વરસાદમાં પલળેલા ઘઉં સૂકવવા પાકિસ્તાનમાં સેના હેલિકૉપ્ટર લઈને આવી? શું છે વાઇરલ વીડિયો પાછળની કહાણી

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, ઝુબૈર આઝમ
- પદ, બીબીસી ઉર્દૂ ડૉટ કૉમ, ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ રહેલા વીડિયોએ ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં જે લોકો ફોન પર આ દૃશ્ય ફિલ્માવી રહ્યા છે તેમને કંઈક કહેતા સાંભળી શકાય છે, પરંતુ હેલિકૉપ્ટરના અવાજમાં તેમનો અવાજ દબાઈ જાય છે.
આ વીડિયો વિશે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. પરંતુ એક મોટો દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે આ હેલિકૉપ્ટરની મદદથી ખેતરોમાં લહેરાતો ઘઉંનો પાક સૂકવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
જ્યારે અમુક લોકોએ દાવો કર્યો હતો કે આ એક સૈન્ય અભ્યાસ હતો. પરંતુ આ વીડિયોની હકીકત શું છે અને ખરેખર શું થઈ રહ્યું છે?
હાલના દિવસોમાં પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ એવા સમયમાં પડી રહ્યો છે કે જ્યારે ઘઉંનો પાક લગભગ તૈયાર થઈ ગયો છે.
બીજી તરફ સરકાર અને ખેડૂતો વચ્ચે ઘઉં બાબતે વિવાદ થઈ રહ્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે હાલમાં જ તેમના વિદેશ પ્રવાસ પહેલા ખેડૂતો પાસેથી તત્કાળ ઘઉં ખરીદવાનો આદેશ આપ્યો હતો.
હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ દૃશ્યો ક્યાંના છે અને તેમનું ફિલ્માંકન ક્યારે કરવામાં આવ્યું હતું. બીબીસી સ્વતંત્રપણે પણ આ દૃશ્યો ક્યાંના છે અને કઈ તારીખના છે તેની પુષ્ટિ કરી શક્યું નથી. જોકે, અમે સોશિયલ મીડિયાના યુઝર્સ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક સવાલો અને તથ્યોનો જવાબ આપવામાં સફળ થયા છીએ.
આ મામલે બીબીસીએ આ વીડિયો પાકિસ્તાન આર્મી એવિએશનના એક પૂર્વ અધિકારી અને પાઇલટ સામે રજૂ કર્યો હતો અને એ જાણવાની કોશિશ કરી હતી કે આ હેલિકૉપ્ટર શું કરી રહ્યાં છે.
બીબીસીએ પાકિસ્તાની સેનાના ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)નો પણ સંપર્ક કર્યો હતો. વીડિયો વિશે તેમનું નિવેદન લેવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમની કોઈ પ્રતિક્રિયા મળી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વીડિયો ક્યારે સામે આવ્યો અને તેમાં કયાં હેલિકૉપ્ટર છે?

ઇમેજ સ્રોત, UGC
બીબીસીની તપાસમાં સામે આવ્યું છે કે ઍક્સ પર વાઇરલ થયેલો વીડિયો અંદાજે ત્રણ દિવસ પહેલાં ટિકટૉક પર આવ્યો હતો.
વીડિયો શેર કરનારા યુઝર્સે કૅપ્શનમાં એ પણ લખ્યું હતું કે આ સૈન્ય અભ્યાસનાં દૃશ્યો છે. જોકે, તેમાં એ જણાવાયેલું નથી કે આ દૃશ્યો કઈ તારીખ અને કઈ જગ્યાના છે.
ટિકટૉક પર આવ્યા બાદ પણ આ વીડિયોને યુટ્યૂબ પ્લૅટફૉર્મ પર એક યુઝરે યુદ્ધાભ્યાસનો વીડિયો જણાવીને શેર કર્યો છે.
અગત્યની વાત એ છે કે બીબીસી દ્વારા ટિકટૉક પર જોવાયેલા આ વીડિયોમાં કેટલાંક અન્ય દૃશ્યો પણ છે. જેમાં સૈન્ય હેલિકૉપ્ટર પહેલાં હવામાં ઊડે છે અને ખેતરો પર ઊડે છે. વીડિયોના અંતે એક એમઆઈ-17 હેલિકૉપ્ટર જોવા મળે છે.
આ વીડિયોનું માત્ર એક દૃશ્ય છે જેમાં હેલિકૉપ્ટર હવામાં ચકરાવો મારી રહ્યાં છે. ઍક્સ-પ્લૅટફોર્મ પર આ વીડિયો એ ટાઇટલ સાથે શેર કરવામાં આવ્યો છે કે હેલિકૉપ્ટરથી ઘઉં સૂકવવાની કોશિશ થઈ રહી છે.
