ઇઝરાયલી કબજા સામે ઊભું થયેલું પૅલેસ્ટિનિયન યુવાઓનું 'લાયન્સ ડૅન' જૂથ શું છે?

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, AFP

આ વર્ષની શરૂઆતથી જ ઇઝરાયલી કબજાવાળા વેસ્ટ બૅન્ક અને પૂર્વ જેરુસલેમ વિસ્તારમાં ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન વચ્ચે તણાવ અને હિંસા વધી છે. આ પરિસ્થિતિમાં પૅલેસ્ટિનિયન યુવાનોનું એક નવું જૂથ સામે આવ્યું છે.

તેનું અરેબિક નામ છે 'અરીન અલ ઉસુદૂ' અને અંગ્રેજીમાં કહીએ તો 'લાયન્સ ડૅન'.

પશ્ચિમ વેસ્ટ બૅન્કના નબલૂસ વિસ્તારથી પ્રકાશમાં આવેલા આ નવા મિલેશિયાને ઇઝરાયલના સૈનિકો અને પૅલેસ્ટિનિયન વિસ્તારોમાં રહેતાં ઇઝરાયલી લોકો પર હુમલા પાછળ જવાબદાર માનવામાં આવે છે.

આ જૂથના સભ્યો અને સમર્થકો મોટા ભાગે પૅલેસ્ટિનિયન યુવાનો છે. જેમનો દાવો છે કે તેઓ ઘણા દાયકાથી પૅલેસ્ટિનિયન રાજનીતિને આકાર આપનારા પરંપરાગત જૂથો અને પક્ષોથી ઉપર અને અલગ છે.

જો એમ હોય કે ન પણ હોય. પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે તેઓ કોણ છે અને તેમની હાજરી કેટલી મહત્ત્વપૂર્ણ છે?

ગ્રે લાઇન

'અસંતુષ્ટ યુવાન પૅલેસ્ટિનિયનો'

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

ફેબ્રુઆરીમાં ઇઝરાયલી બળોએ નવ પૅલેસ્ટિનિયનોની હત્યા કરી. જેમાંથી પાંચ 'લાયન્સ ડૅન'ના સભ્યો છે.

વેસ્ટ બૅન્કના રમલ્લાહ શહેરસ્થિત હૉરાઇઝન સેન્ટર ફૉર પૉલિટિકલ સ્ટડીઝના કાર્યકારી નિદેશક ઇબ્રાહીમ જિબ્રીલ દલાલશા કહે છે, "લાયન્સ ડૅન યુવાન, અસંતુષ્ટ અને આક્રોશથી ભરપૂર પૅલેસ્ટિનિયન યુવાનોનું સંગઠન છે. તેમના મોટા ભાગના સભ્યો 20થી 25 વર્ષની વચ્ચે છે. તેઓ વેસ્ટ બૅન્ક કે ગાઝાના કોઈ પણ રાજનૈતિક સંગઠનનો ભાગ નથી અને તેઓ એક એવું સંગઠન છે જેનો ધ્યેય ઇઝરાયલના કબજા સામે લડવાનો છે."

આ હથિયારબંધ સંગઠન મોટા ભાગે નબલૂસ શહેરમાં સક્રિય છે અને ખાસ કરીને ત્યાંના અલ-યાસમીન વિસ્તારમાં કેન્દ્રિત છે.

છેલ્લા કેટલાક મહિનામાં આ સંગઠન સંખ્યાબંધ પૅલેસ્ટિનિયન યુવાનોને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યું છે.

જોકે, આ નવા સંગઠનનો કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંબંધ નથી પણ વિશ્લેષકોનું માનવું છે કે તેમાં સામેલ થઈ રહેલા કેટલાક લોકો અગાઉ કોઈને કોઈ સંગઠન સાથે જોડાયેલા હોઈ શકે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઑફ રિચમંડમાં રાજનીતિ વૈજ્ઞાનિક દાના અલ કુર્દ કહે છે, "આ એક એવું જૂથ છે જે કોઈ પક્ષ સાથે નથી. તેઓ એકલા જ મિલેશિયા જૂથ તરીકે કામ કરે છે. જોકે, લાયન્સ ડૅનના ઘણા સભ્યો અગાઉ અન્ય જૂથો સાથે કામ કરી રહ્યા હતા. જેવા કે ઇસ્લામિક જેહાદ, અલ અક્સા શહીદ બ્રિગેડ, હમાસ અથવા તો ફતેહ."

ગ્રે લાઇન

આ જૂથ શરૂ કેવી રીતે થયું?

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફેબ્રુઆરી 2022માં આ જૂથનું નામ નબલૂસ બટાલિયન હતું ત્યારે તેમાં ઘણા સભ્યો ન હતા.

આ જૂથ જેનિન બટાલિયનથી પ્રભાવિત હતું. જે જેનિન શરણાર્થી કૅમ્પમાં સક્રિય એક મિલેશિયા જૂથ હતું.

ઑગસ્ટ 2022માં સિનિયર ફાઇટર ઇબ્રાહીમ અલ નબલૂસીને બે અન્ય લડાકુઓ સાથે તેમના ઘરમાં ઘૂસીને ઇઝરાયલી સુરક્ષાબળોએ ઠાર માર્યા હતા.

માનવામાં આવે છે કે ઇબ્રાહીમ અલ નબલૂસીના મૃત્યુ બાદ ગયા વર્ષે ઉનાળામાં તેમના માટે યોજાયેલા એક કાર્યક્રમ બાદ 'લાયન્સ ડૅન' ચર્ચામાં આવ્યું અને ઘણા યુવાનો તેમાં જોડાવા માટે આકર્ષિત થયા.

વર્ષ 2023ની શરૂઆતમાં ઇઝરાયલી સુરક્ષાબળોએ આ જૂથના પ્રમુખ સભ્યોને કાં તો મારી નાખ્યા અથવા તો તેમની ધરપકડ કરી લીધી હતી. આ તમામ લોકો પર ઇઝરાયલી લોકો અને ઠેકાણાઓ પર હુમલા કરવાનો આરોપ હતો.

આ લડાકુઓની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા, ખાસ કરીને ટિકટૉક પર ખૂબ શૅર કરવામાં આવ્યા.

થોડાક મહિના બાદ માસ્ક લગાવેલા સંખ્યાબંધ લડાકુઓએ નબલૂસના જૂના શહેરની ગલીઓમાં પરેડ યોજી હતી.

આ પરેડ પૅલેસ્ટિનિયન ઑથૉરિટી અને ખાસ કરીને ઇઝરાયલી સુરક્ષાબળો માટે ચિંતાજનક હતી.

દાના અલ કુર્દ કહે છે, "ઇઝરાયલનું બેખૌફ હોવું, પૅલેસ્ટિનિયન લોકો પર વધી રહેલ દમન, જબરદસ્તી વસેલા યહુદીઓની વધતી ગતિવિધિઓ અને તેના પ્રત્યે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયામાં ઉદાસીનતા તેમજ ચાલી રહેલો આર્થિક અને રાજનૈતિક ટકરાવ જેવાં કારણોથી આ જૂથ ઊભું થયું છે."

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

શું આ જૂથના લોકોને સમર્થન મળી રહ્યું છે?

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Reuters

દાના અલ કુર્દ માને છે કે આ જૂથ તરફ યુવાન પૅલેસ્ટિનિયનો આકર્ષાઈ રહ્યા છે, જે હાલની સ્થિતિ અને જૂની રાજનીતિને રદિયો આપે છે, જેના પર ફતેહ અને હમાસ ચાલી રહ્યા છે.

દાના માને છે કે આ વાતના પુરાવા છે કે આ જૂથને પૅલેસ્ટિનિયન લોકો તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે.

પૅલેસ્ટિનિયન સેન્ટર ફૉર પૉલિસી ઍન્ડ સર્વે રિસર્ચ દ્વારા ડિસેમ્બરમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીમાં રહેતા 70 ટકા પૅલેસ્ટિનિયન લોકો 'લાયન્સ ડૅન' કે અન્ય હથિયારબંધ જૂથનું સમર્થન કરતા હતા.

હાલત પર નજર રાખનારા વિશ્લેષકો માને છે કે પૅલેસ્ટિનિયન નેતૃત્ત્વ ઉંમરવાન થઈ રહ્યું છે અને એ કારણથી ઘણા યુવાન પૅલેસ્ટિનિયન લોકો આ નવા બનેલા જૂથ તરફ આકર્ષાઈ રહ્યા છે.

આ જૂથના ઘણા સભ્યોએ ખુદને પૅલેસ્ટિનિયન સત્તાધીશોથી દૂર કરી લીધા છે.

ઇબ્રાહીમ દલાલશા કહે છે, "તેઓ માને છે કે પૅલેસ્ટિનિયન સત્તાધીશો રાજનૈતિક રીતે અત્યંત ગરીબ થઈ ગયું છે અને શાંતિપૂર્ણ રીતે રાજનૈતિક આઝાદી મેળવી શકે તેમ નથી. એવામાં તેમને લાગે છે કે વિદ્રોહ સાથે જ કેમ લડવામાં ન આવે જેથી આ સંઘર્ષનું સમાધાન આવી શકે?"

આ જૂથ સોશિયલ મીડિયા પર ઘણું સક્રિય છે. લાયન્સ ડૅનની ટેલિગ્રામ ચેનલથી જ્યારે સમર્થનની અપીલ કરવામાં આવી તો સેંકડો પૅલેસ્ટિનિયન લોકો સામે આવ્યા હતા. આ ચેનલ પર 1 લાખ 30 હજારથી વધુ ફૉલોઅર્સ છે.

આ ચેનલ સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઇઝરાયલ પર હુમલો કરી રહેલા લડાકુઓના સમર્થનમાં પોતાના ઘરની છત પર જાય અને 'અલ્લાહ-હૂ-અકબર'ના નારા પોકારે.

વેસ્ટ બૅન્ક અને પૂર્વ જેરુસલેમના તમામ વિસ્તારોમાં યુવાનો પોતાની છત ગયા અને નારો લગાવ્યો કે 'લાયન્સ ડૅન અજય રહે.'

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

પૅલેસ્ટિનિયન સત્તાધીશો સાથે કેવા છે સંબંધ?

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

પૅલેસ્ટિનિયન પ્રાધિકરણ એ વિસ્તારો પર પ્રશાસન ચલાવે છે જે ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન લિબ્રેશન ઑર્ગેનાઇઝેશન વચ્ચે થયેલી ઑસ્લો સમજૂતી અંતર્ગત વેસ્ટ બૅન્કમાં સ્વાયત્ત પૅલેસ્ટિનિયન વિસ્તારો તરીકે ઘોષિત થયા હતા.

મોટા ભાગના પૅલેસ્ટિનિયન વિસ્તારોમાં તેમનું જ શાસન છે, જેના પર ધર્મનિરપેક્ષ પૅલેસ્ટિનિયન જૂથ 'ફતેહ'નો પ્રભાવ છે. અન્ય એક જૂથ 'હમાસ'નું ગાઝા પટ્ટી પર નિયંત્રણ છે અને તે વેસ્ટ બૅન્કમાં વધુ ચર્ચિત નથી.

ઑસ્લો સમજૂતી વર્ષ 1993માં થઈ હતી. હવે લાયન્સ ડૅનમાં સામેલ મોટા ભાગના યુવાનો તે સમયે જન્મ્યાં પણ ન હતા.

દલાલશા કહે છે, "એવાં ઘણાં કારણો છે જેના લીધે મુખ્ય ધારાના રાજનેતા અને પૅલેસ્ટિનિયન પ્રાધિકરણ અને ફતેહ તેમનાથી ખુશ નથી."

તેઓ કહે છે, "મને લાગે છે કે આ જૂથને ખતમ કરવાની જગ્યાએ રણનીતિના ભાગરૂપે તેને સહયોગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

કેટલાંક ગોપનીય સૂત્રોનું કહેવું છે કે પૅલેસ્ટિનિયન પ્રાધિકરણ આ જૂથને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તેઓ હથિયાર છોડી દે અને પૅલેસ્ટિનિયન સુરક્ષાસેવાઓમાં સામેલ થઈ જાય.

પૅલેસ્ટિનિયન પ્રાધિકરણ આ જૂથના કેટલાક સભ્યોને પોતાની તરફ કરવામાં સફળ રહ્યું છે. પણ તેના નેતૃત્વે આત્મસમર્પણ કરવાથી ઇનકાર કરી દીધો છે. જૂથના નેતૃત્વનું કહેવું છે કે તેઓ અંત સુધી લડાઈ ચાલુ રાખશે.

દલાલશા કહે છે, "લાયન્સ ડૅનના કેટલાક સભ્યો પૅલેસ્ટિનિયન પ્રાધિકરણની ટીકા તો કરે છે પણ તેમની સાથે સીધા સંઘર્ષનો વિરોધ પણ કરે છે."

"જો તમે સીધી રીતે પૅલેસ્ટિનિયન પ્રાધિકરણની સામે જાઓ તો તે એક રીતે પૅલેસ્ટિનિયન લોકોની સામે ઊભા કરી દે છે. મને લાગે છે કે તેઓ આ સ્થિતિથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે."

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

ઇઝરાયલનો દૃષ્ટિકોણ

ઇઝરાયલ પૅલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલ લાયન્સ ડૅનને એક આંતકવાદી સંગઠન તરીકે જુએ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇઝરાયલી સુરક્ષાબળો નબલૂસમાં દાખલ થયા અને કાર્યવાહીમાં 11 પૅલેસ્ટિનિયન લોકોને ઠાર માર્યા. તેમાંથી છ લાયન્સ ડૅનના સભ્યો હતા.

આ દાવો લાયન્સ ડૅનની ટેલિગ્રામ ચેનલમાં કરવામાં આવ્યો હતો.

ચાર કલાક સુધી ચાલેલા અભિયાન બાદ ઇઝરાયલી સુરક્ષાબળોનું કહેવું હતું કે તેમણે પૅલેસ્ટિનિયન બંદૂકધારીઓ તરફથી ગોળી ચાલ્યા બાદ પોતાના અભિયાનનું સ્તર વધારી દીધું હતું.

આઈડીએફના પ્રવક્તા લૅફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેક્ટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "અમે ખતરો જોયો. જેથી અમારે અંદર જઈને કામ પૂરું કરવું પડ્યું."

ઇઝરાયલે હાલમાં જ નબલૂસ અને પૂર્વ જેરુસલેમની આસપાસ ઘણા વિસ્તારોને બંધ કરી દીધા છે. આ માટે તેમણે રેતીના બૅરિકેડ અને સિમેન્ટ બ્લૉક લગાવ્યા છે.

દાના અલ કુર્દ કહે છે, "ઇઝરાયલની પ્રતિક્રિયા ઘણી તીવ્ર છે. પણ તેઓ (લાયન્સ ડૅન) હજી પણ પ્રભાવશાળી છે અને તેમની નકલ કરતા નવાં જૂથો પણ ઊભાં થઈ શકે છે અથવા તો તેમની સાથે જોડાનારાઓની સંખ્યા પણ વધી શકે છે."

ઇબ્રાહીમ દલાલશા માને છે કે આ જૂથની પૅલેસ્ટિનિયન રાજનીતિ પર પણ અસર પડી શકે છે.

તેઓ કહે છે, "પોતાના મોટા ધ્યેયને હાંસલ કરવાની દિશામાં આગળ વધવું તેમના માટે સરળ નહીં હોય. મોટો ધ્યેય આઝાદી અને કબજો ખતમ કરવાનો છે. પણ હું માનું છું કે તેમની હાજરી અને ગતિવિધિઓએ પૅલેસ્ટિનિયન પ્રશાસન અને ઇઝરાયલી સુરક્ષાબળો માટે ઘણા પડકારો અને સમસ્યા ઊભી કરી છે."

રેડ લાઇન
રેડ લાઇન