બૅંગ્લુરુમાં ભાગદોડ : 10 તસવીરમાં જુઓ કે ભીડ બેકાબૂ થતા કેવી ભયાનક સ્થિતિ પેદા થઈ?

બૅંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બુધવારે સાંજે ભાગદોડ મચી ગઈ જેમાં 11 લોકોનાં મોત થયાં અને 33ને ઈજા થઈ છે. આ માહિતી કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આપી છે.

શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો આરસીબી તથા વિશેષ કરીને '18 નંબર'ની જર્સી પહેરીને પોતાનાં વાહનોમાં સ્ટેડિયમ તરફ આગળ વધ્યા હતા. મેટ્રો ટ્રેનોમાં પણ ભારે ભીડ હતી અને કેટલાક લોકો મેટ્રોમાં પણ બેસી શક્યા ન હતા.

18 વર્ષ પછી આઇપીએલનો ખિતાબ જીતનારી ટીમનું સ્વાગત કરવા માટે લાખો લોકો બૅંગ્લુરુના રસ્તાઓ પર એકઠા થયા હતા.

ભાગદોડના સમાચાર ફેલાતા જ લોકો મેટ્રો સ્ટેશને ઊમટી પડ્યા હતા . પ્લૅટફૉર્મ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ જતાં મેટ્રો અધિકારીઓએ સ્ટેડિયમની આસપાસનાં સ્ટેશનો બંધ કરી દીધાં હતાં.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ધક્કામુક્કીની શક્યતા અને ટોળું નિયંત્રણ બહાર જશે તેવી બીકના કારણે વિજય પરેડ માટે પરવાનગી આપવામાં આવી ન હતી.

અમદાવાદમાં આયોજિત IPLની ફાઇનલમાં આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવીને પોતાની પહેલી આઇપીએલ ટ્રૉફી જીતી છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, લગભગ એક લાખ લોકો ઊમટી પડશે, તેવું અનુમાન હતું, પરંતુ એથી બમણી સંખ્યામાં લોકો વિજય સરઘસમાં જોડાયા હતા

આ વિજયની ઉજવણી માટે બેંગલુરુમાં ખુલ્લી બસમાં સરઘસ કાઢવાનું હતું, પરંતુ ટ્રાફિકને કારણે પોલીસે પરવાનગી ન આપી.

ત્યાર પછી, હજારો લોકો હાથમાં બેંગલુરુની ટીમનો લાલ ઝંડો લઈને ચિન્નાસ્વામી મેદાન તરફ રવાના થયા અને ત્યાં જ નાસભાગ મચી ગઈ.

ઘટનાસ્થળે હાજર આરસીબીના એક ચાહકે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, "સ્ટેડિયમની અંદરની બધી સીટો ભરેલી હતી. તેથી અમને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. અમે પાછા જવા માગીએ છીએ, પરંતુ અમને પાછા જવાની પણ મંજૂરી નથી. ગેટ પર બહાર ભારે ભીડ છે. ગેટ ખોલવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો અંદર આવશે અને ઘણા લોકો પહેલેથી જ ઘાયલ છે."

કર્ણાટક ભાજપે સત્તાધારી કૉંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, "આ ઘટના માટે કૉંગ્રેસ સરકાર દોષિત છે, તેમની બેદરકારીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. ભીડને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા ન હતા."

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અને કૉંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે આટલી મોટી ભીડ એકઠી થશે તેની કોઈને અપેક્ષા નહોતી.

શહેરના વિવિધ ભાગોમાંથી લોકો જે પણ વાહનો મળે તેમાં સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા. તેમાંથી ઘણા લોકોએ 18 નંબરવાળી જર્સી પહેરી હતી. સ્ટેડિયમ જતી મેટ્રો ભરચક હતી, તેથી બીબીસી સંવાદદાતાઓ પણ મેટ્રોમાં ચઢી શક્યા નહીં.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું, "એક જગ્યાએ ભાગદોડની દુખદ ઘટના બની છે જ્યાં લોકો RCBની જીતની ઉજવણી કરવા માટે એકઠા થયાં હતાં. આ ઘટનાના પીડિતો પ્રત્યે મારી સંવેદના છે. ઉજવણી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તે જીવન કરતાં વધુ મહત્વપૂર્ણ નથી, કૃપા કરીને બધા સાવચેત રહો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન