You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇલેક્શન અપડેટ: બંગાળ પહોંચીને પીએમ મોદીએ કેમ કહ્યું- 'મમતાદીદીનો આભાર માનું છું'
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૂચબિહારમાં રેલી યોજી. આ વિસ્તારમાં મમતા બેનરજીએ પણ રેલી કરી હતી.
પીએમ મોદીએ પોતાની રેલીમાં મમતા બેનરજીનો આભાર માન્ય હતો.
મોદીએ કહ્યું, "હું બંગાળમાં સીએમ મમતાદીદીનો આભાર માનવા માગું છું. 2019માં આ મેદાનમાં સભા કરવા આવ્યો હતો, ત્યારે તેમણે એક મોટો મંચ બનાવીને મેદાન બહુ નાનું કરી દીધું હતું, જેથી લોકો મોદીને સાંભળીને ન શકે."
પીએમ મોદીએ કહ્યું, "મેં એ દિવસે કહ્યું હતું કે દીદી તમે સારું નથી કર્યું. હવે લોકો તમને જવાબ આપશે અને તમે જવાબ આપી દીધો. આજે તેમણે એવું કશું નથી કર્યું. મેદાન ખુલ્લું રાખ્યું તો તમારા બધાનાં દર્શનનું સદ્ભાગ્ય મળ્યું. તમારાં દર્શન કરીને મારું જીવન ધન્ય થઈ ગયું છે. હું એટલા માટે બંગાળ સરકારનો કોઈ બાધા ન નાખવા બદલ આભાર માનું છું."
રણદીપ સુરજેવાલની આપત્તિજનક ટિપ્પણી, હેમા માલિની શું બોલ્યાં?
કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ મથુરાથી ભાજપનાં સાંસદ હેમા માલિની પર આપત્તિજનક ટિપ્પણી કરી છે.
સુરજેવાલા એક સભા સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે "સાંસદ, ધારાસભ્ય કેમ બનાવાય છે, જેથી અમારો અવાજ ઉઠાવી શકે. કોઈ હેમા માલિની તો છીએ નહીં..."
ભાજપ અને હેમા માલિનીએ સુરજેવાલના નિવેદન પર વિરોધ નોંધાવ્યો છે. સુરજેવાલાએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા આપી છે.
હેમા માલિનીએ સુરેજવાલની ટિપ્પણી પર મીડિયાને કહ્યું, "જે ટાર્ગેટ કરે છે, તેમને પૂછો કે કેમ ટાર્ગેટ કરે છે. અમે લોકપ્રિય, પ્રખ્યાત છીએ તો નામનાવાળાને કેમ નિશાન બનાવે છે. મહિલાઓનું કેટલું સન્માન કરવું જોઈએ એ પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયા વાઇરલ થયા બાદ સુરજેવાલાએ વધુ એક વીડિયો મૂકીને સ્પષ્ટ કરી છે.
તેમણે લખ્યું, આખો વીડિયો સાંભળો. મેં કહ્યું હતું કે અમે તો હેમા માલિનીજીનું પણ બહુ સન્માન કરીએ છીએ, કેમ કે તેમણે ધર્મેન્દ્રજી સાથે લગ્ન કર્યાં છે. તે અમારી વહુ છે."
કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ગૌરવ વલ્લભ ભાજપમાં જોડાઈ ગયા
લોકસભાની ચૂંટણી બે અઠવાડિયાંની અંદર શરૂ થવાની છે અને કૉંગ્રેસમાંથી વધુ એક નેતા પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
કૉંગ્રેસના નેતા ગૌરવ વલ્લભે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેઓ ગુરુવારે જ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે રાજીનામું આપતાં કહ્યું છે કે "કૉંગ્રેસ પાર્ટી દિશાહીન છે અને તેઓ પાર્ટીમાં સહજતા અનુભવતા નથી."
તેમણે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપેલા રાજીનામામાં લખ્યું, "પાર્ટી નવા ભારતની આકાંક્ષાને સમજી નથી રહી. આ કારણે મારા જેવા કાર્યકર્તાઓ હતાશા અનુભવે છે. હું રામ મંદિર પર પાર્ટીના વલણથી સ્તબધ છું. હું કર્મથી હિંદુ છું. હું સનાતનવિરોધી નારાઓ નથી લગાડી શકતો."
"પાર્ટી અને ગઠબંધનના લોકો સનાતનવિરોધી નારાઓ લગાડે છે અને પાર્ટીનું આ બાબતે ચુપ રહેવું એક મૌન સ્વીકૃતિ જેવું છે."
"હું સવાર-સાંજ દેશના વેલ્થ ક્રિએટર્સને ગાળો ન આપી શકું. આ કારણે જ હું કૉંગ્રેસ પાર્ટીના દરેક પદ અને પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામું આપુ છું."
બુધવારે કૉંગ્રેસ નેતા અને બૉક્સર વિજેન્દ્ર સિંહ પણ ભાજપમાં જોડાયા હતા. તેમણે ભાજપમાં જોડાયા પછી કહ્યું, "હું ઊંઘ કરીને ઊઠ્યો તો મને લાગ્યું કે ભાજપ મારા માટે ઠીક પાર્ટી છે."
કૉંગ્રેસે સંજય નિરૂપમને છ વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કેમ કર્યા?
મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમને પાર્ટીએ બરતરફ કર્યા છે.
કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક આધિકારિક નિવેદનમાં કહ્યું કે નિરૂપમને અનુશાસનહીનતા અને તેમણે આપેલાં પાર્ટીવિરોધી નિવેદનોને કારણે બરતરફ કરવામાં આવે છે.
વેણુગોપાલે બુધવારે રાત્રે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, "અનુસાશનહીનતા અને પાર્ટીવિરોધી નિવેદનોની ફરિયાદને ધ્યાનમાં લઈને કૉંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે."
સંજય નિરૂપમે પણ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું છે કે તેઓ પણ આજે નિર્ણય લેશે.
તેમણે લખ્યું, "કૉંગ્રેસ પાર્ટી મારા માટે વધારે ઊર્જા અને સ્ટેશનરી ખર્ચ ન કરે. પરંતુ પોતાની બચેલી થોડીક ઊર્જા અને સ્ટેશનરીનો ઉપયોગ પાર્ટીને બચાવવા માટે કરે. પાર્ટી એક ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે."
"મેં જે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો તે આજે પૂરો થાય છે. કાલે હું પોતે જ નિર્ણય કરી લઈશ."
કૉંગ્રેસે બુધવારે લોકસભા 2024 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી, જેમાંથી નિરૂપમનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.
નિરૂપમે સીટ વહેંચણી દરમિયાન મુંબઈની સીટો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને આપવાને કારણે પોતાની જ પાર્ટીની ટીકા કરી હતી. ત્યાર પછી પાર્ટીની અંદર જ નિરૂપમ વિરુદ્ધ કાર્યવાહીની માગણીઓ થઈ હતી.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોળેએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, "સંજય નિરૂપમનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દેવામા આવ્યું છે અને તેમણે રાજ્યમાં કૉંગ્રેસ નેતૃત્વ પર આપેલા નિવેદનને કારણે થયેલી અનુસાશનહીનતાની ફરિયાદને કારણે કાર્યવાહી કરી રહી છે."
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટનાં પત્નીએ હાઈકોર્ટમાં અરજી શા માટે કરી?
સેકન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ- પાલનપુરે ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 20 વર્ષની ગંભીર સજા અને બે લાખનો દંડ ફટકાર્યો હતો.
એનડીપીએસ એટલે કે ધ નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ- 1985 અંતર્ગત ખોટા કેસ કરવાના મામલે પાલનપુરની સેશન્સ કોર્ટે તેમને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.
સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને માંગણી કરી છે કે રાજ્ય અને જેલ વિભાગ તેમના પતિ સંજીવ ભટ્ટને પાલનપુર જિલ્લા જેલથી બદલી કોઈ સેન્ટ્રલ જેલમાં શિફ્ટ ન કરે.
સમાચાર પત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસનાં અહેવાલ પ્રમાણે શ્વેતા ભટ્ટે પોતાની અરજીમાં જણાવ્યું છે કે એક આઈપીએસ અધિકારીના રૂપે સંજીવે ખતરનાક ગુનેગારો અને આતંકવાદીઓની ધરપકડ કરી હતી જેઓ સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ કારણે સેન્ટ્રલ જેલમાં સંજીવની સુરક્ષા પર ખતરો છે.
જોકે, સરકારી વકીલ અને એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને દલીલ આપી હતી કે સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાં એક અન્ડરટ્રાયલ કેદી તરીકે રાખવામાં આવ્યા હતા કારણ કે તેમના પર એનડીપીએસ કેસને લઈને ટ્રાયલ ચાલી રહ્યું હતું. આ ટ્રાયલ દરમિયાન તેમની હાજરી જરૂરી હતી અને માત્ર સગવડતા ખાતર જ તેમને પાલનપુર જેલમાં રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ કેસ 1996નો છે. સંજીવ ભટ્ટ પર રાજસ્થાનના વકીલને રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ફસાવવાનો આરોપ હતો. 5મી સપ્ટેમ્બર, 2018ના રોજ સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.