You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી : ત્રણ કારણો જેના લીધે ભાજપના પાંચેય ઉમેદવારો જીતી ગયા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે ખાલી પડેલી વિધાનસભાની છમાંથી પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે તમામ પાંચ બઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે.
ગુજરાત વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ 156થી વધીને 161 થયું છે. જ્યારે કે કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 17થી ઘટીને 13, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા પાંચથી ઘટીને ચાર થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય છે જ્યારે કે બે અપક્ષ ધારાસભ્ય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની વાઘોડિયા, માણાવદર, ખંભાત, પોરબંદર અને વીજાપુર એમ કુલ પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચેય બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ પાંચમાંથી ચાર બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા અને એક બેઠક પર અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા. રાજીનામું આપ્યા બાદ આ પાંચેય ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને ખાલી પડેલી આ પાંચ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી.
નોંધનીય છે કે આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાને કારણે ખાલી પડેલી વિસાવદરની બેઠક પર ચૂંટણી જાહેર થઈ નહોતી. આ બેઠક પર બાદમાં ચૂંટણી યોજાશે.
પાંચેય બેઠકનાં પરિણામ
- વીજાપુર બેઠકમાં ભાજપના ઉમેદવાર ડૉ. સી. જે ચાવડા કૉંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ સામે 56228 મતથી જીત્યા.
- પોરબંદર બેઠકમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 133163 મત મળ્યા છે. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર ઓડેદરા રાજુ ભીમાને 116808 મતથી હરાવ્યા છે.
- ખંભાત બેઠકમાં ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલે 38328 મતથી જીત મેળવી છે. કૉંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારને 50129 મત મળ્યા છે.
- વાઘોડિયા બેઠકમાં કૉંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાધેલા સામે 82108 મતથી હારી ગયા છે.
- માણાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ કૉંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 31016 મતે હરાવ્યા છે.
ભાજપની જીત પાછળનાં મહત્ત્વનાં કારણો શું છે
પહેલું કારણ- જૂથબંધી કે અસંતોષને ખાળવામાં ભાજપ સફળ થાય છે
પોરબંદર કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા તેનાં 15 દિવસ બાદ ભાજપે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જેની સામે ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ હતો. આવી જ રીતે માણાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ થયા બાદ પાર્ટીએ તેમને પેટાચૂંટણીની ટિકિટ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના આ નિર્ણયથી કહેવાય છે કે પક્ષના નેતા જવાહર ચાવડા નારાજ થયા હતા.
ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા પણ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને તેમને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના તત્કાલિન ઉમેદવાર અરવિંદ લાડાણીએ હરાવ્યા હતા.
હવે અરવિંદ લાડાણીએ ભાજપમાં પ્રવેશ બાદ વિધાનસભાની ટિકિટ લેતા જવાહર ચાવડા નારાજ થયા હતા. આ પેટાચૂંટણીમાં અરવિંદ લાડાણીએ ભાજપની નેતાગીરીને ખુલ્લો પત્ર લખીને જવાહર ચાવડા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી તે તેમણે આ પેટાચૂંટણીમાં તેમના વિરુદ્ધમાં કામ કર્યું હતું.
હવે નિષ્ણાતોએ તે વખતે કહ્યું હતું કે જવાહર ચાવડાની નારાજગી ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે છે. જોકે તેની અસર પેટાચૂંટણીનાં પરિણામ પર પડી નહોતી અને અરવિંદ લાડાણી પેટાચૂંટણી જીતી ગયા હતા.
જાણકારો કહે છે કે ભાજપમાં જૂથબંધી કે પછી અસંતોષ હોવા છતાં પરિણામ પર તેની અસર બહુ વર્તાતી નથી.
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "ગમે તેટલો અસંતોષ હોય પરંતુ આ પાંચ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત જ મનાતો હતો કારણ કે એક તો તમામ ઉમેદવારો જે તે બેઠકો પર મજબૂત છે અને સાથે ભાજપનું સંગઠન. વિપક્ષ ભાજપની નબળાઈનો ફાયદો ઉઠાવી શકતો નથી તેથી ભાજપ ફાવી જાય છે."
જાણકારો કહે છે કે લોકસભા ચૂંટણીમાં મેળવેલ જીતની સાથે પેટા ચૂંટણીમાં ભલે તેઓ 26માંથી 26 બેઠકો ન જીતી શક્યા હોય પરંતુ 25 બેઠકો પર અને પાંચેય બેઠકોની પેટાચૂંટણીમાં મળેલી જીતથી ભાજપની સોશિયલ એન્જિનિયરિંગની ક્ષમતા ફરીવાર પુરવાર થઈ છે. એ પણ સાબિત થાય છે કે સંગઠન પર તેની પકડ હજી પણ એટલી જ મજબૂત છે.
બીજું કારણ- ભાજપનું સંગઠન
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીનો ચેહરો, ભાજપનું સંગઠન અને વિકલ્પનો અભાવ એ જીત પાછળનાં ત્રણ મહત્ત્વનાં કારણો છે. ભાજપના પ્રતિબદ્ધ મતદારો પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી અને એવો ચહેરો પણ નથી જેનાથી તે ભાજપનો મુકાબલો કરી શકે."
જાણકારોના મત મુજબ ભાજપની સોશિયલ એન્જિનિયરીંગની રણનીતિ પણ આ ચૂંટણીમાં કામ લાગી છે. પેટાચૂંટણીમાં વિકાસનો મુદ્દો પણ ચર્ચાતો રહ્યો છે. ભાજપની વિકાસની વાત પણ મતદારોને સ્પર્શે છે, જે ચૂંટણી વખતે પાર્ટીને ફાયદો કરાવે છે.
ત્રીજું કારણ- મજબૂત ક્ષેત્રિય નેતા
નિષ્ણાતો અનુસાર પેટાચૂંટણીમાં જે-તે નેતાની એક નિશ્ચિત વોટબૅન્કે પણ અહમ ભૂમિકા ભજવી છે.
રાજકિય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે, "અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓની પોતાની પણ એક વોટબૅન્ક છે, જેના કારણે ચૂંટણીમાં તેમને સારો એવો લાભ થાય છે. આ પ્રકારની વોટબૅન્ક નેતાની છબી સાથે નિસ્બત ધરાવે છે. તેમનાં માટે પક્ષ નહીં પરંતુ પોતાની જ્ઞાતિ કે જાતિનો ઉમેદવાર અથવા તો નેતા મહત્ત્વના હોય છે.. આ મતદારો નેતાની સાથે જ હોય છે."
તો સવાલ એ થાય છે કે શું ગુજરાતના મતદારો ભાજપના દરેક નિર્ણયને સ્વીકારી લે છે?
આ સવાલના જવાબમાં ઘનશ્યામ શાહ કહે છે કે, "મતદારો પાસે કોઈ પસંદગી અને મજબૂત વિક્લ્પ નથી. ભાજપનું સંગઠન અને ચૂંટણી વ્યવસ્થાપનતંત્ર એટલું મજબૂત છે કે મતદારોને ભાજપ સારો વિકલ્પ લાગે છે. કૉંગ્રેસના નેતાઓ ભાજપને મુશ્કેલ પ્રશ્નો કરતા નથી. તેઓ કૉંગ્રેસનો એજન્ડા લોકો સુધી સારી રીતે પહોંચાડવામાં સફળ થતાં નથી જેના કારણે વિપક્ષને કોઈ લાભ થતો હોય તેવું દેખાતું નથી."
રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ નહોતા અને એટલા માટે ભાજપને ફાયદો થયો છે. મતદારોએ ભાજપના નેતૃત્વને જોઈને મત આપ્યો છે. ભાજપની એક વાત સારી છે કે ગુજરાતમાં પાર્ટી દરેક ચૂંટણી માટે એક અલગ રણનીતિ બનાવે છે જે સફળ પણ થાય છે."
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેઅહીં ક્લિક કરો...
વિપક્ષ માટે સ્થિતિ કેટલી કપરી?
પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પોતાની બેઠકો પર ફરીથી જીત નહીં મેળવી શકતા વિધાનસભામાં તેનું સંખ્યાબળ ઘટીને 13 પર આવી ગયું છે.
કૉંગ્રેસના આ 13 ધારાસભ્યોમાં બનાસકાંઠામાં હાલ ચૂંટાયેલા સાંસદ ગેનીબહેન ઠાકોર પણ છે. તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાતા તેમણે વાવ બેઠક પરથી રાજીનામું આપવું પડશે. એટલે કૉંગ્રેસનું સંખ્યાબળ હજુ ઘટીને 12 થઈ જશે.
આમ આ પરિણામથી ગુજરાતમાં વિપક્ષ સંખ્યાબળની રીતે વધુ નબળો થયો છે તેવો નિષ્ણાતોનો મત છે. બીજી બાજુ ભાજપનું સખ્યાંબળ વધ્યું છે.
સરળ શબ્દોમાં કહીએ તો ગુજરાત વિધાનસભામાં ભાજપ બે તૃતીયાંશ કરતાં વધારે સંખ્યાબળ ધરાવે છે. નિષ્ણાતો મતે સ્વસ્થ લોકશાહી માટે મજબૂત વિપક્ષ એક અનિવાર્યતા છે પરંતુ ગુજરાતમાં ભાજપને સતત મળી રહેલી જીતના કારણે વિપક્ષ વધારે નબળો પડતો જાય છે.
ઘનશ્યામ શાહ કહે છે કે, "કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમજોર થશે તો સ્વાભાવિક છે કે વધુને વધુ વિપક્ષના નેતાઓ ભાજપમાં સામેલ થઈ શકે છે અને સરવાળે બંને પાર્ટીને વધુ નુકસાન થશે. ભાજપમાં પણ આંતરિક જૂથવાદ છે પરંતુ પક્ષ આંતરિક રીતે નિંયત્રણ કરી લે છે, જ્યારે કૉંગ્રેસમાં આ શક્ય નથી. બીજું એક મોટું કારણ એ છે કે કૉંગ્રેસ અને ભાજપના સિદ્ધાંત અને વિચારધારામાં હવે બહુ ઝાઝો ફેર રહ્યો નથી. કૉંગ્રેસ પણ હિન્દુત્વ અને હિન્દુની વાત કરે છે જે ઘણા અંશે ભાજપ સાથે મળતી આવે છે."
ગુજરાતના રાજકારણ પર તેની શું અસર પડશે?
ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટ અને કૉંગ્રેસને 17 સીટ પર જીત મળી હતી. જોકે ત્યાર બાદ કૉંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. એટલે કૉંગ્રેસ પાસે માત્ર 13 ધારાસભ્યો છે. તેમાં પણ ગેનીબહેને તેઓ સાંસદ બનતાં વાવ બેઠક પરથી રાજીનામું આપવું પડશે એટલે આ સંખ્યા ઘટીને 12 થઈ જશે.
જાણકારો કહે છે કે આ બધા કારણે સ્વાભાવિક છે કે તેની અસર ગુજરાતના રાજકારણમાં પડવાની છે.
ઘનશ્યામ શાહના કહેવા અનુસાર વિપક્ષની સતત ઘટતી જતી તાકાતના કારણે લોકસભા અને રાજ્યસભામાં ગુજરાત તરફથી વિપક્ષની મર્યાદિત હાજરી રહેશે.
ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા બેઠકથી ચૂંટણીમાં જીત મેળવી છે એટલે ગુજરાતમાંથી લોકસભામાં વિપક્ષનો અવાજ રહેશે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ છે પરંતુ તેઓ એકમાત્ર સાંસદ છે. શક્તિસિંહની ટર્મ પૂરી થઈ જતા માત્ર ગેનીબહેન જ ગુજરાતમાંથી વિપક્ષ તરફથી દિલ્હીમાં રાજ્યનો અવાજ બનશે.
ઘનશ્યામ શાહ કહે છે, "ગુજરાતમાં મજબૂત વિપક્ષ એક જરૂરીયાત છે."
ડૉ. શિરીષ કાશીકર પણ આ વાત સ્વીકારે કે ગુજરાતમાં વિપક્ષને સત્તાપક્ષની કમજોરીનો ફાયદો ઉઠાવતા આવડતું નથી.
જાણકારોના મત પ્રમાણે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો મહેનત કરે તો તેમના માટે હજી પણ તક છે. મતદારોને જો યોગ્ય વિકલ્પ મળે તો અચૂક સમર્થન કરે છે. બનાસકાંઠામાં ગેનીબહેને આ સાબિત કર્યું છે.
ઘનશ્યામ કહે છે કે, "ભાજપમાં પાવર સ્ટ્રગલ વધશે જેના કારણે વિપક્ષને તક મળી શકે છે."