IPL 2023 : 70 મૅચમાંથી 54 મૅચ રમાઈ છતાં હજુ એક પણ ટીમ બહાર કેમ નથી ફેંકાઈ?

    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી

આઈપીએલ 2023ની લીગ મૅચ પૂરી થવાના આરે છે. આ વર્ષની આઈપીએલ હવે પોતાના સૌથી રોમાંચક પડાવ પર આવીને ઊભી છે.

મંગળવાર સુધી કુલ 70 મૅચમાંથી 54 રમાઈ ચૂકી છે. પરંતુ સત્તાવાર રીતે પ્લેઑફમાં કઈ ટીમ રમશે તેનું સ્પષ્ટ ચિત્ર નથી જોવા મળ્યું.

આઈપીએલ 2023નું પૉઇન્ટ્સ ટેબલ જ જુઓ. દરેક દરેક પૉઇન્ટ્સ પર એકથી વધુ ટીમો ફસાયેલી જોવા મળે છે. પ્લેઑફની દાવેદારી માટે આ પ્રકારની ભીડ પૉઇન્ટ્સ ટેબલમાં પહેલાં કદાચ જ ક્યારેય જોવા મળી હોય.

એટલે કે બધી જ સંભાવનાઓ જીવંત છે. ત્યાં સુધી કે ગુજરાત તેની આવનારી ત્રણ મૅચ ખરાબ રીતે હારી જાય તો તેના માટે પણ પ્લેઑફમાં ટકી રહેવું સરળ નહીં રહે અને દસમાં નંબરે રહેલ આ વર્ષની નબળી ટીમ દિલ્હી જો પોતાની આવનારી ચારેય મૅચ મોટા માર્જિનથી જીતી જાય તો ધોનીની ટીમ ચેન્નઈ પણ પ્લેઑફથી બહાર થઈ શકે છે.

આખરે એવું તો આ વર્ષે શું થયું કે આઈપીએલમાં છેક છેલ્લે સુધી અનુમાન લગાવવું મુશ્કેલ છે.

આ ટીમોના પ્રદર્શને બગાડ્યો ખેલ

મંગળવારે મુંબઈના વાનખેડેમાં આઈપીએલની 54મી મૅચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમે 200નો સ્કોર માત્ર 99 બૉલમાં જ કરી દીધો. આ મૅચમાં આરસીબી હારી ગઈ હતી. ત્યારબાદ આઈપીએલના પૉઇન્ટ્સ ટેબલમાં મુંબઈની ટીમ લાંબો કૂદકો મારી નંબર ત્રણ પર પહોંચી ગઈ હતી.

આ દરમિયાન જ કેકેઆરે પણ પંજાબની સામે રોમાંચક મુકાબલામાં 180 રનનો પીછો કર્યો હતો. એ મૅચમાં પાંચ વિકેટે જીત નોંધાવી હતી. તેણે પણ મુંબઈની જેમ પૉઇન્ટ્સ ટેબલમાં લાંબો કૂકદો માર્યો છે.

  • મુંબઈ – 200/4(16.3) - બૅંગલુરુ – 199/6 (20.0) (મુંબઈની 6 વિકેટે જીત)
  • કેકેઆર – 182/5(20.0) - પંજાબ – 179/7 (20.0 OV ) (કેકેઆરની 5 વિકેટે જીત)
  • દિલ્હી – 187/3(16.4) - બૅંગલુરુ – 181/4 (20.0) (દિલ્હીની 7 વિકેટે જીત)
  • હૈદરાબાદ - 217/6(20.0) - રાજસ્થાન – 214/2 (20.0) (હૈદરાબાદની 4 વિકેટે જીત)

આઈપીએલ 2023માં દસ ટીમો સામેલ છે. જેમાં દિલ્હી અને હૈદરાબાદની ટીમ 10મા અને 9મા નંબરે છે. એવું લાગી રહ્યું હતું કે હવે તો આ બે ટીમો લગભગ બહાર થઈ જશે. પરંતુ પાછલી બે મૅચમાં બન્ને ટીમના પ્રદર્શને સૌને ચોકાવી દીધા છે.

