ત્યારબાદ તેમને ઑનલાઇન આ અંગે ફરિયાદ નોંધાવવાનું કહેવાયું હતું અને તેમણે ફરિયાદ નોંધાવી પણ હતી.

થોડા દિવસો પછી, તેમને મેટ્રોપોલિટન પોલીસ દ્વારા ઇમેઇલ મારફત તેમને કહેવામાં આવ્યું કે આ કેસ બંધ કરવામાં આવ્યો છે કારણ કે "તેમના માટે એ અસંભવિત છે કે તેઓ જવાબદારોને ઓળખી શકે અને તેમના સુધી પહોંચી શકે."

આકારાએ ત્યારપછી તેમના ચોરાયેલા ફોન અંગેની માહિતી જે સ્થળોએથી એકત્રિત કરી હતી તેને પોલીસખાતામાં સબમિટ કરી હતી. પોલીસે તેને સ્વીકારી હતી પણ આગળ કોઈ કાર્યવાહી કરી ન હતી.

મેટ્રોપોલિટન પોલીસે આકારાના કેસ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. પરંતુ તેમણે જણાવ્યું હતું કે, "પોલીસ વેસ્ટમિન્સ્ટર, લેમ્બેથ અને ન્યુહામ જેવા હૉટસ્પૉટ વિસ્તારોનાં સંસાધનોને લક્ષ્યાંકિત કરી રહી છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવશે અને સાદા કપડાંમાં પોલીસને તહેનાત કરવામાં આવશે, જેથી કરીને ગુનેગારીને ડામવામાં મદદ મળે."

‘મારી માતાની તસવીરો પણ ખોવાઈ ગઈ’

એવા ઘણા લોકો કે જેમનો ફોન ચોરાઈ ગયો છે તેમની સાથે બીબીસીએ વાત કરી હતી. સરેના વતની 44 વર્ષીય જૅમ્સ ઓ’સુલિવાને કહ્યું હતું કે, "મારો ફોન ચોરાઈ ગયો ત્યારપછી તસ્કરોએ ઍપલ પે સર્વિસના ઉપયોગથી 25 હજાર પાઉન્ડ સેરવી લીધા હતા."

ન્યૂ કૅસલના કેટી ઍશવર્થનો ફોન એક પાર્કમાંથી ચોરાઈ ગયો હતો. તેની સાથે તેમની ઘડિયાળ અને ડૅબિટકાર્ડ પણ ચોરાઈ ગયું હતું.

36 વર્ષીય કેટી ઍશવર્થ કહે છે, "સૌથી દુ:ખની વાત એ છે કે આ ફોનમાં મારી માતાની છેલ્લી તસવીરો હતી. તેમાં એ સમયની તસવીરો હતી કે જ્યારે મારાં માતા ચાલી શકતાં ન હતાં. હું એ ફોટો મેળવવા માટે ગમે તે કરી શકીશ."

તેઓ પણ કહે છે કે પોલીસ તરફથી જરૂરી પગલાં લેવામાં નથી આવતા.

તેઓ કહે છે, "પોલીસે ત્યારપછી મારી પાસેથી પણ કોઈ માહિતી લીધી નથી. અમારી પાસે બૅન્કના ટ્રાન્ઝેક્શનરૂપી એ પુરાવો પણ છે કે આ પૈસા ક્યાં ગયાં?"

"પોલીસે મને માત્ર એટલું કહી દીધું કે તમે જઈને ફેસબુક માર્કેટપ્લેસ કે સ્થાનિક સેકન્ડ-હૅન્ડ શૉપમાં તપાસ કરો."

‘પોલીસની ઘડિયાળના કાંટા સાથે લડાઈ’

ફોનની ચોરી, લૂંટ, સાયબર અપરાધ, બ્રિટન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PC Mat Evans

ઇમેજ કૅપ્શન, પીસી મેટ ઇવન્સ

અહીં મુખ્ય સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે પોલીસ શા માટે આવા ગુનાઓ પર નિયંત્રણ મેળવી શકતી નથી કે ચોરાઈ ગયેલા ફોન શોધી શકતી નથી.

વેસ્ટ મિડલૅન્ડ્સ પોલીસમાં એક દાયકાથી આવા મામલે કામ કરી રહેલી ટીમનું નેતૃત્ત્વ કરી રહેલા પીસી મેટ ઇવન્સ કહે છે, "જેટલા ફોન ચોરાઈ ગયા છે તેમાંથી ખૂબ ઓછા ફોનની રિકવરી થઈ શકી છે. ગુનો કરનારા લોકો એટલી ઝડપે ભાગી જાય છે કે તેમને પકડી શકાતા નથી."

તેઓ કહે છે,"ગણતરીના કલાકોમાં જ ફોન સીમાડા ઓળંગી જાય છે. આવા પ્રકારના કેસોમાં જાણે કે તમારી લડાઈ ઘડિયાળના કાંટા સાથે છે એવું કહી શકાય. પરંતુ લોકોએ હંમેશાં તત્કાળ આ મામલે પોલીસમાં ફરિયાદ લખાવવી જોઈએ. કારણ કે જો આવા ગુના થઈ રહ્યા છે એની ખબર જ નહીં પડે તો તેમની તપાસ કઈ રીતે થઈ શકશે."

ક્યારેક એક જ ધરપકડ ગૅમ ચેન્જર સાબિત થતી હોય છે.

તેઓ કહે છે, "જ્યારે અમે ગુનેગારોને પકડીએ છીએ ત્યારે એવું પણ બની શકે કે તે માત્ર ફોન ચોરવાનો જ આરોપી ન હોય પરંતુ તેણે ખૂબ ગુનાઓ કર્યા હોય."

પરંતુ આ પ્રશ્ન માત્ર પોલિસીંગનો જ છે એવું નથી.

નૅશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના કમાન્ડર રિચાર્ડ સ્મિથે તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ખૂબ શાતિર અપરાધીઓને ચિન્હિત કરીને તેમને પકડવાનું ચાલુ રાખશે.

"અમને એ ખ્યાલ છે કે અમે આ સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શક્યા નથી." તેમણે કહ્યું.

"ગુનેગારોને ચોરેલા હૅન્ડસેટના પુનર્વેચાણથી લાભ મેળવવાની તકો ઓછી મળે તેના પાછળ ઉત્પાદકો અને ટૅક ઇન્ડસ્ટ્રીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે."

ટ્રૅકિંગ અને ડિસેબલિંગ સિસ્ટમ

ફોનની ચોરી, લૂંટ, સાયબર અપરાધ, બ્રિટન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ચોરાઈ ગયેલા ફોનને ટ્રૅક કરીને તેમાં રહેલો ડેટા નાબૂદ કરવાની વ્યવસ્થા આપણી પાસે છે. આઇફોનમાં તેના માટે ‘ફાઇન્ડ માય આઇફોન’ તથા ઍન્ડ્રોઇડમાં તેના માટે ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ ફીચર છે.

પોલિસિંગ મિનિસ્ટર ડૅમ ડિઆના જ્હૉન્સને આ અઠવાડિયે કહ્યું હતું કે સરકાર એવું ઇચ્છી રહી છે કે ઉત્પાદકો એવી સિસ્ટમ બનાવે કે ચોરાઈ ગયેલાં ફોનને કાયમ માટે ડિસેબલ કરી શકાય. જેથી કરીને તેને કોઈ સેકન્ડ-હૅન્ડ વેચી ન શકે.

પોલીસવડાઓને પણ આ મામલે વધુ માહિતી એકઠી કરવા કહેવાયું છે. ખાસ કરીને એ અંગેની માહિતી કે આ ચોરાઈ ગયેલા ફોન અંતે ક્યાં જાય છે.

સરકારે કહ્યું હતું કે, “બ્રિટન અને અન્ય દેશોમાં સેકન્ડ-હૅન્ડ મોબાઇલની વધી રહેલી માગ પણ આવી ચોરી થવા પાછળનું મોટું કારણ હોઈ શકે છે. તેના કારણે પણ આ મામલામાં મોટો વધારો થયો હોઈ શકે છે.”

ગૃહમંત્રાલય આ અંગે એક સમિટનું પણ આયોજન કરવાનું છે જેમાં ટેક કંપનીઓ અને ફોનના ઉત્પાદકોને પણ કહેવામાં આવશે કે તેઓ કંઈક નવું ઇનોવેશન કરીને ઉકેલ લાવે જેથી કરીને આવા ફોનને ગેરકાયદેસર રીતે વેચાતા અટકાવી શકાય.

તેઓ કહે છે, “અત્યારે આપણે ફોનને ટ્રેક તો કરી શકીએ છીએ પરંતુ ત્યારપછી તમે તેને ટ્રૅક કરતા કરતા તેની પાછળ ક્યાં સુધી જઈ શકો તેમાં તમારી લિમિટ આવી જાય છે. આ મામલામાં ફોન કંપનીઓ કંઇક કરશે તો પોલિસીંગના હેતુથી એ ફાયદાકારક નીવડશે.”

ઍપલ અને ઍન્ડ્રોઇડે બીબીસીને આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ સેમસંગે કહ્યું હતું કે, “અમે આ મામલે સંકળાયેલા લોકો અને સત્તાવાળાઓ સાથે મળીને મોબાઇલ ફોનની ચોરી અને તે સંદર્ભના ગુનાઓનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યાં છીએ.”

ઍડિશનલ રિપોર્ટિંગ: ટૉમ સિંગલટન

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.