દુનિયાનો એકમાત્ર જીવલેણ રોગ જેને મિટાવી દેવામાં માનવી સફળ થયો

    • લેેખક, મારિયા એલેના નવાસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

આફ્રિકામાં ઍમપૉક્સ (અગાઉ મંકીપૉક્સ તરીકે ઓળખાતી બીમારી) ફાટી નીકળવાના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટીની ઘોષણા કરી છે.

આ સમયે આપણે ચાર દાયકા કરતાં વધુ સમય પહેલાં શીતળા (સ્મૉલપૉક્સ)ના રોગનું શું થયું તેના પર નજર નાખીએ જે અત્યાર સુધીમાં નાબૂદ થયેલો એકમાત્ર રોગ છે.

શીતળા એ વિશ્વના સૌથી ભયંકર રોગ પૈકી એક હતો. એક અંદાજ મુજબ માત્ર 20મી સદીમાં તેના કારણે લગભગ 50 કરોડ લોકોનાં મોત થયાં હતાં.

શીતળા એ વાઇરસને કારણે થતો અત્યંત ચેપી રોગ હતો. તે મુખ્યત્વે ચેપગ્રસ્ત વ્યક્તિના નાક અથવા મોંમાંથી ઉચ્છવાસમાં છોડવામાં આવતા છાંટા મારફત ફેલાતો હતો.

તેનાં લક્ષણોમાં તાવ અને થાકનો સમાવેશ થતો હતો. આ રોગમાં પાછળથી ફોલ્લીઓ થતી અને ત્વચા પર દાણા ઊપસી આવતા હતા. તેના કાયમી ડાઘ રહી જતા હતા અને બચી જનારા લોકોએ ભયંકર વિકૃતિઓ સાથે જીવવું પડતું હતું.

30 ટકા જેટલા કેસમાં શીતળા જીવલેણ સાબિત થતો.

પરંતુ વિશ્વમાં આ ચેપ ઓછાંમાં ઓછાં 3,000 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યા પછી, 1980માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળાને સત્તાવાર રીતે નાબૂદ થયેલો જાહેર કર્યો હતો.

આ રીતે તે એકમાત્ર માનવ રોગ છે જેને સફળતાપૂર્વક નાબૂદ કરવામાં આવ્યો છે અને નિષ્ણાતો તેને વૈશ્વિક જાહેર આરોગ્યમાં સૌથી મોટી જીત ગણાવે છે.

લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન ખાતે ચેપી રોગના નિષ્ણાત પ્રોફેસર પોલ ફાઈને બીબીસી મુંડોને જણાવ્યું, "તે એક જબરદસ્ત સફળતા હતી."

તેમણે જણાવ્યું, "જાહેર આરોગ્યમાં મોટી સફળતાઓ મળી છે, જેમ કે સ્વચ્છ પાણી, એન્ટિબાયોટિક્સ અને બીજી ઘણી બધી જોગવાઈઓ સામેલ છે. પરંતુ નિર્વિવાદપણે આ એક બહુ મોટો વિજય હતો."

અત્યાર સુધીમાં નાબૂદ થયેલો એકમાત્ર માનવરોગ

આ રોગ કઈ રીતે નાબૂદ થયો? વૈશ્વિક જાહેર આરોગ્યમાં આવી સિદ્ધિ પછી ક્યારેય કેમ નથી મળી?

અમેરિકામાં યુનિવર્સિટી ઑફ મૅરીલૅન્ડ સ્કૂલ ઑફ મેડિસિન ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન વાઇરોલૉજીના પ્રોફેસર હોઝે ઍસ્પાર્ઝાએ બીબીસી મુન્ડોને જણાવ્યું હતું કે, "સૌથી પહેલાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે રોગ નિયંત્રણના ચાર સ્તર હોય છે."

"પ્રથમ સ્તર નિયંત્રણ છે: રોગ જ્યારે લોકોમાં હોય છે, પરંતુ ચોક્કસ પગલાંથી તે નીચા સ્તરે રહે છે જેથી નિયંત્રણમાં રાખી શકાય છે."

"ત્યાર પછી વિલોપન આવે છે: જ્યારે રોગ વિશ્વના એક ભાગમાંથી અદૃશ્ય થઈ જાય છે, પરંતુ બીજા પ્રદેશોમાં તે ચાલુ રહે છે."

"ત્યારબાદ નાબૂદી આવે છે: જ્યારે રોગને વિશ્વભરના નકશા પરથી ભૂંસી નાખવામાં આવે છે. ત્યાર પછી લુપ્તતાનું સૌથી ઉચ્ચ સ્તર આવે છે, જ્યારે તે રોગના એજન્ટ અથવા વાયરસ પ્રકૃતિમાં કે પ્રયોગશાળામાં પણ અસ્તિત્વમાં નથી રહેતા."

"તેથી શીતળા એ એકમાત્ર માનવ રોગ છે જે નાબૂદ થયો," તેમ તેઓ ઉમેરે છે.

બીજો એક રોગ પણ નાબૂદ થઈ ગયો છે, પરંતુ તે પ્રાણીઓનો રોગ છે: રિન્ડરપેસ્ટ.

રોગની નાબૂદીનો માર્ગ

શીતળાનો છેલ્લો કેસ 1977 માં સોમાલિયામાં નોંધાયો હતો.

ત્યાર પછી યુનાઇટેડ કિંગડમમાં 1978માં પ્રયોગશાળામાં ચેપને કારણે થયેલા એક કેસને બાદ કરતાં આ રોગનો કોઈ નવો ચેપ મળ્યો નથી.

પરંતુ શીતળાને નાબૂદ કરવાનો માર્ગ 200 વર્ષ પહેલાં ખુલ્યો હતો. તે સમયે બ્રિટિશ વૈજ્ઞાનિક ઍડવર્ડ જેનરની વિખ્યાત શોધથી 1796માં શીતળાની રસી વિકસાવવામાં આવી હતી.

તમે કહી શકો કે તે પ્રથમ માનવ રસી હતી.

19મી સદી દરમિયાન ઘણા દેશોમાં શીતળાનું રસીકરણ નિયમિત થઈ ગયું હતું અને 20મી સદીના મધ્ય સુધીમાં તે વિશ્વના દરેક દેશમાં પહોંચી ગઈ હતી.

ડબ્લ્યુએચઓની શીતળા નાબૂદી ઝુંબેશમાં હિસ્સો રહી ચૂકેલા પૉલ ફાઇન કહે છે કે, "શીતળામાં ખૂબ જ ઊંચો મૃત્યુદર હતો. તે ખૂબ જ ભયજનક રોગ હતો."

"1950ના દાયકા સુધીમાં વિશ્વના તમામ સમૃદ્ધ દેશો આ રોગને નાબૂદ કરવામાં સફળ થયા હતા. તેથી જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી WHOની રચના કરવામાં આવી ત્યારે તેણે શીતળાની નાબૂદીને તેના મુખ્ય લક્ષ્ય પૈકી એક તરીકે નક્કી કરવામાં આવ્યું."

WHOએ 1967માં એક દાયકાની અંદર આ રોગને નાબૂદ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો અને તે વર્ષથી આ લક્ષ્યને હાંસલ કરવાની ઝુંબેશ શરૂ થઈ.

શીતળા નાબૂદી અભિયાન જ્યારે શરૂ થયું ત્યારે વિશ્વભરમાં શીતળાથી 27 લાખ લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં.

પૉલ ફાઇને બીબીસી મુંડોને જણાવ્યું કે, "આખરે 1978માં નાબૂદીનું લક્ષ્ય પ્રાપ્ત થયું હતું અને ત્યાં સુધીમાં રસીના વૈશ્વિક અને અસરકારક ઉપયોગના પરિણામે શીતળા ઝડપથી અદૃશ્ય થતો જોવા મળ્યો."

નિષ્ણાતો એ બાબતે સહમત છે કે શીતળાના રોગ સામે અત્યંત અસરકારક રસી શોધાવાના કારણે તેને નાબૂદ કરી શકાયો હતો.

પરંતુ અન્ય પરિબળો પણ હતાં જેણે આ નાબૂદીને સરળ બનાવી હતી.

પ્રોફેસર ડેવિડ હેમેન લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિન ખાતે ચેપી રોગના નિષ્ણાત છે અને ભારતમાં શીતળા નાબૂદી કાર્યક્રમમાં તેઓ સામેલ હતા.

બીબીસી મુંડોને તેમણે જણાવ્યું કે શીતળાને નાબૂદ કરવાનું "સરળ લક્ષ્ય" હતું.

પ્રોફેસર હેમેન કહે છે, "સૌપ્રથમ શીતળાનો દરેક ચેપ જોઈ શકાતો હતો. દર્દીમાં રોગનાં શારીરિક લક્ષણો સ્પષ્ટ દેખાતાં હતાં અને રોગ તે મુજબ જ વર્તન કરતો હતો. આ ઉપરાંત તેમાં કોઈ લક્ષણ વગરના ચેપ ન હતા."

"તેથી તેને નાબૂદ કરવું સરળ હતું કારણ કે તમે દર્દીઓને શોધી શકો છો અને તેમને અલગ કરી શકો છો. ત્યાર પછી તમે તેના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમને રસી અપાવશો. તેથી ચોક્કસ વિસ્તારમાં કોઈ કેસ બાકી રહેતા ન હતા."

"તેમાં 'શોધો અને નિયંત્રણ કરો' ની વ્યૂહરચના અપનાવાઈ હતી," તેમ નિષ્ણાત કહે છે.

રોગ નાબૂદીની શરતો

ત્યાર પછી શીતળાના વાઇરસની નાબૂદી માટે આદર્શ પરિસ્થિતિઓ હતી જેમ કે વાઇરોલૉજિસ્ટ હોઝે ઍસ્પર્ઝા સમજાવે છે.

નિષ્ણાત કહે છે, "ઘણી શરતો હોય છે: એક કે લક્ષણ વગરનો કોઈ ચેપ હોવો ન જોઈએ. એવી કોઈ વ્યક્તિ હોવી ન જોઈએ જેને ખબર ન હોય કે તેને ચેપ લાગ્યો છે અને તે વાઇરસનો ચેપ ફેલાવતી હોય. બીજી શરત એ કે તે ક્રૉનિક કેસ હોવા ન જોઈએ. એટલે કે દર્દી આખા જીવન દરમિયાન ચેપ ફેલાવે તેવું ન બને."

"બીજી ખૂબ જ મહત્ત્વપૂર્ણ શરત એ છે કે પ્રાણીઓમાં પણ રોગ હોવો ન જોઈએ. કારણ માનવીમાં ચેપને નિયંત્રિત કરી શકાય છે પરંતુ પ્રાણીઓમાં ચેપ રહે છે. ત્યાર પછીની શરત એ કે વાયરસમાં ઍન્ટિજેનિક પ્રકારો હોવા ન જોઈએ. એક જ પ્રકારનો વાયરસ હોવો જોઈએ."

"પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વાયરસ સામે અસરકારક રસી છે. શીતળાના કિસ્સામાં આ તમામ શરતો લગભગ સંપૂર્ણ રીતે પૂરી થઈ હતી," તેમ ઍસ્પર્ઝાએ બીબીસી મુંડોને જણાવ્યું.

પરંતુ નાબૂદ કરવાના પ્રચંડ પ્રયાસો કરવા છતાં આ "લગભગ પરફેક્ટ" પરિસ્થિતિઓ અન્ય રોગોમાં જોવા મળી નથી.

ડબ્લ્યુએચઓ પાસે હાલમાં પોલિયો, મેલેરિયા, ઓરી અને રૂબેલા જેવા રોગોને દૂર કરવાનાં લક્ષ્યાંકો છે. પરંતુ તેમાંથી કોઈ પણ નાબૂદી માટે જરૂરી શરતોને પૂર્ણ કરતું નથી.

પૉલ ફાઇને બીબીસી મુંડોને જણાવ્યું કે, "અમે હાલમાં જેને કાબૂમાં રાખવા અથવા નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેવા ઘણા રોગો કરતાં શીતળા એક સરળ લક્ષ્ય હતું."

"શીતળાના દર્દીને દરેક વ્યક્તિ ઓળખી શકે છે, પરંતુ પોલિયો જેવા રોગમાં મોટાભાગના ચેપ તબીબી રીતે દેખાતા નથી. તેથી મોટા ભાગના ચેપ ફરતા રહે છે અને પકડી શકાતા નથી. પોલિયોની આ એક મોટી સમસ્યા છે."

"પરંતુ પોલિયોની રસી શીતળાની રસી જેટલી અસરકારક નથી," તેમ તેમણે ઉમેર્યું.

શીખવા મળેલા બોધપાઠ

શીતળાની નાબૂદીએ દર્શાવ્યું કે રોગ સામે લડવા માટે માત્ર વૈજ્ઞાનિક પ્રયાસોથી સફળતા નથી મળતી.

આરોગ્યનાં અભિયાનો સફળ કરવાં હોય તો તેના માટે મોટા પાયે રાજકીય, આર્થિક અને સામાજિક પ્રયાસો પણ જરૂરી છે.

નિષ્ણાતો માને છે કે શીતળાની નાબૂદીમાં શીખવા મળેલો કદાચ સૌથી મોટો પાઠ આંતરરાષ્ટ્રીય સહકારના મહત્ત્વનો છે.

ડેવિડ હેમેને જણાવ્યું કે, "શીતળા નાબૂદ થયો ત્યારે શીત યુદ્ધ ચરમસીમાએ હતો. છતાં આ કાર્યક્રમમાં સામેલ લોકોએ સોવિયેત યુનિયન સહિત વિશ્વભરના લોકો સાથે કામ કર્યું હતું."

તેઓ કહે છે, "જો વિશ્વ સાથે મળીને કામ કરે તો ચેપનો સામનો કરવા માટે ઘણું કરી શકાય છે, ભલે પછી તે રોગની નાબૂદીનો કાર્યક્રમ હોય કે રોગચાળા સામે લડવાનો કાર્યક્રમ હોય."

પૉલ ફાઇન પોતાના તરફથી આ મુદ્દે સંમત છે.

તેઓ કહે છે, "જ્યારે નાબૂદી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો ત્યારે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જબરદસ્ત ઘર્ષણ ચાલતું હતું. પરંતુ વિશ્વ સંગઠિત થયું અને નાબૂદી કાર્યક્રમને 100 ટકા સમર્થન મળ્યું."

*આ અહેવાલ 2020માં બીબીસી મુન્ડો પર પ્રકાશિત થયો હતો અને તેને અપડેટ કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.