દિલ્હીની વાત કરીએ તો પાછલી પાંચ મૅચમાંથી ચારમાં તેમણે જીત નોંધાવી છે. તેમણે ગત મૅચમાં આરસીબીની સામે 182 રનનો પીછો કર્યો હતો. જેમાં માત્ર 17 ઓવરમાં જ તેમણે 187 રન નોંધાવ્યા હતા. દિલ્હીએ આ મૅચ 7 વિકેટે પોતાને નામ કરી હતી.

તો બીજી બાજુ હૈદરાબાદની વાત કરીએ તો પાછલી પાંચ મૅચમાંથી 2માં તેણે જીત મેળવી છે. પરંતુ સોમવાર સુધી ટૉપ ફોરમાં સામેલ રાજસ્થાન રૉયલ્સની ટીમ સામે એક અતિ રોમાંચક મૅચમાં હૈદરાબાદે 214 રનનો ટાર્ગેટ પૂરો કર્યો હતો તથા 4 વિકેટે આ મૅચમાં જીત નોંધાવી હતી. જેનાથી આઈપીએલના પૉઇન્ટ્સ ટેબલમાં રાજસ્થાનનું પ્લેઑફમાં પહોંચવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે.

એટલે કે હવે પરિસ્થિતિ એવી છે કે રાજસ્થાન, કેકેઆર, આરસીબી, પંજાબ 10 અંકો સાથે રન રૅટના હિસાબે આગળપાછળ જ છે. તો દિલ્હી અને હૈદરાબાદ 8 અંકો પર રમી રહી છે.

આઈપીએલના નવા નિયમની ‘ઇમ્પૅક્ટ’

આ વર્ષે આઈપીએલમાં ઘણા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા. જોકે ક્રિકેટના જાણકાર જણાવે છે કે આનો ફાયદો બધી જ ટીમ માટે સમાન છે.

વરિષ્ઠ ખેલ પત્રકાર સંદીપ દ્વિવેદી જણાવે છે કે, “આ વર્ષે ઇમ્પૅક્ટ પ્લેયર, ટૉસ જીતી ટીમની પસંદગીના વિકલ્પ કપ્તાન અને કોચ પાસે છે. જેનાથી ચાલુ રમતે પરિસ્થિતિ વણસે તો એ સમયે ટીમના ઇમ્પૅક્ટ પ્લેયરને મેદાનમાં બોલાવી ટીમ એકવાર ફરી રમતમાં પાછી આવી શકે છે. હવે એ વલણ જોવા મળી રહ્યું છે કે બૅટ્સમૅન એન્કર રોલની જગ્યાએ આક્રમક ભૂમિકા ભજવે છે. જેનાથી વધુમાં વધુ ટીમ 200નો જાદૂઈ આંકડો પાર કરી રહી છે. આ વખતે દરેક ટીમ પાસે સપોર્ટ સ્ટાફથી લઈ પ્લેઇંગ ઇલેવન સુધી સારી પ્રતિભા જોવા મળી રહી છે.”

વરિષ્ઠ ખેલ પત્રકાર અમિત શાહ જણાવે છે કે, “ઇમ્પૅક્ટ પ્લેયરના કારણે ટીમ પોતાની રણનીતિ વધુ સારી રીતે બનાવી શકવા સક્ષમ છે. જોકે આ વર્ષે ઘણી ટીમની કૅપ્ટન્સી સવાલોના ઘેરામાં છે. ઉદાહરણ તરીકે રાજસ્થાનના કપ્તાન સંજુ સૅમસનની વાત કરીએ. તેઓએ શરૂઆતમાં ખૂબ જ સારા નિર્ણયો લીધા જેનો ફાયદો ટીમને મળ્યો. પરંતુ પાછલી અમુક મૅચમાં મેદાન પર તેમના નિર્ણય ખોટા સાબિત થયા અને ટીમ નીચે ધકેલાઈ ગઈ. દિલ્હીના કપ્તાન ડેવિડ વૉર્નરે પણ પોતાના ખેલાડી અક્ષર પટેલનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યા. ટીમમાં અક્ષર પટેલે ખૂબ જ સારો દેખાવ કર્યો પરંતુ બેટિંગ ક્રમમાં બદલાવ ન કરવાનું પરિણામ ટીમે ભોગવવું પડ્યું.”

અનુમાન તો ત્યાં સુધી થઈ રહ્યા છે કે લીગ મૅચના છેલ્લા મુકાબલા સુધી પ્લેઑફમાં ત્રીજા અને ચોથા નંબરની ટીમ નક્કી કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.

ખેલ પત્રકાર ચિંતન બુચ જણાવે છે કે, “રાજસ્થાન રૉયલ્સ જે પ્રકારે પોતાની પહેલી પાંચ મૅચ રમી અને ત્યારબાદ સળંગ 4 મૅચ હારી હતી. તેનાથી પ્લેઑફના સમીકરણમાં ગૂંચવણ પેદા થઈ. ત્યાં જ મુંબઈની ટીમ આઈપીએલની શરૂઆત પહેલાં નબળી જણાઈ રહી હતી, તે પાછલી પાંચ મૅચથી ફરી મજબૂત બની છે. અને સૂર્યકુમાર યાદવની બેટિંગ પણ ટીમને ફાયદો પહોંચાડી રહી છે, જેથી ફરી પાછું પ્લેઑફનું સમીકરણ અટવાયેલું છે.”

એટલે આવનારા દિવસોમાં યોજાનાર દરેક મુકાબલો પ્રથમ 54 મૅચ કરતાં વધુ રસપ્રદ અને મહત્ત્વના બની રહેશે.

તો હવે પ્લેઑફની શું છે સંભાવનાઓ?

પૉઇટ્સ ટેબલમાં તળિયે બે ટીમો છે દિલ્હી અને હૈદરાબાદ. તેમણે જો પ્લેઑફમાં જગ્યા મેળવવી હોય તો આવનારી તેમની તમામ મૅચ એક મોટા માર્જિનથી જીતવી પડશે.

હૈદરાબાદે લખનૌ, ગુજરાત, બેંગલુરૂ અને મુંબઈને હરાવવી પડશે. જ્યારે દિલ્હીએ પ્લેઑફનું સપનું સાકાર કરવા ચાર વખતની ચૅમ્પિયન ટીમ ચેન્નઈને બે વખત અને પંજાબને પણ બે વખત હરાવવી પડશે.

તો મુંબઈ અને બેંગલુરૂ માટે સમીકરણ સરળ છે. તેમણે પણ પોતાની તમામ મૅચ જીતવી પડશે. જોકે મંગળવારે મુંબઈએ મોટા માર્જિનથી બેંગલુરૂ સામે જીત મેળવી છે. એટલે હવે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ માટે પ્લેઑફનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.

આ સમગ્ર ટૂર્નામૅન્ટમાં લખનૌની ટીમનું પ્રદર્શન એક સરખું નથી રહ્યું. જેમકે એક જ વખત એવું બન્યું કે તેમણે સળંગ તેમણે બે મૅચ જીતી હતી. એટલે મુંબઈના વિજય બાદ હવે લખનૌએ ફરજિયાત સારો દેખાવ કરવો પડશે. અહીંથી એક પણ મુકાબલો જો લખનૌ હારશે તો પછી તેણે અન્ય ટીમના દેખાવ પર આધાર રાખવો પડશે.

તો બીજી બાજુ ધોનીની ટીમ આ સ્તરેથી જો માત્ર એક મૅચ જીતશે તો તેમણે પણ અન્ય ટીમોનાં પ્રદર્શનનો સહારો લેવો પડશે.

એટલે બુધવારે ચેન્નઈ અને દિલ્હીની મૅચ બાદ આ સમીકરણ ફરી બદલાયેલું જોવા મળશે.