એક પૂર્વ અધિકારીએ બીબીસી સાથે વીડિયો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે વીડિયોમાં દેખાઈ રહેલા મોટાભાગનાં હેલિકૉપ્ટર કોબ્રા ફાઇટર છે, જ્યારે એક હેલિકૉપ્ટરનું નામ ફેનેક છે.
આ વીડિયોમાં શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સેનાના એક પૂર્વ પાઇલટે પોતાનું નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે આ વીડિયોમાં જોવા મળે છે કે ચારથી પાંચ હેલિકૉપ્ટર છે, જેમાંથી મોટાભાગનાં કોબ્રા ફાઇટર છે.
તેમણે કહ્યું, “આ એક યુદ્ધાભ્યાસ છે જેમાં દુશ્મન પર હુમલો કરતાં પહેલાં ફૉર્મેશનમાં ઊભા રહેલાં હેલિકૉપ્ટર કોઈ પ્રાકૃતિક આડશની પાછળ છુપાઈ જાય છે અને એ પળનો ઇંતેજાર કરે છે કે જ્યારે તેમને હુમલો કરવાનો આદેશ મળે છે.”
તેમણે કહ્યું કે આ વીડિયોમાં એ પણ જોવા મળે છે કે હેલિકૉપ્ટરની પાસે વૃક્ષોની એક લાંબી કતાર છે અને અભ્યાસ અનુસાર એ માની લેવામાં આવ્યું હશે કે વૃક્ષોની બીજી તરફ દુશ્મન છે.
પૂર્વ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે, “આ હેલિકૉપ્ટરોને હવામાં રાખવાંનું કામ સહેલું નથી. કોબ્રા હેલિકૉપ્ટરોનો ઉપયોગ ફાઇટર હેલિકૉપ્ટર તરીકે કરવામાં આવે છે. પાઇલટોને આ માટે અતિશય આકરા પ્રશિક્ષણમાંથી પસાર થવું પડે છે. આ હેલિકૉપ્ટરોને જમીનથી થોડાં જ ઉપર રાખવાની જરૂર પડે છે.”
તેમને પૂછવામાં આવ્યું કે ઘઉં સૂકવવા માટે હેલિકૉપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા દાવા વિશે તેમનું શું કહેવું છે. તો તેમણે કહ્યું કે, “આ ધારણા ખોટી છે કે કારણ કે આ યુદ્ધાભ્યાસ વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે અને તેમના માટે વિશેષ જગ્યા નક્કી કરવામાં આવે છે. લોકોને અને તંત્રને તેના વિશે પહેલેથી જાણકારી આપવામાં આવે છે.”
તેમણે કહ્યું હતું કે પાકિસ્તાના આર્મી એવિએશનનાં કોબ્રા હેલિકૉપ્ટરોના આ પ્રકારના મોટાભાગના યુદ્ઘાભ્યાસ પંજાબના મુલતાન પાસે આયોજિત કરવામાં આવે છે.
ઘઉંના પાકને હેલિકૉપ્ટરથી સૂકવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ દાવાની ખરાઈ કરી શકે તે માટેના કોઈ પુરાવા નથી કે ખરેખર હેલિકૉપ્ટરોનો ઉપયોગ ઘઉંનો પાક સૂકવવા માટે કરવામાં આવી રહ્યો છે કે નહીં. પરંતુ સવાલ એ પણ છે કે વરસાદને કારણે ઘઉંના પાકને આ રીતે નુકસાન થયું હોય તો તેને હેલિકૉપ્ટરથી ખરેખર સૂકવી શકાય ખરા?
આ સવાલના જવાબમાં દક્ષિણ પંજાબ પ્રાંતના ખેડૂત મોહમ્મદ અકરમે બીબીસીને કહ્યું, "સામાન્ય રીતે તો ખેડૂતો સૂર્ય નીકળવાની રાહ જ જોતા હોય છે જેથી કરીને તેમનો પાક સૂકાઈ શકે."
તેમણે કહ્યું કે હેલિકૉપ્ટર કે મોટી પાંખોની મદદથી ઘઉંને સૂકવવા શક્ય છે, પરંતુ અમે આવું થતાં ક્યારેય જોયું નથી.
પાકિસ્તાન અને દુનિયાભરમાં વરસાદથી પ્રભાવિત ક્રિકેટ મેદાનોને સૂકવવા માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ થતો રહ્યો છે અને તેનાથી પીચ સૂકવી શકાય છે.
પાકિસ્તાનમાં જ વર્ષ 2018માં પાકિસ્તાન પ્રીમિયર લીગ દરમિયાન 21 માર્ચે લાહોરમાં વરસાદ બાદ ગદ્દાફી સ્ટેડિયમની પીચ સૂકવવા માટે એક હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.












