શું મોદીના એક SMSથી નૅનો કારનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળના સિંગુરથી ગુજરાતના સાણંદ ખાતે આવ્યો હતો?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

વર્ષ 2006માં તાતા જૂથના તત્કાલીન ચૅરમૅન રતન તાતાએ રૂ. એક લાખની ગાડી લૉન્ચ કરવાની વાત કરી હતી, જેને 'નૅનો' નામ આપવામાં આવ્યું હતું.

આ જાહેરાતને પગલે 'વિશ્વની સૌથી સસ્તી કાર' તરીકે દેશ-વિદેશના મીડિયામાં ચર્ચા ફેલાઈ ગઈ. એક ઘટનાએ રતન તાતાને નૅનો જેવી કાર બનાવવા માટે પ્રેર્યા હતા.

વર્ષ 2008માં તાતા મોટર્સે 'નૅનો' માટે પશ્ચિમ બંગાળના સિંગુર ખાતે નવો પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી હતી. જોકે, તેની સામે વ્યાપક વિરોધ શરૂ થયો હતો.

જે ઉગ્ર અને હિંસક બનતા રતન તાતાએ તેમના પ્લાન્ટને સિંગુરથી સાણંદ ખસેડવાની જાહેરાત કરી હતી.

પ્લાન્ટ અને મશીનરીને પશ્ચિમ બંગાળથી ગુજરાત પુનઃસ્થાપિત કરવામાં એક વ્યક્તિએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આગળ જતાં રતન તાતા તથા એ શખ્સ વચ્ચે જંગ છેડાઈ હતી, જે દિવસો સુધી અખબારોના મથાળે ચમકી હતી.

તાતા જૂથના ચૅરમૅન રતન તાતાના નિધન પછી સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ હતી કે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એક એસએમએસ કર્યો હતો, જેના કારણે બહુપ્રતિષ્ઠિત પ્લાન્ટ ગુજરાત આવ્યો હતો.

આ પ્લાન્ટને કારણે સાણંદ તથા આજુબાજુનાં કેટલાંક ગામોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે, તો તેની કેટલીક ટીકા પણ થાય છે.

આ પ્લાન્ટમાં તત્કાલીન મોદી સરકારે તાતા જૂથને અયોગ્ય રીતે સહાય કરી હોવાના આરોપ પણ લાગ્યા હતા. જોકે, તે વખતની સરકારે આ આરોપોને ફગાવ્યા હતા.

રતન તાતાએ 'નૅનો' સંદર્ભે કેટલીક ભૂલો થઈ હોવાનો સ્વીકાર પણ કર્યો હતો, ત્યારે એક નજર ઔદ્યોગિક ઇતિહાસના આ પ્રકરણ પર.

એક દુર્ઘટના, એક હેડલાઇન

મુંબઈના રસ્તાઓ ઉપર એક ઘટના ઘટી હતી, જેણે રતન તાતાના મનમાં બહુચર્ચિત 'લાખેણી કાર' લૉન્ચ કરવા માટેનું વિચારબીજ રોપ્યું હતું.

નૅશનલ જિયૉગ્રાફિકને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં રતન તાતાએ કહ્યું, "એક વખત અમે મુંબઈના રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે મેં એક પરિવારને સ્કૂટર ઉપર જતો જોયો. પુરુષ સ્કૂટર ચલાવી રહ્યા હતા, આગળ એક છોકરું ઊભું હતું. પાછળ મહિલા બેઠાં હતાં અને તેમનાં ખોળામાં પણ એક બાળક હતું."

"મેં મારા ડ્રાઇવરને તેમનાથી કારને દૂર ચલાવવા સૂચના આપી. થોડીવારમાં સ્કૂટર લપસ્યું અને આખો પરિવાર રસ્તા ઉપર પટકાયો હતો, તે ખૂબ જ ભયાનક દૃશ્ય હતું."

એ પછી રતન તાતા મિટિંગો દરમિયાન બૉર થયા હોય ત્યારે કે નવરાશની પળોમાં કાગળ ઉપર સ્કૂટરનાં મૉડલોની ડિઝાઇન દોરતા, જેથી સ્કૂટરને તમામ ઋતુમાં ચાલી શકે, તેવી વાજબી ભાવનું, સુગમ અને સલામત બનાવી શકાય.

રતન તાતાને ટૂંક સમયમાં સમજાઈ ગયું હતું કે સ્કૂટર કે બાઇકની ડિઝાઇનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થઈ શકે અને તેમણે કાર જ લૉન્ચ કરવી પડશે.

આ અરસામાં રતન તાતાએ એક આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહને ઇન્ટરવ્યૂ આપ્યો. જેમાં પત્રકારે પૂછ્યું, "તેનો શું ભાવ હોવો જોઈએ?"

રતન તાતાએ કહ્યું કે 'આવી કારની કિંમત એક લાખ આસપાસ' હોવી જોઈએ. એ વાત હેડલાઇન બની ગઈ.

રતન તાતાએ ઉપરોક્ત ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મારી પાસે બે વિકલ્પ હતા. કાં તો એ વાતને નકારું અથવા તેના માટે પ્રયાસ કરું. અમે બીજો વિકલ્પ પસંદ કર્યો."

વર્ષ 2003 આસપાસ તાતા મોટર્સના નિષ્ણાતોએ ડિઝાઇનિંગ ઉપર કામ ચાલુ કર્યું. તેમણે કારને 'એકદમ નવેસર'થી ડિઝાઇન કરી, જેમાં બિનજરૂરી ભાગોને દૂર કરવા છતાં સલામતી જળવાય રહે તેની ઉપર વિચાર કરવામાં આવ્યો.

આ સિવાય ઉત્પાદનખર્ચ કેવી રીતે ઓછું રહે તે વિચાર પણ ડિઝાઇનિંગના કેન્દ્રમાં હતો. છેવટે એવું મૉડલ સામે આવ્યું જે બૅન્ટલી મોટર્સના પ્રસિદ્ધ મૉડલ જેવી હતી.

'મોદીને ઍનિવર્સરી ગિફ્ટ'

મે-2006માં બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ફરી એક વખત પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી બન્યા. એજ દિવસે રતન તાતાએ નૅનો કાર માટે કોલકતાથી 40 કિલોમીટર દૂર સિંગુર ખાતે નવો પ્રોજેક્ટ નાખવાની વાત કહી.

સામ્યવાદી ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળમાં નવા ઉદ્યોગો લાવવા માંગતા હતા. એ વિધાનસભામાં મમતા બેનરજીનો તૃણમુલ કૉંગ્રેસ સૌથી મોટો વિપક્ષ હતો, તેમણે આ પ્લાન્ટની સામે વિરોધ શરૂ કર્યો. જે જોતજોતામાં ઉગ્ર અને હિંસક બની ગયો.

વિરોધ એટલી હદે વધી ગયો કે તા. ત્રીજી ઑક્ટોબર 2008ના રોજ રતન તાતાએ પત્રકાર પરિષદ ભરીને પ્લાન્ટ તથા કર્મચારીઓની સુરક્ષા માટે સિંગુર ખાતેથી નૅનો પ્રોજેક્ટને ખસેડવાની જાહેરાત કરી.

તાતાએ ચાર દિવસ પછી તા. સાતમી ઑક્ટોબરે ગુજરાતના સાણંદ ખાતે નૅનો પ્રોજેક્ટ ખસેડવાની જાહેરાત કરી. સાત વર્ષ પહેલાં આ દિવસે જ નરેન્દ્ર મોદીએ શાસનની ધૂરા સંભાળી હતી.

નૅનો પ્લાન્ટ ગુજરાત જવાના સમાચાર ઉદ્યોગજગત અને રાજકીયપક્ષો માટે ચોંકાવનારા હતા, કારણ કે અનેક રાજ્યો તાતાના પ્રોજેક્ટને આકર્ષવા માટે પ્રયાસરત હતા.

રતન તાતા જાન્યુઆરી-2008માં નૅનોનું મૉડલ વિશ્વ સમક્ષ રજૂ કરી ચૂક્યા હતા, એટલે તેમની વાત ઉપર વિશ્વાસ બેઠો હતો. કેટલાક દેશોએ બહુચર્ચિત અને 'વિશ્વની સૌથી સસ્તી' કારના નૅનો પ્લાન્ટને પોતાને ત્યાં આવકારવા માટે લાલ જાજમ પાથરી હતી.

મોદીના SMSથી પ્રૉજેક્ટ આવ્યો?

જાહેરાતના 21 મહિનાની અંદર જૂન-2010માં સાણંદના પ્લાન્ટ ખાતેથી પહેલી નૅનો કાર રૉલ-આઉટ થઈ. આ કાર્યક્રમમાં રતન તાતા તથા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હાજર હતા.

રતન તાતા હતા, ત્યારે મીડિયા તથા ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પ્લાન્ટને આવકાર માટે અન્ય દેશો પણ તૈયાર છે, ત્યારે મેં રવિ કાંતજીને (તાતા મોટર્સના તત્કાલીન અધિકારી) કહ્યું હતું કે દેશના ચાહે ગમે તે રાજ્યમાં રહે, પણ આ કાર ભારતમાં જ બને એ માટે તમારે પ્રયાસ કરવા જોઈએ.

જ્યારે રતન તાતાએ પશ્ચિમ બંગાળના સિંગુરમાંથી પ્લાન્ટને ખસેડવાની જાહેરાત કરી, ત્યારે મેં તેમને એક એસએમએસ કર્યો હતો, 'વૅલકમ ટુ ગુજરાત.' એક રૂપિયાના એસએમએસને કારણે આજે ગુજરાતમાં આટલો મોટો પ્રૉજેક્ટ આવ્યો છે.

એક ઇન્ટરવ્યૂમાં રતન તાતાએ કહ્યું હતું કે 'પશ્ચિમ બંગાળની સરકાર ખરેખર ઇચ્છતી હતી કે ત્યાં પ્લાન્ટ સ્થપાય, પરંતુ ત્યાં બધા એક મત ન હતા. અન્ય કેટલાક રાજ્યોએ પણ અમને પ્રસ્તાવ આપ્યા હતા, પરંતુ કેટલાકમાં જરૂરી મંજૂરીઓ મળેલી નહોતી, ક્યાંક જરૂરી જમીન ઉપલબ્ધ ન હતી અથવા તો જે ઉપલબ્ધ હતી તે પ્લાન્ટ માટે યોગ્ય ન હતી.'

'મોદીએ જે કહ્યું હતું, તે એટલા સમયમાં કરી દેખાડ્યું હતું, એટલે અમે સાણંદ ખાતે પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય કર્યો.'

શાપોરજી પાલોનજી જૂથે સિંગુર ખાતે પ્લાન્ટનું નિર્માણકાર્ય હાથ ધર્યું હતું. કંપનીએ જ સાણંદ ખાતે રેકોર્ડ સમયમાં પ્લાન્ટને પુનઃસ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

આગળ જતાં શાપોરજી પાલોનજી જૂથના વારસદાર સાયરસ મિસ્ત્રી અને રતન તાતા વચ્ચે લાંબી કૉર્પોરેટ અને કાયદાકીય લડાઈ ચાલી હતી.

નૅનોની મોટી નિષ્ફળતા

સાણંદ ખાતેનો પ્લાન્ટ એક હજાર 100 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો. રૂ. 2000 કરોડના ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટમાં વર્ષે અઢી લાખ નૅનો ગાડીઓ બનવાની હતી.

કુશળ કર્મચારી મળી રહે એ માટે કંપનીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા. ગુજરાતની કેટલીક કંપનીઓ તાતા નૅનોની 'ઇકૉસિસ્ટમ'માં ફિટ થઈ.

નૅનોના વિચાર, જાહેરાત, લૉન્ચ અને રૉલાઉટ સુધીના સમયમાં કાચા માલ અને શ્રમ સહિતની બાબતોમાં ભાવો વધવાને કારણે પડતરકિંમત વધી જવા પામી હતી. આમ છતાં તાતા મોટર્સે પહેલી એક લાખ ગાડીઓ રૂ. એક લાખની કિંમતે જ આપવાની જાહેરાત કરી હતી.

અનેકગણી અરજીઓ આવી હોવાથી કંપનીએ લૉટરી સિસ્ટમથી ગાડીઓ ફાળવી હતી. ડિલિવરીને પગલે દેશ વિદેશના મીડિયામાં રતન તાતા તથા કંપનીની વ્યાપક ચર્ચા થઈ હતી.

વિપક્ષ કૉંગ્રેસ ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકાર ઉપર નૅનોના પ્લાન્ટ માટે નિયમવિરુદ્ધ રાહત અને લૉન આપવા સહિતના 16 જેટલા આરોપ લાગ્યા હતા.

મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ એમબી શાહના નેતૃત્વમાં કમિશનની જાહેરાત કરી હતી, જેમને 14 મુદ્દે તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. બાકીના બે મુદ્દા અદાલતમાં પડતર હોવાથી તેને બાકાત કરાયા હતા.

શાહ કમિશનના રિપોર્ટને રાજ્યની વિધાનસભામાં ટેબલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમાં તત્કાલીન મોદી સરકારને ક્લિન ચીટ આપવામાં આવી હતી.

તાતાને આપવામાં આવેલી કથિત રાહતોની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ ઉચ્ચ અદાલતે તેને ફગાવી દીધી હતી.

નૅનો ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી હતી, જેના કારણે લોકોનો વિશ્વાસ ડગી ગયો હતો, એક જ વર્ષમાં નૅનો ગાડીઓના વેચાણમાં લગભગ 85 ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો હતો.

નૅનોના વેચાણમાં થતો ઘટાડો ઉત્તરોત્તર ચાલુ રહેવા પામ્યો હતો. વર્ષ 2019માં સાણંદ ખાતે માત્ર 301 નૅનો કારનું ઉત્પાદન થયું હતું. BS-VI પરિમાણ મુજબ નૅનો ગાડીઓનું ઉત્પાદન કરવું શક્ય ન હોવાથી તેનું ઉત્પાદન બંધ કરી દેવાયું હતું.

જાન્યુઆરી-2012માં રતન તાતાએ સ્વીકાર્યું હતું કે નૅનોને લૉન્ચ કરતી વખતે કંપનીએ કેટલીક ભૂલો કરી હતી. પ્રચારઅભિયાન તથા ડિલર નૅટવર્કની બાબતે કંપની તૈયાર ન હતી, જેના કારણે પ્રારંભિક તક વેડફાઈ ગઈ હતી.

આ સિવાય "ગરીબ માણસોની ગાડી" જેવી છાપ ઊભી થવાને કારણે સામાજિક દૃષ્ટિએ તે સ્વિકૃત નહોતી બની.

નૅનો બનશે રતન ?

જોકે, પ્લાન્ટનો પૂર્ણક્ષમતાએ ઉપયોગ કરવા માટે તાતા મોટર્સે અન્ય મૉડલોનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું.

ભારત સરકાર દ્વારા ઇલૅક્ટ્રોનિક ગાડીઓનું ચલણ વધ્યું, ત્યારે સાણંદથી ઉત્પાદન વધવા લાગ્યું.

નૅનોને પગલે ઑટોમોબાઈલ ક્ષેત્રના આનુષંગિક ઉદ્યોગો સ્થપાયા. તાતા મોટર્સને પગલે અંગ્રેજી ઑટોજાયન્ટ ફૉર્ડે ત્યાં પ્લાન્ટ સ્થાપ્યો, પરંતુ વર્ષ-2023માં તેમણે પ્લાન્ટ બંધ કરી દેવો પડ્યો હતો.

તાતા મોટર્સે આ પ્લાન્ટ ખરીદી લીધો હતો અને ત્યાંથી ઈવી ગાડીઓનું ઉત્પાદન ચાલુ કર્યું.

તાતાના પ્લાન્ટને કારણે જમીનોના ભાવો અનેકગણા વધ્યા અને ધંધારોજગારની તકો વધી, પરંતુ તેના કારણે 'સ્થાનિક વિ. પરપ્રાંતીય'ની ભાવના પણ જોવા મળી છે.

જાન્યુઆરી-2023માં નવીદિલ્હી ખાતે આયોજિત ઑટો ઍક્સ્પો દરમિયાન નૅનોનું ઈવી વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના ઉત્પાદન અને લૉન્ચ વિશે કંપની દ્વારા કોઈ નોંધપાત્ર જાહેરાત કરવામાં નથી આવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.