ગુજરાત પર ચોમાસા પહેલાં વાવાઝોડાનો ખતરો? અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે?

ગુજરાતમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાયું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ગરમી બાદ હવામાનમાં પલટો આવ્યો હતો.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બંગાળની ખાડીમાં રીમાલ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને એક-બે દિવસમાં મહારાષ્ટ્રમાં પહોંચી જશે.

ગુજરાતના હવામાનમાં આગામી ત્રણથી ચાર દિવસમાં પલટો આવવાની શક્યતા છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળો જોવા મળશે.

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે?

ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે, તેમાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે.

તાજેતરમાં જ બંગાળની ખાડીમાં વાવાઝોડું રીમાલ સર્જાયું હતું, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વિસ્તારો પર ત્રાટક્યું હતું.

હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફ ચોમાસું સક્રિય છે અને સતત આગળ વધી રહ્યું છે. આ સાથે જ કેટલીક જગ્યાએ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાના સમાચાર મળી રહ્યા છે.

હવામાન વિભાગ તરફથી વાવાઝોડાની કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉપરાંત હવામાનનાં મોટા ભાગનાં મૉડલો પણ દર્શાવતાં નથી કે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બનશે.

યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફૉરકાસ્ટ (ECMWF) એવું દર્શાવી રહ્યું છે કે 9 કે 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રના દરિયાકિનારા પાસે એકાદ સિસ્ટમ સર્જાશે.

જોકે, આ મૉડલ પણ એવું દર્શાવી રહ્યું નથી કે આ સિસ્ટમ દરિયામાં વધારે આગળ વધશે અને તેના કારણે વાવાઝોડું સર્જાશે.

હાલ ગુજરાત પર કોઈ વાવાઝોડાનો ખતરો દેખાતો નથી, પરંતુ રાજ્યમાં થોડા જ દિવસોમાં હવે વરસાદ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં આ તારીખથી શરૂ થઈ જશે વરસાદ

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ચોમાસું પહોંચે એ પહેલાં રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે.

ગુજરાતમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 8 જૂનથી રાજ્યમાં ચોમાસા પહેલાંની ગતિવિધિ શરૂ થઈ જશે.

વરસાદની આગાહી પ્રમાણે 8 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે.

8 જૂનની આસપાસ વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે 12થી 15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાની ઍન્ટ્રી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે.

9 જૂન બાદ રાજ્યમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર વધવાની શરૂઆત થશે અને કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે.

ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે?

30 મેના રોજ કેરળમાં પહોંચેલું ચોમાસું હાલ ઝડપથી આગળ વધી રહ્યું છે અને 3 જૂનના રોજ કેટલાક નવા વિસ્તારોમાં પહોંચી ગયું છે.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું કર્ણાટક, તમિલનાડું, આંધ્ર પ્રદેશ અને કેરળમાં પહોંચી ચૂક્યું છે, આ ઉપરાંત બંગાળની ખાડીની શાખા પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં પહોંચી ગઈ છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 3થી 4 દિવસોમાં કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, દક્ષિણ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશના બાકી રહેલા વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢ, તેલગણાંના કેટલાક વિસ્તારોને આવરી લેશે.

હાલની સ્થિતિ પ્રમાણે એવો અંદાજ છે કે 7 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં ચોમાસાની ઍન્ટ્રી થવાની શક્યતા છે.

આ વર્ષે હવામાન વિભાગે તેના લાંબાગાળાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે દેશમાં આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે. ચોમાસાના ચાર મહિના દરમિયાન દેશમાં 106 ટકા વરસાદ થવાની સંભાવના છે.