ગુજરાત : વાવાઝોડું 'શક્તિ' હવે કઈ દિશામાં આગળ વધ્યું, રાજ્યના દરિયાકાંઠાથી કેટલું દૂર?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના દરિયામાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડા 'શક્તિ'ની અસરને કારણે પાછલા અમુક દિવસથી રાજ્યના વાતાવરણમાં નાટકીય પલટો જોવા મળી રહ્યો છે.
સોમવારે વહેલી સવારે અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ પણ જોવા મળ્યો હતો.
જોકે, બાદમાં આકાશમાં વરસાદી વાદળો જોવા મળ્યાં નહોતાં.
હવે જ્યારે અરેબિયન સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડું 'શક્તિ' આગળ વધી રહ્યું છે ત્યારે તેની ગુજરાતમાં હવામાન પર કેવી અસર થશે અને પાછલા અમુક સમય દરમિયાન વાવાઝોડું કઈ દિશામાં આગળ વધ્યું? બીબીસી ગુજરાતીએ આ બધા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધનીય છે કે 5 ઑક્ટોબર એટલે કે રવિવારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ જોવા મળ્યો હતો.
વાવાઝોડું 'શક્તિ'ની શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના બુલેટિન અનુસાર ઉત્તરપશ્ચિમ અને મધ્યપશ્ચિમ અરેબિયન સમુદ્રમાં રચાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડાની કૅટગરીમાં આવતું 'શક્તિ' વાવાઝોડું 5 ઑક્ટોબરની સ્થિતિ અનુસાર પાછલા છ કલાકમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું હતું. અને એ જ ક્ષેત્રમાં ટકી રહ્યું હતું.
બુલેટિન પ્રમાણે વાવાઝોડું હાલ ઓમાનના મસીરાહથી 220 કિલોમીટર પૂર્વ દિશામાં, રાસ અલ હદ્દથી 240 કિમી દક્ષિણે, પાકિસ્તાનના કરાચીથી 800 કિમી દક્ષિણપશ્ચિમ દિશામાં, દ્વારકાથી 860 કિમી પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ દિશાએ અને કચ્છના નલિયાથી 860 કિમી પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમે છે.
વાવાઝોડું દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી અને 6 ઑક્ટોબરની સવારે નબળું પડીને માત્ર ચક્રવાતી તોફાન બની જાય તેવી પ્રબળ સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ એ ફંટાઈને ઉત્તરપશ્ચિમ અરેબિયન સમુદ્રમાં પૂર્વ દિશામાં આગળ વધીને 7 ઑક્ટોબરે બપોર પહેલાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવના છે.
કયા કયા જિલ્લામાં વરસાદનો વરતારો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે એટલે કે 6 ઑક્ટોબરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ ખાતે પણ ઘણી જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સુરેન્દ્ર નગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
મંગળવારે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વડોદર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
આ ઉપરાંત મંગળવારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
આગાહી મુજબ બુધવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ ખાતે કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












