You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત ચૅમ્પિયન્સ ટ્રૉફી રમવા પાકિસ્તાન ન જાય તો? શું કહે છે પાકિસ્તાનીઓ
આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીને આડે 100 દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, પરંતુ પાકિસ્તાનમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારત ભાગ લેશે કે નહીં, તેના વિશે અવઢવની સ્થિતિ પ્રવર્તે છે.
બીજી બાજુ, 16 નવેમ્બરથી ચૅમ્પિયન્સ ટ્રૉફીની પાકિસ્તાન ટૂર શરૂ થઈ ગઈ છે. પહેલાં તેને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં લઈ જવાની હતી, પરંતુ પીસીબીએ તેની જાહેરાત પણ કરી હતી. જોકે, આઈસીસીએ તેની મંજૂરી નથી આપી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બીબીસીઆઈએ પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે તથા આના વિશે આઈસીસીને જાણ કરી છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. આઈસીસીએ આના વિશે યજમાન દેશ પીસીબીને જાણ કરી દીધી છે.
19 ફેબ્રુઆરીથી ચૅમ્પિયન્સ ટ્રૉફી ટુર્નામેન્ટ શરૂ થશે અને માર્ચ મહિનાના બીજા અઠવાડિયા સુધી ચાલશે.
એશિયાકપની જેમ હાઇબ્રિડ મૉડલ?
જો ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટના નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાકિસ્તાન ન જાય તો યજમાન દેશ પાસે કેવા-કેવા વિકલ્પ રહે.
પાકિસ્તાનમાં આ અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે. ત્યાંના મીડિયાનું કહેવું છે કે પાકિસ્તાને એશિયા કપની જેમ હાઇબ્રિડ મૉડલથી ટુર્નામેન્ટ ન યોજાવા દેવી જોઈએ.
જે મુજબ ભારતના મૅચ અન્ય કોઈ દેશમાં યોજાય. વર્ષ 2023માં આયોજિત એશિયા કપ સમયે આવું જ કરવામાં આવ્યું હતું. એ સમયે ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કરી દીધો હતો. એ પછી ભારતની મૅચોને શ્રીલંકામાં આયોજિત કરવામાં આવી હતી.
યજમાન દેશમાં વ્યાપક ચર્ચા છે કે પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) પણ હાઇબ્રિડ મૉડલ માટે તૈયાર નથી. આ સંજોગોમાં કયા વિકલ્પ રહે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીસીબીના પૂર્વ ચૅરમૅને શું કહ્યું?
આઈસીસી દ્વારા આ મુદ્દે કેવું વલણ અપનાવવામાં આવે છે, તેના પર આ સમસ્યાના ઉકેલનો આધાર રહે છે. એટલે જ હાલ બધાની નજર આઈસીસી પર ટકેલી છે.
પીસીબીના પૂર્વ ચૅરમૅન નજમ સેઠીના કહેવા પ્રમાણે, આઈસીસી પાસે માત્ર ત્રણ વિકલ્પ હતા. પહેલું એ કે ભારત રમવા માટે પાકિસ્તાન આવે. બીજું હાઇબ્રિડ મૉડલ અને ત્રીજું એ કે સમગ્ર ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર કરાવવામાં આવે.
સેઠીએ પાકિસ્તાનની ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું, "ભારતે આના વિશે કડક વલણ અપનાવેલું છે. તેની ટીમ નહીં આવે. તેમણે કબડ્ડી તથા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમોને પણ મોકલી ન હતી. અગાઉ ડૅવિસ કપ રમવા માટે ટેનિસ ખેલાડી આવતા. હવે તે પણ નથી આવતા."
નજમ સેઠીના કહેવા પ્રમાણે, 'પહેલા બે વિકલ્પ અગાઉથી જ નકારી દેવાયા છે. આ સંજોગોમાં ત્રીજો વિકલ્પ બાકી રહે છે. જે મુજબ આખી ચૅમ્પિયન્સ ટ્રૉફીને પાકિસ્તાનની બહાર રમાડવામાં આવે. જો આઈસીસી દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવે તો પાકિસ્તાન ટર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ શકે છે.'
નજમ સેઠીનું માનવું છે કે આ સ્થિતિ પાકિસ્તાન માટે ખૂબ જ જટિલ છે. તેઓ કહે છે, "જો પાકિસ્તાન દ્વારા ભારતની વાત માની લેવામાં આવે તો ઘરઆંગણે તેની ભારે ટીકા થશે. એવું કહેવાશે કે પાકિસ્તાને નમવું પડ્યું."
આઈસીસીએ વર્ષ 2021માં પાકિસ્તાનને 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફીનું યજમાનપદ આપ્યું હતું. છેલ્લે વર્ષ 2017માં યુકેના લંડન ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં પાકિસ્તાને ભારતને પરાજય આપીને વિજયપદક પર કબજો કર્યો હતો.
"આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હંમેશાં જ બીસીસીઆઈનો (ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઑફ ઇન્ડિયા) પક્ષ લે છે. એટલે જો ટુર્નામેન્ટને શ્રીલંકા કે દુબઈ શિફ્ટ કરવામાં આવે અને પાકિસ્તાન તેમાં ન રમે તો આઈસીસીને નુકસાન થશે."
"તેનાથી ભારત અને પાકિસ્તાનને પણ નુકસાન થશે, કારણ કે મૅચની આવકનો ખાસ્સો હિસ્સો ભારત અને પાકિસ્તાનને થોડો હિસો મળે છે."
ચૅમ્પિયન્સ ટ્રૉફીના આયોજન અને તેની આર્થિક અસરો વિશે ચર્ચા કરતા નજમ સેઠી કહે છે, "તેનાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડને ખાસ ફેર નહીં પડે, કારણ કે તે ખૂબ જ સમૃદ્ધ છે. પરંતુ, પાકિસ્તાનને બહુ મોટો ફરક પડશે. જો પાકિસ્તાન બહાર પણ ન રમે, તો તેને ખાસ્સું આર્થિક નુકસાન થશે અને તે મોટો મુદ્દો બની જશે."
તેઓ કહે છે, "જો પાકિસ્તાન આવો નિર્ણય લે અને ખુદને આઈસીસીથી અળગું કરી લે, તો દ્વિપક્ષીય ટુર્નામેન્ટ બાકી રહે. તેમાંથી બહુ થોડી આવક થાય છે. વધુમાં વધુ એક કે બે મિલિયન ડૉલર (લગભગ રૂ. 17 કરોડ) જેટલી હોય છે."
"જો પાકિસ્તાન બહિષ્કાર કરવાનું વિચારે, તો શું તર્ક આપશે. ભારતને ખબર છે કે તે આવું શા માટે કરી રહ્યું છે."
પીસીબીના નિર્ણય અંગે સવાલ કેમ?
ચૅમ્પિયન્સ ટ્રૉફીની ટુર પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા થઈને છેલ્લે ભારત પહોંચશે.
પીસીબી દ્વારા ચૅમ્પિયન્સ ટ્રૉફીના ટૂરનું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું, તેને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝ્ઝફરાબાદમાં લઈ જવાનું આયોજન હતું. જેની સામે બીસીસીઆઈએ વાંધો નોંધાવ્યો હતો.
ચૅમ્પિયન્સ ટ્રૉફીને મુઝ્ઝફરાબાદ લઈ જવા વિશે નજમ સેઠીનું કહેવું છે, "આવા નિર્ણય પીસીબી નથી લેતું, તેને સલાહ મળી હશે. અગાઉ જેટલી ટ્રૉફી આવી છે, તેને પાકિસ્તાનનાં ત્રણ-ચાર શહેરમાં લઈ જવાતી હતી."
"શિડ્યુલ જોઈને મને થોડું આશ્ચર્ય થયું હતું, કારણ કે ટ્રૉફી ટૂરમાં ગિલગિત, બાલ્ટિસ્તાનને પણ સામેલ કરવામાં આવ્યા હતા. મને લાગે છે કે એ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય હતો અને તે પીસીબીએ નહોતો લીધો. કદાચ તાગ મેળવવા માટે આમ કરવામાં આવ્યું હતું."
સેઠીનું માનવું છે કે જ્યારે પીસીબીએ આ નિર્ણય લીધો હશે, ત્યારે તેને અંદાજ હશે કે આવી પ્રતિક્રિયા આવશે. સેઠી કહે છે, "પાકિસ્તાન તાગ મેળવવા માગતું હતું, પરંતુ તેનો દાવ ઊંધો પડ્યો. હવે ભારત કડક વલણ અપનાવશે."
સેઠીનું કહેવું છે કે પહેલાં બૅક ચૅનલ દ્વારા કૂટનીતિક વાટાઘાટો હાથ ધરીને પાકિસ્તાનને મનાવવા માટે પ્રયાસ થવા જોઈએ.
...તો આઈસીસીને મોટું નુકસાન થશે
ભારત ખાતે પાકિસ્તાનના પૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે એક પાકિસ્તાની ટીવી ચેનલ સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જો આઈસીસીની ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બંને નહીં રમે, તો આઈસીસીને બે અબજ ડૉલરનું (લગભગ રૂ. 16.8 અબજ) નુકસાન થશે."
પાકિસ્તાને આ ટુર્નામેન્ટની તૈયારી કરવા માટે ખાસ્સા રૂપિયા ખર્ચ્યા છે એટલે પણ તેના આયોજન વિશે ચિંતા પ્રવર્તે છે.
બાસિતના કહેવા પ્રમાણે, "પાકિસ્તાને કરાચીમાં નૅશનલ સ્ટેડિયમ, ગદ્દાફી સ્ટેડિયમ (લાહોર) અને રાવલપિંડી સ્ટેડિયમના નવિનીકરણ તથા અન્ય તૈયારીઓ પાછળ અત્યાર સુધીમાં લગભગ 15-16 અબજ ડૉલર ખર્ચ્યા છે."
ક્રિકેટબઝ વેબસાઇટના એક રિપોર્ટ મુજબ, આઈસીસીએ ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે લગભગ 65 મિલિયન ડૉલરનું બજેટ નક્કી કર્યું છે.
બાસિત કહે છે, "જો આઈસીસીને લાગે કે ભારત દ્વારા જે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે વાજબી છે, તો આ ટુર્નામેન્ટને અન્યત્ર ખસેડવામાં આવશે. યુએઈ તથા દક્ષિણ આફ્રિકાનાં નામોની ચર્ચા થઈ રહી છે."
"ભારત પોતાને ત્યાં ટુર્નામેન્ટ આયોજિત કરવા માટે પ્રયાસ કરે, એવી પણ ચર્ચા છે. ત્યાં ક્રિકેટ ઇબાદત જેવું છે, ત્યાં દર્શકો પણ મોટી સંખ્યામાં આવશે અને સારી એવી રોનક જોવા મળશે."
બાસિતના મતાનુસાર, "જો ટુર્નામેન્ટને અન્યત્ર ખસેડવામાં આવે તો પાકિસ્તાને તેનો બહિષ્કાર કરવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન