અમેરિકાના વિઝા માટે 15 હજાર ડૉલરના બૉન્ડનો પ્રોજેક્ટ શું છે, ભારતીયોને અસર થશે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાએ તાજેતરમાં એક એવી જાહેરાત કરી છે જેના કારણે બિઝનેસ માટે અથવા ટૂરિસ્ટ તરીકે અમેરિકા જવા માગતા ચોક્કસ દેશોના લોકોને અસર થાય તેવી શક્યતા છે.

અમેરિકન વિદેશ મંત્રાલય મુજબ અમુક દેશોના વિઝિટર્સ માટે 15,000 ડૉલર સુધીના બૉન્ડ ફરજિયાત બનાવવામાં આવશે.

આ એક પાઇલટ પ્રોજેક્ટ છે જે 20 ઑગસ્ટથી શરૂ થશે અને આગળ જતા તેમાં વધુ દેશોના નામ ઉમેરાય તેવી શક્યતા છે. અમેરિકા પહોંચ્યા પછી પોતાના દેશ પાછા ન જનારા અને વિઝાની લિમિટ ઓવરસ્ટે કરનારા દેશોને ટાર્ગેટ કરવાની આ એક પહેલ છે તેવું જણાવાયું છે.

15 હજાર ડૉલરના બૉન્ડની યોજના શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી વિદેશી પ્રવાસીઓના મામલે વલણ વધુ ને વધુ ચુસ્ત બનતું જાય છે.

ટ્રમ્પ સરકારે સૌથી પહેલાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને વિમાનો ભરીને તેમના દેશમાં મોકલ્યા, ત્યાર પછી 12 દેશોના નાગરિકો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો. હવે ઓવરસ્ટેને રોકવા માટે ટૂરિસ્ટ અને બિઝનેસ ટ્રાવેલર્સ પાસેથી 15 હજાર ડૉલર સુધીના બૉન્ડ ઍડવાન્સમાં લેવામાં આવશે. ભારતીય ચલણ પ્રમાણે આ લગભગ 13 લાખ રૂપિયા થાય છે.

જે લોકો સમયમર્યાદાની અંદર અમેરિકા છોડી દેશે તેમને બૉન્ડની સમગ્ર રકમ પાછી મળી જશે, પરંતુ ઓવરસ્ટે કરનારાઓની રકમ જપ્ત કરવામાં આવશે.

વિઝા બૉન્ડ કયા દેશોને લાગુ થશે?

અમેરિકન વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં આ લિસ્ટમાં માત્ર બે દેશ - માલાવી અને ઝામ્બિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમના નાગરિકોએ પાંચથી 15 હજાર ડૉલર સુધીના બૉન્ડ ભરવા પડશે. આ બૉન્ડમાં પાંચ હજાર, 10 હજાર અને 15 હજાર ડૉલર એમ ત્રણ કૅટેગરી છે.

બૉન્ડની રકમ ઇન્ટરવ્યૂના આધારે નક્કી કરવામાં આવી હશે. વેબસાઇટ પર જણાવાયું છે કે B1/B2 વિઝામાં ઓવરસ્ટેનો રેટ જોઈને આ નિર્ણય લેવાયો છે.

અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગે 2023નો ઍન્ટ્રી/ઍક્ઝિટ ઓવરસ્ટે રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કયા દેશના લોકો અમેરિકા આવ્યા પછી ઓવરસ્ટે કરે છે તેની ટકાવારી આપેલી છે.

2023નો અહેવાલ કહે છે કે માલાવીના નાગરિકો માટે B1/B2 વિઝામાં ઓવરસ્ટે રેટ 14.32 ટકા હતો જ્યારે સ્ટડી વિઝા માટે અમેરિકા આવતા વિદ્યાર્થીઓમાં ઓવરસ્ટેનો દર 19.71 ટકા હતો. ઝામ્બિયા માટે પણ આ દર 10 ટકા કરતાં વધુ છે.

અમેરિકન વિદેશ મંત્રાલયે વેબસાઇટ પર સ્પષ્ટતા કરી છે કે "આ બૉન્ડ ભરવાથી વિઝા ઇસ્યૂ થશે તેની કોઈ ગૅરંટી નથી. કૉન્સ્યુલર ઑફિસર દ્વારા સૂચના અપાય ત્યાર પછી જ ફી ભરવાની રહેશે અને કોઈ વ્યક્તિ ઑફિસરની સૂચના વગર ફી ભરશે તો તે પરત કરવામાં નહીં આવે."

તેમાં જણાવાયું છે કે વિઝાની અરજી કરનારે હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટને ફૉર્મ I-352 ભરીને સોંપવાનું રહેશે જેમાં બૉન્ડની શરતો માટે સહમતિ દર્શાવેલી હોવી જોઈએ.

ભવિષ્યમાં શેના આધારે દેશોના નામ નક્કી થશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, ઓવરસ્ટે રેટના આધારે આ દેશો નક્કી થશે એવું માનવામાં આવે છે.

મૅક્સિકો, કૅનેડા અને બીજા 40થી વધુ દેશોને તેમાં બાકાત રાખવામાં આવ્યા છે જેઓ યુએસ વિઝા વેઇવર પ્રોગ્રામમાં જોડાયેલા છે.

બૉન્ડ ભર્યા પછી શું?

અમેરિકામાં બહારના લોકો ઓવરસ્ટે ન કરે તે માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. તેથી વિઝાની મુદત પૂરી થાય તે દિવસે અથવા તેનાથી અગાઉ વ્યક્તિ અમેરિકા છોડી દે તો તેમને બૉન્ડની આખી રકમ પરત મળી જશે.

તેમાં એમ પણ જણાવાયું છે કે "વિઝાની મુદત પૂરી થાય તે અગાઉ વિઝાધારક અમેરિકાનો પ્રવાસ જ ન કરે અથવા વિઝાધારકને પોર્ટ ઑફ ઍન્ટ્રી પર પરમિશન ન મળે તો પણ બૉન્ડની રકમ પરત કરાશે."

વિઝા બૉન્ડની શરતોનો ભંગ ક્યારે ગણાશે?

કોઈ વ્યક્તિએ વિઝા બૉન્ડની શરતોનો ભંગ કર્યો છે કે નહીં તે હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.

ઉદાહરણ તરીકે અમેરિકામાં કાયદેસર રીતે રહેવાની મુદ્ત કરતા વિઝાધારક વધુ સમય સુધી રોકાય, મુદ્દત પછી પણ અમેરિકા છોડીને ન જાય, અથવા અમેરિકામાં આશરો મેળવવા અરજી કરશે તો તેણે વિઝા બૉન્ડનો ભંગ કર્યો ગણાશે.

આવી સ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવશે જેમાં વ્યક્તિને ડિપોર્ટ કરી શકાય છે અને અમેરિકામાં પ્રવેશ પર 10 વર્ષનો પ્રતિબંધ મુકાઈ શકે છે.

વિઝા ઓવરસ્ટે કોને કહેવાય?

સેન્ટર ફૉર માઇગ્રેશન સ્ટડીઝ ઑફ ન્યૂ યૉર્કનો એક અહેવાલ કહે છે કે અમેરિકામાં ગેરકાયદે વસતા 40 ટકાથી વધુ લોકો તેમના વિઝાને ઓવરસ્ટે કરીને વસે છે અને તેમણે યુએસ-મૅક્સિકો બૉર્ડરથી અમેરિકામાં પ્રવેશ નથી કર્યો.

વિઝા ઓવરસ્ટેની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે કે "કોઈ નોનઇમિગ્રન્ટ વ્યક્તિ અમેરિકામાં ઑથૉરાઇઝ્ડ સમયગાળા માટે કાયદેસર રીતે આવી હોય, પરંતુ આ મુદત કરતાં તે વધુ સમય રોકાય તો તેને ઓવરસ્ટે ગણવામાં આવશે."

કેટલા ભારતીયો અમેરિકામાં ઓવરસ્ટે કરે છે?

આંકડા દર્શાવે છે કે ભારતીયો એ અમેરિકામાં ઊંચા પ્રમાણમાં ઓવરસ્ટે રેટ ધરાવતા દેશોમાં નથી.

હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગના ઍન્ટ્રી/ઍક્ઝિટ ઓવરસ્ટે રિપોર્ટ મુજબ 2023માં ભારતીયોના ઓવરસ્ટેનો ટોટલ રેટ 1.58 ટકા હતો. જ્યારે B1/B2 વિઝા માટે આ રેટ 1.29 ટકા હતો.

B1 અને B2 એ અમેરિકામાં કામચલાઉ રોકાણ માટેના નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તેમાંથી B1 વિઝા બિઝનેસના હેતુઓ માટે હોય છે જ્યારે B2 વિઝા ટૂરિઝમ, તબીબી સારવાર વગેરે માટે હોય છે.

અફઘાનિસ્તાન, અંગોલા, ભુતાન, બર્મા, બુરુંડી, કેમરુન, જીબુટી, ઇથિયોપિયા, જ્યૉર્જિયા, ઘાના, લાઓસ, લાઇબેરિયા વગેરેનો ઓવરસ્ટે રેટ 10થી 34 ટકા સુધી ઘણો ઊંચો છે.

ભારતીયોને અસર પડશે?

અમેરિકાના વિઝા બૉન્ડ પ્રોગ્રામમાં હજુ સુધી માત્ર બે દેશોનાં નામ જાહેર થયાં છે. તેથી ભારતીયોને બી-1 કે બી-2 વિઝા માટે કોઈ બૉન્ડ ભરવાની જરૂર નથી.

વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકર માને છે કે "ભારતીયો પણ અમેરિકામાં ઓવરસ્ટે કરે છે, છતાં હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. આ લિસ્ટમાં આગળ કોનાં નામ ઉમેરાય છે તે જોવાનું રહેશે."

તેમણે કહ્યું કે, "અમેરિકા જતા લગભગ 90 ટકા લોકો ભારતમાં જ વેલ સેટલ્ડ હોય છે અને તેમને ઓવરસ્ટેની જરૂર નથી. તેથી મુઠ્ઠીભર લોકો માટે બાકીનાને હેરાન કરવા યોગ્ય નથી. અત્યારે પણ મોટી સંખ્યામાં ભારતીયો ટૂરિસ્ટ તરીકે અમેરિકા જાય છે."

ભાવિન ઠાકરે જણાવ્યું કે, "ઘણા દેશોએ ભારતીયોને વિઝા માટે લો-રિસ્ક કૅટેગરીમાં મૂક્યા છે, તેથી ભારતીયોને પહેલાં કરતા વધુ વિઝા મળે છે."

15 હજાર ડૉલરના બૉન્ડ મામલે તેમણે કહ્યું કે, "ચાર વ્યક્તિનો પરિવાર હોય તો તેમણે 60 હજાર ડૉલરના બૉન્ડ ખરીદવા પડે. ભારતમાં કોઈ આર્થિક રીતે સદ્ધર હોય તો તે આટલી રકમ બૉન્ડ તરીકે ન આપે, સિવાય કે અત્યંત મહત્ત્વનું કારણ હોય. આવા નિયમો લાગુ કરવાથી યુએસમાં ટૂરિઝમને મોટી અસર પડશે."

અન્ય એક અમેરિકન વિઝા કન્સલ્ટન્ટે નામ ન આપવાની શરતે કહ્યું કે "ઘણા દેશોના લોકો વિઝિટર વિઝા પર અમેરિકા જાય છે અને પછી ત્યાંથી પરત આવવાના બદલે ગુમ થઈ જાય છે. આવા લોકોને રોકવા માટે વિઝા બૉન્ડ લાવવામાં આવ્યા છે, કારણ કે તેઓ અમેરિકામાંથી ઍક્ઝિટ નહીં કરે તો તેમની રકમ જતી રહેશે."

જોકે, "તેમના કહેવા પ્રમાણે આટલી રકમ ચૂકવ્યા પછી પણ 'કબૂતરબાજી'થી અમેરિકા જવા કરતા આ સસ્તું પડશે, કારણ કે ગેરકાયદે યુએસમાં ઘૂસનારાઓ તો માથાદીઠ 40-50 લાખ સુધીની રકમ આપતા હોય છે. તેથી બંને તરફની શક્યતા રહે છે."

ભાવિન ઠાકરે જણાવ્યું કે, "અત્યારે પણ અમેરિકાના ટૂરિસ્ટ વિઝામાં કોઈ સમસ્યા નથી. તમારી વાર્ષિક આવક સારી હોય અને તમારી પાસે 15-20 લાખ રૂપિયાની બેલેન્સ અથવા ઉપાડી શકાય તેવું ઇન્વેસ્ટમેન્ટ હોય તો ટૂરિસ્ટ વિઝા મળી જાય છે."

અમેરિકન દૂતાવાસની ભારતીયોને ચેતવણી

આ દરમિયાન ભારતસ્થિત અમેરિકન દૂતાવાસે ચોથી ઑગસ્ટે ઍક્સ પર એક પોસ્ટ મૂકી છે જે અમેરિકન વિઝાની અરજી કરનારાઓ માટે ચેતવણી સમાન છે.

તેમાં જણાવ્યું છે કે "અમેરિકા આવો ત્યારે યુએસ વિઝાની શરતો અને ઑથૉરાઇઝ્ડ સમયગાળાનું પાલન કરો. તમારી I-94 એડમિટ અનટિલ ડેટ વીતી ગયા પછી રોકાવાથી ગંભીર પરિણામ આવી શકે જેમાં વિઝા રદ થવા, ડિપોર્ટેશન, ભવિષ્યમાં વિઝા માટે ગેરલાયક ગણાવું વગેરે સામેલ છે. ઓવરસ્ટે કરવાથી અમેરિકામાં તમારી ટ્રાવેલ, અભ્યાસ અને કામ કરવાની ક્ષમતાને અસર થઈ શકે છે."

જોકે, અમેરિકન દૂતાવાસના આંકડા દર્શાવે છે કે ભારતમાં અમેરિકન મિશને સળંગ બે વર્ષથી વાર્ષિક 10 લાખ કરતા વધુ વિઝા ઇસ્યૂ કર્યા હતા.

છેલ્લાં ચાર વર્ષમાં ભારતથી અમેરિકા જતા વિઝિટરોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે અને 2024માં પ્રથમ 11 મહિનામાં 20 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. 2023ની તુલનામાં 23 ટકા વધુ ભારતીયો અમેરિકા ગયા હતા.

12 દેશોના નાગરિકો પર પહેલેથી પ્રતિબંધ

એશિયા અને આફ્રિકાના ઘણા દેશોના નાગરિકો માટે અમેરિકાનો પ્રવાસ પહેલેથી જ મુશ્કેલ બની ગયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોના નાગરિકો માટે ટ્રાવેલ પ્રતિબંધની જાહેરાત કરી હતી જે જૂન 2025થી અમલમાં આવ્યો છે.

આ દેશોમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઑફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમન સામેલ છે.

આ ઉપરાંત બીજા સાત દેશોના નાગરિકો માટે પણ ટ્રમ્પે આંશિક ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યા છે. તેમાં બુરુંડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.

આ પ્રતિબંધ અમેરિકનોને 'ખતરનાક વિદેશી તત્ત્વો'થી બચાવવા માટે છે એવી દલીલ કરવામાં આવી હતી.

ચોક્કસ દેશોના લોકો માટે ડોનાલ્ડ ટ્રમ્પે આ મુજબનો આદેશ બીજી વખત આપ્યો હતો. અગાઉ તેમણે પહેલી ટર્મમાં પણ 2017માં આવો આદેશ આપ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન