You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને ફરીથી મુંબઈ ઈન્ડિયન્સમાં જશે?
આઈપીએલ 2024 માટે ડિસેમ્બરમાં યોજાનારી ખેલાડીઓની હરાજી પહેલાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાને બાબતે ચર્ચાઓ શરૂ થઈ છે. મીડિયા અહેવાલો મુજબ એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફરી શકે છે. અગાઉ તેઓ આ જ ટીમ માટે રમતા હતા. વર્ષ 2015માં હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સની સાથે જ પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી.
19 ડિસેમ્બરે દુબઈમાં આઈપીએલ 2024 માટેની હરાજી યોજાવાની છે. આ સાથે જ ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ ચર્ચામાં છે. ઈએસપીએન ક્રિક ઈન્ફોમાં છપાયેલા અહેવાલ અનુસાર 'જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો હાર્દિક પંડ્યાનું ગુજરાત ટાઇટન્સ છોડીને ફરીથી મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફરવાનું નક્કી છે. આ માટેના નાણાકીય વ્યવહાર કૅશમાં થશે અને મુંબઈ ઇન્ડિયન્સ ગુજરાત ટાઇટન્સને 15 કરોડ રૂપિયા આપશે.'
જો આ ડીલ સફળ થઈ તો તે આઈપીએલની હિસ્ટ્રીમાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્લૅયર ટ્રેડ હશે. જોકે, બન્ને ટીમ તરફથી આ અંગે કોઈ સાર્વજનિક નિવેદન નથી આપવામાં આવ્યું.
આ અંગે એનડીટીવીએ લખ્યું છે કે સમગ્ર બાબતે મુંબઈ ઇન્ડિયન્સે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. પણ હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સ છોડવા અંગે ચર્ચા જરૂર થઈ હતી. પણ હજી ડીલ સાઇન થવાની બાકી હોવાથી આ અંગે કંઈ પણ કહી શકાય તેમ નથી.
વર્લ્ડકપમાં કેવું રહ્યું હાર્દિક પંડ્યાનું પ્રદર્શન?
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાં માત્ર ચાર જ મૅચ રમી શક્યા હતા. બાંગ્લાદેશ સામેની મૅચ રમતા ઘાયલ થઈ ગયા હતા.
આ મૅચમાં પહેલી ઑવર નાખતા તેમના ડાબા પગમાં ઈજા થઈ હતી. તેઓ એ ઑવર પણ પૂર્ણ નહોતા કરી શક્યા. તેમની ઓવરના ત્રણ બૉલ વિરાટ કોહલીએ નાખ્યા હતા.
એ મૅચ બાદ પહેલા એવી શક્યતાઓ સેવાઈ રહી હતી કે તેઓ સેમિફાઇનલની નોકઆઉટ મૅચમાં રમી શકે છે. પણ બાદમાં તેઓ ફિટ ન થતા વર્લ્ડકપમાંથી બહાર જ નીકળી ગયા અને એક પણ મૅચ નહોતા રમી શક્યા.
વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. તેમણે કુલ પાંચ વિકેટ લીધી. તેમને માત્ર એક જ વાર ઑસ્ટ્રેલિયા સામે બૅટિંગ કરવાની તક મળી હતી. જેમાં તેમણે અણનમ રહીને 11 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં જોડાવવાની સાથે જ તેમની આગેવાનીમાં આઈપીએલમાં ડેબ્યૂ કરનારી આ ટીમ ચૅમ્પિયન બની ગઈ હતી.
2022ની આઈપીએલની 14મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ પહેલીવાર મેદાનમાં ઊતરી હતી અને તેની ફાઇનલ મૅચમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની સાત વિકેટથી જીત થઈ હતી.
2023માં પણ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં તો પહોંચી ગઈ હતી. પણ ચૅન્નઈ સુપરકિંગ્સ સામે તેની હાર થઈ હતી.
બન્ને વખતે ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા જ હતા. આ બન્ને સિઝનમાં હાર્દિક પંડ્યાએ 30 ઇનિંગમાં 833 રન બનાવ્યા હતા.
જોકે, 2015થી 2021 સુધી મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં આઈપીએલ રમનારા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં જોડાયા તે પહેલાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં તેમને ફરીવાર સ્થાન મળવા બાબતે શંકાઓ સેવાઈ રહી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ સાથે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલ ચૅમ્પિયન બનનારી ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતા.
આઈપીએલ 2021 સુધી તેઓ મુંબઈ ઇન્ડિયન્સમાં જ હતા.
એમને આઈપીએલ 2021માં બૉલિંગ પ્રદર્શન ખરાબ રહેવાથી તેમને ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. અને 2022માં તેઓ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાઈ ગયા હતા.