ઇન્દિરા ગાંધીથી પ્રિયંકા સુધી, દક્ષિણ ભારતની ગાંધી પરિવારના સંકટમોચક તરીકેની ભૂમિકા

પ્રિયંકા ગાંધી, કૉંગ્રેસ, વાયનાડ, ગાંધી પરિવાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરળની વાયનાડ બેઠકથી પ્રિયંકા ગાંધીએ રેકૉર્ડ અંતરથી જીત મેળવી છે
    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી માટે

કેરળની વાયનાડ બેઠકથી પ્રિયંકા ગાંધીએ રેકૉર્ડ અંતરથી જીત મેળવી છે. તેમની આ જીત દક્ષિણ ભારતના મતદારોના ઇન્દિરા ગાંધીના પરિવાર પ્રત્યેના લગાવનો વધુ એક પુરાવો છે.

ઇન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સુધી, તમામ લોકોએ પોતાના મુશ્કેલ રાજકીય સમયમાં દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ તરફ મીટ માંડી.

આ નેતાઓએ જ્યારે જ્યારે દક્ષિણ ભારતની રાહ પકડી, ત્યારે દક્ષિણ ભારતના લોકો હંમેશાં તેમના સમર્થનમાં અને બચાવમાં આવ્યા.

ઇન્દિરા ગાંધીએ કર્ણાટકના ચિકમંગલૂર (1978) અને આંધ્રપ્રદેશની મેડક (1980) બેઠક પરથી ચૂંટણી લડી હતી. 1999માં સોનિયા ગાંધીએ કર્ણાટકની બેલ્લારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જ્યારે 2019માં અને 2024માં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી હતી.

આ વખતે પણ પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈની બેઠક વાયનાડથી ચૂંટણી લડીને ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ બેઠકથી ચૂંટણી લડી હતી. પરંતુ તેમણે રાયબરેલી બેઠક અંતે રાખવાનો નિર્ણય કર્યો હતો.

વાયનાડ બેઠકની આ પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીતનું અંતર એપ્રિલ 2024માં તેમના ભાઈ રાહુલ ગાંધીને મળેલી જીત કરતાં વધુ રહ્યું છે. જ્યારે 2019માં રાહુલ ગાંધીને આ બેઠક પર જેટલા મતો મળ્યા હતા તેની સરખામણીમાં પ્રિયંકા ગાંધીને માત્ર 21 હજાર મત જ ઓછા મળ્યા છે.

આ વાયનાડના મતદારો સાથે ગાંધી પરિવારના મજબૂત સંબંધોનો પુરાવો છે. આ પેટાચૂંટણીમાં જેટલું મતદાન થયું તે ગત ચૂંટણી કરતાં લગભગ નવ ટકા ઓછું હતું.

કેરળ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને રાજકીય વિશ્લેષક પ્રોફેસર જે. પ્રભાસે બીબીસીને કહ્યું હતું કે, “રાહુલ ગાંધી માટે 2019માં જે ચીજ કારગત રહી હતી એ પ્રિયંકા ગાંધી માટે પણ રહી છે.”

“તે સિવાય કેરળના લોકોમાં ઇન્દિરા ગાંધી પ્રત્યે વિશેષ આદર છે. તેમના માટે આ પારિવારિક સંબંધ જેવું છે. તેને તમે ઇન્દિરા પ્રિયંકા ચૂંટણી કહી શકો છો. ઇન્દિરા પ્રિયદર્શિની ગાંધી (ઇન્દિરા ગાંધીનું આખું નામ) નામ હવે ઇન્દિરા પ્રિયંકા ગાંધીમાં પરિવર્તિત થઈ ગયું છે.”

ધર્મનિરપેક્ષ રાજકારણનાં પ્રતિનિધિ

પ્રિયંકા ગાંધી, કૉંગ્રેસ, વાયનાડ, ગાંધી પરિવાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરળના લોકો પ્રિયંકા અને રાહુલ ગાંધીને ધર્મનિરપેક્ષ રાજકારણનાં પ્રતિનિધિ તરીકે જુએ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રોફેસર પ્રભાસ જેવા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પ્રિયંકા ગાંધીને આ જીત તેમના કરિશ્માને કારણે મળી છે.

વરિષ્ઠ વિશ્લેષક જોસેફ મલિયાકને બીબીસીને કહ્યું કે, “કેરળ હંમેશાંથી ઇન્દિરા ગાંધીના પરિવાર પ્રત્યે આકર્ષિત રહ્યું છે. અહીંના લોકોમાં આ પરિવાર પ્રત્યે ખાસ લગાવ છે. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે દક્ષિણ ભારતમાં આ પરિવારનાં મૂળિયાં કેટલાં ઊંડાં છે.”

આ વાત સાથે અન્ય લોકો પણ સહમત છે. કૉંગ્રેસના નેતાઓએ પણ આ વાત અંગે પોતાની સહમતિ વ્યક્ત કરી છે. ડાબેરી પક્ષો અને ભાજપના નેતાઓએ ભલે ‘ઑફ રેકૉર્ડ’, પણ આ વાત સ્વીકારી છે.

પરંતુ અન્ય એક ટિપ્પણીકાર કેજી જૅકબે કહ્યું હતું કે, “વાયનાડ મુખ્ય રીતે લઘુમતીઓના પ્રભુત્વવાળું ચૂંટણીક્ષેત્ર છે. તેના કારણે જ મોદીએ કહ્યું હતું કે આ એવી બેઠક છે જ્યાં બહુમતીઓ લઘુમતી છે. લોકો પ્રિયંકા ગાંધીને ભારતમાં ધર્મનિરપેક્ષ રાજકારણનાં ભરોસાપાત્ર પ્રતિનિધિ તરીકે જુએ છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંને તેમને આ જ રીતે જુએ છે.

પણ દક્ષિણ ભારત ગાંધી પરિવારનું મદદગાર કેમ સાબિત થઈ રહ્યું છે? જૅકબ તેનું વધુ એક કારણ દર્શાવે છે.

તેઓ કહે છે, “બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોની તુલનામાં દક્ષિણ ભારતના લોકોને એ વધુ સારી રીતે ખ્યાલ છે કે સરકારો તેમના જીવનમાં શું બદલાવ લાવી શકે છે.”

“લોકોને ખ્યાલ છે કે તામિલનાડુ જેવા રાજ્યમાં ત્રણ વર્ષની થાય ત્યાં જ બાળકીઓ આંગણવાડીમાં જવા લાગે છે, અને એક રીતે જોવા જઈએ તો તેની સારસંભાળની બધી જવાબદારી રાજ્ય ઉઠાવી લે છે. જેને તમે સાંપ્રદાયિક તણાવ ભડકાવવાની કોશિશ કહો છો, એ હવે દક્ષિણ ભારતમાં પ્રાસંગિક નથી.”

શું રાહુલ ગાંધીમાં એવો કોઈ અપરાધબોધ હતો કે તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપીને રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું?

શું આ કારણે જ પ્રિયંકા તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન પોતાની અપીલમાં આટલાં લાગણીશીલ બની ગયાં હતાં?

જૅકબે કહ્યું, "વાયનાડના મતદારોને તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમના માટે મહત્ત્વની બાબત એ છે કે રાહુલ ગાંધી ભારતના એવા કેટલાક નેતાઓમાંના એક છે જેઓ વડા પ્રધાનની આંખમાં આંખ મિલાવીને કહી શકે છે કે તેઓ દેશને બરબાદ કરી રહ્યા છે. વાયનાડના લોકોને સૌથી વધુ સંતોષ આ જ વાત આપે છે."

જૅકબે કહ્યું, "વાયનાડના લોકો માટે, સાંસદ તરીકેના તેમના કામ કરતાં રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધીની ભૂમિકા વધુ મહત્ત્વની છે. આ તારણો વાયનાડ અને કેરળનાં અન્ય સ્થળોના લોકો સાથેની મારી વાતચીત પરથી આવ્યાં છે. તેમના માટે તેઓ બિનસાંપ્રદાયિક રાજકારણનાં એક વિશ્વસનીય પ્રતિનિધિ છે."

વિપક્ષનું નબળું પ્રચાર અભિયાન

પ્રિયંકા ગાંધી, કૉંગ્રેસ, વાયનાડ, ગાંધી પરિવાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરળની વાયનાડ બેઠક પર ભાજપનાં ઉમેદવાર નવ્યા હરિદાસ હતાં

પ્રોફેસર પ્રભાસે કહ્યું કે, “આ બેઠકનું રાજકીય સ્વરૂપ પણ પ્રિયંકા ગાંધીની તરફેણમાં કામ કરી રહ્યું છે. ડાબેરી મોરચાના ઉમેદવાર સત્યાન મોકેરી હોય કે પછી ભાજપનાં ઉમેદવાર નવ્યા હરિદાસ હોય, કોઈ તેમને મોટો પડકાર આપી શક્યાં ન હતાં.”

આ પેટાચૂંટણીને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે સીપીઆઈ અને ભાજપનો પ્રચાર પણ બહુ જોરદાર ન હતો.

તેમ છતાં ભાજપનાં નવ્યા હરિદાસ તેમના પક્ષના મતો 1.09 લાખ સુધી લઈ ગયાં. જ્યારે એપ્રિલ 2024માં જ્યારે કેરળ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રન આ બેઠક પર રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમને 1.41 લાખ મત મળ્યા હતા.

એ જ રીતે સીપીઆઈના ઉમેદવાર સત્યાન મોકેરીને 2.11 લાખ મત મળ્યા હતા. સાત મહિના પહેલાં જ્યારે એની રાજા રાહુલ ગાંધી સામે ઊભા હતા ત્યારે તેમને 2.83 લાખ મત મળ્યા હતા.

