વજન ઘટાડવાની દવાઓ કેટલી અસરકારક, તેની કેવી ગંભીર આડઅસરો છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

મુંબઈ સ્થિત ડાયાબિટીસ નિષ્ણાત રાહુલ બક્ષીને સંખ્યાબંધ લોકો ફોન કરતા રહે છે અને એ બધા ફોન કૉલ્સ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા સંઘર્ષ કરતા દર્દીઓના જ હોતા નથી.

વધુને વધુ યુવા પ્રોફેશનલ્સ તેમને એક જ સવાલ પૂછે છેઃ "ડૉક્ટર, તમે મને વજન ઘટાડવાની દવા આપશો?"

તાજેતરમાં 23 વર્ષનો એક યુવાન તેમની પાસે આવ્યો હતો. આકરી મહેનત માગી લેતી કૉર્પોરેટ નોકરી શરૂ કર્યા પછી તેનું વજન 10 કિલો વધી ગયું હતું. યુવાન તેનાથી ચિંતિત હતો. તેણે કહ્યું હતું, "જિમમાંનો મારો એક મિત્ર (વજન ઘટાડવાનાં) ઇન્જેક્શન્સ લઈ રહ્યો છે."

ડૉ. બક્ષી કહે છે કે તેમણે તેને ના પાડી હતી અને સવાલ કર્યો હતો કે દવા વડે 10 કિલો વજન ઘટાડ્યા પછી તમે શું કરશો?

તેમણે તેને કહ્યું હતું, "બંધ કરશો એટલે વજન પાછું વધશે. ચાલુ રાખશો અને કસરત નહીં કરો તો તમારા સ્નાયુઓ નબળા પડવા લાગશે. આ દવાઓ, યોગ્ય આહાર અને જીવનશૈલીમાં પરિવર્તનનો વિકલ્પ નથી."

વજન ઘટાડવાની દવાઓની માંગમાં વધારો થતાં શહેરી ભારતમાં આવી વાતચીત વધારેને વધારે રાબેતા મુજબની બનતી જાય છે. ભારત એક એવો દેશ છે, જ્યાં વિશ્વમાં બીજા ક્રમના સૌથી વધુ ઓવરવેઇટ લોકો અને ટાઇપ ટુ ડાયાબિટીસથી પીડાતા 7.7 કરોડથી વધુ લોકો છે.

મૂળભૂત રીતે ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવેલી આ દવાઓ હવે વજન ઘટાડવાની દવા તરીકે પ્રશંસા પામી રહી છે. આ દવાઓ અગાઉની સારવારની સરખામણીએ બહુ સારું પરિણામ આપે છે.

છતાં તેની વધતી લોકપ્રિયતાએ મુશ્કેલ પ્રશ્નો પણ ઊભા કર્યા છે. એ સવાલો તબીબી દેખરેખની જરૂરિયાત, દુરુપયોગના જોખમ અને સારવાર તથા જીવનશૈલી બહેતર બનાવવા વચ્ચેની ઝાંખી ભેદરેખા વિશેના છે.

કઈ દવાઓનું પ્રભુત્વ છે?

દિલ્હીના ફોર્ટિસ-સી-ડીઓસી સેન્ટર ફૉર ઍક્સલન્સ ફૉર ડાયાબિટીસ મેટાબૉલિક ડિસીઝ ઍન્ડ ઍન્ડોક્રાયનોલૉજી વિભાગના વડા અનૂપ મિશ્રા કહે છે, "આ અત્યાર સુધીની વજન ઘટાડવાની સૌથી શક્તિશાળી દવા છે. આવી ઘણી દવાઓ આવી અને ગઈ, પરંતુ નવી દવાની તોલે આવે તેવી કોઈ નથી."

ભારતમાં ઝડપથી વિકસતા વજન ઘટાડવાના માર્કેટમાં બે નવી દવાઓ પ્રભુત્વ ધરાવે છે. એક સેમાગ્લુટાઇડ છે, જે જંગી ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્ક દ્વારા રાયબેલ્સસ (ઓરલ) અને વેગોવી (ઇન્જેક્ટેબલ) નામે વેચવામાં આવે છે. ઓઝેમ્પિક (ઇન્જેક્ટેબલ) નામની દવાને ભારતમાં ડાયાબિટીસ માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સ્થૂળતા માટે તે હજુ સુધી ઉપલબ્ધ નથી.

બીજી દવા ટિર્ઝેપેટાઇડ છે. તેનું માર્કેટિંગ અમેરિકન ઔષધ ઉત્પાદક કંપની એલી લીલી દ્વારા મૌન્જારો નામે કરવામાં આવે છે. તે મુખ્યત્વે ડાયાબિટીસ માટે છે, પરંતુ ભારતમાં તેનો વધુને વધુ ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે.

સ્થૂળતા ઘટાડવાની દવા કેવી રીતે કામ કરે છે?

આ બંને દવાઓ જીએલપી-વન દવાઓ તરીકે ઓળખાતા વર્ગની છે. તે ભૂખને નિયંત્રિત કરતા કુદરતી હોર્મોનને મિમિક કરે છે. પાચનક્રિયાને ધીમી કરી, મગજનાં ઍપેટાઇટ સેન્ટર્સ પર કાર્ય કરીને તે લોકોને તેમનું પેટ ભરાઈ ગયાની અને પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાની ઝડપી અનુભૂતિ કરાવે છે.

અઠવાડિયામાં એકવાર લેવામાં આવતી આ દવાઓ પૈકીની મોટાભાગની દવાઓ હાથ, જાંઘ અથવા પેટમાં ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે. તે ભૂખને કાબુમાં રાખે છે અને મૌન્જારોની વાત કરીએ તો તે ચયાપચય અને ઊર્જા સંતુલનને પણ વેગ આપે છે.

તેની સારવારની શરૂઆત ઓછી માત્રાથી થાય છે અને તેમાં ધીમે ધીમે મેન્ટેનન્સના સ્તર સુધી વધારો કરવામાં આવે છે. સામાન્ય રીતે અઠવાડિયામાં વજન ઘટવાની શરૂઆત થાય છે.

ડૉક્ટરો ચેતવણી આપે છે કે આ દવાના મોટાભાગના વપરાશકર્તાઓનું વજન દવા લેવાનું બંધ કર્યાના એક વર્ષમાં પાછું વધી જાય છે, કારણ કે શરીર વજન ઘટાડવાનો પ્રતિકાર કરે છે અને જૂની તૃષ્ણા ફરી સળવળે છે. કસરત અથવા સ્ટ્રેંથ ટ્રેનિંગ વિના દવાનો લાંબો સમય ઉપયોગ કરવાથી ચરબી ઘટવાની સાથે સ્નાયુઓને પણ નુકસાન થઈ શકે છે.

એ ઉપરાંત દરેક વ્યક્તિનું શરીર જીએલપી-વન દવાઓને પ્રતિસાદ આપતું નથી અને મોટાભાગના લોકો તેમનું વજન લગભગ 15 ટકા ઘટ્યા પછી પણ આ દવાઓનો ઉપયોગ કરતા રહે છે. તેની આડઅસરોમાં ઊબકા અને ઝાડાથી લઈને પિત્તાશય, સ્વાદુપિંડ અને મસલ લૉસ સહિતનાં અનેક જોખમોનો સમાવેશ થાય છે.

દવામાં લોકોનો રસ ખૂબ વધી રહ્યો છે

ભારતનો વધારે કાર્બોહાઇડ્રેટ્સવાળો, ઓછા પ્રોટીનવાળો આહાર સાર્કોપેનિક સ્થૂળતા(ચરબીમાં વધારા સાથે મસલ લૉસ)ને પહેલેથી જ વેગ આપે છે ત્યારે પૂરતા પ્રોટીન અથવા કસરત વિના વજન ઘટાડવાથી વાત વણસી શકે છે.

ડૉ. બક્ષી કહે છે, "મીડિયામાં વ્યાપક પ્રચાર અને સોશિયલ મીડિયામાં ચર્ચાને કારણે આ દવાઓ થોડા કિલો વજન ઘટાડવા આતુર શ્રીમંત ભારતીયોમાં ક્રેઝ બની ગઈ છે."

દિલ્હી સ્થિત ચિકિત્સકના જણાવ્યા મુજબ, તાજેતરની મેડિકલ કૉન્ફરન્સમાં પણ આવો ઉન્માદ જોવા મળ્યો હતો.

"એક નવી દવા લૉન્ચ થયાના ત્રણ મહિનામાં મેં લગભગ 100 દર્દીઓની સારવાર કરી હતી. એક સાથી તબીબે કહ્યું હતું કે તેમણે 1000થી વધુ દર્દીઓની સારવાર કરી છે. મોટાભાગના લોકો કાળા બજારમાંથી ખરીદેલા આયાતી ઇન્જેક્શન્શનો ઉપયોગ કરે છે."

એક રિસર્ચ કંપની ફાર્મારેકના જણાવ્યા મુજબ, ભારતમાં સ્થૂળતા વિરોધી દવાનું માર્કેટ 2021માં 1.6 કરોડ ડૉલરનું હતું, જે આજે પાંચ વર્ષમાં છ ગણું વધીને 100 મિલિયન ડૉલરનું થઈ ગયું છે.

નોવો નોર્ડિસ્ક તેની સેમાગ્લુટાઇડ બ્રાન્ડ્સ સાથે માર્કેટમાં મોખરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, 2022માં લૉન્ચ કરવામાં આવેલી રાયબેલ્સસ જ માર્કેટમાં લગભગ બે-તૃતિયાંશ હિસ્સો ધરાવે છે.

ફાર્મારેકના જણાવ્યા મુજબ, આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવેલી એલી લીલીની ટિર્ઝેપેટાઇડ (મૌન્જારો) સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં બીજી સૌથી વધુ વેચાતી બ્રાન્ડેડ દવા બની ગઈ હતી.

આ દવાઓની માસિક ઇન્જેક્ટેબલ પેન (ચાર સાપ્તાહિક ડોઝ)ની કિંમત રૂ. 14,000થી રૂ. 27,000ની વચ્ચે હોય છે, જે મોટાભાગના ભારતીયો માટે બહુ વધારે છે.

સ્થૂળતા ઘટાડવાની દવાની ગંભીર આડઅસરો કઈ છે?

ભારતમાં અત્યાર સુધી જે જોવા મળ્યું છે તે કદાચ હિમશિલાની ટોચ હોઈ શકે છે. ઓઝેમ્પિક અને વેગોવીના સક્રિય ઘટક સેમાગ્લુટાઇડની પેટન્ટની મુદ્દત અહીં માર્ચમાં ખતમ થઈ રહી છે. તેને પગલે સસ્તી જેનરિક દવાઓનો પ્રવાહ શરૂ થવાની સંભાવના છે. તેથી આ દવા વધારે સુલભ બનશે.

જેફરીઝ નામની ઇન્વેસન્ટમૅન્ટ બૅન્ક તેને ભારત માટે 'મૅજિક પિલ મોમેન્ટ' કહે છે અને આગાહી કરે છે કે સેમાગ્લુટાઇડનું માર્કેટ યોગ્ય કિંમત, વપરાશ અને સરકારી પ્રોત્સાહન સાથે એક અબજ ડૉલરનું થઈ શકે છે.

ફાર્મારેકના વાઇસ પ્રેસિડેન્ટ શીતલ સપાલે કહે છે, "લગભગ ડઝનેક કંપનીઓ રાયબેલ્સસના મોં વાટે લેવાની દવાના સંસસ્કરણ માટે પહેલેથી જ તૈયાર હોવાનું અમે સાંભળ્યું છે, પરંતુ દવાની કિંમત સૌને પોસાય તેવી થવાની સાથે તેના દુરુપયોગનું જોખમ પણ વધે છે."

જિમ ટ્રેનર્સ, ડાયેટિશિન્સ અને બ્યુટી ક્લિનિક્સને વજન ઘટાડવાની દવા પ્રિસ્ક્રાઇબ કરવાનો કોઈ અધિકાર નથી, છતાં તેઓ દર્દીઓને વેઇટ-લૉસ દવાઓનો મોટો ડોઝ આપતા હોવાની ફરિયાદ ડૉક્ટર્સ કરે છે.

કેટલીક ઑનલાઇન ફાર્મસીઓ પ્રિસ્ક્રિપ્શન વિના ઔપચારિક ફોન કન્સલ્ટેશન પછી દવાઓ દર્દીઓને પહોંચાડી રહી છે. બ્યુટિશિયન્સ 'બ્રાઇડલ પૅકેજ' ઑફર કરે છે, જેમાં લગ્ન પહેલાં ઝડપથી કન્યાને પાતળી કરી દેવાનું વચન આપવામાં આવે છે.

બજારમાં નકલી દવાઓનો ભરાવો થવાનો ભય છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે નવી દવાઓ બાબતે "સાવચેત રહેવાની સલાહ" આપી છે.

મુંબઈ સ્થિત છાતીના રોગોના ચિકિત્સક ડૉ. ભૌમિક કામદાર કહે છે, "એક દર્દીએ મને પૂછ્યું હતું કે આ નવી દવાઓ તેમની દીકરીનું વજન લગ્ન પહેલાંના ત્રણ મહિનામાં સાત કિલો ઘટાડવામાં મદદ કરી શકે? આ દવાઓ ખરેખર અસરકારક છે કે કેમ એ તેઓ જાણવા ઇચ્છતા હતા."

ડૉક્ટરો જણાવે છે કે ભારતમાં મોટો પડકાર, લોકોનો સ્થૂળતા પ્રત્યેનો દૃષ્ટિકોણ અને તે વજન ઘટાડવા પ્રત્યેના વલણને આકાર આપે છે તે, છે.

મુંબઈ સ્થિત બેરિયાટ્રિક સર્જન ડૉ. મુફ્ફઝલ લાકડાવાલા કહે છે, "મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે સ્થૂળતા એક રોગ છે ફરી પાછો આવી શકે છે. વધુ પડતી સ્થૂળતા ધરાવતા ઘણા લોકો ડાયેટના પ્રયાસ કરે છે, થોડું વજન ઘટાડે છે અને પછી તેમનું વજન ફરી વધી જાય છે."

"અહીં તમારું વજન વધારે પડતું હોય તો લોકો ધારે છે કે તમે ખાતા-પીતા ઘરના, સમૃદ્ધ છો. આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં એટલા આગળ વધી ગયા છીએ કે તેને આપણે સામાન્ય બાબત બનાવી દીધી છે."

ડૉક્ટર્સ ચેતવણી આપે છે કે સ્થૂળતા ઘણા રોગોનું પ્રવેશદ્વાર છે. ડૉ. લાકડાવાલા કહે છે, "તે ઓછામાં ઓછા 20 પ્રકારનાં કેન્સર, વંધ્યત્વ, અસ્થિવા અને ફૅટી લીવર સાથે જોડાયેલી છે. ફૅટી લીવર હવે સિરોસિસનાં મુખ્ય કારણો પૈકીનું એક છે."

સ્થૂળતા વૈશ્વિક સ્તરે પ્રત્યેક આઠમાંથી એક વ્યક્તિને અસર કરતી હોવા છતાં તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવી અથવા વર્ગીકૃત કરવી એ બાબતે આજે પણ કોઈ સાર્વત્રિક સર્વસંમતિ નથી.

તેઓ ઉમેરે છે, "આ દવાઓના આગમનથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સ્થૂળતાને હવે એક રોગ ગણવામાં આવે છે, માત્ર જીવનશૈલીનો મુદ્દો નહીં."

અન્ય રોગોના દર્દીઓને પહેલાં વજન ઘટાડવાની દવા કેમ અપાય છે?

સ્પેશિયાલિટી ડૉક્ટર્સ હવે સ્થૂળતા અથવા ડાયાબિટીસને બદલે વજન ઘટાડવાની દવાઓ તરફ વધુ વળ્યા છે.

ઍન્ડોક્રાયનોલૉજિસ્ટ્સ, ડાયાબિટોલૉજિસ્ટ્સ, કાર્ડિયોલૉજિસ્ટ્સ અને નેફ્રોલૉજિસ્ટ્સ તેમના વધુ વજનવાળા દર્દીઓને, ઍન્જિયોપ્લાસ્ટી અથવા સ્ટેન્ટિંગની તૈયારી કરી રહેલા દર્દીઓને હૃદય તથા કિડનીનું સ્વાસ્થ્ય સુધારવા આવી વધુને વધુ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે.

ઑર્થોપેડિક સર્જનો ઘૂંટણની સર્જરી પહેલાં વજન ઘટાડવામાં મદદ કરતી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે, જ્યારે ચેસ્ટ ફિઝિશ્યન્સ આવી દવાઓનો ઉપયોગ સ્લીપ ઍપ્નિયાના દર્દીઓ માટે કરે છે. સ્લીપ ઍપ્નિયા એક વિકાર છે, જેમાં નિદ્રા દરમિયાન વાયુમાર્ગમાં અવરોધ સર્જાય છે.

ડૉ. કામદાર કહે છે, "સ્લીપ ઍપ્નિયાના જે દર્દીઓ કન્ટીન્યૂઅસ પોઝિટિવ એરવે પ્રેશર મશીનોનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે તેમના માટે આ દવાઓ વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, જેનાથી તેઓ સારી રીતે ઊંઘી શકે છે."

ભારતમાં સ્થૂળતામાં તેજી સાથે બેરિયાટ્રિક સર્જરી પણ વિકસિત થઈ રહી છે. 2004માં તેની માત્ર 200 પ્રોસીજર થઈ હતી, જેનું પ્રમાણ 2022 સુધીમાં 200 ગણું વધીને 40,000 થઈ ગયું હતું.

ડૉ. લાકડાવાલા જેવા સર્જનો હવે બહુવિધ કાર્યક્રમો ચલાવે છે. તેમાં વજન ઘટાડવાની દવાઓ લેતા દર્દીઓને પ્રથમ ત્રણથી છ મહિના માટે ઍન્ડોક્રાયનોલૉજિસ્ટ્સ, પોષણશાસ્ત્રીઓ અને સાયકોલૉજિસ્ટ્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

તેઓ કહે છે, "અમે દર્દીઓને દવાઓ આપતા નથી. દવાઓનો પ્રતિભાવ ન આપતા હોય અથવા ગંભીર સ્થૂળતા ધરાવતા હોય તેવા દર્દીઓની સર્જરી બાબતે પછી વિચારવામાં આવે છે."

ઝડપી નિરાકરણ શોધતા શહેરી ભારતીયોની વધતી જતી સંખ્યા માટે તેમનો સંદેશો સ્પષ્ટ છેઃ "વજનમાં કૃત્રિમ ઘટાડા માટે દવાઓનો ઉપયોગ ન કરો. તેનો ઉપયોગ વજનમાં જીવલેણ વધારો થાય ત્યારે કરો."

ફક્ત પાંચ કે દસ કિલો વજન ઝડપથી ઘટાડવા અધીરા લોકોનું શું?

તેઓ તેમને સરળ સલાહ આપે છેઃ "શુગર છોડી દો. તે સૌથી મોટી વિલન છે. એમ કર્યા વિના વજન ઘટવાનું નથી. અઠવાડિયામાં ચાર દિવસ કસરત કરો. તમારા વજનમાં પાંચથી સાત કિલો ઘટાડો થશે. એ માટે કોઈ ઇન્જેક્શનની જરૂર નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન