You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવ પેટાચૂંટણીમાં ભાજપ સામેની હાર કૉંગ્રેસનાં સાંસદ ગેનીબહેન માટે કેટલો મોટો ફટકો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની વાવની બેઠક ભાજપ અને કૉંગ્રેસ માટે વર્ચસ્વની લડાઈ હતી. પાતળી બહુમતીથી અહીં ભાજપે જીત મેળવી છે.
છેક છેલ્લી ઘડી સુધી થયેલી રસાકસી બાદ આ બેઠક ભાજપે નજીવા માર્જિનથી જીતી હતી.
પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યા પછી પણ કૉંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી તેનાં અનેક કારણો ગણાવાઈ રહ્યાં છે.
કેટલાક લોકો તેને ચૌધરી તથા ઠાકોરો વચ્ચેની પરંપરાગત રાજકીય લડાઈ ગણાવે છે તો કેટલાક લોકો અપક્ષ ઉમેદવાર માવજી પટેલને કારણ ગણે છે. તો ઘણા લોકો તેને કૉંગ્રેસની આંતરિક લડાઈ ગણાવે છે.
ભલે આ બેઠકથી રાજ્યમાં ભાજપની કે કૉંગ્રેસની સ્થિતિને સીધો ફર્ક ન પડવાનો હોય, પરંતુ તેનાથી ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર સાંસદ ગેનીબહેન ઠાકોરની રણનીતિ સામે સવાલ જરૂર કરે છે.
દિવસરાત પ્રચાર કર્યા પછી પણ કૉંગ્રેસને ગેનીબહેનનો ગઢ ગણાતા ભાભર વિસ્તારમાં જ ઓછા મત મળ્યા હતાં, જેના કારણે આ બેઠક પર કૉંગ્રેસની હાર થઈ છે.
જાણકારો એવું માને છે કે આ બેઠક પર કૉંગ્રેસની ફરી એક વાર જીત થઈ હોત તો ગેનીબહેનનો ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઓબીસી નેતા તરીકે દબદબો વધ્યો હોત.
શું ગેનીબહેન પોતાના મતવિસ્તાર સુધી સીમિત થઈ જશે?
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “એ વાત સાચી છે કે ગેનીબહેન કૉંગ્રેસના નવા ઓબીસી નેતા તરીકે ઊભરી રહ્યાં હતાં, તેમણે એ માટેનો પ્રયાસ પણ શરૂ કર્યો હતો. પણ મોટી સમસ્યા એ છે કે કૉંગ્રેસ સમય અનુસાર પોતાની રણનીતિ બદલી શકતી નથી. વાવની પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસ તેની જૂની ઘરેડમાં જ રહી હતી, જ્યારે ભાજપે તેનું સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“ભાજપે એ જોયું કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબહેનને બીજી વિધાનસભામાંથી લીડ મળી હતી પણ એમની જ વિધાનસભા વાવમાં લીડ ઓછી હતી. એટલે ભાજપે સૌથી વધુ રણનીતિનો ગેનીબહેનનો ગઢ ગણાતા ભાભરમાં ઉપયોગ કર્યો હતો. ગેનીબહેનના ગઢ ગણાતા ભાભરમાં કૉંગ્રેસ કરતાં વધુ મતો મેળવીને ગેનીબહેન એમના જ મતવિસ્તારમાં મત નથી મેળવી શકતા એવું સાબિત કરી દીધું.”
તેઓ કહે છે, “આ રણનીતિથી ભાજપે ન માત્ર ગેનીબહેનના ગઢમાં ગાબડું પાડ્યું છે, પરંતુ તેમની ઓબીસી નેતા તરીકે ઊભરતી છાપને પણ ઝાંખી પાડી છે. આથી, તેમને હવે ગુજરાતના રાજકારણને બદલે પોતાના મતવિસ્તારને જ સાચવવામાં વ્યસ્ત રહેવું પડશે. અલબત્ત, ગેનીબહેન પાસે એમની બનાસકાંઠા લોકસભાની બેઠક નીચે આવતી સાત વિધાનસભાની બેઠકોમાં કયો ઉમેદવાર રાખવો એ નક્કી કરવાની તાકાત રહેશે, પણ જો વાવ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા હોત તો સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં તેઓ નિર્ણાયક નેતા સાબિત થયાં હોત.”
ઓબીસી નેતા તરીકે ઊભરી રહ્યાં હતાં ગેનીબહેન
જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા પણ કંઈક આવું જ માને છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “વાવની પેટાચૂંટણીની હાર એ ગેનીબહેનનાં વધતા ગ્રાફને રોકશે. અલબત્ત, 2026માં શક્તિસિંહની રાજ્યસભાના સભ્ય તરીકે ટર્મ પૂરી થશે, એ પછી ગુજરાતમાંથી સંસદમાં કૉંગ્રેસ તરફથી માત્ર ગેનીબહેન જ રહેશે. પરંતુ રાજ્ય કક્ષાનાં નેતા તરીકે એમનું કદ ઘટશે. તેઓ માત્ર બનાસકાંઠા સુધી જ સીમિત થઈને રહી જશે.”
કૌશિક મહેતાનું એમ પણ કહેવું છે કે 1974થી કૉંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાત કૉંગ્રેસને ઊભી જ થવા દીધી નથી.
તેઓ કહે છે, “એક વાર ચીમનભાઈ પટેલે ઇન્દિરા ગાંધી સાથે બાંયો ચડાવી પછી ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓને હાઇકમાન્ડને ખુશ કરવા સિવાય જાણે કે કોઈ કામ બચ્યું નથી. ગુજરાતમાં કૉંગ્રેસ 1990ના દાયકામાં તો 1998 સુધી ફરી સત્તામાં આવવાની આશાએ કૉંગ્રેસ ગુજરાતમાં ટેકા પાર્ટી બની ગઈ. કૉંગ્રેસ પાસે માધવસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, નરેશ રાવલ જેવા નેતાઓ હતા, પણ કૉંગ્રેસ હાઇકમાન્ડની નીતિરીતિને કારણે અને સમયાંતરે રણનીતિ નહીં બદલવાને કારણે તેઓ નિષ્ફળ ગયા છે.”
કૌશિકભાઈ કહે છે, “હાલમાં ઓબીસી મતદાતા ગુજરાતમાં વધુ છે. ત્યારે નવાં ઊભરી રહેલાં નેતા ગેનીબહેન ઠાકોરની કમર તોડવા ભાજપે જેમ નવી રણનીતિ બનાવી તેમ કૉંગ્રેસ નવી રણનીતિ નથી બનાવતી, જેનું તેને નુકસાન જાય છે. આ ચૂંટણી હાર્યા પછી ગેનીબહેનનાં ઉત્તર ગુજરાતનાં દિગ્ગજ નેતા તરીકે ઊભરવાની તક પર બ્રૅક લાગી છે એમ કહીએ તો ખોટું નહીં ગણાય.”
તેઓ કહે છે, “આ સાથે જ કૉંગ્રેસમાં સમયાંતરે બનતી એક ઘટનાને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ગુજરાતમાં કૉંગ્રેસના ઓબીસી નેતા તરીકે ભરતસિંહ સોલંકીનું નામ મોટું છે અને તેમણે પણ રાજકારણમાં કમબૅક કરવાની જાહેરાત કરી છે.”
રાજકીય વિશ્લેષક પદ્મકાન્ત ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “લોકસભાની ચૂંટણી જીત્યાં પછી ગુજરાત ભાજપ માટે પડકાર બનેલાં ગેનીબહેન ઠાકોરે ગુજરાતમાં ભાજપને ઘેરવાનું શરૂ કર્યું હતું. તેમણે સૌપ્રથમ ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આવવાની વાત કરી હતી અને કૉંગ્રેસના નેતાઓએ એ વાતને વધાવી લીધી હતી. ત્યારબાદ તેમણે પોતાની ખાલી પડેલી વાવની બેઠક પર કૉંગ્રેસમાં આંતરિક વિવાદ હોવા છતાં ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ અપાવી હતી.”
તેઓ કહે છે કે, “તેઓ ગુજરાતનાં નવાં ઓબીસી નેતા તરીકે ઊભરી રહ્યાં હતાં, પણ વાવની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હારની તેમને અસર થશે. કૉંગ્રેસ આ બેઠક પર જીતી હોત તો તેઓ અવશ્ય ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઓબીસી નેતા તરીકે સ્વીકૃતિ પામ્યાં હોત.”
રાજકીય પક્ષોનું શું કહેવું છે?
વાવ પેટાચૂંટણીના પ્રભારી રહેલા ભાજપના નેતા અશ્વિન બૅન્કરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ તે પછી તરત અમારી રણનીતિ બનાવી હતી. પણ માવજીભાઈ બળવો કરીને અપક્ષ ઊભા રહ્યા ત્યારે અમે અમારી રણનીતિ બદલી હતી.”
તેઓ કહે છે, “અમે માવજીભાઈ ભાજપના મતો કાપે તો ક્યાંથી પરત મેળવવા તેનું બૂથ મુજબ માઇક્રો મૅનેજમૅન્ટ કર્યું હતું. નિર્ણાયક મતદાર ગણાતા ઠાકોર, ચૌધરી, માલધારી અને દલિત મતો ઉપરાંત ઈતર જ્ઞાતિઓ માટે પણ અલગ રણનીતિ ઘડી હતી. ભલે પાતળી બહુમતીથી જીત્યા છીએ, પણ અમે કૉંગ્રેસના ગઢમાં ગાબડું તો પાડ્યું જ છે.”
તો કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમે આ બેઠક પર કેમ હાર થઈ તેનું મનોમંથન કરી ભૂલો સુધારીશું. ગુજરાત કૉંગ્રેસમાં ગેનીબહેનનું વર્ચસ્વ ઘટવાનું નથી, એ તો જળવાઈ જ રહેશે. ભરતસિંહના કમબૅકનું અમારા વિરોધીઓ ખોટું અર્થઘટન કરી રહ્યા છે.”
શું કહે છે પેટાચૂંટણીના ઉમેદવારો?
વાવ પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું એ પહેલાં બીબીસી સાથેની ઔપચારિક વાતચીતમાં કૉંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે, “અપક્ષ તરીકે માવજીભાઈ ભાજપને નુકસાન કરી શકે છે તેના કરતાં વધુ નુકસાન કૉંગ્રેસને કરી શકે છે, કારણ કે ભાજપથી નારાજ ચૌધરી મતદાતાઓ કૉંગ્રેસ તરફ આવવાના હતા એ મતો માવજીભાઈને મળશે. આથી, હાર-જીતનું માર્જિન મોટું નહીં હોય.”
જોકે, આ વાતચીત વખતે પરિણામો હજુ જાહેર થયાં ન હતાં પરંતુ આમ બન્યું હોવાનું જાણકારો માને છે.
તો માવજી પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું ચૂંટણી ભાજપના નેતા સીઆર પાટીલનો પાવર ઉતારવા લડ્યો હતો. અપક્ષ ચૂંટણી લડ્યો હતો એટલે દરેક ગામડે મતદાતાઓ સુધી પહોંચી શક્યો ન હતો. એટલે હાર પછી જનતાનો ચુકાદો હું માથે ચઢાવું છું.”
જ્યારે વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું કહેવું છે કે, તેમને કોઈ એક સમુદાયે મત આપ્યા નથી, પણ વ્યસનમુક્તિ, શિક્ષણ અને પાણીની સમસ્યાના નિરાકરણની મારી વાત પર જનતાને ભરોસો હતો એટલે મને ગાંધીનગર મોકલ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન