ચંદ્રમાં શું 'કાટ' લાગી રહ્યો છે, શા માટે?

    • લેેખક, અમૃતા દુર્વે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

આપણા ચંદ્રને કાટ લાગી રહ્યો છું? આવું શક્ય છે? જ્યારે લોખંડનો સંપર્ક પાણી અને ઑક્સિજન સાથે થાય એટલે તેને કાટ લાગવા માંડે છે.

પરંતુ ચંદ્ર ઉપર પ્રાણવાયુ જ નથી, તો કઈ રીતે કાટ લાગે? આયર્ન અને ઑક્સિજનના અણુઓ વચ્ચે પાણી ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે, જેથી કાટ લાગે છે.

આ રાસાયણિક પ્રક્રિયાને કારણે આયર્ન ઑક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેને 'હેમેટાઇટ' તરીકે ઓળખવામાં આવે છે અને બોલચાલની ભાષામાં આપણે તેને 'કાટ' કે 'રસ્ટિંગ' કહીએ છીએ.

મંગળ ગ્રહ ઉપર લાખો વર્ષ પહેલાં પાણી હતું. ત્યારે ચંદ્ર ઉપર પ્રવાહીસ્વરૂપે પાણી અને વાતાવરણ હતું. ત્યારે પાણી અને ઑક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને લોખંડથી સમૃદ્ધ ખડકો ઉપર કાટ ચઢી ગયો.

એટલે આપણને મંગળગ્રહ લાલ દેખાય છે અથવા તો તેને 'રાતા ગ્રહ' તરીકે પણ ઓળખીએ છીએ.

વાતાવરણ ન હોવા છતાં કાટ

ચંદ્ર ઉપર હવામાન, ઑક્સિજન કે પ્રવાહી સ્વરૂપે પાણી ન હોવા છતાં આ ખડકો ઉપર કાટ ચઢી રહ્યો છે.

ચંદ્ર પરના ખડકો મોટાપાયે લોખંડ ધરાવે છે, છતાં તેની ઉપર કાટ ન લાગવો જોઈએ, કારણ કે કાટ ચઢવા માટેની રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે અન્ય તત્ત્વોની જરૂર પડે, તેની ગેરહાજરી છે.

વર્ષ 2020માં ચંદ્રયાન-1એ જે માહિતી મોકલી, તેના પરથી ચંદ્રની સપાટી ઉપર હેમેટાઇટનું અસ્તિત્વ હોવાનું માલૂમ પડ્યું છે.

આમ છતાં શા માટે કાટ લાગી રહ્યો છે, તેનાં કારણોની તપાસ કરીએ તો તેના માટે પૃથ્વી જવાબદાર છે.

સૂર્ય દ્વારા ખૂબ જ શક્તિશાળી સૌરતરંગો અવકાશમાં છોડવામાં આવે છે. જેની ગતિ લગભગ 16 લાખ કિલોમીટર પ્રતિકલાક જેટલી હોય છે.

આ શક્તિશાળી સૌરતરંગોની વચ્ચે જે કંઈ આવે, તે 'ધોવાઈ' જાય છે. આ સૌરપવન ચંદ્ર સાથે પણ અથડાય છે.

મહિનાના પાંચ દિવસ

પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં અમુક કણ ફસાય જાય છે. જ્યારે આ સૌરપવનો પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર સાથે ટકરાય છે, ત્યારે અમુક કણ બહાર નીકળી જાય છે, જેમાં ઑક્સિજનના કણ પણ સામેલ હોય છે.

દર મહિને લગભગ પાંચ દિવસ માટે પૃથ્વીએ સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે. જેથી કરીને આ દિવસો દરમિયાન સૂર્યમાંથી ઉત્સર્જિત થતા કણ ચંદ્ર સુધી પહોંચી નથી શકતા.

આ દિવસો દરમિયાન ચંદ્રએ પૃથ્વીની અસર હેઠળ હોય છે, જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી નીકળી ગયેલા કણો ચંદ્ર સાથે સંપર્કમાં આવે છે. તેને 'અર્થ વિંડ' કે પૃથ્વીના પવનો પણ કહેવામાં આવે છે.

પૃથ્વીની હવામાં અન્ય કણોની સાથે હાઇડ્રોજન, ઑક્સિજન અને નાઇટ્રોજન હોય છે. જ્યારે આ ભારિત કણો ચંદ્રની સપાટી સાથે અથડાય છે, ત્યારે ચંદ્રની બાહ્ય સપાટીમાં ફસાય જાય છે અને વૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

ચંદ્ર લાલ કેમ દેખાય છે?

ચંદ્ર ઉપર લોખંડ છે અને હવે ઑક્સિજનના કણ પણ પહોંચી ગયા, પરંતુ કાટ લાગવા માટે જરૂરી પાણી ક્યાંથી આવે છે?

આમ તો ચંદ્રની સપાટી મહદંશે સૂકી છે, આમ છતાં એક ભાગમાં ઘનસ્વરૂપે પાણી (બરફ) અસ્તિત્વ ધરાવે છે.

યુનિવર્સિટી ઑફ હવાઈ ખાતે સંશોધક શુઆઈ લીનું કહેવું છે કે ચંદ્રની સાથે અથડાનારા ખૂબ જ નાના કણ સપાટી ઉપર પાણી પણ છોડે છે. હવે, ચંદ્રની સપાટી ઉપર લોખંડ, ઑક્સિજન અને પાણી હોવાને કારણે કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય છે.

ચીનની મકાઉ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી ખાતે ખગોળવિજ્ઞાની ઝિરિયાન ઝિન અને તેમની ટીમે કરેલું સંશોધન સપ્ટેમ્બર મહિનામાં પ્રકાશિત થયું હતું.

સંશોધનમાં જણાવ્યા પ્રમાણે, ઑક્સિજન અને હાઇડ્રોજનના કણ જેટલા પ્રમાણ ચંદ્રની સપાટી સાથે અથડાય રહ્યા છે, જેના કારણે ચંદ્રની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે અને હેમેટાઇટ (કાટ) બની રહ્યો છે.

આનો અર્થ એ પણ છે કે પૃથ્વી અને તેના કુદરતી ઉપગ્રહ એવા ચંદ્રની વચ્ચે લાંબા સમયથી તત્ત્વોનું આદાનપ્રદાન થઈ રહ્યું છે.

તો શું આને કારણે ક્યારેક પૃથ્વી ઉપરથી ચંદ્ર લાલ દેખાય છે? તો તેનો જવાબ ના છે.

આની પાછળનું કારણ એ છે કે પૃથ્વીનું વાતાવરણ પ્રકાશને વિખેરી નાખે છે, જેના કારણે આપણને ક્ષિતિજ પાસે ચંદ્ર લાલ બિંદુ જેવો દેખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન