નિમિષા પ્રિયાને જેમની હત્યા માટે મોતની સજા થઈ તેમના ભાઈએ માફી અંગે શું કહ્યું?

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજાનો દિવસ ટાળી દેવામાં આવ્યો છે. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલયે આપી હતી. પૂર્વનિર્ધારિત યોજના મુજબ તેમને બુધવારે મૃત્યુદંડની સજા થવાની હતી.
નિમિષા ઉપર તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દોની હત્યાનો દોષ પુરવાર થયો છે. તલાલના ભાઈ અબ્દેલ ફતેહ મહદીએ બીબીસીની અરબી સેવા સાથે વાત કરી હતી.
નિમિષા પ્રિયાના વકીલે આરોપ મૂક્યા હતા કે તલાલ દ્વારા નિમિષાનું શોષણ કરવામાં આવ્યું હતું અને તેમનો પાસપૉર્ટ જપ્ત કરી લીધો હતો. અબ્દેલ ફતેહ મહદીએ આ આરોપોને નકાર્યા છે.
વર્ષ 2017માં તલાલ મહદીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. નિમિષા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે મહદીને 'વધારે પડતી ઊંઘની ગોળીઓ' આપીને મારી નાખ્યા અને એ પછી તેમના મૃતદેહના કટકા કરી નાખ્યા.
શું નિમિષા પ્રિયાને મોતની સજામાંથી માફી મળશે?
નિમિષાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમના વકીલે પૈસા પડાવી લેવાની, પાસપૉર્ટ પડાવી લેવાની તથા બંદૂકથી ધમકાવવાની દલીલ આપી હતી. 34 વર્ષીય નિમિષા હાલમાં યમનની રાજધાની સનાની મધ્યસ્થ જેલમાં બંધ છે.
અબ્દેલ ફતેહ મહદીએ પાસપૉર્ટ જપ્ત કરવાના તથા ધમકાવવાના દાવાને 'ખોટા' ગણાવ્યા છે. અબ્દેલ મહદીએ કહ્યું, "આ દાવા ખોટા છે અને તે નિરાધાર છે."
તેમણે કહ્યું, "કાવતરાખોરે (નિમિષા) પણ તેનો ઉલ્લેખ નહોતો કર્યો તથા એમણે (તલાલ મહદીએ) તેમનો પાસપૉર્ટ રાખી લીધો હોવાની વાત પણ નહોતી કહી."
અબ્દેલે દાવો કર્યો હતો કે તેમના ભાઈ દલાલ દ્વારા 'નિમિષાનું શોષણ' કરવાની વાત અફવા માત્ર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબ્દેલના કહેવા પ્રમાણે, તેમના ભાઈ તલાલ તથા નિમિષા વચ્ચેના સંબંધ અન્ય કોઈ સંબંધો જેવા જ સામાન્ય હતા.
અબ્દેલે કહ્યું, "બંનેએ એકબીજાને પારખ્યાં, એ પછી તેમણે મેડિકલ ક્લિનિક માટે કૉમર્શિયલ પાર્ટનરશિપ શરૂ કરી. એ પછી એમના (નિમિષાનાં) લગ્ન થયાં અને 3-4 વર્ષ સુધી તેમનો આ સંબંધ જળવાઈ રહ્યો હતો."
અબ્દેલે કહ્યું, "ખૂબ જ અફસોસની વાત છે કે સત્યને ખોટું ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હત્યાની દોષિતને પીડિતા તરીકે રજૂ કરવામાં આવી રહી છે તથા એક ગુનાને ન્યાયિક ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
આ અંગે સમાધાન એટલે કે નિમિષા પ્રિયાને માફી આપવાના મુદ્દે અબ્દેલે કહ્યું, "તેને માફી આપવાના મુદ્દે પ્રયાસો થઈ રહ્યા છે, જેના વિશે અમારો સ્પષ્ટ મત છે. અમે ઇચ્છીએ છીએ કે આ મામલે 'ખુદાનો કાયદો' લાગુ કરવામાં આવે. અમને એનાથી ઓછું કંઈ મંજૂર નથી."
નિમિષાનો મૃત્યુદંડનો દિવસ ટાળવામાં આવ્યો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નિમિષા પ્રિયાને અગાઉ બુધવારે (16 જુલાઈ) મૃત્યુદંડની સજા થવાની હતી.
બીબીસી હિંદીના સહયોગી પત્રકાર ઇમરાન કુરેશીના કહેવા પ્રમાણે, નિમિષાને બચાવવા માટે ભારતીય અધિકારીઓ યમનના જેલના વહીવટીતંત્ર તથા અભિયોજકના કાર્યાલયના સંપર્કમાં હતા, જેથી હાલમાં મોતની સજાનો દિવસ ટળી ગયો છે.
મોતની સજા જાહેર થયા બાદ નિમિષાના પરિવારે ભારત સરકારનો સંપર્ક કરીને આ મામલે સક્રિય થવા વિનંતી કરી હતી.
એ પછી સરકારે પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. તાજેતરના દિવસોમાં સરકારના પ્રયાસોને કારણે બંને પક્ષકારો વચ્ચે થોડા વધુ સમય માટે પરસ્પર સહમતિ સધાઈ હતી.
આ પહેલાં બીબીસી તમિલ સાથે વાત કરતી વેળાએ યમનમાં નિમિષાની બાબતોના પાવર ઑફ ઍટર્ની સૅમ્યુઅલ જેરોમે કહ્યું હતું, "બધું સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે. મંગળવારના અંત સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે, પરંતુ તે ફાંસીની સજા રદ થવા સંદર્ભે નહીં હોય. માત્ર મોતની સજાનો દિવસ ટાળવામાં આવશે."
જેરોમે કહ્યું હતું કે 'હજુ સુધી મહદી પરિવારે માફી નથી આપી. જો તેઓ માફ કરી દે, તો મોતની સજા રદ થઈ શકે છે. હાલમાં અમારી પાસે માત્ર મોતની સજાનો દિવસ ટાળવાનો વિકલ્પ છે. જેના કારણે અમને પરિવાર સાથે વાતચીત કરવા માટે વધુ સમય મળશે.'
સોમવારે (14 જુલાઈ) કેરળના પ્રભાવશાળી મનાતા મુસ્લિમ ધર્મગુરુ ગ્રાન્ડ મુફ્તી એપી અબૂબકર મુસલિયારે નિમિષા મુદ્દે 'યમનના અમુક શેખો' સાથે વાત કરી હતી.
સુપ્રીમ કોર્ટના વકીલ તથા કાઉન્સિલના સભ્ય સુભાષ ચંદ્રાએ બીબીસી હિંદીને કહ્યું હતું કે 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશલ ઍક્શન કાઉન્સિલ'ના અમુક સભ્યોએ ગ્રાન્ડ મુફ્તી સાથે મુલાકાત કરી હતી, એ પછી તેમણે યમનના પ્રભાવશાળી શેખો સાથે વાત કરી હતી.
ચંદ્રાએ કહ્યું, "અમને જણાવવામાં આવ્યું છે કે એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં મૃતકના અમુક સંબંધીઓ તથા પ્રભાવશાળી લોકો હાજર રહેશે."
યમન દેશમાં નિમિષા પ્રિયાને મોતની સજા કેમ મળી છે?

ડિસેમ્બર 2023માં બીબીસીનાં સંવાદદાતા ગીતા પાંડેના એક અહેવાલ પ્રમાણે નિમિષા પ્રિયા એક તાલીમબદ્ધ નર્સ છે અને 2008માં તેઓ કેરળથી યમન નોકરી કરવા ગયાં હતાં. તેમને યમનની રાજધાની સનાની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી મળી હતી.
નિમિષા 2011માં કેરળ આવ્યાં અને ટોમી થૉમસ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી પતિ-પત્ની બંને યમન ગયાં, જ્યાં ડિસેમ્બર 2012માં તેમને એક દીકરીનો જન્મ થયો હતો.
થૉમસે બીબીસીને જણાવ્યું કે તેમને ત્યાં કોઈ સારી નોકરી ન મળવાથી નાણાકીય તકલીફો વધી ગઈ. તેથી તેઓ 2014માં દીકરીને લઈને કોચીન આવી ગયા.
તે જ વર્ષે નિમિષાએ પોતાની ઓછા પગારની નોકરી છોડીને એક ક્લિનિક ખોલવાનો નિર્ણય લીધો. યમનના કાયદા મુજબ તેના માટે એક સ્થાનિક ભાગીદાર રાખવાનું જરૂરી હતું. તેથી નિમિષાએ મહદીને પોતાના ભાગીદાર બનાવ્યા.
મહદી પાસે કપડાંની દુકાન હતી અને તેમનાં પત્નીએ નિમિષા જ્યાં કામ કરતાં હતાં તે જ ક્લિનિકમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. જાન્યુઆરી 2015માં નિમિષા જ્યારે ભારત આવ્યાં ત્યારે મહદી પણ તેમની સાથે આવ્યા હતા.
નિમિષા અને તેમના પતિએ મિત્રો અને પરિવારજનોની મદદથી નાણાકીય ટેકા માટે 50 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. એક મહિના પછી નિમિષા પોતાનું ક્લિનિક શરૂ કરવા યમન પરત ફર્યાં હતાં.
તેઓ પોતાના પતિ થૉમસ અને દીકરીને ત્યાં બોલાવવા પ્રયાસ કરી રહ્યાં હતાં, એ જ સમયે યમનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું.
આ ગાળામાં ભારતે યમનમાંથી 4600 ભારતીયો અને એક હજાર વિદેશી નાગરિકોને સલામત બહાર કાઢ્યા. પરંતુ નિમિષા તે વખતે ભારત પાછાં ન આવ્યાં.
થોડા જ સમયમાં નિમિષાની તકલીફો શરૂ થઈ ગઈ. તેમણે પોતાના ભાગીદાર મહદી સામે ફરિયાદો શરૂ કરી.
નિમિષાનાં માતા પ્રેમકુમારીએ દિલ્હી હાઇકોર્ટમાં 2023માં એક અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું, "મહદીએ નિમિષાના ઘરમાંથી તેમનાં લગ્નના ફોટા ચોરી લીધા હતા. ત્યાર બાદ તેણે આ ફોટામાં ચેડાં કર્યાં અને તેણે નિમિષા સાથે લગ્ન કર્યાં હોવાનો દાવો કરવા લાગ્યો."
તેમાં જણાવાયું હતું કે મહદીએ ઘણી વાર નિમિષાને ધમકી આપી હતી. તેમણે "નિમિષાનો પાસપૉર્ટ જપ્ત કરી લીધો હતો. નિમિષાએ જ્યારે પોલીસને ફરિયાદ કરી તો પોલીસે તેમની છ દિવસ સુધી ધરપકડ કરી લીધી હતી."
નિમિષા પ્રિયા પર હત્યાનો આરોપ અને સજા

2017માં નિમિષાના પતિ થૉમસને માહિતી મળી કે મહદીની હત્યા થઈ ગઈ છે.
થૉમસને યમનથી સમાચાર મળ્યા કે, "નિમિષાને તેના પતિની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યાં છે".
થૉમસ માટે આ આઘાતજનક સમાચાર હતા, કારણ કે નિમિષાના પતિ તો તેઓ હતા. પરિવારનું કહેવું છે કે મહદીએ નિમિષાના ફોટોગ્રાફને ઍડિટ કર્યા હતા અને પોતે નિમિષા સાથે લગ્ન કર્યાંનો દાવો કર્યો.
પાણીની એક ટાંકીમાંથી મહદીના શરીરના ટુકડા મળી આવ્યા હતા. એક મહિના પછી યમન-સાઉદી અરેબિયા સરહદે નિમિષાની ધરપકડ કરવામાં આવી.
બીબીસી ન્યૂઝ મુજબ, "દિલ્હી હાઇકોર્ટમાં ફાઇલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે મહદીએ ક્લિનિકની માલિકીના બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા અને તેના પર પોતાની માલિકીનો દાવો કર્યો હતો. તે ક્લિનિકમાંથી રૂપિયા પણ લેતો હતો અને નિમિષાનો પાસપૉર્ટ પણ આંચકી લીધો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












