સરદારધામ અને ખોડલધામ: પાટીદારોની સંસ્થાઓ આમને-સામને કેમ આવી ગઈ છે?

ઇમેજ સ્રોત, Khodal Dham Trust/ Sardar Dham/FB
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં સરદારધામના હોદ્દેદાર જયંતી સરધારાની પોલીસ ફરિયાદ પછી પાટીદાર સમાજ માટે કામ કરતી સરદારધામ અને ખોડલધામ સંસ્થાઓ વચ્ચેનો ગજગ્રાહ ફરીથી પ્રકાશમાં આવ્યો છે.
ફરિયાદી જયંતી સરધારા અનુસાર, તેઓ જ્યારે રાજકોટમાં હતા ત્યારે જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાએ તેમના પર હુમલો કર્યો હતો.
જયંતી સરધારાએ મીડિયા સમક્ષ આરોપો મૂક્યા છે કે, "તેઓ સરદારધામ સંસ્થા સાથે જોડાયેલા હોવાથી તેમના પર હુમલો થયો છે."
બીજી તરફ ખોડલધામની સાથે જોડાયેલા લોકોએ તમામ આરોપોનું ખંડન કરી દીધું છે.
જેમની સામે આરોપો છે તેવા પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાએ એક પત્ર મારફતે પોલીસ તપાસ અધિકારીને માહિતી આપતા કહ્યું છે કે તેમની સામેની ફરીયાદ ખોટી અને ઉપજાવી કાઢેલી છે. તેમની પાસે કોઈ હથિયાર ન હતું, અને જયંતીભાઈ સાથે તેમની સામાન્ય બોલાચાલી થઈ હતી.
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે ગુનાના સ્થળે 64 સીસીટીવી કૅમેરા છે અને પોલીસ તેને આધારે તપાસ કરે.
આ વિશે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. હીરપરાએ જણાવ્યું હતું કે, "ફરિયાદ નોંધાયા બાદ તપાસ આગળ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે અને કાયદેસરની તમામ કામગીરી કરવામાં આવી રહી છે."
પરંતુ આ ઘટના પછી પાટીદાર સમાજના વર્તુળોમાં બંને સંસ્થાઓને લઈને ચર્ચા વ્યાપક બની છે. બીબીસીએ આ મામલે બંને સંસ્થાઓના સભ્યો સાથે વાત કરી હતી અને મામલાને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, Sardardham/FB
જયંતી સરધારા સતત આરોપો કરી રહ્યા છે કે એક પ્રસંગમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને ખોડલધામ સંસ્થાના સમર્થક પાદરિયાએ તેમની સાથે ગેરવર્તણૂંક કરી અને ત્યારબાદ તેઓ જ્યારે સ્થળ છોડી રહ્યા હતા ત્યારે પાર્કિંગ પાસે તેમના પર હુમલો કર્યો હતો.
મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "મારા પર હુમલો કરતી વખતે તેઓ કહી રહ્યા હતા કે હું સમાજનો ગદ્દાર છું અને ખોડલધામ સાથે મેં દગો કર્યો છે. તેમણે મને કહ્યું હતું કે જો હું (સરદારધામમાંથી) રાજીનામું નહીં આપું તો નરેશ પટેલ અને તેમની ટીમ મને મારી નાખશે."
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, "નરેશ પટેલની સામે સરદારધામ છે એટલા માટે પાદરિયા તેમને રાજીનામું આપવાનું કહી રહ્યા હતા અને નરેશ પટેલના ઇશારે તેમને મારવામાં આવ્યા છે."
બીબીસી ગુજરાતીએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ હાલમાં વિદેશમાં હોવાથી તેમની સાથે વાત થઈ શકી ન હતી.
આ મુદ્દે ખોડલધામનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, FB/Khodaldham
ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ આ આરોપો સંદર્ભે વાત કરી તો તેમણે કહ્યું કે, "આ એક અંગત ઝઘડો છે, જેને સંસ્થાના ઝઘડાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હકીકતમાં બન્ને સંસ્થાઓ વચ્ચે કોઈ મતભેદો નથી, અને બંને સંસ્થાઓ પોતાની રીતે સમાજ કલ્યાણનાં કાર્યોમાં વ્યસ્ત છે."
નરેશ પટેલ સાથે થયેલી તેમની વાતચીતનો હવાલો આપીને લુણાગરિયા વધુમાં કહે છે કે, "તેમણે (નરેશ પટેલે) આ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આવી ઘટના સમાજઉત્થાનનાં કામોમાં વિગ્રહરૂપ બની શકે છે."
એક સમયે ખોડલધામ સાથે સંકળાયેલા હંસરાજભાઈ ગજેરા સાથે પણ બીબીસી ગુજરાતીએ વાતચીત કરી હતી.
તેમણે પણ કહ્યું હતું કે, "બંને સંસ્થાઓ પોતાની કામગીરી પોતાના સ્તરે કરી રહી છે અને બન્ને સંસ્થાઓ વચ્ચે કોઈ વિગ્રહ નથી."
જોકે, હંસરાજભાઈએ થોડા સમય પહેલાં જ ખોડલધામના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દીધું હતું. તેનું કારણ તેમણે વ્યસ્તતા જણાવ્યું હતું.
ખોડલધામમાં રાજકીય પ્રવૃત્તિઓ વધી રહી છે?
ખોડલધામના બીજા એક ટ્રસ્ટી શર્મિલાબહેન બામણિયાનું કહેવું છે કે તેઓ હાલમાં ખોડલધામમાં નિષ્ક્રિય થઈ ગયાં છે. તેમણે ખોડલધામમાં મહિલા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી.
પરંતુ શર્મિલાબહેન હવે સરદારધામ સાથે જોડાયેલાં છે અને સરદારધામ સૌરાષ્ટ્ર મહિલા સમિતિનાં પ્રમુખ છે.
બન્ને સંસ્થાઓ વચ્ચેના વિવાદ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "ખોડલધામને એવું છે કે, સમાજનું કાર્ય તેમની સંસ્થા સિવાય બીજા કોઈએ ન કરવું જોઈએ, માટે આવી રીતે અમારા હોદ્દેદારોને પરેશાન કરે છે. ખોડલધામ એક સેવાકીય સંસ્થા મટીને રાજકીય પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય થઈ ગઈ હતી. એટલા માટે જ હું તેમા નિષ્ક્રિય થઈ ગઈ છું."
તેઓ વધુમાં કહે છે કે, "હાલમાં ખોડલધામના મોટા ભાગના દાતાઓ સરદારધામ તરફ જતા રહ્યા છે, એટલા માટે આ વિવાદ સર્જાયો છે. કારણ કે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હવે ખોડલધામની જગ્યાએ લોકો સરદારધામને વધુ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે સરદારધામ લોકો સુધી પહોંચવા માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોને સફળ બનાવી રહ્યું છે."
શું આ રાજકીય પક્ષોની લડાઈ છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામ ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યું હતું. મુખ્યત્વ તેના વડા નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે કે નહીં તેવી સતત ચર્ચા રહી હતી.
એ સિવાય પાટીદાર નેતા હાર્દિક પટેલ જ્યારે કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા, ત્યારે પણ નરેશ પટેલની ચર્ચા વ્યાપક બની હતી. પરંતુ અંતે તેઓ રાજકારણમાં જોડાયા ન હતા.
લોકસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના ઉમેદવાર અને વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજકોટની બેઠક માટે પોતાનો પ્રચાર શરૂ કરતાં પહેલાં ખોડલધામની મુલાકાત પણ લીધી હતી. તેઓ નરેશ પટેલને પણ મળ્યા હતા.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "સરદારધામ અને ખોડલધામ વચ્ચે ઘણા મતભેદો છે અને દિવસેને દિવસે તે વધી રહ્યા છે. એક રીતે એવું કહેવાય કે સરદારધામને હાલની ભાજપ સરકાર અને તેના નેતાઓનું સમર્થન છે, જ્યારે ખોડલધામ એ એક માતાજીના ધામ તરીકે વિકસ્યું હતું, પરંતુ તેના પ્રમુખ નરેશ પટેલ એ ભાજપ કરતાં કૉંગ્રેસને વધુ પસંદ કરે છે."
તેઓ કહે છે, "હું માનું છું કે ખોડલધામની લીટી જ્યારે નાની ન થઈ શકી, ત્યારે સરદારધામે પોતાની લીટી લાંબી કરવાની શરૂઆત કરી જેમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી."
"ખોડલધામની મુખ્ય કામગીરી રાજકોટમાં છે, અને રાજકોટમાં આવનારા દિવસોમાં સરદારધામ પણ મોટું ભવન બનાવવા જઈ રહ્યું છે, જેની સીધી અસર ખોડલધામની તમામ પ્રવૃત્તિઓ પર પડશે. એટલે કે જે વિદ્યાર્થીઓ હાલમાં ખોડલધામમાં છે તે સરદારધામમાં ચાલ્યા જશે એવું મનાય છે."
તેઓ જણાવે છે કે, "તેના કારણે આ સંસ્થાઓને મળતાં દાનમાં પણ ફર્ક પડશે. કારણ કે, જો કોઈ સંસ્થા સાથે લોકો જ ન હોય, તો કોઈ દાતા તેને દાન કેમ આપે. પછી તેની પ્રવૃત્તિઓ ઓછી થશે, તો દાતાઓ ઘટશે અને ત્યારબાદ ખોડલધામનું વર્ચસ્વ ઓછું થતું જશે."
શું છે સરદારધામ અને ખોડલધામ?
સરદારધામ યુવાનો, મહિલાઓ માટે વિવિધ ધંધાકીય, શૈક્ષણિક, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વગેરેની કામગીરી કરે છે.
સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાના એક યુટ્યુબ વીડિયો પ્રમાણે સરદારધામે લક્ષ્ય બનાવ્યું છે કે, "આવનારાં વર્ષોમાં આ સંસ્થા 10 હજાર જેટલા પાટીદાર યુવાનોને યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરાવીને સરકારી નોકરીઓમાં જવા માટે મદદ કરશે. 2026માં અમેરિકામાં ગ્લોબલ પાટીદાર સમિટ કરશે અને તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવશે. આ સિવાય યુવાનો અને મહિલાઓ માટે હૉસ્ટેલ સુવિધાઓ ઉભી કરશે તેવી તેની અનેક યોજનાઓ છે."
બીજી બાજુ ખોડલધામે રાજકોટ પાસેના કાગવડમાં લેઉવા પાટીદારોની જેમની પર શ્રદ્ધા છે તેવા ખોડિયાર માતાજીનું મંદિર બનાવ્યું છે, જેનું નામ ખોડલધામ છે. રાજકોટ સ્થિત તેમની હેડ-ઍફિસને સરદાર ભવનનું નામ આપવામાં આવ્યું છે. તેમાં કોચિંગ ક્લાસ વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
ખોડલધામ વિશે વાત કરતાં લુણાગરિયા કહે છે કે, "માત્ર ટોકન ફી લઈને વિદ્યાર્થીઓને અહીં ભણાવવામાં આવે છે. હાલમાં જ અમે સર્વસમાજના ઉત્થાન માટે 800થી વધુ પરિવારો સાથે કામ કરીને તેમના પરિવારોને વિવિધ ક્ષેત્રોમાં નોકરી અપાવી શક્યા છીએ. અમે મૅરેજ બ્યૂરો પણ ચલાવીએ છીએ અને સમાધાન પંચ પણ બનાવવામાં આવ્યું છે. બાળ વિકાસના 20 સેન્ટર બનાવવામાં આવ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












