You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વધારે પડતું પાણી પીવું કેટલું ખતરનાક, ખરેખર કેટલું પાણી પીવું જોઈએ?
જળ એ જીવન કહેવાય છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણા શરીરમાં પાણીની જરૂરિયાત ઘણી બધી ચીજો પર આધારિત છે.
જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે, તો વધારે પડતું પાણી પીવામાં આવે તો તે પણ જીવલેણ સાબિત થઈ શકે.
આપણા શરીરના કુલ વજનમાં લગભગ 60 ટકા પાણી હોય છે. આ પાણી આપણી કોશિકાઓ, શરીરનાં અંગો, લોહી અને અન્ય ભાગોમાં હાજર હોય છે.
સ્કૉટલૅન્ડમાં સ્ટર્લિંગ યુનિવર્સિટીમાં હાઇડ્રેશનના નિષ્ણાત ડૉક્ટર નિડિયા રોડ્રિગેજ સાન્ચેજ કહે છે, "પાણી એક પોષકતત્ત્વ છે. આપણે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર પર ધ્યાન આપીએ છીએ, પરંતુ પાણીને આપણા જીવનમાં એક મહત્ત્વનું પોષકતત્ત્વ નથી માનતા."
આપણા શરીરની લગભગ દરેક શારીરિક ક્રિયામાં પાણીની મહત્ત્વની ભૂમિકા હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ મુજબ તેનાં કેટલાંક મુખ્ય કામો આ મુજબ છેઃ
- પોષકતત્ત્વો અને ઑક્સિજનને કોશિકાઓ સુધી પહોંચાડવું
- મુત્રાશયમાંથી બૅક્ટેરિયા બહાર કરવા
- ભોજન પચાવવામાં મદદ કરવી
- કબજિયાત થતી અટકાવવી
- બ્લડપ્રેશરને નૉર્મલ કરવું
- સાંધાને આરામ આપવો
- શરીરનાં અંગોનું રક્ષણ કરવું
- શરીરનું તાપમાન નિયંત્રિત કરવું, અને
- ઇલેક્ટ્રોલાઈટ (સોડિયમ)નું સંતુલન જાળવવું
આપણું શરીર પરસેવો, પેશાબ અને શ્વાસોચ્છવાસ દ્વારા શરીરમાંથી સતત પાણી બહાર કાઢે છે. શરીર અને તેના અંગે યોગ્ય રીતે કામ કરી શકે તે માટે પાણીની ઘટ ભરપાઈ કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રક્રિયાને વૉટર બેલેન્સ કહેવામાં આવે છે.
શરીર જેટલું પાણી અંદર લે છે તેનાથી વધારે પાણી બહાર કાઢે તો તેને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. આવું થાય તો આરોગ્યને લગતી ઘણી ગંભીર સમસ્યા પેદા થાય છે.
ડિહાઇડ્રેશનનાં લક્ષણો:
- ઘેરો પીળો રંગ અને તીવ્ર ગંધયુક્ત પેશાબ
- સામાન્ય કરતાં ઓછી વખત પેશાબ થવો
- ચક્કર આવવા
- થાક અનુભવાય
- મોઢું, હોઠ અને જીભ સુકાય
- આંખો ઊંડી ઊતરી જાય
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ગંભીર મામલે ડિહાઇડ્રેશનથી ભ્રમ, હૃદયના ધબકારા વધી જવાની સમસ્યા થાય છે. શરીરનાં અંગો કામ કરતાં બંધ કરી દે તેવું પણ બની શકે.
કેટલાક લોકોને આશ્ચર્ય થશે, પરંતુ વધારે પાણી પીવું ખતરનાક બની શકે છે. તેનાં ઘણાં ગંભીર પરિણામ આવી શકે છે.
થોડા સમયમાં બહુ વધારે પાણી પીવાથી હાઈપોનેટ્રેમિયા એટલે કે પાણીનો નશો થઈ શકે છે. તે વખતે તમારા લોહીમાં સોડિયમનું પ્રમાણ ખતરનાક સ્તરે નીચું જતું રહે છે. તેના કારણે શરીરની કોશિકાઓ સોજી જાય છે.
હાઈપોનેટ્રેમિયાનાં લક્ષણ આ મુજબ છેઃ
- ઊબકાં આવવાં અને ઊલટી થવી
- માથામાં દુખાવો
- ભ્રમ થવો
- ઊર્જાની અછત અને થાક અનુભવાય
- બેચેની અને ચીડિયાપણું
- માંસપેશીઓમાં નબળાઈ અનુભવાય
- ઍટેક આવવો
- વધારે ગંભીર મામલો હોય તો માણસ કૉમામાં જઈ શકે છે
વર્ષ 2018માં જોહાના પેરી લંડન મૅરેથૉનમાં ભાગ લેવા માટે પોતાની પુત્રી અને જમાઈ સાથે ટ્રેનિંગ લેતાં હતાં. તે બહુ ગરમ દિવસ હતો અને દોડવીરોને પાણી આપતા વૉલન્ટિયરોના હાથે તેઓ વધારે પ્રમાણમાં પાણી પીતાં હતાં.
જોહાનાએ બીબીસીના 'ધ ફૂડ ચેઇન' પ્રોગ્રામમાં જણાવ્યું કે, "મને છેલ્લે એટલું યાદ છે કે તે હાફ-મૅરેથૉનનો સંકેત હતો."
તેઓ ત્રણ દિવસ આઇસીયુમાં રહ્યાં. દોડ દરમિયાન તેમના પતિએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ ફિનિશ લાઇન પાર કરતા જોવા મળે છે, પરંતુ જોહાનાને આ વાત યાદ નથી આવતી.
તેઓ કહે છે, "મારા પતિ અને બીજા કેટલાક મિત્રો ત્યાં હતા. તેમણે મને જોઈને હાથ હલાવ્યા. હું લથડિયાં ખાતી હતી. હું ઘરે પહોંચી ત્યારે ખૂબ બીમાર હતી અને બેહોશ થઈ ગઈ હતી."
"મેં ખરેખર એટલું પાણી પીધું હતું કે મારા શરીરમાંથી તમામ સૉલ્ટ અને પોષકત્ત્વો બહાર નીકળી ગયાં, જે શરીર અને દિમાગના કામ માટે જરૂરી હોય છે."
જોહાના જણાવે છે કે આપણે જ્યારે શરીરની ક્ષમતા અને જરૂરિયાત કરતાં વધારે પ્રવાહી પદાર્થ લઈએ ત્યારે શું થાય છે.
પ્રવાહી પદાર્થ લોહીના પ્રવાહમાં ઝડપથી શોષાય છે. અવશોષિત વધારાના તરલ પદાર્થને કિડની ફિલ્ટર કરે છે અને ત્યાર પછી પેશાબ બને છે. માનવીની કિડની દર કલાકે માત્ર એક લિટર પ્રવાહી પ્રવાહે જ પ્રોસેસ કરી શકે છે.
યુરોપિયન ફૂડ સેફ્ટી ઑથૉરિટી મહિલાઓને દરરોજ બે લિટર અને પુરુષોને અઢી લિટર પાણી પીવાની સલાહ આપે છે. તેમાં માત્ર આપણે જે પાણી પીએ છીએ તે જ નહીં, પણ ભોજન સહિત તમામ સ્રોતમાંથી શરીરમાં જતું પાણી સામેલ છે.
મોટા ભાગના ખાદ્યપદાર્થમાં પાણી હોય છે, જેમાં ફળ, શાકભાજી, ચોખા અને મેવા પણ સામેલ હોય છે. ઉદાહરણ તરીકે તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે.
પરંતુ આ સલાહ પણ બધા લોકો માટે એક સરખી નથી.
સ્કૉટલૅન્ડનાં એબરડીન યુનિવર્સિટીના પ્રોફેસર જૉન સ્પીકમેન દુનિયાભરમાં થઈ રેહલા એક રિસર્ચનો ભાગ હતા. તેમાં 23 દેશોમાં પાંચ હજારથી લોકો રોજ કેટલું પાણી પીવે છે તેનો અભ્યાસ કરાયો હતો.
પ્રોફેસર સ્પીકમેન કહે છે, "વીસથી 60 વર્ષની ઉંમર સુધી પુરુષને લગભગ દરરોજ 1.8 લિટર પાણીની જરૂર પડે છે. આટલી જ ઉંમરની મહિલાઓને દૈનિક 1.5થી 1.6 લિટર પાણીની જરૂર હોય છે. તમારી ઉંમર 85 વર્ષ થઈ જાય ત્યારે રોજ લગભગ માત્ર એક લિટર પાણીની જરૂર પડે છે."
પરંતુ કોઈ વ્યક્તિ માટે પાણી કેટલું જરૂરી છે, તેનો આધાર તેનાં વજન, શારીરિક પ્રવૃત્તિ, ઉંમર, લિંગ અને પર્યાવરણની સ્થિતિ વગેરે ઘણી ચીજો પર આધારિત હોય છે.
તેઓ કહે છે, "તમે ગરમ અને ભેજવાળી જગ્યાએ રહો છો, તો ઠંડા અને સૂકા વિસ્તારમાં રહેતા માનવી કરતાં તમને પાણીની જરૂરિયાત ઘણી વધારે રહેશે."
તરસ એ શરીરનો પ્રાકૃતિક સંકેત છે જે જણાવે છે કે શરીરને વધારે પાણી પીવાની જરૂર છે.
પેશાબનો રંગ પણ શરીરમાં પાણી હાલની સ્થિતિ વિશે સારો સંકેત આપે છે. પેશાબનો હળવો પીળો રંગ એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી છે. જ્યારે આકરા પીળા રંગનો અર્થ એવો થયો કે પાણીની અછત છે.
કોઈ વ્યક્તિને ઊલટી અથવા ઝાડા થયા હોય તો તેના શરીરને વધારે પ્રવાહી પદાર્થ લેવાની જરૂર પડે છે, જેથી શરીરમાંથી નીકળી ગયેલા પાણીનું સંતુલન ટકી રહે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)