You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ કહ્યું - 'આવનારાં 25 વર્ષ માત્ર વિકાસની રાજનીતિનાં જ છે'
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "ગુજરાતના લોકોએ રેકૉર્ડ તોડવાનો પણ રેકૉર્ડ બનાવ્યો. ગુજરાતના ઇતિહાસનો આ સૌથી પ્રચંડ જનાદેશ આપીને ભાજપાને લઈને પ્રદેશના લોકોએ નવો ઇતિહાસ રચ્યો છે. જ્ઞાતિ, વર્ગ, સમુદાય અને દરેક પ્રકારના વિભાજનથી ઉપર ઊઠીને ભાજપને વોટ આપ્યા છે."
દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જ્યાં ભાજપ પ્રત્યક્ષ નથી જીત્યો ત્યાં ભાજપનો વોટ શૅર, ભાજપ પ્રત્યે સ્નેહનો સાક્ષી છે. હું ગુજરાત હિમાચલ, ગુજરાત અને દિલ્હીની જનતાનો વિનમ્રતાથી આભાર વ્યક્ત કરું છું."
તેમણે કહ્યું કે, "આવનારાં 25 વર્ષ માત્ર વિકાસની રાજનીતિનાં જ છે."
મોદીએ કહ્યું કે, "ભાજપ મોટાથી મોટા અને કડકમાં કડક નિર્ણય લેવાનો દમ ધરાવે છે. ભાજપનું વધતું જનમસર્થન દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામે જનઆક્રોશ સતત વધી રહ્યો છે. હું આને એક શુભસંકેતની જેમ જોવું છું."
"આ વખતે ગુજરાતે તો કમાલ જ કરી દીધો છે. હું નડ્ડાજી સહિત ભાજપના કાર્યકરો અને ગુજરાતની જનતાને નમન કરું છું. મેં પ્રચાર વખતે કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકૉર્ડ તૂટવો જોઈએ. ભૂપેન્દ્ર રેકૉર્ડ તોડે એટલે નરેન્દ્ર બને તેટલી મહેનત કરશે."
"ગુજરાતના ઇતિહાસનો સૌથી પ્રચંડ જનાદેશ ભાજપને આપીને ગુજરાતના લોકોએ નવો ઇતિહાસ રચ્યો છે. અઢી દાયકાથી નિરંતર સરકારમાં રહેવા છતાં આ પ્રકારનો પ્રેમે અભૂતપૂર્વ અને અદ્ભુત છે. લોકોએ જ્ઞાતિ, વર્ગ અને સમુદાયથી ઉપર ઊઠીને ભાજપને વોટ આપ્યા છે. ભાજપ ગુજરાતના દરેક ઘર પરિવારનો હિસ્સો છે."
"આ ચૂંટણીમાં ગુજરાતમાં એક કરોડથી વધારે એવા મતદારો હતો જેમણે મતદાન કર્યું પરંતુ તેઓ એવા મતદાતા હતા જેમણે ક્યારેય કૉંગ્રેસના કુશાસન અને તેની અવગુણોને જોઈ નહોતી. તેમણે માત્ર ભાજપની સરકાર જ જોઈ હતી. યુવાનોની પ્રકૃતિ હોય છે કે તેઓ પ્રશ્ન કરે, તપાસે પછી કોઈ નિર્ણય કરે. યુવાનો ત્યારે જ વોટ આપે જ્યારે તેમને સરકાર પર ભરોસો હોય, સરકારનું કામ પ્રત્યક્ષ દેખાય."
"ગુજરાતમાં લોકોએ સીટથી લઈને બધા રેકૉર્ડ તોડી દીધા છે. યુવાનોએ ભાજપને ચકાસી, તપાસી અને પસંદ કરી છે. યુવાઓ જ્ઞાતિવાદ, પરિવારવાદના જેવા ગેરમાર્ગે દોરતા મુદ્દામાં નથી આવતા.તેમનું દિવસ વિઝન અને વિકાસથી જીતી શકાય. ભાજપમાં વિઝન છે અને વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા પણ છે. જ્યારે મહામારીના ઘોર સંકટ વચ્ચે ત્યારે જનતાએ ભાજપને ચૂંટણીમાં ભરપૂર આશીર્વાદ આપ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભાજપનું આહ્વાન હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું પ્રમાણ દેશની સામે કોઈ પડકાર હોય છે ત્યારે જનતાનો ભરોસો ભાજપ પર હોય છે. દેશ પર સંકટ આવે, દેશ મોટા લક્ષ્ય નક્કી કરે છે તો તેમની પ્રાપ્તિ માટે લોકોનો ભરોસો ભાજપ પર હોય છે."
ગુજરાત ચૂંટણી: રેકૉર્ડ જીત પર ભાજપે કહ્યું, ‘મોદીના વિકાસ મોડલની જીત’
“ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે.”
ગુરુવારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણી પરિણામો પર આ પ્રથમ પ્રતિક્રિયા હતી.
તેઓએ જીતનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડલને આપ્યો છે.
અંતિમ તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ઍક્ઝિટ પોલે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળવાનો દાવો કર્યો હતો. ચૂંટણી પરિણામે આ દાવાને પ્રસ્થાપિત કરી દીધો.
ભાજપના હાથમાંથી હિમાચલ ગયું છે, પરંતુ રાજકીય વિશ્લેષકોના મતે ‘ગુજરાતમાં મોટી જીતે પાર્ટીના નેતૃત્વ અને ભાજપને મોટી રાહત આપી છે.’
ગુજરાતની કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં પહેલી અને 5મી ડિસેમ્બરે મતદાન થયું હતું.
ભારતીય ચૂંટણીપંચ અનુસાર, ભારતીય જનતા પાર્ટી 158 બેઠક પર 52 ટકાથી પણ વધુ મતે આગળ છે. તેમાંથી 73 બેઠક પર તેમની જીત નક્કી થઈ ગઈ છે.
'આ વખતે કિલ્લો ભેદ્યો, આવતી વખતે કિલ્લો ફતેહ કરશું' - અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે "ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવી રહ્યા છે. ગુજરાતના લોકોએ આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જેટલા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા છે. તે હિસાબથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે."
આમ આદમી પાર્ટીએ 182 બેઠકો પર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડી જેમાંથી પાંચ બેઠકો મળી.
જોકે આમ આદમી પાર્ટીના ચર્ચિત ચહેરાઓ ચૂંટણી હારી ગયા છે.
આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા તથા અલ્પેશ કથીરિયા જેમની ઘણી ચર્ચા હતી, તે ચૂંટણી હારી ગયા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે તેને ભેદવામાં અમે સફળ થયા છીએ. આપને આશરે 13 ટકા મત મળ્યા છે. અત્યાર સુધી 39 લાખ વોટ મળી ચૂક્યા છે. પ્રથમ વખતમાં આટલા લોકોએ મત આપ્યો. હું આ પ્રેમ માટે આભાર માનું છું. આ વખતે અમે કિલ્લો ભેદ્યો છે આવતી વખતે ફતેહ કરશું. અમે સકારાત્મક પ્રચાર કર્યો. કોઈ ગાળો નથી આપી, કોઈ અપશબ્દ નહીં, કોઈની વિરુદ્ધ અમે નથી બોલ્યા. અમે દિલ્હી અને પંજાબમાં કામની વાત કરી. આને કારણે જ અમને અન્ય પાર્ટીઓથી અલગ કરે છે."
"અત્યાર સુધી ગાળો,મારપીટ, જ્ઞાતિ અને ધર્મની રાજનીતિ ચાલતી હતી. પહેલી વખત કોઈ પાર્ટી આવી છે જે જનતાના મુદ્દાની વાત કરે છે."
હિમાચલ પ્રદેશ: મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે હારનો કર્યો સ્વીકાર, કૉંગ્રેસને પાઠવ્યા અભિનંદન
હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વીકાર કરતાં કૉંગ્રેસને અભિનંદન પાઠવ્યાં છે અને કહ્યું કે તેઓ રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, “હું જનતાના જનાદેશનું સન્માન કરું છું અને હિમાચલ પ્રદેશની જનતાનો આભારી છું કે અમને પાંચ વર્ષ હિમાચલ પ્રદેશની સેવા કરવાની તક આપી અને હંમેશા અમને તેમનો સહયોગ મળી રહ્યો છે.”
“વિપક્ષને સત્તા મળવાની શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે અને હું તેઓને અભિનંદન પાઠવું છું. હું હિમાચલ પ્રદેશના તમામ લોકોને અભિનંદન પાઠવું છું, ખાસ કરીને મતદાતાઓને અભિનંદન પાઠવું છું, કારણ કે ચૂંટણી પ્રક્રિયામાં તેમનો ઘણો સહયોગ મળ્યો છે. આ વખતે હિમાચલ પ્રદેશમાં રેકૉર્ડ મતદાન થયું છે.”
“હિમાચલ પ્રદેશના દરેક વિસ્તારમાં વિકાસ થયો છે અને સ્વભાવિક રીતે તેનો શ્રેય આદરણીય મોદીજીને જાય છે.”
“હું આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષનો પણ આભાર વ્યક્ત કરું છું, તેમનો પણ ઘણો સહયોગ મળી રહ્યો છે. અમિત શાહનો પણ આભાર વ્યક્ત કરું છું.”
“નવી સરકાર બનશે, મારા તરફથી તેમને ઘણી શુભકામનાઓ. જે વચનો આપ્યાં છે, તેઓ તેને પૂરાં કરે. હિમાચલ પ્રદેશ આગળ વધે, એ દૃષ્ટિએ અમારો સહયોગ હંમેશાં રાજનીતિથી ઉપર ઊઠીને રહેશે.”
જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, ભૂપેશ બધેલ કહી રહ્યા છે કે ભાજપ કંઈ પણ કરી શકે છે. ત્યારે જયરામ બોલ્યા કે, “જે જનમત તેમને મળ્યો છે તેને સાચવીને રાખવાનું તેમનું કામ છે.”
અંતે તેઓએ કહ્યું હતું કે, “હું થોડીવારમાં રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યો છું.”
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસને વિજય, 68માંથી 40 બેઠકો જીતી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને કારમો પરાજય મળ્યો છે પરંતુ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 68માંથી 40 બેઠકો જીતી છે. ભાજપને 25 બેઠકો મળી છે અને ત્રણ અપક્ષને જીતી છે.
આ રીતે કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં સ્પષ્ટ મૅન્ડેટ મળ્યો છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત પર કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ જીત જનતાના મુદ્દાની છે. ઉન્નતિના સંકલ્પોની જીત છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને જનાદેશ આપવા માટે હિમાચલ પ્રદેશની જનતાનું દિલથી ધન્યવાદ અને અભિવાદન."
"આ જીત હિમાચલ પ્રદેશની જનતા અને ઉન્નતિના સંકલ્પોની જીત છે. કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને શુભકામનાઓ. તેમની મહેનત રંગ લાવી"