સુરત પોલીસે વેપારીની 'ગેરકાયદેસર કસ્ટડી' કેસમાં સસ્પેન્ડ કરેલા 'અધિકારી' સામે તપાસ શરૂ કરી, શું છે સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરતમાં એક વેપારીને છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા છતાં તેમની કથિત ધરપકડ અને ટૉર્ચર કરવાના મામલામાં સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે સોમવારે વિભાગીય તપાસ શરૂ કરી છે જેમાં વેસુ પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટર આર.વાય.રાવલ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમના પર વેપારી તુષાર શાહ પર ટૉર્ચર કરવાનો આરોપ છે.

અગાઉ સુપ્રીમ કોર્ટની બે જજોની બૅન્ચે આ મામલામાં સુરતના પોલીસ કમિશનર સહિતના રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સામે અવમાનનાની નોટિસ કાઢતાં આ મામલો સમાચારોમાં છવાઈ ગયો હતો.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી. આર. ગવઈ અને સંદીપ મહેતાની બૅન્ચે સુરતના એક વેપારી તુષાર શાહને સર્વોચ્ચ અદાલત દ્વારા આગોતરા જામીન અપાયા છતાં આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવા મામલે આ કાર્યવાહી કરી હતી.

બૅન્ચે નોંધ્યું કે, "આ કોર્ટનું ઘોર અપમાન છે અને એ પણ રેકૉર્ડ પર. તેને કસ્ટડીમાં કઈ રીતે મોકલી શકાય? કેવી રીતે તપાસ અધિકારી રિમાન્ડ માગવાની હિંમત કરી શકે?"

નોંધનીય છે કે 1.65 કરોડના છેતરપિંડીના એક મામલામાં 10 ડિસેમ્બર, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે આરોપી તુષાર શાહના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

કોર્ટે આ મામલામાં ‘તમામ સામા પક્ષવાળાને બિસ્તર-સામાન સાથે તૈયાર રહેવા’ જણાવ્યું અને કહ્યું કે "આવું એટલા માટે કારણ કે તમારે અહીંથી સીધા જેલમાં પણ જવું પડી શકે."

આ વાત સુપ્રીમ કોર્ટના ધ્યાને આવ્યા બાદ ગુજરાતના અધિક ચીફ સેક્રેટરી (ગૃહ), સુરત પોલીસ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વેસુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સામે નોટિસ કઢાઈને 29 જાન્યુઆરી સુધી જવાબ માગવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતીએ સુરત પોલીસના ડીસીપી, વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈનો મત જાણવા માટે સંપર્ક કર્યો હતો. જોકે, મામલો ‘ન્યાયાધીન હોઈ’ તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ ‘મામલાની જાણકારી ન હોવાની’ વાત કરી અને કહ્યું કે, "મારે મારી ઑફિસથી સમગ્ર મામલાની જાણકારી મેળવવી પડશે."

સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં સરકાર વતી હાજર રહેલ ઍડિશનલ સૉલિસિટર જનરલે ‘મામલામાં મોટી ભૂલ થઈ હોવાનું કહી’ માફી માગી હતી.

આ સમગ્ર મામલો શું છે એ જાણવા બીબીસી ગુજરાતીએ કેસ સાથે સંબંધિત પક્ષકારો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

‘સુપ્રીમ કોર્ટના હુકમ છતાં કસ્ટડી અને રિમાન્ડ’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, વેપારી તુષાર શાહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેસની વિગતો પ્રમાણે આરોપ છે કે સુરતના વેસુ વિસ્તારમાં બનેલા સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં અભિષેક ગોસ્વામી નામની એક વ્યક્તિએ 1,65,54,000ના ચેક આપીને 15 દુકાનો ખરીદી હતી.

કથિતપણે જાન્યુઆરી, 2023માં ખરીદાયેલી દુકાનોના દસ્તાવેજ જુલાઈ માસ સુધી ન મળતા અભિષેકે સુરતમાં ટેક્સટાઇલ અને બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા તુષાર શાહ સહિતના સાત લોકો સામે છેતરપિંડીની વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ બાદ તુષારે સુરતની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે નામંજૂર કરી દેવાઈ હતી.

તુષાર શાહના વકીલ દીપેશ દલાલે સમગ્ર મામલા અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "નીચલી કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અમે દલીલ કરી હતી કે તુષાર શાહને ફસાવવા આ ફરિયાદ કરાઈ છે. પરંતુ જામીન ન મળતાં અમે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા. હાઈકોર્ટે રિમાન્ડની શક્યતા સાથે આગોતરા જામીન આપ્યા."

વકીલ દીપેશ દલાલ આગળ કહે છે કે, "રિમાન્ડની શક્યતાને કારણે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમે આ મામલામાં 25 હજારનું બૉન્ડ આપવાની શરતે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો."

વેપારી તુષાર શાહે સમગ્ર કેસ અંગે પોતાની વાત મૂકતાં કહ્યું કે, "આ હુકમ લઈને હું જ્યારે 12 ડિસેમ્બરે પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પરંતુ પોલીસે મારી ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી. કોર્ટે આ માગણી મંજૂર કરીને 13થી 16 ડિસેમ્બર સુધીનું રિમાન્ડ મંજૂર કર્યું. આ રિમાન્ડ દરમિયાન પોલીસે મને ઘણો માર માર્યો."

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શાહના ઍડ્વોકેટ સૈયદે આરોપ લગાવતા કહ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટમાં અમારી અરજીમાં અમે કહ્યું છે કે સુરત પોલીસ ફરિયાદી સાથે મળી ગઈ છે, તેથી શાહની ધરપકડ કરાઈ હતી."

પોલીસ પર માર મારવાનો આરોપ

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, વકીલ દીપેશ દલાલ

તુષારે પોલીસ રિમાન્ડમાં પોતાના પર ‘અમાનવીય અત્યાચાર’ કરાયાનો અને ‘મૅજિસ્ટ્રેટે ફરિયાદ ન સાંભળ્યા’નો આરોપ મૂક્યો.

તેમણે કહ્યું કે, "રિમાન્ડ દરમિયાન મને પોલીસે ઢોર માર માર્યો. મને પગના તળિયામાં માર મરાતો, તે બાદ બૅરકમાં જ 300-400 પગલાં ચાલવાનું કહેવાતું. હું દરદથી કણસી ઊઠતો, પણ ચાલવાના કારણે મારા પગ પર પડેલાં નિશાન દૂર થઈ જતાં."

"બાદમાં મને કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં મેં મારી સાથે થયેલા ગેરવર્તનની ફરિયાદ કરી, પરંતુ જજે વાત માન્ય ન રાખી અને મને મેડિકલ તપાસ માટે પણ ન મોકલાયો."

તુષાર શાહના વકીલ દીપેશ દલાલે વધુ એક નિયમભંગનો આરોપ કરતાં કહ્યું કે, "અમે રિમાન્ડ દરમિયાનના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવાની માગણી કરી હતી, જે પોલીસ ગ્રાહ્ય નહોતી રાખી."

સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન બાદ તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં ફરી અરજી કરી. કન્ટેમ્પ્ટ એટલે કે અવમાનનાની અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી હતી.

કોર્ટે આ મામલામાં સુરત પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલ, ગુજરાતના અધિક ચીફ સેક્રેટરી (ગૃહ) અને ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સામે નોટિસ કાઢી હતી.

અહેવાલ અનુસાર જ્યારે સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અંગે પૂછ્યું ત્યારે ‘સીસીટીવી કામ ન કરતા’ હોવાનું જવાબ મળતા બૅન્ચ ગુસ્સે ભરાઈ હતી.

આ સમગ્ર મામલામાં સરકાર તરફથી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ એસ. વી. રાજુએ કહ્યું હતું કે, "તપાસ અધિકારીએ આ મામલામાં બહુ મોટી ભૂલ કરી હતી."

સુપ્રીમ કોર્ટે આ મામલામાં કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, "આ ઇરાદાપૂર્વક કરાયેલું છે. એક દીવાની પ્રકારના ગુનામાં રિમાન્ડ કેમ જરૂરી છે? શું પોલીસને મર્ડરનું હથિયાર શોધવાનું હતું? તેમણે જવાબ આપવો પડશે કે કેમ સીસીટીવી નહોતા ચાલી રહ્યા."

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, "શું ગુજરાતમાં અલગ કાયદા છે?"

આ સમગ્ર મામલાની સુનાવણી 29 જાન્યુઆરીએ રખાઈ છે .

આ અંગે બીબીસી ગુજરાતીએ સુરત પોલીસ ડીસીપી, વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કરી તેમનો ખુલાસો જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે, મામલો ‘ન્યાયાધીન હોઈ’ તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

તુષાર શાહ સહિત સાત લોકો સામે છેતરપિંડીનો કેસ કરનાર અભિષેક ગોસ્વામીનોય સંપર્ક થઈ શક્યો નહોતો.