પુષ્પા-2ના અભિનેતા અલ્લુ અર્જુનની જેલમાંથી મુક્તિ, અત્યાર સુધી શું-શું થયું?

અલ્લુ અર્જુન, તેલુગુ ફિલ્મ, દક્ષિણ ભારતીય ફિલ્મો, નાસભાગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ALLU ARJUN/FB

ઇમેજ કૅપ્શન, અલ્લુ અર્જુનની ધરપકડ કરીને લઈ જતી પોલીસ
    • લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા

દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની આજે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. તેના થોડા સમય બાદ કોર્ટે તેમને ચાર અઠવાડિયાં માટે વચગાળાના જામીન આપ્યા હતા.

જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુને પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે "આભાર, હું કાયદાનું પાલન કરનારો નાગરિક છું. હું કાયદાનું સન્માન કરું છું. આ મામલે પૂરો સહયોગ આપીશ."

કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે, પોલીસે શુક્રવારે તેમની તેમના ઘરેથી અટકાયતમાં લીધા હતા અને તેમને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે કહ્યું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી છે.

સિનેમાહૉલમાં તેમની ફિલ્મ 'પુષ્પા-2: ધ રુલ'ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયા બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

કાયદાકીય મામલાના સમાચારો કવર કરતી વેબસાઇટ લાઇવ લૉ અનુસાર, તેલંગાણા હાઇકોર્ટે તેમને 13 ડિસેમ્બરે ચાર અઠવાડિયાંના જામીન આપ્યા છે.

બાર ઍન્ડ બૅન્ચ પ્રમાણે, જસ્ટિસ જુવાદી શ્રીદેવીની બૅન્ચે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આ ઘટના માટે અલ્લુ અર્જુનને જવાબદાર ન ઠેરવી શકાય, કારણ કે જરૂરી પરવાનગી લીધા પછી ફિલ્મના શો માટે ગયા હતા.

અલ્લુ અર્જુને કોર્ટને વિનંતી કરી હતી તેમની સામે કેસ દાખલ કરવામાં આવેલ કેસ રદ કરાય.

આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118(1) અને 3(5) અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે.

મામલો શું છે?

અલ્લુ અર્જુન, તેલુગુ ફિલ્મ, દક્ષિણ ભારતીય ફિલ્મો, નાસભાગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, પોલીસ સ્ટેશનમાં અલ્લુ અર્જુન

4 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2: ધી રુલ'ના રિલીઝની પૂર્વસંધ્યાએ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેમની ફિલ્મની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ત્યાં લોકો ઍડવાન્સમાં ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા.

અલ્લુ અર્જુનની ટીમે અચાનક ત્યાં જવાનો કાર્યક્રમ બનાવ્યો અને તેમના સિનેમાઘર પહોંચતાં જ પ્રશંસકોમાં તેમને જોવા માટે નાસભાગ થઈ ગઈ.

અલ્લુ અર્જુન અને તેમની સુરક્ષામાં લાગેલા 30થી 40 લોકો થિયેટરની નીચેની બાલ્કનીમાં ફિલ્મ જોવા માટે આવ્યા,

તે સમયે મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો અને સુરક્ષાકર્મીઓના આવી જવાને કારણે ત્યાં નાસભાગ મચી ગઈ. તે દરમિયાન ત્યાં રહેલાં 35 વર્ષનાં મહિલાનું મૃત્યુ થઈ ગયું અને તેના કારણે અલ્લુ અર્જુન સામે કેસ દાખલ થયો.

શુક્રવારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ હૈદરાબાદના ઍડિશનલ સીપી વિક્રમસિંહ માને કહ્યું હતું કે, "પોલીસ પ્રક્રિયાનું પાલન કરી રહી છે."

પોલીસ પ્રમાણે મહિલાના પતિની ફરિયાદને આધારે મામલો દાખલ કરવામાં આવ્યો હતો.

અલ્લુ અર્જુન, તેલુગુ ફિલ્મ, દક્ષિણ ભારતીય ફિલ્મો, નાસભાગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, જ્યારે પોલીસની ટીમ તેમની ધરપકડ કરવા માટે ઘરે પહોંચી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચિક્કડપલ્લી એસીપી રમેશકુમારના નેતૃત્વમાં એક પોલીસ ટીમ શુક્રવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરવા પહોંચી હતી. તેમને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે કહ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી છે.

અલ્લુ અર્જુનની ધરપકડ બાદ તેમને ગાંધી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અલ્લુ અર્જુનની ધરપકડની ટીકા કરતાં બીઆરએસના નેતા કેટી રામારાવે કહ્યું હતું કે, "તે દર્શાવે છે કે રાજ્ય સરકાર કેટલી અસુરક્ષિત છે."

અલ્લુ અર્જુનને પોલીસ સ્ટેશન લઈ જવા સંબંધિત વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ તેને પોતાની સાથે લઈ જઈ રહી છે.

જેમાં અલ્લુ અર્જુન કહેતાં જોવા મળે છે કે, "હું મારાં કપડાં બદલીને પાછો આવું છું. મને થોડો સમય આપો."

આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે બેડરૂમમાં ઘૂસીને તેમને લઈ જવા એ ખોટું છે.

આ દરમિયાન તેમની પત્ની સ્નેહાની આંખોમાં આંસું છે અને અલ્લુ અર્જુન તેમને ચૂપ કરાવતા જોવા મળે છે.

આ પછી અલ્લુ અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અલ્લુ અર્જુનની સાથે તેમના પિતા અલ્લુ અરવિંદ અને ભાઈ અલ્લુ શિરીષ પણ ત્યાં હાજર છે.

4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના સંબંધમાં પોલીસે આઠ ડિસેમ્બરે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે સંધ્યા થિયેટરના માલિકોમાંથી એક એવા એમ સંદીપ, વરિષ્ઠ મૅનેજર એસ.એમ. નાગરાજુ અને લૉઅર બાલ્કનીના ઇન્ચાર્જ જી. વિજયા ચંદ્રાની ધરપકડ કરી છે.

આ મામલે સંધ્યા થિયેટરના મૅનેજમેન્ટે તેલંગાણા હાઇકોર્ટમાં અરજી કરી છે અને કહ્યું છે કે તેમનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી.

અલ્લુ અર્જુને શું કહ્યું?

અલ્લુ અર્જુન, તેલુગુ ફિલ્મ, દક્ષિણ ભારતીય ફિલ્મો, નાસભાગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અલ્લુ અર્જુને તેલંગાણા હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં માગણી કરાઈ છે કે તેમની સામેનો કેસ રદ કરી દેવાય.

અલ્લુ અર્જુને પોતાની અરજીમાં એવું કહ્યું છે કે તેમણે પોલીસને પહેલાં જ જણાવ્યું હતું કે તેઓ થિયેટરમાં જવાના છે. આ અકસ્માતમાં તેમનો કોઈ હાથ નથી.

તેઓ પહેલાંથી જ એક વીડિયો મૅસેજ જાહેર કરીને મહિલાના મોત અંગે દુ:ખ વ્યક્ત કરી ચૂક્યા છે.

તેમણે એલાન કર્યું હતું કે તેઓ મહિલાના પરિવારજનોને 25 લાખ રૂપિયા આપશે.

મૃતક મહિલા કોણ છે?

પાંચ ડિસેમ્બરના રોજ 'પુષ્પા 2 : ધ રુલ' ફિલ્મ રિલીઝ થઈ હતી. તેના એક દિવસ બાદ એટલે કે 4 ડિસેમ્બરના રોજ ફિલ્મના પ્રીમિયર શો આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં બતાવાયા હતા.

એ જ દિવસે સંધ્યા થિયેટરમાં એક બેનિફિટ શોનું આયોજન કરાયું હતું.

ભાસ્કર પોતાનાં પત્ની રેવતી (35 વર્ષ), દીકરા અને દીકરી સાથે ત્યાં પહોંચ્યા હતા.

અલ્લુ અર્જુન પણ એ જ થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ત્યારે જ તેમની એક ઝલક માટે તેમના પ્રશંસકોની ભીડ ઊમટી પડી.

એ દરમિયાન થયેલી નાસભાગમાં રેવતી અને તેમનો દીકરો નીચે પડી ગયાં અને બેહોશ થઈ ગયાં. રેવતીનું મૃત્યુ નીપજ્યું.

પોલીસ અનુસાર રેવતીના પતિ ભાસ્કરની ફરિયાદને આધારે મામલો દાખલ કરાયો છે.

ડીસીપી અક્ષાંશ યાદવ જણાવે છે કે, "અલ્લુ અર્જુન અને તેમની સુરક્ષામાં લાગેલા 30-40 લોકો ફિલ્મ જોતી સમયે થિયેટરની નીચલી બાલકનીમાં આવી ગયા. મોટી સંખ્યામાં પ્રશંસક તેમને જોવા માટે ઊમટી પડ્યા. નાસભાગ મચી ગઈ અને રેવતી અને તેમના દીકરા બેહોશ થઈ ગયાં."

તેમણે કહ્યું, "આ ઘટનાની તપાસ આગળ ચાલી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.