You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટેકનિકથી માતાએ જોડિયાંને જન્મ આપ્યો, પછી ખબર પડી કે બાળકોનો પિતા કોઈ અન્ય છે
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વભરમાં અનેક દંપતી બાળક માટે ટેકનિકનો સહારો લે છે.
ભારતમાં પણ એક દંપતીએ ટેકનિકનો સહારો લીધો અને જોડિયાં બાળકોનો જન્મ થયો.
પરંતુ બાદમાં તેમના જીવનમાં એક નવો જ વળાંક આવ્યો, જ્યારે પતિને એ ખબર પડી કે એઆરટીમાં ઉપયોગમાં લેવાયેલું સીમેન અથવા વીર્ય તેમનું નહોતું.
એટલે કે એ જોડિયાં બાળકોના તેઓ બાયૉલૉજિકલ પિતા નથી.
દંપતીએ સમગ્ર મુદ્દે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ્સ રીડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)ને ફરિયાદ કરી અને બે કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે.
સમગ્ર કેસમાં કમિશને દિલ્હીના હૉસ્પિટલને દોઢ કરોડ રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું છે.
માતાપિતાને કેવી રીતે ખબર પડી?
વાસ્તવમાં કેસ 15 વર્ષ જૂનો છે.
વર્ષ 2008માં આ દંપતીએ એઆરટીની મદદથી બાળક પેદા કરવા માટે નવી દિલ્હીમાં આવેલી એક ખાનગી હૉસ્પિટલ ભાટિયા ગ્લોબલ હૉસ્પિટલ ઍન્ડ ઍન્ડોસર્જરીની મદદ લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસિસ્ટંટ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી (રેગ્યુલેશન) એઆરટી બિલ 2021માં પાસ થયું છે, જેનાથી કૃત્રિમ ટેકનિક મારફતે પ્રજનન થાય છે.
તેની સહાયતા એવા દંપતી લે છે જેને સામાન્ય રીતે બાળકો પેદા કરવામાં મુશ્કેલી આવે છે.
- આઈવીએફ
- ઈન્ટ્રાસાઈટોપ્લાઝ્મિક સ્પર્મ ઈન્જેક્શન (આઈસીએસઆઈ) એટલે કે અંડાણુમાં શુક્રાણુનું ઈન્જેક્શન આપીને ફર્ટિલાઈઝ કરવું
- શુક્રાણુ અને ઓવમ (અંડાણુ)ને પ્રયોગશાળામાં ભ્રૂણ તૈયાર કરવું અને મહિલાના શરીરમાં ઈમ્પલાન્ટ કરવા જેવી પ્રક્રિયા સામેલ છે
આ દંપતીએ આઈસીએસઆઈ મારફતે બાળક પેદા કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત સરકારની ગ્રાહકોને લગતી બાબતોની વેબસાઇટ પર આ મુદ્દે એનસીડીઆરસીના નિર્ણયનો ઉલ્લેખ છે.
જેનાથી એ ખ્યાલ આવે છે કે વર્ષ 2008માં આ મહિલા આ ટ્રીટમેન્ટથી ગર્ભવતી થયાં હતાં અને વર્ષ 2009માં તેમણે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.
પરંતુ એક બાળકના લોહીનું પરીક્ષણ થયું અને જ્યારે તેમને બાળકોના બ્લડ ગ્રૂપની જાણકારી મળી તો તેમને શંકા ગઈ.
લોહીની તપાસમાં બાળકનું બ્લડ ગ્રૂપ AB(+) આવ્યું હતું. આ જાણકારી બાદ માતાપિતાને આશ્ચર્ય થયું, કારણ કે માતાનું બ્લડ ગ્રૂપ B(+) હતું અને પિતાનું O(-) હતું. ત્યાર બાદ દંપતીએ બાળકોનો પૅટરનિટી ટેસ્ટ (ડીએનએ પ્રોફાઇલ) કરાવવાનો નિર્ણય કર્યો. આ તપાસમાં એ સામે આવ્યું કે જોડિયાં બાળકોના બાયૉલૉજિકલ પિતા મહિલાના પતિ નથી.
શું આવા કેસ સામાન્ય કહેવાય?
ડૉક્ટર નયના પટેલ કહે છે કે આવા કેસ ખૂબ જ દુર્લભ હોય છે.
છેલ્લાં 30 વર્ષથી ગુજરાતના આણંદમાં ડૉક્ટર નયના પટેલ સરોગેસી સેન્ટર ચલાવી રહ્યાં છે. તેમના મુજબ, "દરેક વાર સૅમ્પલ લેતાં પહેલાં અને હૉસ્પિટલમાં જમા કરાવવા સુધી વિટનેસ સિસ્ટમ હોય છે. અમે બે વિટનેસ (પ્રત્યક્ષદર્શી) રાખીએ છીએ. પરંતુ કેટલીક વાર એવું જોવા મળે છે કે વ્યક્તિ પોતાના ઘરેથી સૅમ્પલ લઈને આવે છે. તો અમે એવા કેસમાં પણ સચેત રહીએ છીએ કે કોઈ ભૂલ ના થાય. રેકૉર્ડમાં જાણકારી સ્પષ્ટતાથી જણાવી હોય છે કે સૅમ્પલ ઘરેથી લાવવામાં આવ્યું છે."
તેઓ કહે છે કે "હવે ઘણી આધુનિક ટેકનિક પણ આવી ગઈ છે. જેમાંથી એક છે ઇલેક્ટ્રિક વિટનેસ સિસ્ટમ છે."
ડૉક્ટર નયના પટેલ કહે છે કે, "અનેક વાર સૅમ્પલ આપવાવાળા લોકોનાં નામ પણ એક જ જેવાં હોય છે. તો તેને લઈને પણ ઘણું ઍલર્ટ રહેવું પડે છે કે કોઈ ભૂલ ન થાય."
ઇલેક્ટ્રૉનિક વિટનેસ સિસ્ટમને વધુ વિસ્તારથી સમજાવતા ડૉક્ટર હર્ષા કહે છે કે "જે વ્યક્તિ સૅમ્પલ આપવા આવે છે, તેનું એક આઈડી બનાવાય છે. જેમાં કોડ હોય છે. એ જ કોડ સૅમ્પલ આપનારાની ડબ્બીઓમાં પણ હોય છે."
ડૉક્ટર હર્ષાબહેન ભ્રૂણ અને તેના વિકાસ માટે બનેલા વિભાગમાં એંબ્રિયોલૉજિસ્ટ છે. તેઓ કહે છે કે "અમે જે સીમેનનાં સૅમ્પલ અને જે અંડાણુ સાથે તેને ફર્ટિલાઈઝ કરવાના હોય તેના પર એ જ ટૅગ અથવા બારકોડ લગાવીએ છીએ. અને જો તેમાં ભૂલ થાય તો સિસ્ટમ ઍલર્ટનાં સિગ્નલ મોકલવા લાગે છે. આ આધુનિક ટેકનિકે ભૂલની બધી જ આશંકાઓને ખતમ કરી દીધી છે."
દિલ્હીમાં આવેલી ક્લાઉડ હૉસ્પિટલમાં ડૉક્ટર ગુંજન સબરવાલ આ મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવે છે કે "આવું થવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે બધા જ નિયમોને ધ્યાને રાખીને આ પ્રક્રિયા શરૂ થાય છે. જેમાં સૌથી પહેલાં દંપતી પાસેથી પરવાનગી અથવા તો કન્સેન્ટપત્ર પર હસ્તાક્ષર કરાવાય છે. જેમાં બન્નેના ફોટો પણ લગાવાય છે."
તેઓ કહે છે કે, "સૅમ્પલ લેતાં પહેલાં વ્યક્તિનું પૂરું નામ પુછાય છે, સૅમ્પલનો સમય, આપનારા વ્યક્તિના હસ્તાક્ષર અને બાદમાં તેને એંબ્રિયોલૉજી વિભાગમાં મોકલવા સુધીની બધી જ પ્રક્રિયાની નોંધણી થાય છે. એવામાં કોઈ જ ભૂલ થવી શક્ય નથી."
કેસનો નિકાલ કેવી રીતે થયો?
જ્યારે દંપતીને પૅટરનિટી ટેસ્ટથી ખબર પડી કે જોડિયાં બાળકોના બાયૉલૉજિકલ પિતા કોઈ અન્ય છે અને સીમેનની અદલાબદલી થઈ છે તો તેમણે ગ્રાહક સુરક્ષા હેઠળ ફરિયાદ નોંધાવી.
દંપતીએ હૉસ્પિટલ પર બેદરકારી અને સેવામાં ખામીનો આરોપ લગાવ્યો. સાથે જ તેમનું કહેવું હતું કે "હૉસ્પિટલના આ વલણથી તેમને ભાવનાત્મક તણાવ પેદા થયો છે. પારિવારિક કલહ થયો છે."
દંપતીને એ પણ ડર છે કે ક્યાંક બાળકોને આનુવંશિક બીમારી ન થઈ જાય. પોતાની આ ફરિયાદમાં દંપતીએ બેદરકારીના બદલામાં બે કરોડ રૂપિયાના વળતરની માગ કરી હતી.
આ મુદ્દે એનસીડીઆરસીના રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના અધ્યક્ષ ડૉક્ટર એસએમ કાંતિકરે નિર્ણય આપ્યો.
તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "જે દંપતીઓને બાળકો નથી થઈ રહ્યાં, તેમની મદદ માટે આ પ્રકારનાં એઆરટી ક્લિનિકની સંખ્યા વધી રહી છે."
એનસીડીઆરસીનું કહેવું છે કે "જે ગાયનોકોલૉજિસ્ટ પાસે તેની જાણકારી પણ નથી હોતી તેઓ રૂપિયાની લાલચમાં આવાં ક્લિનિક ખોલી દે છે, જેના કારણે અનૈતિક પ્રથાઓ વધી રહી છે."
એનસીડીઆરસી અનુસાર, "એ ધ્યાન રાખવું પડશે કે જેમને બાળકો નથી થતાં તેવા લોકો ભાવાત્મક અને નાણાકીય રીતે પરેશાનીમાં હોય છે અને જો ખોટી સારવાર થાય તો તેમની પરેશાની વધુ વધી જાય છે."
એનસીડીઆરસીએ કહ્યું કે સીધી રીતે હૉસ્પિટલ વિરુદ્ધ આ કેસ બને છે.
આ મુદ્દે ચુકાદો સંભળાવતા એનસીડીઆરસીએ ભાટિયા ગ્લોબલ હૉસ્પિટલ ઍન્ડ ઍન્ડોસર્જરી ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ અને નિદેશકને દંપતીને દોઢ કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે.
આ મુદ્દે બીબીસી સાથેની વાતચીતમાં ભાટિયા હૉસ્પિટલ તરફથી કહેવાયું કે, "કેસ કોર્ટમાં છે અને તે અંગે તેઓ કોઈ વાત કરવા નથી માગતા."
એનસીડીઆરસી અનુસાર, આ મામલા સાથે જે બે ડૉક્ટર જોડાયેલા હતા, તેમણે 10-10 લાખ રૂપિયા આપવા પડશે.
તો હૉસ્પિટલને એનસીડીઆરસીના કન્ઝ્યુમર લીગલ એડ એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા જમા કરવા માટે કહેવાયું છે. બન્ને બાળકોના નામે 1.30 કરોડની રકમ રાષ્ટ્રીય બૅન્કમાં જમા કરાવાશે અને બન્ને બાળકોના નામ પર એ એફડી બનાવીને રખાશે.
જે રકમ જમા કરાવાશે તે બન્ને બાળકોના નામે અડધીઅડધી થશે. જેમાં માતાપિતાને નૉમિની બનાવાયાં છે.
માતાપિતા બાળકોની સારસંભાળ માટે વ્યાજની રકમ ઉપાડી શકે છે.