પરસેવો કેમ વળે છે અને શરીરમાંથી પરસેવો જ ન નીકળે તો શું થાય?

ભારતીય મહિલા પહેલવાન વીનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર કરાયાં હતાં.

વીનેશ ફોગાટ મહિલાના 50 કિલો વજનની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ઊતર્યાં હતાં. અહેવાલો છે કે ગત ગુરુવારે સવારે જ્યારે ફાઇનલ પહેલાં તેમનું વજન કરાયું તો માન્ય વજન કરતાં 100 ગ્રામ વધુ આવ્યું હતું.

ભારતીય ગ્રૂપે વીનેશના વજનને 50 કિલોગ્રામ સુધી લાવવા માટે થોડો સમય માગ્યો પણ અંતે વીનેશ ફોગાટનું વજન માન્ય વજન કરતાં થોડું વધુ આવતાં તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં હતાં.

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ટુકડીની મેડિકલ ટીમનું નેતૃત્વ કરનાર ડૉ. દીનશા પારડીવાલાએ મીડિયાને આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "વીનેશને 1.5 કિલો ખોરાકની જરૂર હતી, કારણ કે તેઓ ત્રણ મૅચ રમી ચૂક્યાં હતાં. એટલા માટે તેમને પાણી અને ખોરાકની જરૂર હતી. સેમિફાઇનલ મૅચ બાદ વીનેશનું વજન 2.7 કિલો વધુ હતું."

ડૉ પારડીવાલાએ કહ્યું હતું કે ખેલાડીઓ પોતાના પ્રાકૃતિક વજન કરતાં ઓછા વજનની કૅટેગરીમાં ભાગ લેતા હોય છે, જેથી તેમને તેમનાથી ઓછા મજબૂત પ્રતિસ્પર્ધી સામે લાભ મળી શકે.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "સવારે વજન લેવામાં આવે એ પહેલાં ગણતરીપૂર્વક ભોજન અને પાણી પર કાપ મૂકવામાં આવે છે. આ ઉપરાંત ઍથ્લીટે પરસેવો પાડવો પડે છે જે સૌના અને કસરત વડે કરવામાં આવે છે."

બધા પ્રયાસો બાદ પણ વીનેશનું વજન જોઈએ એટલા સ્તરે નહોતું પહોંચ્યું એ પરિસ્થિતિ વિશે વાત કરતા ડૉ પારડીવાલાએ કહ્યું હતું કે, "અમે તેમનું વજન ઘટાડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમને પરસેવો આવતો બંધ થઈ ગયો ત્યારે અમે વાળ કાપવા અને તેમનાં કપડાં ટૂંકાં કરવા જેવાં પગલાં લીધાં હતાં."

આ અહેવાલમાં આપણે પરસેવા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું.

પરસેવો કેમ આવે છે?

માનવ શરીર પરસેવા થકી પોતાનું તાપમાન નિયંત્રણ કરે છે. પરસેવા થકી માનવ શરીરની ત્વચામાંથી પાણી બહાર નીકળે છે, જેનું ત્વચામાંથી બાષ્પીભવન થાય છે. આ રીતે શરીર ઠંડું પડે છે અને તાપમાનનું નિયંત્રણ થાય છે.

સામાન્ય રીતે માણસના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોય છે. શરીરનું તાપમાન 37 ડિગ્રીથી વધારે ઉપર જાય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળવાની શરૂઆત થાય છે.

પરસેવામાં પાણી ઉપરાંત સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં તત્ત્વો પણ મળી આવે છે.

પરસેવા વગર શરીર વધારાની ગરમી બહાર કાઢી ન શકે તો આ પ્રકારની સ્થિતિનાં ગંભીર પરિણાણ પણ થઈ શકે છે.

ચામડીના રોગોનાં નિષ્ણાત ડૉક્ટર દીપા ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં આ વિશે કહ્યું, "પરસેવો શરીરની કૂલિંગ સિસ્ટમ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો પરસેવો શરીરની બહાર ન નીકળે તો શરીરનું કૂલિંગ બંધ થઈ જાય છે. આ કારણે શરીરનું તાપમાન વધી જાય અને તાવ પણ આવી શકે છે."

તેઓ વધુમાં કહે છે કે, "જો પરસેવો શરીરમાંથી બહાર જ ન નીકળે તો કેટલાક ગંભીર કિસ્સામાં હીટસ્ટ્રૉક પણ આવી શકે છે."

"આમ, શરીરમાંથી જો પરસેવો બહાર ન નીકળે તો શરીરની કૂલિંગ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે. પરસેવાને કારણે જ શરીરના તાપમાનનું નિયંત્રણ થાય છે. આ ઉપરાંત પરસેવાની સાથે શરીરમાંથી કેટલાંક બિનજરૂરી તત્ત્વો પણ બહાર નીકળી જાય છે."

જો પરસેવો ન વળે તો શું થાય?

લોકોને પરસેવો આવવો સામાન્ય વાત છે. કોઈ વ્યક્તિને વધારે પરસેવો આવે છે તો કોઈને ઓછો પરસેવો આવે છે.

જોકે, કેટલાક લોકોને ખૂબ જ નહિવત્ અથવા તો એકદમ પરસેવો થતો નથી. આ સ્થિતિને ઍનહિડ્રોસિસ કહેવામાં આવે છે.

દુર્લભ જેવી આ પરિસ્થિતિ ઍનહિડ્રોસિસને કારણે પરસેવાની ગ્રંથિ યોગ્ય રીતે કામ કરતી નથી જેને કારણે પરસેવો આવતો નથી. આ કારણે જે વ્યક્તિને નહિવત્ કે ખૂબ જ ઓછો પરસેવો વળે છે તેમને શરીરનું તાપમાન નિયંત્રણ કરવામાં મુશ્કેલીઓ આવે છે.

શરીરનો 75 ટકા હિસ્સો પાણીથી બનેલો છે અને જો તેમાં ઘટાડો આવે તો પણ ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. જો શરીરમાં પાણીના સ્તરમાં 10 ટકાનો ઘટાડો થઈ જાય તો શરીરમાં જીવલેણ ફેરફારો થઈ શકે છે.

આ સ્થિતિમાં કેવી રીતે બચી શકાય તે વિશે વાત કરતાં ડૉ. દીપા ભટ્ટે કહ્યું, "જે લોકોને ખૂબ જ ઓછો કે પરસેવો જ ન આવતો હોય તેવી વ્યક્તિને બને ત્યાં સુધી ઠંડા વાતાવરણમાં જ રહેવું જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત પરસેવો ન આવતો હોય તેવી વ્યક્તિએ ઝડપથી ચાલવાનું કે દોડવાનું ટાળવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ ઉપરાંત પ્રવાસ દરમિયાન પાણી અને કૂલિંગ પૅડ સાથે રાખવાં જોઈએ."

ઍનહિડ્રોસિસ કેવી રીતે થાય છે?

આરોગ્ય નિષ્ણાતો અનુસાર કેટલાક લોકો પરસેવાની ગ્રંથિ વિના જન્મે છે જ્યારે કેટલાક લોકોમાં આ તકલીફ પાછળથી જોવા મળે છે.

રેડિયેશન થૅરપી, બર્ન્સથી ત્વચાને થયેલા નુકસાન અથવા સર્જરી દરમિયાન પરસેવાની ગ્રંથિને નુકસાન થવાથી પણ ઍનહિડ્રોસિસ જેવી તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, દારૂ પીવાની લતને કારણે પણ આ પ્રકારની તકલીફ થઈ શકે છે.

કેટલીક દવાઓ પણ પરસેવાની ગ્રંથિઓને અવરોધે છે. આ કારણે આવી દવાઓ લેનાર લોકોને પરસેવો આવતો નથી.

ઍનહિડ્રોસિસને કારણે સ્નાયુમાં ખેંચાણ, થાક લાગવો અને ચક્કર જેવી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત પરસેવો ન થવાને કારણે શરીરનું તાપમાન વધારે રહે છે.

કેટલીક વખત શરીરનું તાપમાન એટલું વધી જાય છે કે હીટસ્ટ્રૉક પણ આવી શકે છે જેને કારણે જીવનું જોખમ ઊભું થાય છે.

આ વિશે વાતચીત કરતા ત્વચારોગનાં નિષ્ણાત ડૉક્ટર વંદના શાહે કહ્યું, "ઍનહિડ્રોસિસમાં એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિને શરીરના અમુક ભાગોમાં જ પરસેવો ન થતો હોય ત્યારે કોઈ મોટી તકલીફ નથી."

"જોકે, કેટલાક લોકોને શરીરના કોઈ પણ ભાગમાં પરસેવો આવતો નથી. તે લોકોને શરીરનું તાપમાન વધવાથી થતી તકલીફો થઈ શકે છે."

"જેમ કે તેઓ જો ભારે કસરત કરે, ગરમ વાતાવરણમાં રહે અને શરીરનું તાપમાન એકદમ વધી જાય અને સતત વધ્યા કરે તો હીટસ્ટ્રૉક પણ આવી શકે છે. અને કેટલાક અત્યંત ગંભીર કેસોમાં શરીરનું તાપમાન નિયંત્રણમાં ન આવે તો વ્યક્તિ કૉમામાં જઈ શકે અથવા મૃત્યુ પણ થઈ શકે."

ઍનહિડ્રોસિસ માટે શું તકેદારી રાખવી જોઈએ?

ઍનહિડ્રોસિસને રોકી ન શકાય, પરંતુ ઍનહિડ્રોસિસથી પીડાતા લોકોએ શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે નીચે મુજબની તકેદારી રાખવી જોઈએ.

  • ખુલ્લાં અને આછા રંગનાં કપડાં પહેરવાં જોઈએ
  • ઠંડી જગ્યાએ અથવા છાંયડામાં રહેવું જોઈએ
  • વધારે પ્રમાણમાં પ્રવાહી ખાસ કરીને પાણીનું સેવન કરવું જોઈએ.
  • દારૂ અથવા કેફિનવાળા પદાર્થો જેવા કે કૉફી, ચા, ચૉકલેટ અને કોલડ્રિન્કસનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.
  • આકરી કસરતો ન કરવી જોઈએ.

આ વિશે વધારે માહિતી આપતાં ડૉક્ટર વંદના શાહે કહ્યું, "કેટલીક દવાઓ લેવાથી પણ શરીરમાંથી નીકળતો પરસેવો બંધ થઈ જાય છે. જો આ દવાઓને ડૉક્ટરની સલાહ લઈને બંધ કરવામાં આવે તો વ્યક્તિને ફરીથી પરસેવો આવી શકે છે. જોકે, જે વ્યક્તિને જન્મજાત ઍનહિડ્રોસિસની તકલીફ હોય તો તેની કોઈ સારવાર નથી."

"જોકે, તકેદારીના ભાગરૂપે કૉટનનાં અને ઢીલાં કપડાં પહેરવાં જોઈએ, ઠંડા વાતાવરણમાં રહેવું જોઈએ અને શરીરનું તાપમાન તેમ છતાં પણ વધારે લાગે તો ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. તેમ છતાં પણ શરીરમાં નબળાઈ લાગે અને ઊલટી જેવું લાગે તો ડૉક્ટર પાસે યોગ્ય સારવાર લેવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.