વિરાટ કોહલીનો જન્મદિવસ: ભારતીય ક્રિકેટમાં 'વિરાટયુગ'ની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જાન્હવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
વિરાટ, વિરાટ અને વિરાટ!
વર્લ્ડકપમાં તમને આ નામ સ્ટેડિયમમાં ગૂંજતું વધુ સંભળાય છે અને 18 નંબરની જર્સીમાં ચાહકો ચારેકોર જોવા મળે છે. ચાલી રહેલા વર્લ્ડકપમાં કોહલીનું કેટલું મહત્ત્વ છે એ આના પરથી સમજી શકાય છે.
સચીન તેંડુલકરને પહેલાં આટલું માનસન્માન મળતું હતું હવે વિરાટ કોહલીનો સમય છે. વર્ષ 2012માં સચીને ભવિષ્યવાણી કરી હતી કે કોહલી વારસો આગળ વધારશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચીનની 100 સદીની ઉજવણી માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ખાસ આયોજન કર્યું હતું. અભિનેતા સલમાન ખાને પૂછ્યું હતું કે સચીન તમારો રેકૉર્ડ કોણ તોડશે?
જવાબમાં સચીને રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ લીધું હતું. ઘણા આનાથી નવાઈ પામ્યા હતા. જોકે છેલ્લા એક દાયકામાં વિરાટ સચીનની સદીના વિક્રમની નજીક આવવા માટે જરૂરી પ્રભાવક ઇનિંગ રમ્યા છે.
વિરાટ હવે ક્રિકેટચાહકોના દિલમાં છે અને વિશ્વમાં એક ખાસ મુકામ હાંસલ કર્યો છે. વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામ્યા છે.

ક્રિકેટ ઍમ્બૅસૅડર

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીની બેઠકમાં 2028 લૉસ એન્જલસ ઑલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો અને તેમાં નિર્ણયને ટેકો આપવા વિરાટ કોહલીનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું.
પૂર્વ ઑલિમ્પિયિન અને 2028 ઑલિમ્પિક-પેરાઑલિમ્પિક કમિટીના સ્પૉર્ટ્સ ડિરેક્ટર નિકોલો કૅમ્પ્રિયાનીએ ક્રિકેટની વાત કરતી વખતે તેની લોકપ્રિયતા મામલે વિરાટ કોહલી વિશે વાત કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“આજે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ત્રીજા સૌથી લોકપ્રિય સ્પૉર્ટ્સપર્સન છે. તેમના 340 મિલિયન જેટલા ફૉલોઅર્સ છે. અમેરિકાન સુપરસ્ટાર્સ લીબ્રોન જેમ્સ, ટાઇગર વુડ્ઝ અને ટૉમ બ્રેડી સહિતના સંયુક્ત ફૉલોઅર્સ છે એના કરતાં પણ વધુ ફૉલોઅર્સ વિરાટના છે અને એ મોટી સંખ્યામાં છે.”
આ રીતે બ્રાન્ડ કોહલી ક્રિકેટને વિશ્વ માટે લાભદાયી બનાવી રહ્યા છે. આ સફળતા મેળવવી સરળ નહોતી. તેમણે ઘણી બાબતોનો સામનો કરવો પડ્યો. સખત મહેનત, ઊંચી અપેક્ષાઓની પૂર્તિ, સતત પર્ફૉર્મ કરવાનું દબાણ અને માનસિક સ્થિરતા આ બધા મોરચે તેમણે પ્રભાવક પ્રદર્શન કર્યું.

પિતાનું અવસાન, ક્રિકેટ પ્રત્યે સમર્પણ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2006માં વિરાટ માનસિક રીતે કેટલી મજબૂત વ્યક્તિ છે તે જોવા મળ્યું. તેઓ માત્ર 17 વર્ષના હતા અને દિલ્હી માટે રણજી ટ્રૉફી રમી રહ્યા હતા. મૅચના બીજા દિવસે બેટિંગ કરી રહ્યા હતા. તેમના પિતાને હાર્ટ ઍટેક આવ્યો હતો, તે પથારીમાં હતા, વહેલી સવારે તેઓ ગુજરી ગયા.
તેમ છતાં વિરાટ ઇનિંગ પૂરી કરવા આવ્યા. આંખમાં આંસુ સાથે તેમણે ઇનિંગ પૂરી કરી અને 90 રન ફટકાર્યાં હતા. પછી પિતાની અંતિમવિધિ કરવા ગયા હતા.
તેમના માતા સરોજ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ દિવસથી વિરાટ ખૂબ જ પરિપક્વ થઈ ગયા. તેમણે ઘરની તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. અને મોટાભાઈ વિકાસ સાથે તેમણે બધું જ કર્યું. ત્યાર પછી તેમણે પાછું વળીને ન જોયું. તેમના પિતાએ વિરાટને ઘણો ટેકો કર્યો હતો અને ક્રિકેટ સફરમાં તેમનું ઘણું યોગદાન રહ્યું હતું.
સવારે તેમણે દિલ્હીના કોચ ચેતન શર્માને ફોન કરીને પિતાના નિધનના સમાચાર આપ્યા. પણ કહ્યું હતું કે તેઓ ઇનિંગ પૂરી કરશે. વિરાટ સ્ટેડિયમ પહોંચ્યા અને 90 રન કર્યા.

ચીકુ નામ કઈ રીતે પડ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચની વનડે મૅચમાં પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ વિરાટને ચીકુ કહીને બોલાવતા આક્રમક વિરાટને નવું ઉપનામ મળી ગયું.
પણ આ નામ તેમને કોણે ક્યારે આપ્યું? એના વિશે તેમણે કેવિન પીટરસન સાથેના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં જણાવ્યું હતું.
જ્યારે ખૂબ જ યુવા વયે વિરાટે દિલ્હી માટે રણજી રમવાનું શરૂ કર્યું ત્યારે તેઓ વાળની સ્ટાઇલનું ખાસ ધ્યાન રાખતા. ગાલ ગુલાબી હતા અને તેઓ અન્ય કરતાં વધુ નાજુક દેખાતા હતા.
એમને જોઈને દિલ્હીના એક કોચ ચંપક નામની કૉમિક બુકના પાત્ર ચીકુની યાદ આવતી હતી. તેમણે વિરાટને ચીકુ કહીને બોલાવવાનું શરૂ કર્યું.

અંડર-19 વિશ્વકપમાં વિજય અને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફેબ્રુઆરી-2008માં ભારતે અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો જે મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાયો હતો, એમાં કોહલી કપ્તાન હતા. ટીમમાં રવીન્દ્ર જાડેજા પણ હતા.
તેમણે સારી કપ્તાની કરી અને છ મહિનામાં તો તેમને 18 ઑગસ્ટ, 2008માં ભારતીય રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળી ગઈ.
2008માં શ્રીલંકા પ્રવાસમાં સિરીઝમાં સચીન અને સેહવાગ ઈજાગ્રસ્ત હોવાથી તેમને તક મળી. તેમણે પહેલી આંતરરાષ્ટ્રીય સિરીઝમાં અર્ધ સદી ફટકારી હતી.
વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામે હરારેમાં તેમની ટી-20 ટીમમાં પસંદગી થઈ. 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં લેવાયા.
આઈપીએલમાં તેઓ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમ્યા. શરૂઆતથી જ આ ટીમ સાથે રમ્યા.
વિરાટ કોહલીના સાતત્યના કારણે સચીન સાથે સરખામણી થવા લાગી. જોકે તેઓ આવી અપેક્ષાઓ સામે દબાણમાં ન આવ્યા. તેમને સચીન તરફથી માર્ગદર્શન મળ્યું. 2011 વર્લ્ડકપના વિજય પછી તેમણે સચીનને ખભે ઉઠાવી લીધા હતા અને મેદાનમાં આંટો માર્યો.
2011-12માં ઑસ્ટ્રેલિયા સામે ભારત ખરાબ રીતે હાર્યું હતું. ટેસ્ટ સિરીઝમાં ભારતને કપરી હાર મળી હતી પણ કોહલીએ પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
એક પછી એક વિકેટો પડી રહી હતી પણ વિરાટ અડીખમ રહ્યા હતા. સચીન, દ્રવિડ, ગંભીર જેવા ખેલાડીઓ પણ આવું ન કરી શક્યા હતા. પણ આ સદી સાથે વિરાટની એક શાનદાર કારકિર્દીનો ઉદય થઈ ગયો.

નવી પેઢીના આક્રમક ખેલાડી

ઇમેજ સ્રોત, DARRIAN TRAYNOR - ICC
વર્ષ 2011-12માં ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસની ઘણી ચર્ચા થઈ હતી જેમાં કોહલીનો આક્રમક અભિગમ જોવા મળ્યો હતો. ત્યાં ઑસ્ટ્રેલિયાના ચાહકો અને ટીમ દ્વારા થતી સ્લેજિંગ સામે તેમણે શરણાગતિ ન સ્વીકારી અને વળતો જવાબ આપ્યો હતો.
એ પછી ઑસ્ટ્રેલિયાની સિરીઝમાં કોહલીએ ફરીથી એવો જ આક્રમક અભિગમ દેખાડ્યો હતો. 2014-15માં વિરાટ અનેન માઇકલ જૉન્સન સામસામે આવી ગયા હતા, જેથી અમ્પાયરે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
ઘણા માટે ભારતીય ક્રિકેટનું આ નવું સ્વરૂપ હતું. આઈપીએલ અને ટી-20ના માળખાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્વરૂપને બદલ્યું છે અને સંજોગવશાત્ આ સમયગાળામાં જ વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલાં માંડવાનું શરૂ કર્યું હતું.
વિરાટની આક્રમક શૈલી યુવાઓને પસંદ આવી. જોકે તેમની ટીકા પણ થઈ હતી. તો કપ્તાન ધોની અને ટીમના સભ્યો કહેતા કે કોહલી ઘણા મહેનતુ અને વિનમ્ર છે.
વિરાટનું આ લડાયક સ્વરૂપ ઘણા દેશોને પસંદ પડ્યું. એ પછી ઑસ્ટ્રેલિયા હોય, વેસ્ટ ઇન્ડીઝ કે પાકિસ્તાન.
આ બધા દેશોમાં તેમના ચાહકો વધવા લાગ્યા હતા, લોકો ઇચ્છતા કે તેમનું બાળક કોહલી જેવું બને.
'ચેઝ માસ્ટર' વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, QUINN ROONEY
વિરાટને કવર ડ્રાઇવ રમતા જોવું ચાહકો માટે ખૂબ જ આનંદની વાત છે. વિરાટ ક્રીઝ પર ટકી જાય એટલે પછી લાંબી ઇનિંગ રમીને જ રહે છે.
વનડેમાં રન ચેઝનો અર્થ થાય છે કે હરીફ ટીમે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરી વિજય મેળવવો. આવું કરવામાં ભાગ્યે જ વિરાટ નિષ્ફળ જાય છે. ચેઝ કરતી વખતે બાઉન્ડરી ફટકારીને ભારતને વિજય અપાવવામાં તેઓ માહેર છે. એટલે તેમને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે.
વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શનને કારણે તેમને 2010-2020 દશકના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ગારફીલ્ડ સોબર્સ ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે.
કોહલી વનડેમાં 13 હજાર રનનો આંકડો પાર કરનારા સચીન બાદ ભારતના બીજા બૅટ્સમૅન છે.
કયો શૉટ ક્યારે રમવો, પાર્ટનશિપ કરવી, આક્રમક બૉલર સામે આક્રમક રમવું, પીચને સમજી લેવી અને જરૂર મૂજબ વ્યૂહરચના બદલતી રહેવું એ કોહલીની વિશેષતા છે.
તેઓ ફિટનેસ મામલે પણ ઘણા ઍલર્ટ છે. ભારતીય ક્રિકેટમાં ફિટનેસ પ્રત્યે ભાગ્યે જ કોઈ ખેલાડીએ આવી પ્રતિબદ્ધતા દર્શાવી હશે.
વિરાટે 2013થી પોતાની ફિટનેસ પ્રત્યે કઠોર કસરત અને ડાયટ રૂટિન ફૉલો કરવાનું શરૂ કર્યું. વર્ષ 2018માં તેમણે માંસ અને દૂધ ઉત્પાદકો ખાવાનું પણ બંધ કરી દીધું અને ‘વિગન’ ખાનપાનનો નિર્ણય કર્યો.
ધોનીની નિવૃત્તિ પછી તેમણે વારસો આગળ વધાર્યો અને ભારતીય ક્રિકેટને મજબૂતી આપી.
કપ્તાનીનો કાંટાળો તાજ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2014માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ધોનીને આંગળીમાં ઇજા થઈ હતી. જેથી અચાનક કોહલીને કપ્તાની અપાઈ હતી. તેઓ એડિલેઇડ મૅચ પહેલાં સાજા નહોતા થઈ શક્યા. ટેસ્ટમાં કપ્તાની માટે કોહલીની આ પ્રથમ તક હતી. તેમણે એમાં સારી કપ્તાની કરી હતી.
પછી તેમણે 2011 સુધી 68 ટેસ્ટમાં કપ્તાની કરી. એમાં ભારત 40માં જીત્યું અને 17માં હાર મળી. કપ્તાન તરીકે તેમનો ટેસ્ટમાં વિજયનો દર 58.82 ટકાનો છે.
જોકે, વનડેમાં કપ્તાનીમાં ભારતે 95 વનડે રમી છે જેમાંથી 65માં ભારત જીત્યું છે. એમાં 24 જીત ભારતમાં મળી જ્યારે 41 વિદેશમાં. વનડેમાં કપ્તાની સાથે વિજયી દર 68.42 ટકાનો છે.
ટી-20 ક્રિકેટમાં કોહલીએ 66 મૅચમાં કપ્તાની કરી છે અને 50માં ભારત જીત્યું છે. જ્યારે માત્ર 16માં પરાજય થયો છે અને કપ્તાની સાથે વિજયનો દર 64.58 ટકા છે.
વિરાટના આંકડા તેમને ભારતીય ક્રિકેટના મહાન કપ્તાનોની હરોળમાં મૂકે છે.
પણ કપ્તાની કાંટાળો તાજ છે. વિરાટનો અનુભવ પણ આવો જ રહ્યો.
2019માં બૅટ્સમૅન તરીકેનું તેમનું પર્ફૉર્મન્સ નબળું પડવા લાગ્યું અને તેમણે એ સમયે કપ્તાની છોડી દીધી પછી વનડેની પણ છોડી અને આખરે ટેસ્ટમાં કપ્તાની છોડી દીધી. પછી કોહલીની જગ્યાએ રોહિતે કપ્તાની સંભાળી.
વિરાટની બીજી ઇનિંગ

ઇમેજ સ્રોત, ANI
વર્ષ 2021-22 વિરાટ માટે એક પડકારજનક સમય લઈને આવ્યું. તેમનો બેટિંગનો જાદુ જાણે કે ગાયબ થઈ ગયો હોય એવું લાગ્યું હતું. તેમણે ટ-20માં કપ્તાની પણ છોડી હતી.
સતત ક્રિકેટને કારણે તેમને ખૂબ જ થાક અનુભવાયો હતો. આથી બેટિંગના પર્ફૉર્મન્સમાં પણ અસર થઈ. વર્ષ 2022માં તેમણે એક મહિનાનો લાંબો બ્રૅક લીધો. વર્ષ 2008થી સતત તમામ પ્રકારની ક્રિકેટ રમી રહેલી વ્યક્તિ માટે આવું વારંવાર નથી થતું.
પરંતુ એશિયા કપમાં તેમણે અફઘાનિસ્તાન સામે સદી ફટકારી અને પુનરાગમન કર્યું. વર્ષ 2022 આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં તેમણે પાકિસ્તાન સામે પણ આક્રમક ઇનિંગ રમી. તેમણે અણનમ 82 રન કરીને ભારતને જીત અપાવી.
ત્યારથી વિરાટે ફૉર્મ મેળવી લીધું અને પછી લાજવાબ બેટિંગ કરી રહ્યા છે. તેઓ ટીમમાં એક વરિષ્ઠ ખેલાડીની ભૂમિકામાં છે.
જોકે આ ફૉર્મ પરત મેળવવું સરળ નહોતું. 2022માં તેમણે સ્ટારસ્પૉર્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મેં એક મહિનાથી બેટ નહોતું પકડ્યું. છેલ્લાં 10 વર્ષમાં પહેલી વાર આવું હતું. મને બધું ખૂબ જ અપૂર્વ લાગતું હતું. હું મારી જાતને કહેતો રહેતો કે હું કરી શકું છું. મારામાં ક્ષમતા છે. મારું મગજ મને કહેતું હતું પણ શરીર આરામ માટે કહેતું.”
માનસિક તણાવ વિશે ખૂલીને બોલવા મામલે વિરાટની ઘણી પ્રશંસા થઈ હતી.
તેમણે કહ્યું હતું, “હું માનસિક રીતે મજબૂત છું એવું લોકો માને છે. પણ દરેકની એક મર્યાદા હોય છે. તમારે એ મર્યાદા જાણવી પડે છે. નહીં તો બધું તદુંરસ્તી ખરાબ કરી નાખે છે. હું માનસિક રીતે સંઘર્ષ કરી રહ્યો હતો પણ એને સ્વીકારવાની હિંમત નહોતી. પણ હવે એવું નથી અનુભવતો. તમારું મનોબળ મજબૂત હોઈ શકે છે પણ એનો અર્થ નથી કે તમે તમારા સંઘર્ષને છુપાવો.”
અનુષ્કા સાથેની જોડી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2013માં શેમ્પૂની જાહેરાતના શૂટિંગ સમયે બંને મળ્યાં હતાં. પહેલાં મિત્રતા થઈ અને પછી રિલેશનશિપમાં આવ્યાં. 2014માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં વિરાટે જાહેરમાં સ્વીકાર્યું કે અનુષ્કા તેમની ગર્લફ્રેન્ડ છે. તેમને અનુષ્કાને સાથે લઈ જવા માટે સત્તાવાર મંજૂરી મળી હતી.
તેમના સંબંધો પર ઘણી ચર્ચા અને ગોસિપ થઈ હતી. શરૂઆતમાં એવું પણ કહેવાયું કે ઇંગ્લૅન્ડમાં અનુષ્કા હતાં એ સમયે વિરાટ પર્ફૉર્મ ન કરી શક્યા. ચાહકોએ તેમને રમત પર ધ્યાન આપવા સલાહ આપી હતી.
બંનેએ આવી ટીકા ટિપ્પણીઓ અવગણી હતી અને ફરીથી 2016માં આવી જ ટીકાઓ થવા લાગી. પણ વિરાટે અનુષ્કાને ટેકો આપ્યો.
વર્ષ 2017માં તેમણે ઇટાલીમાં લગ્ન કર્યાં અને મીડિયા તથા જાહેર જનતાથી દૂર રહીને તેમણે સમારોહ યોજ્યો.
સતત ચર્ચામાં રહેવા છતાં વિરાટ અને અનુષ્કાએ દર્શાવ્યું કે તેઓ પ્રોફેશનલ અને અંગત લાઇફ વચ્ચે કેવી રીતે સંતુલન સાધે છે.














