You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ : 'સરકાર અને મિલિટરીના ભરોસે ગયાં પણ...', સુરતમાં પતિનો મૃતદેહ ઘરે આવતાં પત્નીએ પાટીલને શું કહ્યું?
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર ચરમપંથીઓના હુમલામાં ત્રણ ગુજરાતી પર્યટકો સહિત કુલ 26 લોકોનાં મોત થયાં છે.
જમ્મુ - કાશ્મીરથી બુધવારે મૃતદેહોને તેમના વતન લઈ જવાયા હતા, જેમાં સુરતના પર્યટક શૈલેશ કળથિયાનો મૃતદેહ પણ તેમના ઘેર લાવવામાં આવ્યો હતો.
મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવતી હતી ત્યારે મૃતકનાં પત્ની શીતલ કળથિયાએ કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલની સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જમ્મુ - કાશ્મીરમાં કેવી સ્થિતિ છે તેનો ચિતાર આપ્યો હતો.
તેમણે કહ્યું કે, "પર્યટકો સાથે આટલી મોટી ઘટના બની ગઈ છતાં આર્મીને તેની ખબર ન હતી."
તેમણે કહ્યું કે, "કાશ્મીર ટૂરિસ્ટ પ્લેસ છે છતાં ઘટના બની ત્યાં કોઈ આર્મીમૅન નહીં, પોલીસમૅન નહીં, કોઈ ફર્સ્ટ ઍઇડ કિટ નહીં. કોઈ સુવિધા નહીં."
મૃતકનાં પત્નીએ જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા મુદ્દે શું કહ્યું?
શીતલ કળથિયાએ કહ્યું કે, "ઘટના બની ગયા પછી આર્મીમૅને અમને કહ્યું કે તમે ઉપર ફરવા જાવ છો શું કામ?"
"જો આવું જ હોય તો પછી તમે લોકો અમને ઉપર જાવા દો છો શું કામ? અમારો આધારસ્તંભ જતો રહ્યો છે."
તેમણે નાગરિકોની અપૂરતી સુરક્ષાના મામલે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "સરકારને પોતાની જ સુવિધા રાખવી છે. તમારી પાછળ કેટલા વીઆઇપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે. તમારો જીવ એ જીવ છે અને આ જે ટૅક્સ ચૂકવે છે એનો જીવ નથી. આ બંને છોકરાઓનું શું? એકને ડૉક્ટર બનાવવી છે, એકને એન્જિનિયર બનાવવો છે, હું કેવી રીતે બનાવીશ...?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તમે અમારી પાસેથી બધો ટૅક્સ લો છો, પણ મારા ઘરવાળાને જરૂર હતી ત્યારે તેનો કોઈ ફેસિલિટી ન મળી."
"આ બધી ઘટના બની ગઈ, બધું બની જાય પછી આપણી સરકાર આવે છે અને ફોટા પાડી જાય છે."
તેમણે કહ્યું કે, "કાશ્મીર ખરાબ નથી, પણ ત્યાં સિક્યૉરિટી સારી નથી."
"ઉપર મિની સ્વિટ્ઝર્લેન્ડમાં એકેય ઑફિસર ન હતો, કોઈ જવાન ન હતો. જો કોઈ હોત તો આ ન થાત."
'મિલિટરીએ કહ્યું કે તમે કેમ ફરવા શા માટે આવો છો'
તેમણે વધુમાં કહ્યું, "આ બધું બની ગયું છતાં નીચે મિલિટરીને ખબર ન હતી કે ઉપર શું થયું છે. અમે અમારા કૉન્ટેક્ટથી જાણ કરીને ઍમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરીને ખબર પડી કે ઉપર કંઈક થયું છે."
"મિલિટરીએ કહ્યું કે તમે કેમ ફરવા શા માટે આવો છો."
શીતલબેને કહ્યું કે, "સરકાર ઉપર ભરોસો રાખીને, મિલિટરી પર ભરોસો રાખીને અમે ઉપર ગયાં હતાં, તે મિલિટરી કહે કે તમે લોકો ઉપર જાવ છો શું કરવા. તે ઑફિસરને પકડીને પૂછો કે તેનાથી આવું બોલાય કેમ. છોકરા દરેક મિલિટરીમેનને સેલ્યુટ કરતા હતા."
"આપણા દેશની મિલિટરી આવું કહેશે તો બીજું કોણ બોલશે," એવો સવાલ તેમણે કર્યો હતો.
"વીઆઇપીઓને હેલિકૉપ્ટરની સુવિધા મળે છે, ટૅક્સ ભરે છે, ટૅક્સ ભરીને સેલરી મળે છે. તોય કાંઈ સુવિધા નહીં. હેલિકૉપ્ટર તો છોડો, કોઈ ઍમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ ઑફિસર નહીં."
"આતંકવાદી આટલે સામે આવીને ગોળી મારી દે આપણી સરકાર કરે છે શું. અહીં મિલિટરી જોઈ તો અમને થયું કે આ સારામાં સારી જગ્યા છે."
"કેવી સરકાર છે આપણી, કાશ્મીરમાં વાંધો નથી, વાંધો આપણી સરકારની સુરક્ષામાં છે."
ભાવનગરમાં મૃતકોના સ્વજને શું કહ્યું?
તો જમ્મુ - કાશ્મીરમાં થયેલા ચરમપંથી હુમલામાં ભાવનગરના પિતાપુત્રના પણ મૃત્યુ થયાં છે. તેમના મૃતદેહ પણ ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પહલગામમાં ચરમપંથીઓની ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.
પિતાપુત્રના મૃતદેહને શ્રીનગરથી હવાઈ માર્ગે દિલ્હી-અમદાવાદ થઈ ઍમ્બ્યુલન્સ દ્વારા મોડી રાત્રે ભાવનગર લાવવામાં આવ્યા હતા.
ભાવનગરના એક મૃતકના સ્વજન સાર્થક નાથાણીએ જણાવ્યું કે "અમે ઘોડા પર પહાડ ચઢ્યા અને ટિકિટ લઈને અંદર ગયા હતા તથા ફોટા પડાવતા હતા. તેવામાં બે ગોળી ફૂટવાનો અવાજ આવ્યો. અમને લાગ્યું કે ફટાકડા ફૂટ્યા. થોડી વારમાં આતંકવાદી નજીક આવી ગયા અને ગોળીબાર કરવા લાગ્યા. અમે ત્રણ જણા ત્યાં હતા તેવામાં મારા ફુવાને ગોળી વાગી. મારો ભાઈ સ્મિત ત્યાં ઊભો હતો તેને પણ તેમણે ગોળી મારી દીધી."
સાર્થકે કહ્યું કે, "ઘટના બની ત્યારે ત્યાં કોઈ આર્મીના જવાન કે સુરક્ષાવાળા ન હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન