મહાકુંભ : પ્રયાગરાજના મેળામાં ડૂબતા શ્રદ્ધાળુને બચાવવા મદદ કરશે આ અંડરવૉટર ડ્રૉન

ઇમેજ સ્રોત, @dronefed/GETTY IMAGES
દુનિયાના સૌથી મોટા સાંસ્કૃતિક તથા ધાર્મિક મેળાવડા કુંભમાં તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે.
મહાકુંભમાં લાખ્ખો શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થાની ચોકસાઈ વધારી દેવાઈ છે.
મહાકુંભમાં સ્નાન માટે આવનારા લાખો ભક્તો માટે સુરક્ષાની તૈયારી પણ પ્રશાસને કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે પહેલી વાર કુંભમેળામાં અંડરવૉટર ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવશે.
આ ડ્રૉનની વિશેષતા એ છે કે તે 24 કલાક સુધી પાણીની અંદર રહીને તેની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.
પ્રશાસનનો એ પણ દાવો છે કે આ અંડરવૉટર ડ્રૉન અંધારામાં પણ પોતાના લક્ષ્યાંકો પર નજર રાખવા સક્ષમ છે. તે પાણીની અંદર 100 મીટર ઊંડે જાસૂસી કે તપાસ કરવા સક્ષમ છે. તે આ પરિસ્થિતિમાં સટીક જાણકારી ઉપલબ્ધ કરાવવાની ક્ષમતાથી સજ્જ છે.
100 મીટર સુધી ડૂબતાને બચાવી શકે છે આ ડ્રૉન

ઇમેજ સ્રોત, @dronefed
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પ્રયાગરાજના પૂર્વ ઝોનના પ્રભારી પોલીસ મહાનિરીક્ષક ડૉ. રાજીવ નારાયણ મિશ્રે ગત સપ્તાહે આ ડ્રૉનને લૉન્ચ કર્યું.
આ ડ્રૉન ઝડપી ગતિથી તથા અસીમિત દૂર સુધી પાણીની અંદર કામ કરનારું છે.
ડૉ. રાજીવ નારાયણ મિશ્રે આ ડ્રૉન વિશે જાણકારી આપતા કહ્યું, "ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભને નિર્વિઘ્ન આયોજિત કરવા માટે જેટલી પણ ઉપલબ્ધ નવી ટૅક્નૉલૉજી છે તેનો પોલીસ દ્વારા ઉપયોગ થાય તેવો પ્રયાસ કર્યો છે. આ જ દિશામાં અંડરવૉટર ડ્રોન છે તેને અમે પ્રોક્યોર કર્યું છે. આ ડ્રૉનનો જળ પોલીસ અને થલ પોલીસ દ્વારા પ્રયોગ કરવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આ ડ્રૉન પાણીની અંદર તો જઈ શકે છે સાથે પાણીની સપાટીની ઉપર 120 મીટર ઉપર પણ લક્ષ્યાંક પર નજર રાખી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું, "પહેલી વખત આ પ્રકારે ડ્રૉન પાણીમાં પણ કોઈ વ્યક્તિને કે કોઈ વસ્તુને લૉકેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. તે વ્યક્તિ કે ચીજવસ્તુને લૉકેટ કરે તે આપણે જોઈ શકીએ છીએ. જેથી જ્યાં તે વ્યક્તિ કે વસ્તુ હોય તેને ડીપડાઇવર્સની મદદથી કે અન્ય રૅસ્ક્યૂઅરની મદદથી ત્યાં સુધી પહોંચીને તેને બચાવી શકીએ કે તેને બહાર કાઢી શકીએ છીએ."
તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ ખબર આવે તો તેની ભાળ મેળવવા માટે અમે તેને ઓછામાં ઓછા સમયમાં તપાસ માટે મોકલી શકીએ છીએ.
હાલમાં પ્રયાગરાજ પોલીસ પાસે આ પ્રકારનું એક જ ડ્રૉન છે. પરંતુ જરૂર પડે તો તેઓ આ પ્રકારનાં બીજા અંડરવૉટર ડ્રૉન પણ ઉપલબ્ધ કરાવી શકે છે.
સ્નાન કરનારાની સુરક્ષા માટે બની ખાસ રણનીતિ

ઇમેજ સ્રોત, @airnewsalerts
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક પોલીસદળ પીએસી એટલે કે પ્રાદેશિક આર્મ્ડ કૉન્સ્ટેબ્લરી તથા એનડીઆરએફ એટલે કે નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમ પણ ગંગાના કિનારે તહેનાત કરવામાં આવશે.
આ પોલીસદળ 700 જેટલી ઝંડા લગાવેલી હોડી પર 24 કલાક તહેનાત રહેશે અને ગંગાસ્નાન કરનારા શ્રદ્ધાળુઓ પર નજર રાખશે. તેમની સાથે એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો પણ તહેનાત રહેશે.
પ્રયાગરાજ પોલીસે તમામ શ્રદ્ધાળુઓ પર નજર રાખવા માટે રિમોટ લાઇફ બૉય પણ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. જે થોડી જ વારમાં ક્યાંય પહોંચવા સક્ષમ છે. આ ઉપરાંત અનેક તરવૈયા પણ તૈયાર રાખવામાં આવ્યા છે જે સમય આવે ત્યારે કામ પર લાગી શકે છે.
આ ઉપરાંત 2700 જેટલા સીસીટીવી કૅમેરા લગાવશે, જેથી તમામ ગતિવિધિ પર નજર રાખી શકાય. પોલીસે 56 જેટલી સાયબર વૉરિયરની એક ટીમ પણ ઑનલાઇન ખતરાને ટાળવા માટે તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. તમામ પોલીસ સ્ટેશનોમાં સાઇબર હેલ્પ ડેસ્ક પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લગભગ દસ હજાર પોલીસકર્મી તહેનાત હશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















