ગિરનારની આસપાસનાં ગામોમાં માંકડાંનાં ટોળાં ક્યાંથી આવી ચડ્યાં અને લોકો કેમ ચિંતામાં?

વાંદરા, માકડાં, ગુજરાત, બીબીસી ગુજરાતી, જૂનાગઢ, ગિરનાર
ઇમેજ કૅપ્શન, જૂનાગઢના છોડવડી ગામે સમાજવાડીની છત પર મંગળવારે ફરી રહેલ એક માંકડું
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

જૂનાગઢ શહેર, ભેસાણ અને વિસાવદર વચ્ચે પથરાયેલા ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહોએ કાયમી વસવાટ કર્યો છે. મે 2025ની સિંહ વસ્તીગણતરી અનુસાર ગિરનારના જંગલમાં 54 સિંહો નોંધાયા હતા.

ગિરનાર પર્વત ઉપરાંત ઊંચી ટેકરીઓવાળા આ જંગલનું વાનસ્પતિક વૈવિધ્ય પણ વખણાય છે. ગુજરાત વનવિભાગની વેબસાઈટ અનુસાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં સિંહો ઉપરાંત દીપડા, ચિતલ, હનુમાન લંગુર (વાંદરા), ઘોરખોદિયાં સહિતની 30 પ્રજાતિનાં સસ્તન પ્રાણીઓ, 33 પ્રજાતિના સરીસૃપો અને 179 પ્રજાતિના પક્ષીઓ વસે છે.

પરંતુ છેલ્લા એક-દોઢ મહિનાથી ગિરનારના જંગલની પૂર્વ સરહદે સ્થાનિક પ્રજાતિ ન ગણાતાં વાંદરાંનાં મોટાં ટોળાં દેખાઈ રહ્યાં છે. વન્યજીવ જાણકારોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સ્થાનિક ન ગણાતાં આ વાંદરાં 'માંકડાં' હોવાનું જણાય છે.

જાણકારોને ભીતિ વ્યક્ત છે કે તેમના આવવાથી ગિરનારના જંગલમાં વસતાં પ્રાણીઓમાં બીમારીઓ ફેલાઈ શકે છે અને જંગલની ઇકૉસિસ્ટમ ખોરવાઈ શકે છે.

સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે આ વાંદરાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર નિયંત્રણ ધરાવતી અંબાણી પરિવારના સભ્યોની જ્યાં અવરજવર રહે છે તેવા ગિરનારના જંગલને અડીને આવેલા પાટવડ ગામના એક રિસૉર્ટમાંથી છોડવામાં આવ્યાં છે, પરંતુ રિલાયન્સે આ દાવાને ફગાવી દીધો છે.

બીજી તરફ, વન વિભાગે પણ આ ઘટના બાબતે સક્રિય થઈ બહારથી આવી ચડેલા માંકડાંને પકડીને પાંજરે પૂરવાનું શરૂ કર્યું દીધું છે.

માંકડાં ક્યાં-ક્યાં દેખાયાં છે?

વાંદરા, માકડાં, ગુજરાત, બીબીસી ગુજરાતી, જૂનાગઢ, ગિરનાર
ઇમેજ કૅપ્શન, છોડવડી ગામે સમાજવાડીની છત પર મંગળવારે ફરી રહેલ માંકડનું એક ટોળું

ગિરનાર જંગલની સરહદ પર આવેલા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગ્રામજનો જણાવે છે કે, ભેસાણ તાલુકાનાં પાંચેક ગામોમાં માંકડાં છેલ્લા એક-દોઢ મહિનાથી દેખાઈ રહ્યાં છે.

છોડવડી ગામના આગેવાન મનુભાઈ પાઘડાળે જણાવ્યું કે, "અમારા ગામમાં છેલ્લા એક-દોઢ મહિનાથી લાલ મોઢાવાળાં વાંદરાંનાં ટોળાં આવી ચડ્યાં છે અને ગામમાં જ ધામા નાખ્યા છે. છોડવડી નજીક આવેલા કરિયા, સામતપરા, મંડલીકપુર, નવા વાઘણીયા વગેરે ગામોમાં પણ આવાં જ વાંદરાંનાં મોટાં ટોળાં ફરી રહ્યાં છે. અમારું ગામ ગિરનારના જંગલથી બે કિલોમીટર દૂર આવેલું છે. બીજાં ગામો પણ ગિરનારના જંગલની સરહદનાં ગામો છે." મનુભાઈનાં પત્ની રેખાબેન પાઘડાળ છોડવડી ગામના સરપંચ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વધારે વાત કરતા મનુભાઈએ જણાવ્યું કે, "માંકડાંનાં ટોળાં ગામના સ્મશાન, બસ સ્ટેન્ડ તેમજ ખાનગી મકાનો પર આંટાફેરા કર્યા કરે છે અને ખોરાક શોધતાં રહે છે. તેઓ સોલાર પેનલ માટે લગાડેલી પ્લેટો, વાયર અને પાણીની નાની પાઈપલાઈનો તોડી રહ્યાં છે. ખેતીવાડીમાં પણ તેઓ નુકસાન કરી રહ્યાં છે, ખાસ કરીને તુવેરના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે. અમે વનવિભાગને આ બાબતે ફરિયાદ કરતાં તેઓ પાંજરાં લઈને માંકડાંને પકડીને જૂનાગઢના સક્કરબાગ ખાતે લઈ જઈ રહ્યા છે."

મનુભાઈએ દાવો કર્યો કે રિલાયન્સે આ માંકડાં છોડ્યાં છે. મનુભાઈએ બીબીસીને કહ્યું, "દોઢેક મહિના પહેલાં રિલાયન્સમાં કંઈક પ્રસંગ હતો ત્યારે ત્યાં પોપટ, વાંદરાં વગેરે લઈ આવેલા. ત્યાંથી આ નીકળી ગયાં છે."

સામતપરા ગામના આગેવાન ધીરુભાઈ રાઠોડ પણ ફરિયાદ કરતાં કહે છે કે, "આ નવા આવેલાં વાંદરાં ફાર્મહાઉસ અને બગીચાને નુકસાન પહોંચાડી રહ્યાં છે તેમજ ખેતીના ઊભા પાકોને નુકસાન કરી રહ્યા છે. અમારું ગામ ગિરનારના જંગલની બૉર્ડર પર છે અને જંગલમાં ઘણાં બધાં વાંદરાં છે, પરંતુ તે ક્યારેય અમારા ગામમાં આવતાં નથી."

સામતભાઈએ પણ દાવો કર્યો કે માંકડાં રિલાયન્સમાંથી આવ્યાં છે. તેમણે બીબીસીને કહ્યું, "લગભગ 500 વાંદરાં રિલાયન્સે બહાર કાઢી નાખ્યાં છે અને તે અમારા ગામ અને આજુબાજુનાં ગામોમાં દેખાઈ રહ્યાં છે. આ વાતને દોઢેક મહિનો થઈ ગયો છે. પાટવડ ગામ અમારા ગામના સીમાડે આવેલું છે અને ત્યાં જ રિલાયન્સનું ફાર્મ છે. અમે રિલાયન્સના એજન્ટને પણ આ બાબતે રજૂઆત કરી છે."

વન્ય જીવ કર્મશીલોમાં ચિંતા કેમ છે?

વાંદરા, માકડાં, ગુજરાત, બીબીસી ગુજરાતી, જૂનાગઢ, ગિરનાર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, દામોદર કુંડ પાસે ગિરનારનું જંગલ

ગીર અને ગિરનારનાં જંગલોમાં વર્ષો સુધી ભ્રમણ કરનાર જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને વન્ય જીવ નિષ્ણાત ભૂષણ પંડ્યા કહે છે કે, "ગિરનારના સિંહોના રહેઠાણ નજીક આટલી મોટી સંખ્યામાં બિન-સ્થાનિક પ્રજાતિનાં પ્રાણીઓનું આવી ચડવું એ ચિંતાનો વિષય છે." તેમણે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે આ માંકડાં ગિરનારના પરિસરતંત્રને ખોરવી શકે છે.

ભૂષણ પંડ્યાએ ચિંતા વ્યક્ત કરી છે કે, "બહારથી આવેલાં માંકડાં રોગના જીવાણુઓ અને વાયરસના વાહક હોઈ શકે છે, જે એશિયાઈ સિંહો માટે ઘાતક નીવડી શકે છે." આ ઉપરાંત, માંકડાં ઉગ્ર સ્વભાવનાં અને મિશ્રાહારી હોવાથી મનુષ્યો, ખાસ કરીને બાળકો પર હુમલા કરી શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

પંડ્યાના મતે આ પ્રજાતિ મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ભારતમાં વસે છે. આરક્ષિત વિસ્તારોમાં બહારની પ્રજાતિનું એક ઘાસનું તણખલું પણ આવે તો તે સમગ્ર ઇકૉસિસ્ટમ માટે ચિંતાજનક છે. બહારથી આવેલી પ્રજાતિ સ્થાનિક પ્રજાતિ સાથે ગંભીર હરીફાઈ કરે છે, જે સ્થાનિક વન્યજીવો માટે ભયજનક છે.

આટલાં બધાં માંકડાં આવ્યાં ક્યાંથી?

વાંદરા, માકડાં, ગુજરાત, બીબીસી ગુજરાતી, જૂનાગઢ, ગિરનાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માંકડાં તેના બચ્ચા સાથે

સામાન્ય રીતે કોઈ વાંદરો કે માંકડું વાહનમાં ફસાઈ જવાથી દૂર પહોંચી જવાના બનાવો બનતા હોય છે, પરંતુ તેની સંખ્યા એકલ-દોકલ હોય છે.

અહીં તો માંકડાંનાં આખેઆખાં ટોળાં દેખાયાં છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે પાટવડ ગામે આવેલા રિલાયન્સના એક રિસૉર્ટમાંથી આ માંકડાં આવ્યાં છે.

સ્થાનિક લોકોએ કરેલા આક્ષેપો બાબતે બીબીસીએ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ બાબતોના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ગામલોકોના દાવાને રદિયો આપ્યો.

પરિમલ નથવાણીએ કહ્યું, "અમારે આ ઘટના સાથે કશી લેવાદેવા નથી અને એ વાંદરાં અમે લાવ્યાં નથી. અમારા કૅમ્પસમાં પણ અમારી પાસે આવાં વાંદરાં નથી."

ગુજરાતના વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડિયાએ બીબીસીને મંગળવારે જણાવ્યું કે આ બાબત તેમના ધ્યાને પણ મૂકવામાં આવી છે.

તેમણે કહ્યું, "આજે અમે અધિકારીઓને બોલાવ્યા છે. તેમની સાથે મીટિંગ કરી આ બાબતે શું કરવું તેનો નિર્ણય કરીશું."

વનવિભાગે વાંદરાં પકડવાનું ચાલુ કર્યું

વાંદરા, માકડાં, ગુજરાત, બીબીસી ગુજરાતી, જૂનાગઢ, ગિરનાર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ગિરનારનું એક દ્રશ્ય

જૂનાગઢ ટેરીટોરિયલ ફૉરેસ્ટ ડિવિઝનના નાયબ નવસંરક્ષક અક્ષય જોશીએ મંગળવારે બીબીસીને જણાવ્યું કે વનવિભાગે તે ગામોમાં પાંજરાં મૂકી માકડાંને પકડવાનું ચાલુ કરી દીધું છે, પરંતુ ઉમેર્યું કે ગામલોકો માંકડાંના જે આંકડા આપે છે તેમાં અતિશયોક્તિ છે.

તેમણે કહ્યું કે "અત્યાર સુધીમાં 12 જેટલાં માંકડાં પકડાયાં છે. વિસ્તારમાં 70થી 100 માકડાં હોવાના અહેવાલ છે અને આ માંકડાં ક્યાંથી આવ્યાં તેની તપાસ ચાલી રહી છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે જ્યાં મદારીઓએ પ્રાણીઓને છોડી દીધા હોય, પરંતુ આ વખતે સંખ્યા મોટી હોવાથી ઊંડી તપાસ જરૂરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન