અમેરિકામાં 'ગેરકાયદેસર' રહેતા ભારતીયોને લઈને વિમાન અમૃતસર ઊતર્યું, અત્યાર સુધી શું-શું થયું?

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને અમેરિકી સેનાનું એક વિમાન અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર આવી ગયું છે. આ મુસાફરોમાં અનેક ગુજરાતીઓ પણ હોવાના અહેવાલો છે.

ટ્રમ્પે બીજી વાર સત્તા સાંભળ્યા બાદ ત્યાં રહેતા ભારતીયોને દેશનિકાલ કરવાની પહેલી ઘટના છે.

એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સી રૉઇટર્સને જણાવ્યા પ્રમાણે આ વિમાન મંગળવારે સવારે ભારતીય સમય મુજબ રવાના થયું હતું.

સુરક્ષા અધિકારીઓએ બીબીસી સહયોગી પત્રકાર રબિન્દરસિંહ રૉબિનને જણાવ્યું છે કે તેમણે આવનારા લોકોની યાદી ચેક કરી લીધી છે અને તેમાં કોઈ રીઢો ગુનેગાર નથી.

રબિન્દરસિંહના જણાવ્યા અનુસાર અમૃતસર પહોંચનારા કેટલાક લોકોને પોલીસ ગાડીમાં તેમના ગામ લઈ જશે.

અન્ય રાજ્યોના લોકોને ફ્લાઇટ મારફતે તેમના વતન મોકલાશે. મીડિયાને ઍરપૉર્ટ પર જવાની અનુમતિ નથી. પરંતુ પત્રકાર ઍરપૉર્ટ બહાર આ લોકોની સાથે વાતચીત કરી શકશે.

અમેરિકાથી પાછા મોકલેલા ભારતીયોમાં 33 જેટલા ગુજરાતીઓ હોવાના અહેવાલ પણ છે.

પંજાબ સરકારમાં NRI બાબતોના મંત્રી કુલદીપસિંહ ધાલીવાલે અમેરિકાથી ભારતીયોને દેશનિકાલ કરવાના સમાચાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા છે.

એમણે આ મુદ્દાને ખૂબ જ ગંભીર ગણાવ્યો છે. પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા સંદેશમાં તેમણે લખ્યું કે આ 205 ભારતીયો અમૃતસર ઍરપૉર્ટ પર ઊતરશે, જ્યાં તેઓ પોતે તેમને લેવા જશે.

દરમિયાન, પંજાબના ડીજીપી ગૌરવ યાદવે મીડિયાને જણાવ્યું હતું કે આ બાબતે એક બેઠકમાં ચર્ચા થઈ હતી અને મુખ્ય મંત્રી (ભગવંતસિંહ માન)એ કહ્યું છે કે અમારા આવનારા પ્રવાસીઓનું પંજાબ સરકાર દ્વારા મૈત્રીપૂર્ણ રીતે સ્વાગત કરવામાં આવશે.

અમેરિકાથી ગુજરાતીઓને પાછા મોકલાયા?

અહેવાલો અનુસાર અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પાછા લઈને આવેલા વિમાનમાં 33 જેટલા ગુજરાતીઓ હોવાનું માનવામાં આવે છે.

આ લોકો ગાંધીનગર, ખેડા, મહેસાણા, માણસાના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે અધિકારીઓએ હજુ આ મામલે પુષ્ટિ નથી કરી.

પંજાબ સરકાર અને પોલીસે શું કહ્યું?

પંજાબના કૅબિનેટ મંત્રી કુલદીપસિંહ ધાલીવાલે અમેરિકાથી ભારતીયોને દેશનિકાલ કરવાના મામલાને ખૂબ જ ગંભીર ગણાવ્યો છે.

ધાલીવાલે એ વાત પર પણ ભાર મૂક્યો કે કેન્દ્ર સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.

અમેરિકન સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે "ઘણા ભારતીયો વર્ક પરમિટ લઈને ત્યાં ગયા હતા. પરંતુ પાછળથી આ પરમિટો સમાપ્ત થઈ ગઈ, જેના કારણે આ બધા ભારતીયો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની શ્રેણીમાં આવી ગયા."

વધુમાં તેમણે કહ્યું કે "જે લોકોને અમેરિકાથી પાછા મોકલવામાં આવી રહ્યા છે એમનો અમેરિકન અર્થતંત્રના વિકાસમાં ફાળો હતો. આ લોકોને પાછા મોકલવાને બદલે અમેરિકાએ તેમને કાયમી નાગરિકતા આપવી જોઈતી હતી."

આ મુદ્દા અંગે ધાલીવાલ આવતા અઠવાડિયે વિદેશમંત્રી એસ. જયશંકરને મળવાના છે.

ધાલીવાલે પંજાબના લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ ન જવાની પણ અપીલ કરી છે.

મંગળવારે, મીડિયાએ પંજાબના ડીજીપી ગૌરવ યાદવને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહેલા ઇમિગ્રન્ટ્સ અંગે પ્રશ્નો પૂછ્યા હતા.

ગૌરવ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે, "એક બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. અમે કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ, અમને માહિતી મળતાં જ અમે તમારી સાથે શૅર કરીશું."

તેમણે કહ્યું, "અમને તેમની ઓળખ અને તેમના અંગે કોઈ વિશેષ માહિતી નથી. અમે કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છીએ."

ગૌરવ યાદવે કહ્યું, "આ અપ્રમાણિત અહેવાલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે."

ટ્રમ્પે લશ્કરને કેમ કામે લગાડ્યું?

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવા માટે સૈન્યનો ઉપયોગ કરવામાં આવે એ ખૂબ જ દુર્લભ ઘટના છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાના મિશનમાં સૈન્યનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકા-મૅક્સિકો સરહદ પર આવેલા સૈન્ય કાર્યાલયમાં ઇમિગ્રેન્ટ્સ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન ઘણા દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે લશ્કરને કામે લગાડવામાં આવ્યું છે.

રૉઇટર્સના અહેવાલ મુજબ, અગાઉ ગ્વાટેમાલા, પેરુ અને હૉન્ડૂરસના ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે, યુએસ ઇમિગ્રેશન વિભાગ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલે છે.

મિલિટ્રી ડિપૉર્ટેશન વધુ ખર્ચાળ સાબિત થાય છે. રૉયટર્સના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે સેનાએ ગ્વાટેમાલાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલ્યા હતા. દરેક મુસાફરનો ખર્ચ ચાર હજાર સાતસો ડૉલર એટલે કે લગભગ ચાર લાખ રૂપિયા હતો.

ટ્રમ્પની ચિંતા, ભારતનો જવાબ

ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશમંત્રી માર્કો રુબિયોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઇને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

ત્યારબાદ, પત્રકારો સાથે વાત કરતા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અમને આશા છે કે દસ્તાવેજો વગર અમેરિકામાં રહેતા ભારતીયો અંગે ભારત જે પણ યોગ્ય પગલાં લેવાવા જોઈએ તે લેશે.

અમેરિકાએ ભારત સાથેની વાતચીતને સકારાત્મક ગણાવી હતી અને ટ્રમ્પે કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

અમેરિકાની મુલાકાતે આવેલા ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સમક્ષ પણ અમેરિકન વિદેશમંત્રીએ ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

જે પછી પત્રકારો સાથે વાત કરતી વખતે એસ. જયશંકરે કહ્યું હતું કે, "ભારત ગેરકાયદેસર ઇમિગ્રેશનને બિલકુલ સમર્થન આપતું નથી. ગેરકાયદેસર ઇમિગ્રેશન સાથે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જોડાયેલી છે. આનાથી આપણી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. જો આપણો કોઈ નાગરિક અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો જોવા મળે અને તે ભારતીય નાગરિક હોવાનું પુરવાર થાય, તો અમે તેને કાયદેસર રીતે ભારત પાછા લાવવાની પ્રક્રિયા માટે તૈયાર છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.