માધુપુરા બૅટિંગ રૅકેટ: જેમાં ગુજરાત પોલીસ કથિત આરોપીને દુબઈથી પકડી લાવી તે આખી ઘટના શું છે?

ઇમેજ સ્રોત, state monitoring cell
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
શૅરબજારના ઓઠા હેઠળ ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટનો સટ્ટો રમાડી કરોડોનો ચૂનો લગાવનાર અને દુબઈમાં સંતાઈને બેઠેલા 'દીપક ડિલક્સ'ની સ્ટેટ મૉનિટરિંગ સેલે ધરપકડ કરી છે.
મલ્ટિપલ ક્રાઇમની માયાજાળ રચીને 'હજારો કરોડનું બૅટિંગ રૅકેટ' ચલાવવાનો મુખ્ય સૂત્રધાર 'દીપક ડિલક્સ' હોવાનું કહેવાઈ રહ્યું છે.
19 મહિના પહેલાં અમદાવાદની પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચે માધુપુરાના સુમૈલ બિઝનેસ પાર્કની એક ઑફિસમાં દરોડો પાડ્યો હતો.
25 માર્ચ, 2023ના દિવસે 18 કલાકથી વધુ સમય ચાલેલા દરોડામાં અલગઅલગ લોકોના નામે બનાવટી ભાડાકરારો કરી, ગુમાસ્તાધારાનું લાઇસન્સ મેળવાયું હોવાનું બહાર આવ્યું હતું.
આ ભાડાકરારોના આધારે કાગળ પર 83 પેઢી બનાવી હતી, જેના નામે 193 સીમકાર્ડ લીધાં હતાં અને માણસો રાખી અમદાવાદની સંખ્યાબંધ બૅન્કમાં 536 ખાતાં ખોલાવ્યાં હતાં.
ઉપરાંત ઑનલાઇન પેમેન્ટ માટે બિઝનેસ પ્રોસેસ પેમેન્ટનાં 14 પીઓએસ મશીન, તેમજ આ જુદી-જુદી પેઢીના નામે ખોલાવેલાં એકાઉન્ટનાં જીએસટી ભરવા માટે ડિઝિટલ સિગ્નેચરનાં ડિવાઇસ પણ જપ્ત કર્યાં હતાં.
માધુપુરા બૅટિંગ રૅકેટ શું છે અને કેવી રીતે લેવડદેવડ થતી?

ઇમેજ સ્રોત, state monitoring cell
એ સમયે માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે આ દરોડામાં પકડાયેલા મૂળ બનાસકાંઠાના ગોલિયા તાળિસ ગામના અંકિત ગેહલોતે કબલ્યું હતું કે એ નોકરીની શોધમાં હતો ત્યારે હર્ષિત જૈન નામના એના પરિચિતે એને નોકરીએ રાખ્યો હતો. મહાવીર ઍન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં એનું કામ એક મોબાઇલની દુકાનના માલિક પાસેથી દસ્તાવેજ લઈ અલગ-અલગ બૅન્કમાં એકાઉન્ટ ખોલાવી, એની વિગતો જિતુ હીરાગરને આપવાની હતી. ત્યાર બાદ એ એકાઉન્ટના તમામ એસ્સેસ મુંબઈના ગરુડા નામની વ્યક્તિને આપતો હતો.
આ ફરિયાદમાં જિતુ હીરાગરે કબૂલ્યું છે કે 'એ 2021થી હર્ષિત જૈનના ત્યાં કામ કરે છે. અહીં 500થી વધુ બૅન્ક એકાઉન્ટ છે. આ બૅન્ક એકાઉન્ટ ખૂલે એટલે જે તે વ્યક્તિને એના એકાઉન્ટનું ભાડું આપી ચેકબુક અને ડેબિટ કાર્ડ લઈ ટ્રાન્જેક્શન માટે જુદાં સીમકાર્ડ સાથે એકાઉન્ટ લિંક કરી દેતા હતા.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ અહીં શૅરબજારમાં ગેરકાયદે લે-વેચ કરીને ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ સટ્ટામાં આવેલા પૈસાને લૅપટૉપ મારફતે ટ્રાન્સફર કરતા હતા.
મળેલી વિગતો અનુસાર, આ પૈસા મહાદેવ ઍપ, સીબીટીએફ સહિતની નવ સટ્ટા ઍપમાં સટ્ટો રમાડવા માટે હર્ષિત જૈનના કહેવાથી મહિને 35000ના ભાડાથી મહાદેવ ઍપમાં ખાતું ખોલાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર, આ સટ્ટામાં જે પૈસાનું ટ્રાન્જેક્શન થાય એમાં એક લાખે 3.5% કમિશન હર્ષિત જૈનને મળતું હતું. આ પૈસા દુબઈમાં મહાદેવ ઍપના સૌરભ ચાંદરકાર, અમિત મજેઠિયા સહિત સાત લોકોને ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
પોલીસ ફરિયાદમાં અઢી વર્ષમાં 2000 કરોડ રૂપિયાનાં ટ્રાન્જેક્શન કર્યાં હોવાનું કબૂલાત થઈ હતી અને જે લૅપટૉપમાં સટ્ટાના વ્યવહારના હિસાબ લખ્યા હતા એ પોલીસને સોંપ્યા હતા.
આ કેસમાં તપાસ ઝડપી કરવા ડીજીપી વિકાસ સહાયે કેસની તપાસ અમદાવાદ પ્રિવેન્શન ઑફ ક્રાઇમ પાસેથી લઈને સ્ટેટ મૉનિટરિંગ સેલને સોંપી દીધી હતી. દરમિયાન માધુપુરા સટ્ટાકાંડનો કેસ જેની આગેવાની હેઠળ થયો હતો એ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ સામે ખંડણીનો કેસ થયો હતો.
ત્યારબાદ માધુપુરા સટ્ટાકાંડમાં લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો અને તરલ ભટ્ટને બરતરફ કરાયા હતા. ગુજરાત એટીએસે જૂન 2024માં તરલ ભટ્ટની ધરપકડ કરી હતી.
કોણ છે દીપક ઠક્કર ઉર્ફે ડિલક્સ?

ઇમેજ સ્રોત, state monitoring cell
બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામથી થોડે દૂર આવેલા નવા ભાભરમાં રહેતા દીપક ઠક્કરના જૂના પાડોશી મહેશ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "દીપકના પિતા ધીરજલાલ ઠક્કર ભાભરમાં સામાન્ય વેપારી હતા. આઠમા ધોરણ સુધી ભણેલો દીપક પહેલેથી શૉર્ટકટથી પૈસા કમાવામાં માનતો હતો."
તેમનો દાવો છે કે "એ (દીપક) 2010-11માં શૅરબજારના ગેરકાયદે કારોબારમાં પૈસા કમાયો હતો."
મહેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે "ગામમાં દીપક છૂટથી પૈસા વાપરતો હતો. દીપક ઠક્કર સલૂનમાં જાય કે અહીંના હાઈવે પરની હોટલમાં જાય ત્યાં બધે પોતાને અલગ સુવિધા મળતી, એટલે વધુ પૈસા ખર્ચી પોતાની પસંદની ડીશ કે વસ્તુ હોય મેળવતો હોવાથી એને ડિલક્સ કહેતો ત્યારથી એનું નિકનેમ દીપક ડિલક્સ પડી ગયું હતું."
એ પછી ભાભર, રાધનપુર, ડીસા અને પાટણ સુધી લોકો એને 'દીપક ડિલક્સ' તરીકે ઓળખતા હતા.
સ્ટેટ મૉનિટરિંગ સેલના ડીવાયએસપી બીટી કામરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ડીજીપીએ જ્યારે આ કેસ સોંપ્યો પછીના ઇન્વેસ્ટિગેશનમાં સટ્ટાકાંડની એક પછી એક કડી ખૂલી રહી હતી. પહેલી ફરિયાદ મુજબ હર્ષિત જૈનને મુખ્ય સટ્ટા કિંગ બતાવ્યો હતો, પણ અમે આ કેસમાં વધુ ઊંડી તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે આ આખાય સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ દીપક ઠક્કર ઉર્ફે ડિલક્સ છે અને દુબઈ બેઠા બેઠા એ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પીએનટીસી કૉમ્પ્લેક્સમાં વીવીઆઈપી સૉફ્ટવૅર કંપનીની આડમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું."
"બાદમાં ત્યાં દરોડા પાડ્યા તો દીપક વેલોસિટી સર્વરનો ઉપયોગ કરી 'મૅટાટ્રેડર' નામની ઍપ્લિકેશનથી શૅરબજારમાં ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટા રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. એના પાસપૉર્ટની તપાસ કરી તો એ દુબઈ હોવાનું બહાર આવ્યું હતું.
ગુજરાત પોલીસે કેવી રીતે શોધ્યો દીપકને?

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટેટ મૉનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ સામાન્ય સટ્ટાનો કેસ નથી. એમાં બનાવટી દસ્તાવેજ, નકલી કંપનીઓ, ખોટા પુરાવાથી સીમકાર્ડ મેળવી ઇલેક્ટ્રોનિક પ્લૅટફૉર્મનો ઉપયોગ અને ખોટા દસ્તાવેજોથી બૅન્ક એકાઉન્ટ ખોલાવી કાળાં નાણાં સફેદ કરવાં, જીએસટીથી માંડી અનેક એજન્સીઓ સાથે આર્થિક ગુના અને છેતરપિંડી સહિત મલ્ટિપલ ક્રાઇમનો કેસ છે."
પોલીસ અનુસાર, દીપકને દુબઈથી ગુજરાત લાવવા માટે અનેક એજન્સીઓ સાથે સંકલન સાધ્યું હતું.
ગુજરાત પોલીસે ગુજરાતના ગૃહવિભાગ અને કેન્દ્ર સરકારના ગૃહવિભાગ સાથે સંકલન સાધ્યું. ત્યારબાદ સીબીઆઈ અને ઇન્ટરપૉલ સાથે સંકલન કર્યું, જેના પરિણામે 15 ડિસેમ્બર, 2023ના રોજ ઇન્ટરપોલે રેડકૉર્નર નોટિસ જાહેર કરી.
સ્ટેટ મૉનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે કહ્યું, "અમે સીબીઆઈ સાથે સંકલન કરી, ટૅક્નિકલ સર્વેલન્સથી દીપક ઠક્કરનું આઈપી ઍડ્રેસ એના વૉટ્સઍપ વગેરે ઇલેક્ટોનિક પ્લૅટફૉર્મ પરથી શોધીને યુએઈની પોલીસને આપ્યું હતું. ત્યારબાદ યુએઈ પોલીસે દીપક ઠક્કરને 13 માર્ચ, 2024એ પકડ્યો હતો. 26 જૂને સીઆરપીસીની કલમ 70 હેઠળ યુએઈની કોર્ટમાં દીપક ઠક્કરના પ્રત્યર્પણની દરખાસ્ત મૂકી, જેથી અમને સમયમર્યાદાની લીગલ બાઉન્ડરી ના નડે અને આઠ ઑગસ્ટે યુએઈની કોર્ટમાંથી પ્રત્યર્પણની દરખાસ્ત મંજૂર થઈ હોવાની યુએઈના સત્તાવાળાઓએ સીબીઆઈ મારફતે જાણ કરી."
પોલીસના કહેવા અનુસાર, "દીપકને ગુજરાત લાવવા માટે સિવિલ એવિયેશન અને જે ઍરલાઇન્સમાં દુબઈથી અહીં લાવવાના હતા એની ઍરલાઈન્સને જાણ કરી ઇમિગ્રેશન, એક્ઝિટ પરમિટ વિઝા માટે એફઆરઆરઓ તરફથી મંજૂરી મળ્યા બાદ 27 ઑગસ્ટે દુબઈ ગયા અને પહેલી સપ્ટેમ્બરે દીપકને અહીં લાવ્યા હતા."
પોલીસે જુલાઈ 2023માં લૂકઆઉટ નોટિસ બહાર પાડી હતી અને કાનૂની પ્રક્રિયા કરીને દીપકની દુબઈથી ધરપકડ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 2300 કરોડના સટ્ટાકાંડમાં હાલ 36 લોકોની ધરપકડ કરાઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












