અમદાવાદ : ચંડોળા તળાવ વિસ્તારમાં કથિત બાંગ્લાદેશીઓનાં ઘરો પર બુલડોઝર ફરી વળ્યાં બાદ કેવી પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
આશરે 60 વર્ષનાં હફીઝાબાનો શેખના માથે છત નથી રહી, આસમાનથી જાણે અગનવર્ષા થઈ રહી છે, ધરાશાયી થયેલાં મકાનનો કાટમાળ તેમની સામે પડ્યો છે અને તેઓ કહે છે કે 24 કલાકથી પેટમાં અન્નનો દાણો ગયો નથી.
તેમની આંખના આંસુ રોકાતા નથી, હાફીઝાબાનો ઘડીકમાં પોતાના ઘરના કાટમાળને જુએ છે તો ઘડીકમાં પોતે જે કંઈ બચાવી શક્યાં છે, તે ઘરવખરીને જુએ છે, સંભાળે છે.
ચંડોળા તળાવનાં કથિત ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યાં બાદ બીજે દિવસે આવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
લોકો પોત-પોતાના સામાનને લઈને એક સ્થળેથી બીજે સ્થળે ફરી રહ્યા છે, તો ઘણા લોકો, ખુલ્લા મેદાનમાં ખાટલો, ચાદર, લાકડા, કબાડ જે મળે તેની આડશ લઈને 42 ડિગ્રી તાપમાનમાં તડકાથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
એકાદ સંસ્થાઓ પાણી અને ભોજન આપવા માટે બીજે દિવસે જરૂર દેખાઈ હતી, પરંતુ લોકો પોતાનો સામાન સંભાળવા, જે કંઈ બચાવી શકાય તે બચાવવા માટે પ્રયત્નશીલ હતા.
ચંડોળા તળાવના સિયાસતનગર, ફૂલગીરિના છાપરા અને નવાબનગર જેવા વિસ્તારોની અનેક ઝૂંપડીઓ મંગળવાના રોજ વહેલી સવારે તોડી પાડવામાં આવી હતી.
અમદાવાદ શહેરના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે એક પ્રેસ વાર્તામાં કહ્યું હતું કે, "2022માં આ વિસ્તાર અલ કાયદાના આંતકવાદીઓ પકડાયા હતા અને હાલમાં પોલીસને શંકા છે કે, આ વિસ્તારમાં ફરીથી કોઈ મૂવમેન્ટ થઇ શકે છે. બાંગ્લાદેશમાં બદલાયેલી સરકારને કારણે અહીં સ્લીપર સેલ ઍક્ટિવ થઈ શકે, માટે આ કામગીરી કરવામાં આવી હતી."
બીજી બાજુ વસાહતમાં રહેતા અનેક લોકો સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી તો તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નાગરિકો છે અને પોતાની નાગરિકતા સાબિત કરવા માટેના દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ વેગેર બતાવવા લાગ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
જેમ કે, એક લાકડીના સહારે ચાદર સાથે ઊભો ખાટલો મૂકીને તડકાથી બચવાનો અસફળ પ્રયાસ કરતા અંજુમ શેખે બીબીસી ગજુરાતી સાથે વાત કરતા કહ્યું કે, "એ સામે જે ઝાડ દેખાયને તે જ મારું ઘર. હવે બસ તે જ રહી ગયું છે અને આ સામાન."
"અમને ખબર નથી પડી રહી કે આ સામાન લઈને અમે ક્યાં જઈશું, થોડો ઘણો સામાન અમે અમારા સંબંધીઓના ઘરે મૂક્યો છે, બાકીનો સામાન ક્યાં લઈ જવો તેની કંઈ જ ખબર પડી નથી રહી. ગઈકાલથી અમે કંઈ જ ખાધું નથી અને મારાં બાળકો પાણી સાથે બિસ્કિટ ખાવા માટે મજબૂર થયાં હતાં. હવે અમુક સેવાભાવી લોકો ખાવાનું આપી ગયા છે."
મકાન તોડી પાડ્યાના 30 કલાક બાદ પણ ઘણા લોકો પોતાના ઘરના કાટમાળથી સામાનને શોધવા, તેને સારી રીતે મૂકવા, પતરાં, લોખંડ, બારી-બારણાં જે મળી શકે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજી બાજુ ભંગારવાળા મકાનોનાં પતરાં ખરીદવા માટે તૈયાર હતા, માટે લોકો પોતાનાં ઘરનાં પતરાં પણ વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મકાન ભાડે કોઈ આપતું નથી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમુક લોકો હજી સુધી ચંડોળા તળાવના મેદાનમાં જ બેઠા છે તો અમુક લોકો આસપાસના વિસ્તારોમાં મકાન ભાડે લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે ઇરફાન શેખ. તેઓ દિવસ દરમિયાન ઘણી જગ્યાએ મકાન લેવા માટે ફરી આવ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "લોકો 20 હજારથી 30 હજાર જેટલી ડિપોઝિટ માગી રહ્યા છે, કારણ કે આસપાસના વિસ્તારોમાં મકાનનું ભાડું વધી ગયું છે. મારું બધું મેળવી દઉં તો પણ મારી પાસે સાત હજારથી વધારે રકમ નથી, આવી પરિસ્થિતિમાં મારે તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી."
તેઓ વધુમાં કહે છે કે, "મકાનની નાની-નાની ખોલીઓના સાતથી દસ હજાર રૂપિયા જેટલું ભાડું છે, આવામાં મારા આ આઠ માણસના પરિવારને લઈને હું ક્યાં જઈશ."
60 વર્ષનાં હઝીઝાબાનોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે.
લગભગ 20 વર્ષ પહેલાં તેમના પતિનું મૃત્યુ થઈ ગયું હતું, તેમને કોઈ સંતાન પણ નથી.
અઠવાડિયામાં ત્રણ દિવસ તેઓ ભીખ માંગીને, તો બે દિવસ લોકોનાં ઘરોમાં ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
તેઓ કહે છે કે, વર્ષો સુધી રૂપિયો રૂપિયો ભેગો કરીને તેમણે પોતાના માટે એક નાનું ઘર બનાવ્યું હતું, હવે તે ઘર રહ્યું નથી.
મંગળવારના દિવસે જ્યારે તેમના ઘર પર બુલડોઝર ચાલી રહ્યું હતું, તે પહેલાં આંખોમાં આસું સાથે તેઓ સતત જે સામાન બચી શકે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
બીજે દિવસે પોતાનાં આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સાથે, જ્યારે તેઓ બીબીસીને ફરીથી મળ્યાં તો તેમણે કહ્યું કે, "મારો કોઈ જ સહારો નથી, બંગાળમાં મારું ઘર નદીમાં ડૂબી ગયું હતું, હું વર્ષોથી અહીં આવી ગઈ છું. હવે મને અહીંથી કાઢે છે તો મને ખબર જ નથી પડી રહી કે હું ક્યાં જાઉં."
હવે દબાણ ખસેડવાની કામગીરી રોકી દેવામાં આવી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું કે, "આ સમગ્ર ઘટના સંદર્ભે અમે ગૃહરાજ્ય મંત્રી, તેમ જ મુખ્ય મંત્રીને મળીને રજૂઆત કરી હતી. અમે તેમને કહ્યું હતું કે આ કામગીરીને કારણે જે લોકો બાંગ્લાદેશી નથી, જેમને પોલીસે જ છોડી મૂક્યા છે, તેવા લોકોનાં મકાનો પણ તૂટી રહ્યાં છે.
"તેમણે અમારી રજૂઆત ધ્યાને લીધી અને આ તોડફોડ બંધ કરી દીધી."
પઠાણે એ પણ કહ્યું કે, "એ વાતથી ઇન્કાર નથી, કે અહીંયા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છુપી રીતે રહેતા હતા. તેવા લોકો સામે કાર્યવાહી થવી જ જોઈએ, અને દેશની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની છૂટછાટ ન હોવી જોઈએ, પરંતુ તેની સાથે સાથે જે ભારતીય નાગરીકો છે, જે બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોથી અહીં આવ્યાં છે, તેવા લોકોને હેરાનગતિ ન થવી જોઈએ."
કેમ તોડવામાં આવ્યાં છે મકાનો?
અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને સાથે મળીને આ મકાનો તોડવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે કહ્યું હતું કે, "આ વિસ્તારમાં ડ્રગનાં રૅકેટ પકડાયાં છે, દેહવેપાર, જુગાર, દારૂ વગેરે જેવા અનેક ગેરકાયદેસર કામો થતાં હતાં."
"તેની સાથે સાથે બંગ્લાદેશમાં બદલાયેલી સરકાર બાદ આતંકવાદના ગુનામાં પકડાયેલા અમુક લોકોને છોડી દેવામાં આવ્યા હતા, ત્યાર બાદ એવાં ઇનપુટ હતાં કે તેઓ અહીં પોતાનું નેટવર્ક ઊભું કરી શકે છે, માટે અમારે આ કામગીરી કરવી પડી છે."
ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?
આ વિસ્તારમાં રહેતા 23 લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
આ પિટિશન વિશે વાત કરતા રહેઠાણ અધિકાર મંચ નામની સંસ્થાનાં કન્વીનર અને કર્મશીલ બીના જાદવે કહ્યું હતું કે, "અમે વર્ષોથી અમુક લોકો સાથે કામ કરી રહ્યાં છીએ, ઘણા લોકોને સરકારી મકાનો પણ મળેલાં છે. આવા લોકોને પણ પોલીસ બાંગ્લાદેશી કહીને પરેશાન કરી રહી છે. એવા ઘણા પરિવારો છે જેમની નાગરિકતા પર કોઈ સવાલ નથી, આવા લોકોએ મળીને આ પિટિશન કરી હતી."
ભોગ બનનારા લોકો વતી કોર્ટમાં રજૂ થયેલા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "જો લોકોને પોલીસે છોડી મૂક્યા હતા, તે લોકોનાં ઘર એમ કરીને તોડી દીધાં છે કે, આ બાંગ્લાદેશીઓનાં ઘર છે. જે લોકોને ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ભારતીય નાગરિક જાહેર કરી દીધા હોય તેવા પરિવારોને પોલીસે બાંગ્લાદેશી કહીને પકડી રાખ્યા છે. સરકાર કયા આધારે કહે છે કે, આ વસાહત તળાવ પર વસેલી છે, જ્યારે સરકાર પાસે તળાવનો નક્શો જ નથી."
જો કે ગુજરાત હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, પરંતુ એવું કહ્યું હતું કે, પિટિશનરની નાગરિકતા તપાસ્યા બાદ તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













