બેડરૂમની અંતરંગ પળોને કેદ કરવા માટે હજારો કૅમેરા હૅક કરાયા, શું છે સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કોરિયા, દક્ષિણ કોરિયા, જાતીય શોષણના વીડિયો

ઇમેજ સ્રોત, Getty Images

દક્ષિણ કોરિયામાં ચાર લોકોની 1.20 લાખથી વધુ વીડિયો કૅમેરા હેક કરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. આરોપ છે કે ઘરો અને બિઝનેસમાં લાગેલા આ કૅમેરાની ફૂટેજનો ઉપયોગ કરીને એક વિદેશી વેબસાઇટ માટે જાતીય શોષણવાળી સામગ્રી તૈયાર કરાઈ રહી હતી.

પોલીસે રવિવારે ધરપકડ થયાની વાતની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આરોપીઓએ ઇન્ટરનેટ પ્રોટોકૉલ (આઇપી) કૅમેરાની નબળાઈઓ, જેમ કે, સરળ પાસવર્ડ વગેરેનો લાભ ઉઠાવ્યો.

સીસીટીવીનો સસ્તો વિકલ્પ મનાતા આઇપી કૅમેરાને હોમ કૅમેરા પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ સુરક્ષાનાં કારણોસર અને બાળકો કે પાલતું પ્રાણી-પક્ષીઓ પર ધ્યાન રાખવા માટે કરાય છે. આ કૅમેરા હોમ ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે.

આ કેસમાં ઘરો, કરાઓકે રૂમ, પિલાટેઝ સ્ટુડિયો (શારીરિક કસરત માટેનો સ્ટુડિયો) અને સ્ત્રીરોગના નિષ્ણાતોનાં દવાખાનાંમાં ગોઠવાયેલા કૅમેરાને નિશાન બનાવાયા હતા.

દક્ષિણ કોરિયાની નૅશનલ પોલીસ એજન્સી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનથી ખબર પડી હતી કે ચારેય આરોપીઓ અલગ અલગ કામ કરતા હતા, અને તેમણે એક સાથે આ કાવતરું રચ્યું નહોતું.

આરોપીઓ પૈકી એક પર 63 હજાર કૅમેરાને નિશાન બનાવી 545 જાતીય શોષણ દર્શાવતા વીડિયો બનાવવાનો આરોપ છે. જે આ આરોપીએ 35 મિલિયન વૉન એટલે કે 21.33 લાખ રૂ. (1 ડિસેમ્બર, 2025ની ગણતરી પ્રમાણે)ના મૂલ્યની વર્ચુઅલ સામગ્રીના બદલે વેચ્યા હતા.

બીજા પર 70 હજાર કૅમેરાને નિશાન બનાવી 648 વીડિયો બનાવ્યાનો આરોપ છે. આરોપીએ 10.97 લાખ રૂ.ની વર્ચુઅલ સામગ્રીને બદલે આ વીડિયો વેચ્યાનો આરોપ છે.

બંને આરોપીઓ ગત વર્ષે આ વીડિયો પૈકી કુલ 62 ટકા વીડિયો વેબસાઇટ પર પોસ્ટ કરવાનો આરોપ છે, આ વેબસાઇટે બાદમાં આઇપી કૅમેરાને નિશાન બનાવીને મેળવાયેલી આ ફૂટેજને ગેરકાયદેસર રીતે વિતરણ કર્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ હવે એ વેબસાઇટને બ્લૉક અને બંધ કરવાની દિશામાં આગળ વધી રહી છે, તેમજ આ વેબસાઇટના ઑપરેટરની તપાસ માટે વિદેશી એજન્સીનો સહયોગ કરી રહી છે. પોલીસે આ વેબસાઇટ થકી આ વીડિયો ખરીદનારા અને જોનારા ત્રણ લોકોનીય ધરપકડ કરી છે.

નૅશનલ પોલીસ એજન્સી ખાતે સાઇબર ઇન્વેસ્ટિગેશન ચીફ પાર્ક વૂ-હ્યુન કહે છે કે, "આઇપી કૅમેરા હેકિંગ અને ગેરકાયદેસર રીતે શૂટિંગ કરવાથી તેના પીડિતો ભારે પીડા અનુભવતા હોય છે, તેથી આ એક ગંભીર ગુનો છે. અમે સઘન તપાસ વડે આ ગુનાને નેસ્તનાબૂદ કરી દઈશું."

"ગેરકાયદેસર રીતે ઉતારાયેલ વીડિયો પાસે રાખવા અને જોવા એ પણ ગંભીર ગુના છે, તેથી અમે તેની સક્રિયપણે તપાસ કરીશું."

સત્તાધીશોએ 58 સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને પીડિતોને માહિતગાર કર્યા છે. તેમને આ ઘટનાની જાણ કરાઈ છે અને પાસવર્ડ બદલવાનું માર્ગદર્શન અપાયું છે.

તેઓ પીડિતોને સામગ્રી ડિલીટ અને બ્લૉક કરવામાં પણ મદદ કરી રહ્યા છે, આ સિવાય પોલીસ આ ઘટનાના અન્ય અસરગ્રસ્તોની ઓળખ પણ કરી રહી છે.

નૅશનલ પોલીસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું, "પોતાના ઘરે કે ધંધાના સ્થળે આઇપી કૅમેરા નખાવનારા યૂઝરો માટે સાવચેતી રાખવી, તુરંત અને નિયમિતપણે પોતાના ઍક્સેસ પાસવર્ડ બદલતા રહેવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."

લીહયુન ચોઈ દ્વારા વધારાનું રિપોર્ટિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન