હમાસને ખતમ કર્યા બાદ ગાઝાનું ઇઝરાયલ શું કરશે? 3 સ્ટેપમાં સમજો આખો પ્લાન

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, હેન્રી એસ્ટિયર
    • પદ, બીબીસી ન્યૂઝ

ઇઝરાયલનું કહેવું છે કે ગાઝામાં એના સૈન્યઅભિયાનનો લાંબા ગાળાનો ઉદ્દેશ સંબંધિત પ્રદેશ સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો છે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોઆવ ગૅલન્ટે શુક્રવારે જાહેર કર્યું હતું કે એકવાર હમાસની હાર થઈ જાય પછી ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં રહેતા લોકો મામલેની તમામ જવાબદારીઓનો અંત લાવવા માગે છે.

બંને વચ્ચે સંઘર્ષ પહેલાં ઇઝરાયલ ગાઝાને જરૂરી મોટા ભાગની ઊર્જા પૂરી પાડતું હતું અને પ્રદેશમાં થતી આયાત પર નિયંત્રણ રાખતું હતું.

ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલા ચાલુ છે એવા સમયે ગૅલન્ટનું નિવેદન આપ્યું છે.

7 ઑક્ટોબરે ઇઝરાયમાં હમાસે કરેલા હુમલામાં લગભગ 1400 લોકોનાં મૃત્યુ થયાં છે અને 200 લોકોને બંધક બનાવાઈ લેવાયા હતા. વળતો જવાબ તરીકે ઇઝરાયલ હવાઈ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલ હવે ગાઝા સામે જમીની માર્ગે પણ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગ્રે લાઇન

ગાઝાનું ઇઝરાયલ શું કરશે : 3 તબક્કાનો પ્લાન

હુમલા

ઇમેજ સ્રોત, EPA

શુક્રવારે ગૅલન્ટે સંસદીય સમિતિ સમક્ષ જાહેરાત કરી કે :

  • અભિયાનનો પહેલો તબક્કો હમાસના માળખાને નષ્ટ કરવાનો હશે.
  • તેમણે એવું પણ ઉમેર્યું કે બાદની યોજના 'વિદ્રોહી વિસ્તારો'ને ખતમ કરવા માટે 'ઓછી તિવ્રતા ધરાવતાં અભિયાનો' હાથ ધરશે.
  • એ બાદના ત્રીજા તબક્કામાં, “ગાઝાપટ્ટીમાં ઇઝરાયલની જે જવાબદારી છે એ ખતમ કરવી પડશે અને ઇઝરાયલના નાગરિકો માટે નવી સુરક્ષાવ્યવસ્થા ઊભી કરવી પડશે.”

નોંધનીય છે કે વર્ષ 2005માં ઇઝરાયલે ગાઝામાંથી કબજો છોડી દીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર ગાઝાને વેસ્ટ બૅન્ક અને પૂર્વ જેરુસલેમની સાથોસાથ કબજે કરાયેલો એક પ્રદેશ ગણે છે અને ઇઝરાયલને આ પ્રદેશના લોકોની મૂળભૂત જરુરિયાતો પૂરી કરવા માટે જવાબદાર ગણે ચે.

ઇઝરાયલ પહેલાં ગાઝાના લોકોને કામ માટે સરહદ પાર કરવાની મંજૂરી આપતું હતું. પ્રદેશમાં થતી નિકાસને પણ તે નિયંત્રિત કરતું અને હમાસને હથિયારો ના મળે એની તકેદારી પણ રાખતું હતું.

ગ્રે લાઇન

ગાઝાને માનવતાવાદી સહાય મળી?

ટૅન્ક

ઇમેજ સ્રોત, REUTERS

7મી ઑક્ટોબરના હુમલા પછી ઇઝરાયલે ગાઝાનો વીજપુરવઠો અટકાવી દીધો છે. આ ઉપરાંત પાણી, ખોરાક તથા દવાઓનો પુરવઠો પણ અટકાવી દેવાયો હતો. પરંતુ હવે સહાય સાથેનો કાફલો ગાઝા પહોંચી ગયો છે. યુએન આ સ્થિતિને ખૂબ જ વિનાશક ગણાવી હતી.

અમેરિકા અને ઇજિપ્તે એક સમજૂતી કરી છે જેનાથી ગાઝામાં કેટલીક સહાય પ્રવેશી શકે.

ગત શુક્રવારે દક્ષિણ ગાઝામાં 20 ટ્રકનો પહેલો કાફલો પ્રવેશ્યો હતો અને એને ઇજિપ્ત સરહદ સાથે જોડાયેલી રફાહ સરહદ ક્રૉસિંગ મારફતે મોકલવામાં આવ્યો હતો.

આ દરમિયાન ગાઝામાં હજુ વધારે મદદની જરૂર હોવાનું માનવતાવાદી સંગઠનોનું કહેવું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝે શુક્રવારે સરહદ ક્રૉસિંગની મુલાકાત લીધી હતી અને પ્રદેશમાં ટ્રકોને પ્રવેશવા દેવા આગ્રહ કર્યો હતો.

તેમણે કહ્યું, “આ માત્ર સામાન્ય ટ્રક નથી. તે જીવનરક્ષક સામગ્રી છે. ગાઝામાં ઘણા લોકો માટે જિંદગી અને મૃત્યુ નક્કી કરનારો પુરવઠો છે. અમે ઇચ્છીએ છીએ કે તેને અંદર જવા દેવામાં આવે.”

ગાઝા અને ઇઝરાયલનો નકશો

આ દરમિયાન વેસ્ટ બૅન્કમાં શાસન ચલાવનારી પેલેસ્ટાઇનિયન નેશનલ ઑથોરિટીના પ્રમુખ મોહમદ અબ્બાસે હમાસથી અલગ મત ધરાવતા હોવાની વાત કરી છે અને એ સાથે જ શનિવારે કૈરોમાં યોજાઈ રહેલી શિખર બેઠકમાં તેમણે ભાગ પણ લીધો. આ બેઠક યુદ્ધવિરામના ઉદ્દેશ સાથે યોજવામાં આવી હતી.

ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ અપટ્ટાહ અલ સિસી દ્વારા બેઠકની યજમાની કરાઈ હતી. તેઓ ઇઝરાયલ અને પેલેસ્ટઇન વચ્ચોનો સંઘર્ષ રોકવા માટે બેઠક કરી રહ્યા છે.

આ બેઠકમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ દ્વિતીય, બેહરિનના રાજા, કુવૈતના રાજકુમાર અને કતારના આમિર, સ્પેનની સરકારના પ્રમુખ પેદ્રો સેન્ચેઝ, ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુરોપિયન દેશોના વિદેશ મંત્રીઓ તથા જાપાન, રશિયા, ચીન અને યુરોપિયન યુનિયનના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

રેડ લાઇન
રેડ લાઇન