ગુજરાત પર ચોમાસાની સિસ્ટમ સક્રિય, આખું અઠવાડિયું ક્યાં અતિભારે વરસાદ પડશે?

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસું ખાસ સક્રિય છે. સુરત, સાબરકાંઠા, છોટા ઉદેપુર, તાપી, વડોદરા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠામાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના લૅટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ચાર ઇંચ, નવસારીના ખેરગામમાં 3.19 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.11 ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ડાંગ, અરવલ્લી, વલસાડ, તાપી, મહીસાગર, ખેડા જિલ્લાના અમુક તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 151 તાલુકામાં 0.04 ઇંચથી લઈને ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટની આગાહી પ્રમાણે આખા દેશમાં ચોમાસાની ચાલ સારી છે, માત્ર દક્ષિણ ભારત થોડું પાછળ રહી ગયું છે. હાલમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં વરસાદ છે જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ ઘટશે.

રાજસ્થાન અને ગુજરાતની વાત કરીએ તો બંને રાજ્યમાં વરસાદની ગતિવિધિ જળવાઈ રહેશે.

સ્કાયમેટના અંદાજ પ્રમાણે ગુજરાતના કચ્છ જિલ્લામાં વરસાદ હવે ઘટશે, સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ ઘટશે, પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હજુ સારો વરસાદ રહેશે.

ગુજરાતમાં કઈ સિસ્ટમના કારણે હજુ વરસાદ પડશે?

હવામાન વિભાગના બુલેટિન અનુસાર હાલમાં એક મોન્સુન ટ્રફ રચાયો છે જે બિકાનેર, જયપુર, આગ્રા, પ્રયાગરાજ, ડેલ્ટનગંજ, જમશેદપુર, ડીઘાથી લઈને પસાર થઈને બંગાળની ખાડી સુધી જાય છે.

સાઉથ હરિયાણા અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું છે અને દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે.

બંગાળની ખાડી અને ઓડિશા -પશ્ચિમ બંગાળની ઉપર 1.5 કિલોમીટરથી 5.8 કિમીની ઊંચાઈ સુધી એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સાઉથ તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતના કયા જિલ્લામાં હવે કેવો વરસાદ પડશે?

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 26 ઑગસ્ટ, મંગળવારે ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મંગળવારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે.

રાજ્યના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

27 ઑગસ્ટ, ગુરુવારે નર્મદા અને તાપી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત છે અને આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુરુવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે અને આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

28 ઑગસ્ટે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

29 અને 30 ઑગસ્ટે પણ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાંક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં 84 ટકાથી વધુ વરસાદ પડી ગયો

અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશના 84 ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે. સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 87 ટકા કરતા વધારે વરસાદ થયો છે જ્યારે કચ્છમાં 85 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 80 ટકા, સૌરાષ્ટ્રમાં સિઝનની સરેરાશનો 83 ટકા અને સાઉથ ગુજરાતમાં 86 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

અત્યાર સુધીના ભારે વરસાદના કારણે રાજ્યનાં જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. લૅટેસ્ટ આંકડા પ્રમાણે સરદાર સરોવર ડૅમમાં 86 ટકા કરતા વધારે પાણી ભરાયેલું છે.

રાજ્યના નાના મોટા 206 ડૅમમાંથી 72 ડૅમ છલકાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં 141માંથી 51 ડૅમ છલકાયા છે જ્યારે સાઉથ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના પાંચ, કચ્છના પાંચ અને ઉત્તર ગુજરાતના બે ડૅમ છલકાયા છે. રાજ્યનાં જળાશયોમાં સરેરાશ 78 ટકા કરતા વધારે પાણી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન