ગુજરાત : ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, પૂર્વ SP સહિત 14ને આજીવન કેદની સજા, 'કરોડોની ખંડણી'નો મામલો શું છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

લાંબી કાનૂની લડાઈ પછી અમદાવાદમાં એબીસીના સ્પેશિયલ જજની કોર્ટે 29 ઑગસ્ટ, 2025ના રોજ ચુકાદો આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને તત્કાલીન પીઆઇ અનંત પટેલ સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની વગતો પ્રમાણે સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટે વર્ષ 2017માં એક બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરવા માટે કિરીટ પાલડિયા સાથે મળીને એક કંપની ખોલી હતી.

બિટકોઇનમાં રોકાણ અને પૈસા ઉપાડવાનું કામ કિરીટ પાલડિયા કરતા હતા. 2018માં આ કંપની બંધ કરવામાં આવી, ત્યાર બાદ શૈલેશ ભટ્ટ પાસેથી સીબીઆઇના અધિકારીએ પૈસા લીધાનો આરોપ લાગ્યો અને પછી અમરેલી પોલીસે એમનું ગાંધીનગરથી 'અપહરણ' કરી માર મારીને 12 કરોડ રૂ.ના બિટકોઇન લીધા અને છોડવા માટે 32 કરોડ રૂ. માગ્યા હતા.

કોર્ટમાં પણ લાગતું હતું કે એક પછી એક સાક્ષીઓ ફરી રહ્યા છે એટલે કરોડોના આ 'તોડકાંડ'માં જિલ્લા પોલીસવડા, તેમની ટીમ અને ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા છૂટી જશે.

આ આખાય પ્રકરણમાં ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ભેગા મળીને 'ષડ્યંત્ર રચ્યું' હોવાની ફરિયાદ થઈ હતી.

શું છે આખો મામલો?

સુરતના બિલ્ડર અને જમીનદલાલ શૈલેશ ભટ્ટે નોટબંધી પછી પોતાના ગ્રૂપના લોકો સાથે મળીને એક કંપની ખોલી હતી, જેમાં એમણે ભાગીદાર તરીકે કિરીટ પાલડિયાને રાખ્યા હતા અને કિરીટ પાલડિયા બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરાવતા હતા અને નફો આવે એ બિટકોઇનમાં મળતો હતો.

શૈલેશ ભટ્ટે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, "1 ફેબ્રુઆરી, 2018ના રોજ તેમના મોબાઇલ ફોન પર ગાંધીનગર સીબીઆઇના એક અધિકારીનો ફોન આવ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે, 'એમને એક અરજી મળી છે જેમાં કહેવાયું છે કે તમે ગેરકાયદે રીતે બિટકોઇનમાં પૈસાનું રોકાણ કરો છે.'

શૈલેશ ભટ્ટે પોતાના ભાગીદાર કિરીટ પાલડિયાને આ વાત કરી. બંને ગાંધીનગરની સીબીઆઇની ઑફિસમાં તેમને મળવા આવ્યા. કિરીટ પાલડિયાએ એ સમયે કહ્યું હતું કે એમની સીબીઆઇમાં ઓળખાણ છે એટલે વહીવટ કરીને કેસ બંધ કરાવશે, આવનારા દિવસોમાં ઇડી કે બીજી કોઈ રેડ પડે નહીં."

શૈલેશે પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે, "એ લોકો ત્યાર બાદ સીબીઆઇના અધિકારીને મળ્યા હતા અને પાંચ કરોડ રૂ.માં કેસ દબાવવાનું નક્કી થયું હતું. જેના ભાગરૂપે સીબીઆઇના અધિકારીને પહેલા 50 લાખ અને અને પછી ચાર કરોડ રૂ. આપ્યા હતા. એ સમયે શૈલેશ ભટ્ટ ઇન્ફોસિટીમાં બેઠા હતા અને હવાલાથી આવેલા ચાર કરોડ રૂ. લઈને કિરીટ પાલડિયા 5 ફેબ્રુઆરીએ સીબીઆઇના અધિકારીને પૈસા આપવા ગયા હતા."

શૈલેશે પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે આ દરમ્યાન કિરીટ પાલડિયા ધારીના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને 7 ફેબ્રુઆરી, 2018ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસમાં મળ્યા હતા. અને નલિન કોટડિયાને કહ્યું હતું કે શૈલેશ ભટ્ટ પાસે 2256 બિટકોઇન અને 14.5 કરોડ રૂ. છે. ત્યાર બાદ એ લોકોએ શૈલેશ ભટ્ટને ડરાવી પૈસા લેવાનું નક્કી કર્યું. અને 9 ફેબ્રુઆરીએ સુરત સર્કિટ હાઉસમાં નલિન કોટડિયા, કિરીટ પાલડિયાએ કેતન પટેલ અને જતીન પટેલ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં કેતન પટેલને અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સાથે સારા સંબંધ હોવાથી એમની મદદ લઈ શૈલેશનું અપહરણ કરવાનું આયોજન કર્યું હતું."

પોલીસ ફરિયાદ પ્રમાણે "આ ષડ્યંત્ર માટે કેતન પટેલના ફોનથી જગદીશ પટેલને 10 ફેબ્રુઆરી, 2018ની રાત્રે 8:20થી 10:50 વાગ્યા સુધી સતત ફોન થયા હતા. આ સમયે શૈલેશ ભટ્ટ અંબાજી દર્શન કરવા નીકળી ગયા હતા.

શૈલેશની ફરિયાદ મુજબ 11 ફેબ્રુઆરી, 2018ના રોજ અંબાજીથી પાછો આવી રહ્યા હતા ત્યારે કિરીટ પાલડિયાનો તેમની ઉપર ફોન આવ્યો હતો, જેમાં તેમણે ગાંધીનગર પાસે ઇંદિરા બ્રિજ નજીક નિધિ પેટ્રોલપમ્પ ધંધાને લગતી અગત્યની ચર્ચા કરવા માટે તેમને બોલાવ્યા હતા."

"શૈલેશ ત્યાં પહોંચ્યા ત્યાં તો એક બોલેરો અને સુમો કારમાંથી કેટલાક પોલીસવાળા નીચે ઊતર્યા. આ બેમાંથી એક કાર પર ક્રાઇમ બ્રાન્ચનું પાટિયું લાગેલું હતું."

શૈલેશે ફરિયાદમાં લખાવ્યું છે કે, "શૈલેશ કંઈ સમજે પહેલાં આ લોકો તેને મારવા લાગ્યા. બાદમાં તેમને અને કિરીટ બંનેને સુમો કારમાં બેસાડી દેવાયા."

ફરિયાદમાં શૈલેશે આગળ લખાવ્યું છે કે, "ત્યાંથી તેમને એક ફાર્મહાઉસમાં લઈ જવાયા. જ્યાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ પોતાનું આઇડી કાર્ડ બતાવીને પોતે બિટકોઇનના ધંધામાં ખૂબ પૈસા કમાવ્યા હોવાનું કહીને પૈસા આપવા કહ્યું."

શૈલેશે આરોપ કર્યો હતો કે પીઆઇ અનંત પટેલે તેમને સર્વિસ રિવોલ્વર બતાવી પૈસા ન અપાયાની સ્થિતિમાં ઍન્કાઉન્ટર કરી દેવાની ધમકી પણ આપી હતી.

શૈલેશે ફરિયાદમાં લખાવ્યું છે કે, "કિરીટ પાલડિયાને એ સમયે માર નહોતો મરાયો, પણ તેમણે 200 બિટકોઇન પીઆઇના કહ્યા મુજબ ટ્રાન્સફર કરી દીધા હતા. એ બાદ મેં મારથી બચવા માટે આંગડિયા મૅનેજરને 32 કરોડ રૂ.નો હવાલો સુરતમાં આપવા કહ્યું. એ દિવસે રવિવાર હોઈ અમને સાંજ છ વાગ્યે છોડી મુકાયા."

ફરિયાદ મુજબ એ બાદ કિરીટ પાલડિયાએ કેસમાંથી બચવા માટે ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલમાં બોલાવ્યા અને ત્યાં કોટડિયાએ પહોંચી 'કેસ પતાવવાની' ખાતરી આપી.

ફરિયાદમાં શૈલશે લખાવ્યું છે કે, "મને આ આખી બાબત પર શંકા ગઈ, તેથી મેં આંગડિયા મારફતે કરવાનું પેમેન્ટ અટકાવી દીધું. એ બાદ ઘણા પ્રયાસો છતાં કોઈએ અમારી ફરિયાદ ન લીધી. છેલ્લે તત્કાલીન ગૃહરાજ્યમંત્રી સાથેની મુલાકાત બાદ તેમણે આ મામલાની તપાસનો આદેશ કર્યો. જેના કારણે 7 એપ્રિલ, 2018ના રોજ સીઆઇડી ક્રાઇમ અમારી ફરિયાદ લીધી અને તપાસ શરૂ કરી."

કોર્ટમાં કેસ દાખલ થયા પછી શું થયું?

સીઆઇડી ક્રાઇમે તપાસ હાથમાં લેતાં જ તમામ પુરાવા એકત્રિત થવા લાગ્યા.

આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર થયાના પુરાવા મળ્યા. નિધિ પેટ્રોલપમ્પ અને સામેની રાજધાની હોટલના સીસીટીવી ફૂટેજમાં શૈલેશને લઈ જતા પોલીસના માણસો અને બોલેરો તથા સુમો કાર દેખાઈ, એટલું જ નહીં શૈલેશ ભટ્ટે જે પોલીસ અધિકારીઓ પર અપહરણના આરોપ મૂક્યા હતા, એમના કૉલ ડિટેઇલ રેકૉર્ડ તથા મોબાઇલ ટાવરનાં લોકેશન પણ મળી આવ્યાં. તમામ પોલીસકર્મીઓના મોબાઇલ ફોન અમરેલીથી ગાંધીનગર સુધી ટ્રાવેલ કર્યાના રેકૉર્ડ મળી આવ્યા.

તપાસમાં આ ઉપરાંત કિરીટ પાલડિયા અને નલિન કોટડિયાનાં ફોન રેકૉર્ડિંગ મળ્યાં. તમામ આરોપીના મોબાઇલ એફએસએલમાં તપાસવામાં આવ્યા. અલબત્ત, એમાં 200 બિટકોઈન ટ્રાન્સફર થયાના કોઈ પુરાવા નહોતા, પણ પાલડિયાએ પોતાના સગાની મદદથી બિટકોઇનનું વૉલેટ લૉક કર્યું હોવાનું બહાર આવ્યું.

આ દરમ્યાન સીઆઇડી ક્રાઇમે જેમને સાક્ષી તરીકે લીધા હતા, એમાંથી 25 સાક્ષી ફરી ગયા. પણ સરકારી વાહનોની લૉગ શીટ પરથી અમરેલીથી અમદાવાદ આવ્યા હોવાનું સાબિત થતું હતું અને મોબાઇલ પરની વાતચીત તથા મોબાઇલ ટાવર ઘણા પુરાવા આપી રહ્યા હતા.

બાકીના સાક્ષીઓનાં નિવેદન શૈલેશ ભટ્ટનું અપહરણ કરવાના પુરાવા આપી રહ્યા હતા.

આ દરમ્યાન નલિન કોટડિયા ગુજરાત છોડીને ભાગી ગયા હતા. પાંચ મહિના પછી એટલે કે 9 સપ્ટેમ્બરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર્ના ધુલિયામાં છુપાયેલા નલિન કોટડિયાને પકડી કોર્ટમાં હાજર કર્યા.

આરોપીના વકીલે શું બચાવ કર્યો?

એક બાદ એક સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી રહ્યા હતા ત્યારે સરકારી વકીલ એએમ પટેલે કોર્ટમાં કહ્યું હતું કે, "અનંત પટેલ અને એમની સાથેના પોલીસ કર્મચારીઓના સીડીઆર રિપોર્ટ અને મોબાઇલના લોકેશન પુરવાર કરે છે કે અમરેલી પોલીસ અહીં આવી હતી. એમના આ પ્રવાસ દરમ્યાનના મોબાઇલ ટાવરનાં લોકેશન પણ આ બાબતને સાબિત કરે છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલાં ખાનગી વાહનો પણ મળ્યાં છે."

"એટલું જ નહીં નિધિ પેટ્રોલપમ્પ અને રાજધાની હોટલના સીસીટીવી ફૂટેજ પુરાવા આપી રહ્યા છે. ઘટના બની ત્યારથી અત્યાર સુધીના કોલ રેકૉર્ડ બતાવે છે કે દરેક જણ એકમેકને પળેપળની ઘટનાઓની જાણકારી આપી રહ્યા છે. ફાર્મહાઉસમાં ફરિયાદીને લઈ જવાયા હોવાના સાક્ષી પણ છે. એટલું જ નહીં પીડિતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે જે દિવસે તેઓ ગૃહરાજ્યમંત્રીને મળવા ગયા હતા એ દિવસે ત્યાં નલિન કોટડિયા આવ્યા હતા અને પૈસા આપવા દબાણ કર્યું હતું. આ તમામ બાબતો બતાવે છે કે એકબીજાના મેળાપીપણામાં અપહરણ કરી ખંડણી વસૂલ કરવામાં આવી છે."

જ્યારે આરોપીના વકીલ પીએચ વાઘેલાએ કોર્ટમાં કહ્યું હતું કે, "માત્ર ફોન કોલના ડેટા અને સીસીટીવી ફૂટેજ એક જ સાબિતી નથી. નલિન કોટડિયા ફાઇવ સ્ટાર હોટલમાં શૈલેશ ભટ્ટને મળ્યા હતા એના કોઈ પુરાવા નથી. ગૃહરાજ્યમંત્રીને ત્યાં ધમકી આપ્યાના પુરાવા નથી. પોલીસકર્મીઓ ફાર્મહાઉસની ચાવી ક્યાંથી લાવ્યા અને ફાર્મહાઉસ પર કોઈ ફૂટપ્રિન્ટ કે કારનાં ટાયરનાં નિશાન લેવાયાં નથી. પોલીસની આંતરિક દુશ્મનાવટ અને રાજકીય કિન્નખોરીનો આ લોકો ભોગ બન્યા છે."

આ કેસમાં દોષિત એસપી જગદીશ પટેલના વકીલ વીડી ગજજરે કહ્યું કે ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ ન્યાયાલયમાં તેને પડકારવામાં આવશે.

સજા પામેલા 14 આરોપીના વકીલ પીએચ વાઘેલાએ કહ્યું કે "અમે 547 પાનાંના ચુકાદાનો પૂરો અભ્યાસ કરી ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરીશું.

ફરિયાદી શૈલેશ ભટ્ટના વિવાદો

સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ સામે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગેરકાયદેસર રીતે જમીન પચાવવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

ઑગસ્ટ 2024માં શૈલેશ ભટ્ટે સુરતની બિટકનેક્ટ કંપનીમાં મોટા પાયે પૈસાનું રોકાણ કર્યું હતું અને કંપનીના કર્મચારીઓના અપહરણ અંગે કેસ થતાં નાસતા ફરતા શૈલેશ ભટ્ટની સુરત પોલીસે ધરપકડ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન