યુદ્ધમાં હમાસ કરતાં પણ વધુ શક્તિશાળી ઇસ્લામિક સંગઠન ત્રાટક્યું તો? ઇઝરાયલ-ગાઝા સંઘર્ષમાં 8 સવાલોના જવાબ

ઇઝરાયલ-હમાસ

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

હમાસના બંદૂકધારીઓ દ્વારા કરાયેલ અભૂતપૂર્વ હુમલા અને તે બાદના ઇઝરાયલના વળતા હુમલા તેમજ ગાઝા પટ્ટીમાં અપેક્ષિત ભૂમિ આક્રમણના આંચકાને કારણે વિશ્વ હજુ આઘાતમાં છે.

આ સંઘર્ષ, તેની અસર અને તેના સંભવિત અંત વિશે અમને વાચકોના સેંકડો પ્રશ્નો મળી રહ્યા છે. ઘણા લોકો પૂછે છે કે અન્ય દેશો પણ આ યુદ્ધમાં સામેલ થશે?

અમારા સંવાદદાતા હાલમાં એ પ્રદેશોમાં છે અને તેમણે વારંવાર પૂછવામાં આવતા કેટલાક સવાલોના જવાબ આપ્યા છે.

આ સંઘર્ષને પગલે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે?

અમેરિકા એ ઇઝરાયલ નજીક વિશ્વનું સૌથી મોટું ઍરક્રાફ્ટ કૅરિયર જેરાલ્ડ આર ફોર્ડ ખસેડ્યું

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, અમેરિકા એ ઇઝરાયલ નજીક વિશ્વનું સૌથી મોટું ઍરક્રાફ્ટ કૅરિયર જેરાલ્ડ આર ફોર્ડ ખસેડ્યું

બ્રિટનના સ્કેલ્મેર્સડેલના ક્રેગ જોનસન પૂછે છે : ઈરાન આ સંઘર્ષમાં સીધું સામેલ થશે તો અમેરિકા અને તેના સાથી દેશો પણ આ યુદ્ધમાં ઝંપલાવશે? તેને પગલે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે?

દક્ષિણ ઇઝરાયલથી રિપોર્ટિંગ કરતા અમારા આંતરરાષ્ટ્રીય સંપાદક જેરેમી બોવેન આ સવાલના જવાબમાં નીચે મુજબ જણાવે છે.

ઈરાન અને તેના લેબનીઝ સાથr હિઝબુલ્લાના હસ્તક્ષેપની સંભાવના બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઇડેને કહ્યું હતું : “આવું ન કરતા.”

ઈરાનને અળગા રહેવાનો કડક સંદેશ આપવા માટે અમેરિકાએ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં બે ઍરક્રાફ્ટ કૅરિયર જૂથ તહેનાત કર્યાં છે.

તેઓ કહી રહ્યા છે કે કોઈ હસ્તક્ષેપ કરશે તો તેણે માત્ર ઇઝરાયલની જ નહીં, અમેરિકાની લશ્કરી શક્તિનો સામનો કરવો પડશે.

મધ્ય પૂર્વમાંની મુખ્ય ફોલ્ટ લાઇન્સ પૈકીની એક અમેરિકા તથા તેના સાથીઓ અને ઈરાન તથા તેના સાથીઓ વચ્ચે છે.

બન્ને પક્ષ જોખમથી વાકેફ છે. તે શીત યુદ્ધમાંથી સક્રિય લડાઈમાં પરિવર્તિત થશે તો તેનાથી વૈશ્વિક દૃષ્ટિએ મહત્ત્વના મધ્યપૂર્વમાં ભડકો થશે.

ઇઝરાયલનો ઉદ્દેશ શું છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્કોટિશ બોર્ડરના લુસિયાનો સીસી પૂછે છે : અપેક્ષિત ભૂમિ યુદ્ધ સાથે ઇઝરાયલનો ઉદ્દેશ શું છે?

દક્ષિણ ઇઝરાયલમાં અમારા મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા લાયસી ડોસેટના જણાવ્યા મુજબ, ભૂતકાળનાં યુદ્ધોમાં ઇઝરાયલે હમાસને ‘સખત ફટકો મારવાની’ પ્રતિજ્ઞા લીધી હતી, જેથી ઇઝરાયલ પર રૉકેટ છોડવાની તેની ક્ષમતાને નષ્ટ કરી શકાય. તેમાં તેના ભૂગર્ભ ટનલના વિશાળ નેટવર્કનો પણ સમાવેશ થાય છે.

આ સમયે વાત જુદી છે. આ વખતે ઇઝરાયલે “હમાસને ખતમ કરી નાખવાના” સોગંદ લીધા છે. ઇઝરાયલના કહેવા મુજબ, હમાસને પણ ઇસ્લામિક સ્ટેટ જૂથની માફક ખતમ કરી નાખવું જોઈએ.

હમાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાની, તેની ટનલોને કચડી નાખવાની અને તેના કમાન્ડ તથા કન્ટ્રોલ નેટવર્કને પંગુ કરી નાખવાની લશ્કરી તાકત ઇઝરાયલ પાસે છે.

જોકે, ગાઝામાંથી મળનારા પ્રતિભાવ બાબતે ઇઝરાયલ કેટલું જાણે છે તે સ્પષ્ટ નથી. હમાસના લશ્કરી કૌશલ્યએ ઇઝરાયલીઓને આંચકો આપ્યો છે. એ લશ્કરી કૌશલ્યમાં ઇઝરાયલી સુરક્ષાની આશ્ચર્યજનક રીતે ઝીણવટભરી સમજનો સમાવેશ થાય છે. એ સમજને કારણે હમાસ ઇઝરાયલના પ્રચંડ સંરક્ષણને ભેદી શક્યું હતું.

ઇઝરાયલની પ્રતિક્રિયા વિકરાળ હશે એ હમાસ જાણે છે. તેથી તેની પાસે પણ ઇઝરાયલ જેટલી જ અત્યાધુનિક વ્યવસ્થા હોવાની સંભાવના છે.

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપથી વિપરીત હમાસ પેલેસ્ટાઇનના સમાજ સાથે ગાઢ રીતે જોડાયેલું રાજકીય અને સામાજિક સંગઠન પણ છે.

લશ્કરી આક્રમણ તેનાં શસ્ત્રો અને ઇમારતોને નષ્ટ કરી શકે, પરંતુ લોકોની ક્ષમતાને નહીં. પેલેસ્ટાઇનિયન લોકોનો નિર્ધાર વધુ સખત બનશે.

હુમલો કરવા પાછળ હમાસનું લક્ષ્ય શું હતું?

બ્રિટનના એન્ડ્ર્યુ પાર્કર પૂછે છેઃ હમાસના પ્રારંભિક હુમલાનું લક્ષ્ય શું હતું?

સલામતી સંબંધી બાબતોના અમારા સંવાદદાતા ફ્રેન્ક ગાર્ડનરે જણાવે છે કે હમાસના પ્રવક્તા મોહમ્મદ અલ-દૈફે એ સમયે એવું કારણ આપ્યું હતું કે, “હવે બહુ થયું.”

તેમણે જણાવ્યું હતું કે આ હુમલો ગાઝા અને વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઇનિયન લોકોની સતત ઉશ્કેરણી તથા અપમાનનો ગાઝાએ આપેલો જવાબ છે.

વિશ્લેષકો માને છે કે આ સિવાય બીજાં કેટલાંક અઘોષિત કારણો પણ હોઈ શકે છે.

હુમલા પહેલાં ઇઝરાયલ અને સાઉદી અરેબિયા સંબંધને સામાન્ય બનાવવાના પ્રયાસ કરતા હતા. હમાસ અને તેના સમર્થક ઈરાન બન્નેએ તેનો વિરોધ કર્યો હતો. સાઉદીએ તે મંત્રણાને હવે સ્થગિત કરી દીધી છે.

જોકે, હકીકતમાં આનાથી કંઈક વધુ હશે.

બેન્જામિન નેતન્યાહુની જમણેરી સરકારે રજૂ કરેલા અદાલતી સુધારાને કારણે ઇઝરાયલી સમાજમાં સર્જાયેલા તીવ્ર મતભેદની નોંધ હમાસના નેતૃત્વે લીધી હશે.

તેમનું લક્ષ્ય ઇઝરાયલને પીડાદાયક ફટકો મારવાનું હતું અને તેમાં તેઓ સફળ થયા.

ઇજિપ્તે તેનું ક્રોસિંગ બંધ શા માટે રાખ્યું છે?

બ્રિટનનાં ડાયનાનો સવાલ છે કે મુસ્લિમો પરિવાર અને ઇસ્લામી ભાઈચારાની વાતો કરે છે ત્યારે ઇજિપ્તના મુસ્લિમો ગાઝા સાથેની તેમની સરહદ બંધ રાખવાના નિર્ણયને કેવી રીતે ન્યાયી ઠેરવી શકે?

દક્ષિણ ઇઝરાયલથી રિપોર્ટિંગ કરતા અમારા આંતરરાષ્ટ્રીય સંપાદક જેરેમી બોવેન જણાવે છે કે ઇસ્લામ એક આસ્થા છે, પરંતુ તે રાષ્ટ્રીય સલામતીના રાજકારણથી પર હોય એ જરૂરી નથી.

ઇજિપ્તના લાખો મુસલમાનો ગાઝાના નાગરિકોની પીડા ઓછી કરવા ઇચ્છતા હશે, તેની મને ખાતરી છે, પરંતુ ઇજિપ્તની સરકાર શાંતિના સમયમાં પણ રાફા ક્રૉસિંગ મારફત ગાઝામાં પ્રવેશની છૂટ રાબેતા મુજબ આપતી નથી. હમાસે 2007માં ત્યાં સત્તા સંભાળી ત્યારથી ઇઝરાયલે ગાઝાની ઘેરાબંધી કરી છે. ઇજિપ્ત ત્યારથી તેમાં જુનિયર પાર્ટનર છે.

હમાસના મૂળમાં, એક સદી પહેલાં ઇજિપ્તમાં સ્થાપવામાં આવેલું સંગઠન મુસ્લિમ બ્રધરહુડ છે. મુસ્લિમ બ્રધરહુડ ઇસ્લામી ઉપદેશ અને માન્યતાઓને આધારે દેશ અને સમાજને નવો આકાર આપવા ઇચ્છે છે. ઇજિપ્તનું સૈન્ય તેનો વિરોધ કરે છે. તેણે 2013માં ચૂંટાયેલા મુસ્લિમ પ્રમુખ પદભ્રષ્ટ કર્યા હતા.

ઇજિપ્તના વર્તમાન શાસકોને હમાસ સાથે સંબંધ છે અને ભૂતકાળમાં તે હમાસ અને ઇઝરાયલ વચ્ચેની કડી હતe, પરંતુ તેઓ પોતાને ત્યાં પેલેસ્ટાઇનિયન શરણાર્થીઓનો ધસારો ઇચ્છતા નથી.

સ્વાતંત્ર્ય મળ્યું પછી ઇઝરાયલ દ્વારા હાંકી કાઢવામાં આવેલા શરણાર્થીઓ માટે ગાઝામાં 75 વર્ષ પહેલાં કૅમ્પો બનાવાયા હતા. એનું અસ્તિત્વ આજે પણ છે. એમને ઘરે પાછા ફરવાની છૂટ ક્યારેય મળી નથી.

હમાસે યુદ્ધ અપરાધ કર્યો છે?

બ્રિટનનાં સિમોનનો સવાલ છેઃ વિશ્વે પુતિન સામે ધરપકડનું આંતરરાષ્ટ્રીય વૉરંટ બહાર પાડ્યું છે. હમાસની નેતાગીરી સામે આવું પગલું કેમ લેવામાં આવ્યું નથી? શું આ જંગી યુદ્ધ અપરાધ નથી?

અમારા વૈશ્વિક બાબતોના સંવાદદાતા પોલ એડમ્સ જણાવે છે કે પાછલાં ઘણાં વર્ષોથી સંઘર્ષ ચાલતો રહ્યો હોવા છતાં હમાસ, પોતાની સામે યુદ્ધ છેડશે એવું ઇઝરાયલે સાતમી ઑક્ટોબર પહેલાં વિચાર્યું ન હતું.

ઇઝરાયલ માટે આ આતંકવાદી કૃત્ય છે, યુદ્ધ નહીં.

બેન્જામિન નેતન્યાહુની સરકાર પોતાની રીતે ન્યાય મેળવી રહી છે અને તેણે આ હત્યાકાંડ માટે જવાબદાર ગણાતા હમાસના કમસેકમ બે કમાન્ડરને મારી નાખ્યા છે. ઇઝરાયલ એવા વધુ લોકોને મારશે તેમાં શંકા નથી.

કતાર અને લેબનનમાં રહેતા સંગઠનના રાજકીય નેતૃત્વ બાબતે સવાલો ઊભા થઈ શકે. કેટલાક કહે છે કે ઇઝરાયલની અંદર હુમલો કરવાની હમાસની લશ્કરી પાંખની યોજનાથી એ નેતાગીરી અજાણ હતી.

હવાઈ હુમલામાં સંયુક્ત રાષ્ટ્રસંઘ હસ્તક્ષેપ કેમ કરતો નથી?

યુકેથી સાદુલ હોકનો સવાલ છેઃ ઇઝરાયલ નાગરિકોની હત્યા કરી રહ્યું છે અને નવા હુમલામાં વધુ નાગરિકોની હત્યા કરશે એ બાબતે બધા સહમત હોય તો સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય દેશો હસ્તક્ષેપ શા માટે કરતા નથી?

અમારા રાજદ્વારી સંવાદદાતા જેમ્સ લેન્ડેલ જણાવે છે કે ઘણા દેશો ઇઝરાયલને હવાઈ હુમલો બંધ કરવાની વિનંતી નથી કરતા તેનું મુખ્ય કારણ એ છે કે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો છે અને ઇઝરાયલને પોતાના દેશનું રક્ષણ કરવાનો અધિકાર છે, એવું તેઓ સ્વીકારે છે. ઇઝરાયલ પોતાનો બચાવ કેવી રીતે કરે છે એ બાબતમાં સંયમ રાખવાની વિનંતી તેઓ કરી રહ્યા છે.

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે બે દિવસ પહેલાં કહ્યું હતું, “નાગરિકો પર હુમલાની ઓછામાં ઓછી અસર થાય તે મુજબ કામ કરવાની વિનંતિ મેં ઇઝરાયલના વડા પ્રધાનને કરી છે.”

સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ નાગરિકોની જાનહાનિ ટાળવાની વિનંતી ઇઝરાયલને કરી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે થોડા દિવસ પહેલાં કહેલું : “આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અને માનવાધિકાર કાયદાનું સન્માન કરવું જોઈએ. તેનું સમર્થન કરવું જોઈએ. નાગરિકોનું રક્ષણ કરવું જોઈએ અને તેમનો ઉપયોગ ઢાલ તરીકે ક્યારેય ન કરવો જોઈએ.”

ઇઝરાયલ ભારપૂર્વક જણાવે છે કે તેનાં યુદ્ધવિમાનો અને સૈન્ય ગાઝામાંના હમાસનાં સ્થળો પર હુમલા કરી રહ્યાં છે. તે હુમલાઓમાં અનેક લોકો ખરેખર માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.

પેલેસ્ટાઇનિયનો કહે છે કે ઇઝરાયલ અતિશય અને આડેધડ હુમલા કરી રહ્યું હોવાથી આવું થાય છે, જ્યારે ઇઝરાયલ એવું કહે છે કે તે હમાસ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરતું હોવાથી થઈ રહ્યું છે.

હમાસના હુમલાની ખબર ઇઝરાયલને કેમ ન પડી?

ઇઝરાયલ-હમાસ

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

એક અનામ વાચકનો સવાલ છેઃ ગાઝામાં હમાસ ખરેખર શું કરે છે તેની પૂરતી ગુપ્ત જાણકારી ઇઝરાયલી સૈન્ય પાસે હોય, પરંતુ હમાસ ઇઝરાયલ પર હુમલો કરવાનું છે તેની ખબર ન હોય કે ઇઝરાયલને ચેતવણીના સંકેત ન મળ્યા હોય તે કેવી રીતે શક્ય છે?

જેરુસલેમ ખાતેના અમારા મધ્યપૂર્વના સંવાદદાતા યોલાન્ડે નેલના જણાવ્યા મુજબ, ઇઝરાયલે ગાઝા પર નજર રાખતું કન્ટ્રોલ સેન્ટર ભૂતકાળમાં પત્રકારો માટે ખુલ્લું મૂક્યું હતું અને તેની પાસે જમીન પરની હિલચાલની તમામ માહિતી ડ્રોન તથા અન્ય કૅમેરા દ્વારા ઉપલબ્ધ હતી તે સ્પષ્ટ છે. ઇઝરાયલ પાસે બાતમીદારોનું વિશાળ નેટવર્ક પણ છે.

અગ્રણી આતંકવાદીઓનાં ઠેકાણાં વિશેની કેટલી સચોટ માહિતી ઇઝરાયલ પાસે હતી તે આપણે ગયા મે મહિનામાં ઇસ્લામિક જેહાદ સાથેની લડાઈમાં જોયું હતું.

પત્રકારો સાથેના સત્તાવાર સંવાદમાં ઇઝરાયલના લશ્કરી અધિકારીઓ કબૂલે છે કે હમાસ દ્વારા કરવામાં આવેલો અભૂતપૂર્વ, ઘાતક હુમલો ગુપ્તચર અને સલામતી તંત્રની મોટી નિષ્ફળતા છે.

જોકે, આપણે એ હકીકત પર આધાર રાખી શકીએ તેની પાસે હમાસના ઠેકાણાની લાંબી, સચોટ સૂચિ છે અને તે ટૂંક સમયમાં જ તેના પર ત્રાટકશે.

હિઝબુલ્લાહ સરખામણી હમાસ સાથે કેવી રીતે?

ગાઝા પટ્ટીથી આગળ ઉત્તરમાં લેબનન અને ઇઝરાયલ વચ્ચે તંગદિલી વધી રહી છે. એક વાચક જાણવા ઇચ્છે છે કે આ લડાઈમાં લેબનન પણ સામેલ થશે તો હમાસની સરખામણીએ હિઝબુલ્લાહ કેટલી મોટી તાકત છે?

દક્ષિણ લેબનનથી રિપોર્ટિંગ કરતા હ્યુગો બચેગાના જણાવ્યા મુજબ, લેબનનના સૈન્ય, રાજકીય તથા સામાજિક આંદોલન તરીકે હિઝબુલ્લાહને, ઇઝરાયલ હમાસ કરતાં વધુ શક્તિશાળી માને છે.

'સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ'ના જણાવ્યા અનુસાર, જંગી પ્રમાણમાં શસ્ત્રસજ્જ તથા ઈરાન સમર્થિત આ જૂથ પાસે અંદાજે 1,30,000 રૉકેટ અને મિસાઇલ છે. આ શસ્ત્રભંડારમાં મોટો હિસ્સો નાના, માનવ દ્વારા વહન કરી શકાય તેવા અને અનગાઇડેડ સરફેસ-ટુ-સરફેસ આર્ટિલરી રૉકેટનો છે.

એ ઉપરાંત તેમાં વિમાનવિરોધી અને જહાજવિરોધી મિસાઇલ્સ તેમજ ઇઝરાયલની અંદર સુધી પ્રહાર કરવા સક્ષમ ગાઇડેડ મિસાઇલનો પણ સમાવેશ થાય છે. તે હમાસ પાસે છે તેના કરતાં ઘણું અત્યાધુનિક છે.

હિઝબુલ્લાહના નેતાએ દાવો કર્યો છે કે તેમની પાસે એક લાખ લડવૈયા છે, પરંતુ વાસ્તવમાં તેમની પાસે 20,000થી 30,000 લડવૈયા હોવાનું સ્વતંત્ર આકલન છે. એ પૈકીના ઘણા સારી રીતે પ્રશિક્ષિત અને લડાઈના અનુભવી છે તેમજ સીરિયાના ગૃહયુદ્ધમાં લડ્યા પણ છે.

ઇઝરાયલના અંદાજ મુજબ, હમાસ પાસે લગભગ 30,000 લડવૈયા છે.

રેડ લાઇન
રેડ લાઇન