અમદાવાદ : ચંડોળા તળાવ વિસ્તારમાં કથિત બાંગ્લાદેશીઓનાં ઘરો પર બુલડોઝર ફરી વળ્યાં ત્યારે શું થયું?

ઇમેજ સ્રોત, PAVAN JAISHVAL
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કથિત બાંગ્લાદેશીઓનાં ઘરો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે, "સુપ્રીમ કોર્ટના પણ નિર્દેશ છે કે ચંડોળા તળાવમાં અતિક્રમણ ગેરકાયદે બાંધકામ ન થઈ શકે. અને આ વિસ્તારાં બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે પ્રવાસી અહીં મોટી સંખ્યામાં રહેતા હતા તો તેમની પણ અટકાયત કરવામાં આવ્યા છે."
તેમણે કહ્યું કે, "ભારતીય રહીશ હોવાનું પુરવાર થયા પછી કેટલાક લોકોને છૂટા કરવામાં આવ્યા હતા."
તેમણે આગળ કહ્યું કે, "બાંગ્લાદેશથી આવતા ગેરકાયદે પ્રવાસીઓ ચંડોળા તળાવના વિસ્તારમાં બંગાલીવાસ વિસ્તાર છે ત્યાંથી જ શરૂઆત કરે છે એટલે આ વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે."
ડિમોલિશનની કાર્યવાહી થઈ ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તારના સરોજનગરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.
આ મેગા ડિમોલિશન વિશેની માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે "અહીંના સિયાસતનગર બંગાલ વાસમાં બાંગ્લાદેશીઓ રહે છે તેમનાં ઘરોનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં માલુમ પડ્યું કે તે પૈકી કેટલાંક ઘરો ગેરકાયદેસર વસેલાં છે. હાલ તેમને તોડવા માટેનું ડિમોલિશન ડ્રાઇવ ચાલુ છે. કુલ 50 જેસીબી અને 2 હજાર પોલીસકર્મીઓને તેના માટે કામે લગાડાયા છે."
આ ડિમોલિશનની પ્રક્રિયા અડધીરાત્રે જ શરૂ કરી દેવાઈ હતી.
મોડીરાત્રે બીબીસી ગુજરાતીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા જણાવે છે કે ચંડોળા તળાવનો જે વિસ્તાર છે ત્યાં મુસ્લિમો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જણાવે છે, "સામાન્ય રીતે સરકારી ચોપડે એવું કહેવામાં આવે છે કે બાંગ્લાદેશીઓ વધારે રહેતા હોય છે. એવા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. મોડી રાતથી જ આ વિસ્તારમાં મકાનો ખાલી કરવામાં આવી રહ્યાં હતાં. તેમને એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડાક કલાકોમાં તેમનાં આ મકાનો તોડી પાડવામાં આવશે. અહીંથી થોડે દૂર બુલડોઝર તહેનાત કરી દેવામાં આવ્યા છે."
રૉક્સી ગાગડેકર છારા જણાવે છે કે મોડીરાતથી જ આ લોકો ઘરથી બહાર નીકળવા માટેની તૈયારીઓ કરવા લાગ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટે ડિમોલિશન રોકવાની અરજી ફગાવી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચંડોળા તળાવની આસપાસ રહેતા કેટલાક રહિશોએ આ ડિમોલિશન પર રોક લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી.
જોકે, ગુજરાત હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. જેથી ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહી છે.
ચંડોળા તળાવની આસપાસ રહેતા લોકોના હક માટે કામ કરતાં બિના જાધવે બીબીસી ગુજરાતી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં કહ્યું, "હાઇકોર્ટે ભલે અમારી અરજી ફગાવી પરંતુ જે લોકો ભારતીય નાગરિક છે અને તેઓ સરકારમાં રજૂઆત કરે તો તેમને મકાન આપવાની પ્રક્રિયા હાથ ધરવી એવું ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું છે."
આ અરજી વિશે વાતચીત કરતાં વકીલ આનંદ યાજ્ઞિકે પત્રકારોને જણાવ્યું હતું કે "ચંડોળા તળાવની આસપાસ રહેતા રહિશો જે પૈકી કેટલાક કદાચ કોઈક બાંગ્લાદેશી પણ હશે. તેની ના નથી. જો કોઈ બાંગ્લાદેશી હોય તો તેમને તેમનું માન જાળવીને કાયદાકીય કાર્યવાહી કરીને બાંગ્લાદેશ પરત મોકલવા જોઈએ. તેમાં હું અસંમત નથી. પરંતુ જે પ્રકારે ગુજરાતની સરકારે છેલ્લા ચાર દિવસમાં 1200-1500 લોકોને ઉપાડ્યા. તેમને બાંગ્લાદેશી કહીને ઉપાડ્યા અને તે પૈકી 90 ટકા લોકોને છોડી દીધા. કારણકે તેઓ ભારતના મુસ્લિમ નાગરિકો છે."
"હવે તેમનાં ઘરો તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે લોકોને છોડી દેવામાં આવ્યા છે તેમનાં ઘરોને પણ તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેઓ કારણ આપે છે કે આ ઘરો ગેરકાયદેસર છે."
"ત્રણ મુદ્દાઓ છે. પહેલું કે બાંગ્લાદેશી પુરવાર થાય તો તેનું ઘર તોડવું કે નહીં? બીજું કે જેઓ ડરના માર્યા બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જતા રહ્યા છે અને તેમનાં ઘરો બંધ છે તેમને તોડવા કે નહીં? અને ત્રીજું એ કે જે લોકો ગુજરાતમાં ચંડોળા તળાવ પાસે 40 વર્ષોથી રહે છે. સિયાસતનગરના 26 રહિશોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર જો અમે તળાવના કિનારે ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ અમને નોટિસ પાઠવીને, યોગ્ય સમય આપીને અમારાં ઘરોનું ડિમોલિશન કરવું જોઈએ. અમને કોઈ નોટિસ આપવામાં નહોતી આવી."
જોકે, આ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.
'હવે ક્યાં જઈશું તેની ખબર નથી'

ચંડોળા તળાવના વિસ્તારમાં મોટા પાયે મકાનો તોડી પાડવામાં આવશે તેવી વાતો ફેલાયા પછી સોમવારે મોડી રાતથી જ લોકો પોતાનો સામાન પૅક કરવા લાગ્યા હતા.
રાતે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ હતો. રૉક્સી ગાગડેકર છારાના અહેવાલ પ્રમાણે વસાહતથી થોડે દૂર બુલડોઝર આવી ગયાં છે તેવી માહિતી લોકોમાં ફેલાઈ હતી. રાતના સમયથી લોકો પોતાનાં ઘર અને દુકાનો ખાલી કરીને જઈ રહ્યા હતા.

સ્થાનિક લોકોમાં આ મામલે ઘણો આક્રોશ હતો. તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું કે તેમનો જન્મ અહી થયો છે, વર્ષોથી સરકારી યોજનાઓનો લાભ પણ મેળવે છે.
એક વ્યક્તિએ કહ્યું કે "અમે અહીં શાકભાજી વેચીએ છીએ. 30-35 વર્ષથી અહીં રહીએ છીએ. હવે અમારો સામાન કોઈ સગાના ઘરે મૂકી દેવાના છીએ."
એક મહિલાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "અમે 40-45 વર્ષથી અહીં રહીએ છીએ. અમારી કોઈ મદદ નથી કરતું. અમે ક્યાં જઈશું તે પણ અમને ખબર નથી."

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને તેમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ હતા.
હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર 'દોષારોપણ' કરીને સિંધુ જળ સંધિ મોકૂફ રાખવા સહિત પાકિસ્તાની નાગરિકોને અપાયેલા 14 પ્રકારના વિઝા રદ કરી દીધા હતા.
આ કાર્યવાહી બાદ હવે શનિવારે વહેલી સવારે અમદાવાદ અને સુરત ખાતે સ્થાનિક પોલીસે 500 કરતાં વધુ કથિત બાંગ્લાદેશીઓ સહિતના કથિતપણે ગેરકાયદે રીતે ભારતમાં આવીને રહેતા લોકોની અટકાયત કરી હતી.
નોંધનીય છે કે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહસચિવે તમામ રાજ્યોને તેમના ત્યાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા માટે યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
આ નિર્દેશ બાદ ગુજરાત પોલીસે 'બાંગ્લાદેશીઓ' સહિત ગુજરાતમાં કથિતપણે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને અટકાયતમાં લેવાયા બાદ પોલીસના મોટા કાફલા અને અટકાયતમાં લેવાયેલા લોકોનાં ટોળેટોળાંના વીડિયો ફરતા થયા હતા. જેમાં બંને તરફ પોલીસકર્મીઓની કતાર છે અને સ્ત્રી-પુરુષો સહિત મોટી સંખ્યામાં અટકાયતમાં લેવાયેલા લોકો પોલીસકાફલાની વચ્ચોવચ ચાલતા જોવા મળી રહ્યા હતા.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત અન્ય જગ્યાએ પોલીસ દ્વારા ઑપરેશન હાથ ધરાયાં હતાં. જેમાં 1000થી વધુ કથિત બાંગ્લાદેશીઓ સહિતના કથિતપણે ગેરકાયદે રીતે ભારતમાં આવીને રહેતા લોકોની અટકાયત કરી હતી.
અમદાવાદમાં પોલીસનાં અલગ-અલગ વાહનોમાં કેટલાંક અટકાયતીઓને ક્રાઇમ બ્રાન્ચથી અન્ય જગ્યાએ લઈ જવાતા હતા.
અટકાયતીઓને અલગ-અલગ વાહનમાં ક્યાં લઈ જવાઈ રહ્યા છે? એવા સવાલના જવાબમાં એક પોલીસ અધિકારીએ બીબીસીને કહ્યું હતું કે, "આટલા લોકોની પૂછપરછ એકસાથે એક સ્થળે શક્ય નથી. તેથી તેમને અમદાવાદ પોલીસનાં અલગ-અલગ કાર્યાલયે લઈ જવામાં આવી રહ્યા છે. જેથી ઝડપથી પૂછપરછ થઈ શકે."
અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) ભરત પટેલે આજે (27 એપ્રિલ) મીડિયાને જણાવ્યું હતું કે, "અમદાવાદમાં 900 જેટલા લોકોને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા. જેમાંથી 600 જેટલા ભારતના જ નાગરિકો હતા તેમને છોડી મૂકવામાં આવ્યા છે."
"અત્યાર સુધી 104 જેટલા બાંગ્લાદેશી નાગરિકોનું હોવાનું જણાઈ આવ્યું છે. આ સંખ્યા વધે તેવી સંભાવના છે. જે બાંગ્લાદેશી નાગરિકો છે તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે."
તેમણે કહ્યું, "કેટલાક શંકાસ્પદ પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા હોવાનું જણાવે છે. તેમણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ ઓળખના અન્ય દસ્તાવેજ કેવી રીતે મેળવ્યા, તે આધારભૂત છે કે નહીં તેની ખરાઈ કરાઈ રહી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તપાસ અને પૂછપરછનો દૌર આગળના દિવસોમાં પણ ચાલુ રહેશે.
26 એપ્રિલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોડી રાતથી ચાલી રહેલા આ ઑપરેશનમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 એમ કુલ હજારથી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે.
હર્ષ સંઘવીનો દાવો હતો કે "આપણે જોયું હતું કે અગાઉ ચાર બાંગ્લાદેશીઓ પકડાયા હતા તે પૈકી બે લોકો અલ-કાયદા માટે સ્લિપર સેલ તરીકે કામ કરતા હતા. આ તમામ બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓની તપાસ ચાલુ છે."
અમદાવાદના ચંડોળામાં કથિત બાંગ્લાદેશીઓની વસાહત

ઇમેજ સ્રોત, PAVAN JAISHVAL
અમદાવાદમાં હાલમાં જે લોકોની કથિત બાંગ્લાદેશી તરીકે અટકાયત કરાઈ છે તેમાંના ઘણા ચંડોળા તળાવ પાસે રહેતા હતા.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલું ચંડોળા તળાવ એ લગભગ 1200 હૅક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે.
અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોનો મુદ્દો ચર્ચાય ત્યારે અવશ્ય દાણીલીમડા, શાહઆલમ, મણિનગર અને ઈસનપુરની વચ્ચે વસેલા આ ચંડોળા તળાવની આસપાસની વસાહતોનું નામ ચર્ચામાં આવે છે.
ત્યાં અગાઉ પણ પોલીસે સર્ચ ઑપરેશન કર્યાં છે. ગયા વર્ષે 24મી ઑક્ટોબરે ગુજરાત પોલીસે કરેલા ઑપરેશનમાં લગભગ 48 લોકોની અટકાયત કરીને તેમને બાંગ્લાદેશ ડિપૉર્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી.
આ તમામ લોકો ખોટાં આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરેના આધારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઘર બનાવીને વસવાટ કરી રહ્યા હતા તેવો પોલીસનો એ વખતે દાવો હતો.
ચંડોળા વિસ્તારમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે કામ કરી રહી છે.
ચંડોળા તળાવ વિસ્તારના લોકો સાથે કામ કરતા અને વ્યક્તિત્વ સંઘર્ષ સમિતિ, ગુજરાતનાં સંસ્થાપક બીનાબહેન જાદવે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર સાથે વાત કરતાં ગયા વર્ષે કહ્યું હતું કે, "પોલીસે તપાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોને શોધીને તેમને ડિપોર્ટ કરવા જ જોઈએ, તેમાં કોઈ બે મત નથી. પરંતુ તેના નામે ગમે તે વ્યક્તિને બાંગ્લાદેશી હોવાના આરોપસર પકડી લેવા એ યોગ્ય વાત નથી."
તેમણે કહ્યું હતું કે, "ચંડોળા તળાવ વિસ્તારમાં એવા અનેક લોકો રહે છે કે, જેઓ વર્ષોથી બંગાળનાં વિવિધ ગામડાંમાંથી અહીં આવીને વસવાટ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












