You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વાઇરલ તાવ H3N2 : ઋતુ બદલાય તો બીમાર કેમ થઈ જવાય છે, એનાથી બચવા શું કરવું?
હાલ ગુજરાત સહિત ભારતના ઘણા વિસ્તારોમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસના નવા વૅરિયન્ટ H3N2ના ચેપના કેસ જોવા મળી રહ્યા છે.
ગુજરાત સહિત દેશમાં ‘કોરોનાની જેમ’ ફેલાઈ રહેલા આ વાઇરસના કારણે કર્ણાટકમાં એક વૃદ્ધાના મૃત્યુ થતાં વધી રહેલા ચેપની ગંભીર નોંધ લેવાઈ હતી.
જો નિષ્ણાત ડૉક્ટરોની વાત માનીએ તો ‘બદલાતી ઋતુના કારણે’ લોકોને આ H3N2નો ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે.
કેટલાક ડૉક્ટરો ખાસ કાળજી રાખવાની પણ સલાહ આપી રહ્યા છે.
કદાચ તમે પણ એવું અનુભવ્યું હશે કે દરેક વખતે જ્યારે ઋતુ બદલાતી હોય એટલે કે શિયાળા પછી ઉનાળો શરૂ થાય, ઉનાળા પછી ચોમાસું કે ચોમાસા પછી શિયાળો થતો હોય તેવા ઋતુઓના સંધિકાળમાં શરદી, ખાંસી, તાવના કેસોમાં વધારો જોવા મળે છે.
એટલું જ નહીં ઘણા પ્રકારના વાઇરલ ઇન્ફૅક્શન પણ આ જ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં ફેલાતા જોવા મળે છે.
ઋતુઓના સંધિકાળ દરમિયાન અમુક પ્રકારના ચેપગ્રસ્ત થવું એ જાણે સામાન્ય બાબત બની જાય છે.
પરંતુ બદલાતી ઋતુ શું કામ માંદગીનું કારણ બને છે? શરીરમાં એવા તો શું ફેરફાર થાય છે જેના કારણે બદલાતી ઋતુ વખતે વાઇરલ ઇન્ફૅક્શન થવાનો ખતરો વધી જાય છે? અને તેનાથી બચવા માટે શું કરવું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બદલાતી ઋતુ સમયે કેમ માંદા પડાય છે? નિષ્ણાતો શું કહે છે?
ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (આઇઆઇપીએચજી)ના ડિરેક્ટર ડૉક્ટર દિલીપ માવળંકર સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે :
“વાઇરસની એવી પ્રકૃતિ હોય છે કે તે અમુક સમયે વધુ ફેલાતા હોય છે. તેમજ બદલાતી ઋતુમાં શ્વસનતંત્રમાં પણ અમુક પ્રકારના ફેરફાર થતા હોય છે તેના કારણે પણ કદાચ ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.”
“વાઇરસના કારણે થતા ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. અને જ્યાં સુધી રોગપ્રતિકારક શક્તિ ન વધે ત્યાં સુધી તે ફેલાયા કરે છે. તેમજ ઋતુ બદલાય ત્યારે સવાર અને સાંજના તાપમાનમાં પણ ઘણો ફરક હોય છે તેના કારણે શરીરને બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં અમુક પ્રકારની મુશ્કેલી પડવાના કારણે પણ કદાચ વિવિધ પ્રકારની માંદગીના શિકાર થવાની શક્યતા વધી જાય છે.”
ડૉક્ટર માવળંકર આગળ કહે છે કે આ ક્ષેત્રમાં અને આ પ્રશ્નને લઈને હજુ વધુ સંશોધનોને અવકાશ છે, જેથી તેના ચોક્કસ વૈજ્ઞાનિક કારણો જાણી શકાય.
તેઓ આ વિષય પર આગળ વાત કરતાં કહે છે કે, “ખાસ કરીને વસંત ઋતુમાં હવામાં પરાગરજ પણ હોય છે, તેના કારણે પણ શ્વસનતંત્રને લગતા ઇન્ફૅક્શન થવાની સંભાવના વધે છે, ઉપરાંત પરાગરજની સાથે હવા વાઇરસના કણો તો હોય જ છે. તેથી ઍલર્જી થવાની શક્યતાની સાથોસાથ વાઇરલ ચેપ લાગવાની પણ શક્યતા રહે છે.”
અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડૉ. વિજય મૌર્ય પણ ડૉ. દિલીપ માવળંકરની જેમ બદલાતી ઋતુ અને શરીરના અનુકૂલનની ક્ષમતા સાથેનો સંબંધ સમજાવે છે.
તેઓ કહે છે કે, “બદલાતી ઋતુ દરમિયાન આપણું શરીર નવી સિઝનના વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં થોડી મુશ્કેલી અનુભવે છે. નવી ઋતુ માટે જરૂરી રોગપ્રતિકારક શક્તિ શરીરમાં વિકસે અને તેને માંદગી સામે રક્ષણ મળે તે માટે આ ફેરફારના સમયે માણસોએ નવી ઋતુના વાતાવરણ સાથે અનુકૂલન સાધવું પડે.”
તેઓ બદલાતી ઋતુમાં માંદા પડવાનાં વધુ કારણો જણાવતાં કહે છે કે, “બદલાતી ઋતુમાં હજુ તો આપણું શરીર તેની સાથે અનુકૂલન સાધે તે પહેલાં જ વાતાવરણમાં રહેલાં ઇન્ફૅક્શનનાં તત્ત્વો અને વાઇરસો શરીર પર હુમલો કરી દે છે.”
“ઉપરાંત આ દરમિયાન ચેપી અને બિનચેપી રોગો લગાડતાં તત્ત્વો અને તેના વાહકો વધુ પ્રમાણમાં હોય છે. તેના કારણે પણ ઇન્ફૅક્શન અને માંદા પડવાના કિસ્સા વધી જાય છે.”
સિઝનમાં થતાં બદલાવમાં માંદા પડવાથી બચવા શું કરવું?
ડૉ. વિજય મૌર્ય બદલાતી સિઝનમાં માંદા પડવાથી બચવા માટે અમુક ઉપાયો સૂચવે છે.
તેઓ સલાહ આપે છે કે,
- બદલાતી ઋતુમાં અચાનક માંદા પડવાથી બચવા માટે આપણે બદલાતી ઋતુ સાથે આપણું શરીર અનુકૂલન સાધે અને નવી ઋતુના બદલાવો હિસાબે ઢળે તેને મુજબનાં પગલાં લેવાનાં હોય છે
- ઉપરાંત ડૉક્ટરોની સલાહ મુજબ બદલાતી ઋતુ દરમિયાન માંદગીથી બચવા માટે વાર્ષિક ફ્લુ વૅક્સિન લેવાનો આગ્રહ રાખવો જોઈએ
- ઋતુઓના સંધિકાળ દરમિયાન માંદગીથી બચવા માટે વ્યક્તિએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે અને જળવાય તેવો યોગ્ય ખોરાક લેવો જોઈએ
- તેમજ જ્યારે પણ ઋતુ બદલાતી હોય અને કોઈ વાઇરસનો ચેપ વધતો જોવા મળે ત્યારે બચાવ માટે જાહેર સ્થળોએ કે ઘરની બહાર જતી વખતે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