ગુજરાતમાં વાઇરલ H3N2નો વાવર : તાવ ગયા બાદ પણ ઉધરસ, કફ કેમ રહે છે?

અમદાવાદ સહિત ગુજરાતમાં વાઇરલ રોગચાળાના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી વાઇરલ રોગચાળાના કારક તરીકે ઇન્ફ્લુએન્ઝાના વૅરિયન્ટ H3N2ને જવાબદાર મનાઈ રહ્યો છે.

જો ડૉક્ટરોની વાત માનીએ તો પાછલા ઘણા સમયથી વાઇરલ રોગચાળાની સમસ્યા સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

અમુક દિવસ પહેલાં ગુજરાતના વડોદરામાં H3N2 ગ્રસ્ત એક દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. જે બાદ સામાન્ય લોકોની ચિંતામાં વધારો નોંધાયો હતો.

ગુજરાતના વડોદરામાં H3N2 વાઇરસની સારવાર લઈ રહેલાં એક મહિલાનુ મૃત્યુ થયું હતું. 58 વર્ષનાં આ મહિલા બે દિવસ પહેલાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં.

જોકે, એસએસજી હૉસ્પિટલના આર. એમ. ઓ. ડૉ. ડી. કે. હેલૈયાએ જણાવ્યું છે કે કૉર્પોરેશનની રિવ્યૂ કમિટી આ મૃત્યુ ચકાસણી કરશે અને એ બાદ જ મૃત્યુનું ખરું કારણ જાણી શકાશે.

વધુ ચિંતાજનક બાબત એ છે કે આ વાઇરલ તાવનાં અમુક લક્ષણોનો તો અમુક દિવસ સુધી દવા કર્યા બાદ ઉપચાર થઈ જાય છે પરંતુ ઉધરસ, કફ અને ગળાની તકલીફો જેવાં લક્ષણો દવા અને સારવાર બાદ પણ અમુક દિવસ સુધી દર્દીને પરેશાન કર્યા કરે છે.

દર વર્ષે આ સમયગાળામાં ફેલાતો આ વાઇરસ આ વખત ઘણા દર્દીઓને લાંબા ગાળા સુધી પરેશાન કરી રહ્યો છે.

સામાન્યપણે અમુક દિવસ સુધી દવા કર્યા બાદ આ તકલીફો મટી જતી હોવાનું મનાય છે. પરંતુ આ વખત અમુક કિસ્સામાં કેટલીક તકલીફો લાંબા ગાળા સુધી દર્દીને પરેશાન કરી રહી છે.

પરંતુ આવું કેમ થઈ રહ્યું છે? આ વાઇરસના ઇલાજ અને તેનાથી બચવાના ઉપાયની સાથે લાંબા ગાળાની તકલીફોનું નિરાકરણ લાવવા માટે શું કરવું?

નોંધનીય છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં મોટી સંખ્યામાં સમગ્ર ભારતમાં આ વાઇરસના દર્દીઓ જોવા મળ્યા હતા. જોકે ભારત સહિત ગુજરાતમાં પણ અમુક દિવસોથી ચેપને લગતી પરિસ્થિતિ સુધારા પર હોય તેવું લાગી રહ્યું છે. છતાં વાઇરસના નવા દર્દીઓ સામે આવવાની સાથોસાથ અગાઉ જેમને ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓમાં લાંબા ગાળા સુધી અમુક તકલીફો જોવા મળી રહી છે.

આ સમગ્ર પરિસ્થિતિ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી હતી.

H3N2 : લાંબા ગાળા સુધી કેમ રહી રહી છે સમસ્યા?

ગુજરાત અને સમગ્ર ભારતમાં ફેલાઈ રહેલા ઇન્ફ્લુએન્ઝા વાઇરસના નવા વૅરિયન્ટ H3N2થી ગ્રસ્ત કેટલાક દર્દીઓમાં લાંબા ગાળા સુધી અમુક પ્રકારનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.

લાંબા ગાળા સુધી દર્દીને પરેશાન કરતાં આ લક્ષણોનાં કારણ અંગે જણાવતાં અમદાવાદ ફૅમિલી ફિઝિશિયન્સ ઍસોસિયેન (એએફપીએ)ના પ્રમુખ ડૉ. કમલેશ નાઇક કહે છે :

“સામાન્યપણે મિક્સ સિઝન હોય ત્યારે આ વાઇરસ હંમેશાં ફેલાય છે. પરંતુ આ વખત વાઇરસની સ્ટ્રેન્થ થોડી વધુ છે તેના કારણે કેટલાક દર્દીઓમાં ઘણા સમય સુધી અમુક પ્રકારની તકલીફો જોવા મળી રહી છે.”

તેઓ શરદી, ખાંસી, ગળાની તકલીફો લાંબા ગાળા સુધી રહેવાનાં કારણો અંગે આગળ જણાવતાં કહે છે કે, “ઘણા દર્દીઓમાં વાઇરસનો લૉડ વધુ હોય છે, પહેલાં અમુક દિવસોમાં તાવ ઊતરી જાય છે પરંતુ અમુક કેસોમાં ખાંસી, શરદી, ગળાની તકલીફો અમુક સમય સુધી જોવા મળે છે. પરંતુ રાહતની વાત એ છે કે આ પરિસ્થિતિને કારણે લોકોને દાખલ કરવા નથી પડી રહ્યા.”

આ સિવાય તેઓ કહે છે કે આ વાઇરસથી અગાઉ ગ્રસ્ત થઈ હોય તેવી વ્યક્તિ જો કાળજી ન રાખે તો ફરીથી તેને વાઇરસની અસર થઈ શકે છે, તેથી કાળજી લેવી અનિવાર્ય હોવાનું તેઓ જણાવે છે.

H3N2ના કારણે થતી લાંબા ગાળાની તકલીફો બચવાના ઉપાયો અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા કરાવ્યા બાદ જે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમણે એન્ટિ-ઍલર્જી કે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેની દવા લેવી જોઈએ.”

ડૉ. નાઇકના જણાવ્યા પ્રમાણે લાંબા ગાળા સુધી જો કોઈ H3N2થી ગ્રસ્ત દર્દીને જો તકલીફ રહી હોય તો કદાચ તે વ્યક્તિને ઍલર્જી રહી હોઈ શકે, તેના ઇલાજ માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

H3N2ની લાંબા ગાળા સુધીની તકલીફોથી બચવા શું કરવું?

ડૉ. કમલેશ નાઇક H3N2થી ગ્રસ્ત દર્દીને લાંબા ગાળે થઈ રહેલી તકલીફોતી બચવા માટે ઉપાયો પણ સૂચવે છે.

તેઓ કહે છે કે, “આ વાઇરસ ડબલ સિઝનના કારણે વધુ ફેલાય છે, હાલ ગરમીની ઋતુ શરૂ થતી જઈ રહી છે ત્યારે લોકોએ ઠંડી વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ. આ સિવાય વધુ તેલવાળું કે મસાલાવાળું ન ખાવું જોઈએ. તેમજ ગળાની તકલીફથી ગ્રસ્ત વ્યક્તિએ ગરમ પાણીના કોગળા કરવા એ હિતાવહ છે.”

“ઉપરાંત H3N2થી ગ્રસ્ત દર્દીએ વાઇરસનો લૉડ ઘટી જાય તે બાદ પણ બહારનું ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત એવું પણ બને છે કે જે લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે તેમને એક-બે દિવસ સુધી કોઈ તકલીફ ન થાય તો તેઓ તમામ પરેજી પાળવાનું છોડી દે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ફરીથી ચેપ લાગવાની કે ચેપ વધવાની સંભાવના વધી જાય છે. તેના કારણે પણ લાંબા ગાળા સુધી આ તકલીફો રહેતી હોય તેવું બની શકે.”

H3N2 : ‘કોવિડની જેમ ફેલાતા વાઇરસ’થી બચવા શું કરવું?

નોંધનીય છે કે એઇમ્સના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ અગાઉ જણાવ્યું હતું દેશમાં ફેલાઈ રહેલ વાઇરસ H3N2 કોવિડની જેમ ફેલાય છે.

તેમણે આ વાઇરસથી બચવા માટે કેટલીક સલાહો પણ આપી હતી.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)નાં સંશોધનો અનુસાર નબળી રોગપ્રતિકારક શક્તિ, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અગાઉથી રોગગ્રસ્ત વ્યક્તિઓમાં કેટલાંક ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.