રાજકીય વિવેચક એનપી ચેકુટ્ટીએ બીબીસીને કહ્યું, "મોકેરી એક ગંભીર ઉમેદવાર હતા પરંતુ સીપીઆઈનું પ્રચારતંત્ર નિરાશાજનક હતું. જ્યારે એક તરફ પ્રિયંકા ગાંધી અને બીજી તરફ નવ્યા હરિદાસનું પ્રચારતંત્ર વધુ શક્તિશાળી હતું. ભાજપનાં ઉમેદવાર નવ્યા હરિદાસ તેમના પ્રચાર દરમિયાન ખૂબ સારી રીતે બોલ્યાં.”

ચેકુટ્ટીએ એમ પણ કહ્યું કે, "લોકસભા અથવા કેરળ વિધાનસભાની પેટાચૂંટણીની એક વિશેષતા એ રહી છે કે જ્યાં પણ ત્રિકોણીય મુકાબલો હતો, તે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી હરીફાઈમાં ફેરવાઈ ગયો હતો. લોકસભામાં પણ આ જ સ્થિતિ રહી અને પલક્કડમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ આ જ સ્થિતિ રહી.”

ડાબેરીઓ અને ભાજપ પોતાની જમીન બચાવી રહ્યા હતા?

પ્રિયંકા ગાંધી, કૉંગ્રેસ, વાયનાડ, ગાંધી પરિવાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચૂંટણીપ્રચાર કરી રહેલા જેપી નડ્ડા

કેજી જૅકબ કહે છે, “કેરળના રાજકારણમાં એલડીએફ અને યુડીએફ આમનેસામને છે. પરંતુ રાષ્ટ્રીયસ્તરે તેઓ બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.”

“રાહુલ અને પ્રિયંકા બંને એલડીએફ પર કોઈ પ્રહારો કરતાં નથી. માત્ર એક જ વાર રાહુલ ગાંધીએ મુખ્ય મંત્રી પિનરઈ વિજયન સામે એક વિચિત્ર ટિપ્પણી કરી હતી. પરંતુ ત્યારબાદ તેઓ અતિશય સતર્ક દેખાયા હતા.”

જૅકબ મતદારોના ઍંગલથી સમજાવતા કહે છે, “સત્ય તો એ છે કે લોકો વિભાજિત કરનારા રાજકારણથી પરેશાન છે. તમને યાદ હશે કે ઇન્ડિયન મુસ્લિમ લીગના કાર્યકર્તાઓ 2019માં તેમનો ઝંડો લહેરાવતાં જઈ રહ્યા હતા અને ભાજપ-આરએસએસએ પ્રચાર કર્યો હતો કે એ પાકિસ્તાની ઝંડો છે. આ રીતે ચીજોને તોડી-મરોડીને રજૂ કરવાથી અહીં લોકોનાં દિલોને ઠેસ પહોંચી છે.”

પ્રિયંકા સામે પડકારો

પ્રિયંકા ગાંધી, કૉંગ્રેસ, વાયનાડ, ગાંધી પરિવાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તેમના પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ વાયનાડના લોકોને નડતી બે મુખ્ય સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

તેમણે આ બે બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પ્રથમ તો મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની સ્થાપના કરવાની જરૂર છે. જે રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે.

વાયનાડમાં ગંભીર રીતે બીમાર દર્દીઓને સારી સારવાર માટે કોઝિકોડ લઈ જવા પડે છે. ઘાટ વિસ્તારમાંથી અહીં પહોંચવામાં દોઢ કલાકથી વધુ સમય લાગે છે.

બીજું તેમણે મૈસૂર, કર્ણાટક અને વાયનાડ વચ્ચે રાત્રિના ટ્રાફિક પર પ્રતિબંધ તરફ પણ ધ્યાન દોર્યું હતું. આ એક જટિલ બાબત છે, કારણ કે રાત્રિના ટ્રાફિકને કારણે કેરળ, કર્ણાટક અને તામિલનાડુને અડીને આવેલાં જંગલોમાં રહેતાં પ્રાણીઓને અસર થાય છે.

આ સંદર્ભમાં તેમની અપીલનો અર્થ એ હતો કે તેઓ કૉંગ્રેસશાસિત કર્ણાટક સરકાર વાહનોની અવરજવર સંબંધિત નિયમોમાં છૂટછાટ આપવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે.

પરંતુ કર્ણાટકના નેતાઓ તેમની અપીલ સ્વીકારવા તૈયાર નહીં હોય, કારણ કે તેનાથી તેમના રાજ્યના મતદારોને અસર થઈ શકે છે. આ ઉપરાંત તેમને આ કારણે પર્યાવરણવાદીઓના વિરોધનો પણ સામનો કરવો પડી શકે છે.

પ્રોફેસર પ્રભાસના મતે પ્રિયંકાની કેરળમાં હાજરીને કારણે કૉંગ્રેસમાં પરિવર્તન જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં તેઓ આ મુદ્દાઓનો કેવી રીતે સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.