અજિત ડોભાલ પીએમ મોદી સાથે અમેરિકા ન ગયા તેની ચર્ચા કેમ થઈ રહી છે

ઇમેજ સ્રોત, ANI
પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેમની એક તસવીરની ચર્ચા ખૂબ થઈ રહી છે.
આ તસવીરમાં એક તરફ જો બાઇડન, વિદેશ મંત્રી ઍન્ટની બ્લિન્કન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલવિન અને ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટી છે.
ભારત તરફથી આ તસવીરમાં પીએમ મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા હતા.
આ તસવીરમાં જે વ્યક્તિ નથી એ છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ. અને તેમની ગેરહાજરીની જ ચર્ચા થઈ રહી છે.
એવું માનવામાં આવે છે કે ભારતની કૂટનીતિમાં ત્રણ મહત્ત્વના લોકો છે. એક ખુદ પીએમ મોદી, બીજા વિદેશ મંત્રી એસ. જયશંકર અને ત્રીજા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ.
સામાન્ય રીતે વડા પ્રધાન મોદીના અમેરિકા પ્રવાસમાં ડોભાલ સાથે જ રહે છે. એવામાં સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે અજિત ડોભાલ અમેરિકા કેમ ન ગયા?
આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર અને પૂર્વ પીએમ મનમોહનસિંહના સલાહકાર રહી ચૂકેલા સંજય બારુએ ટ્વીટ કર્યું હતું કે, “કદાચ એ પહેલી વાર બન્યું હશે કે જ્યારે કોઈ એનએસએ પીએમ સાથે અમેરિકા ન ગયા હોય.”
અમેરિકા ન જવું એ ચર્ચામાં કેમ?

ઇમેજ સ્રોત, ANI
અજીત ડોભાલનું અમેરિકા ન જવું એ અનેક કારણોસર ચર્ચામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરમાં જ પીએમ મોદીની મુલાકાત પહેલાં અમેરિકાના ટોચના અધિકારીઓએ ખાલિસ્તાન તરફી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક વ્હાઇટ હાઉસમાં થઈ હતી. મોદીની મુલાકાત પહેલાં અમેરિકાના આ વલણની ટીકા થઈ રહી છે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ અનુસાર, 19 સપ્ટેમ્બરના રોજ ટોચના અમેરિકન અધિકારીઓ શીખ વકીલોને મળ્યા હતા.
2023માં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા માટે ભારત સરકાર તરફ પણ આંગળી ચીંધવામાં આવી હતી.
અમેરિકા ભારતને આ મામલે તપાસમાં મદદ કરવા માટે કહી રહ્યું છે. રૉઇટર્સ અનુસાર, અમેરિકા આ મામલામાં ભારતની સંડોવણીની પણ તપાસ કરી રહ્યું છે.
પન્નુએ તેની હત્યાના કાવતરાને લઈને ન્યૂ યૉર્કની કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તાજેતરમાં જ ન્યૂ યૉર્કની એક કોર્ટે આ મામલે ભારતમાંથી ઘણા લોકોને સમન્સ પાઠવ્યાં હતાં.
આ સમન્સમાં અજીત ડોભાલ, નિખિલ ગુપ્તા અને પૂર્વ રૉ ચીફ સામંત ગોયલ જેવા ટોચના અધિકારીઓના નામ છે. આ સમન્સનો જવાબ 21 દિવસમાં આપવાનો રહેશે.
ભારતના વિદેશ મંત્રાલયે આ સમન્સને બિનજરૂરી ગણાવ્યાં છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મીડિયાને કહ્યું, "જ્યારે આ મામલો અમારા ધ્યાન પર આવ્યો, ત્યારે અમે પગલાં લીધાં અને એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી."
આવી સ્થિતિમાં સવાલ એ પણ ઊભો થયો કે શું આ સમન્સના કારણે અજીત ડોભાલ અમેરિકા ન ગયા?
ડોભાલના અમેરિકા ન જવા પાછળનું કારણ શું?

ઇમેજ સ્રોત, ANI
અંગ્રેજી અખબાર ‘ધી હિન્દુ’ સાથે વાત કરતા અધિકારીઓએ ડોભાલના અમેરિકા ન જવા પાછળનું કારણ સમન્સ હોય એ વાતનો ઇનકાર કર્યો છે.
અધિકારીઓએ અખબારને કહ્યું છે કે ડોભાલ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અને અન્ય સ્થાનિક પરિબળોને કારણે અમેરિકા ગયા નથી.
એ સવાલ પણ પૂછાઈ રહ્યો છે કે જ્યારે પીએમ મોદીનો પ્રવાસ થવાનો છે ત્યારે જ અમેરિકી કોર્ટે ભારતને સમન્સ કેમ પાઠવ્યું?
ધી હિન્દુના અહેવાલમાં સરકાર સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે, “આવા સમન્સ ભૂતકાળમાં પણ પાઠવવામાં આવ્યાં છે. આ સમન્સ પન્નુની અરજીમાં ભૂતકાળમાં પીએમ ડૉ. મનમોહનસિંહ, કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને કમલનાથને પણ મોકલવામાં આવ્યાં હતાં. 2002માં ગુજરાત રમખાણો મામલે આ સમન્સ ભૂતકાળમાં અમેરિકી પ્રવાસ દરમિયાન પીએમ મોદીને પણ પાઠવવામાં આવ્યું હતું.”
ભારતના વિદેશ મંત્રાલયે ટોચના અમેરિકી અધિકારીઓ સાથે શીખ અલગતાવાદીઓની બેઠક અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
થોડા સમય પહેલાં અજિત ડોભાલ રશિયાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી.
આ મીટિંગમાં ડોભાલે પુતિનને પીએમ મોદીની યુક્રેન મુલાકાત વિશે જાણકારી આપી હતી. સામાન્ય રીતે, એવું ભાગ્યે જ બને છે કે કોઈ દેશના સુરક્ષા સલાહકાર અન્ય દેશના વડા સાથે સીધી મુલાકાત કરે છે.
આવી સ્થિતિમાં ડોભાલ અને પુતિન વચ્ચેની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે.
જાણકારોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં ડિપ્લૉમેટ રહી ચૂકેલા એક પૂર્વ અધિકારીએ નામ ન છાપવાની શરતે ધી હિન્દુ અખબારને કહ્યું હતું કે, “વ્હાઇટ હાઉસે મોદીના પ્રવાસ પહેલાં આ પગલું ભરીને એક સાથે બે સંદેશ આપ્યા છે. એક સંદેશ ભારત માટે છે કે આ ચિંતાનો વિષય છે. અમેરિકી કૉંગ્રેસના કેટલાક સદસ્યોએ આ મામલામાં સામેલ અધિકારીઓને જવાબદાર ઠેરવવાની વાત કરી હતી. એટલે આ એક સ્પષ્ટ સંદેશ હતો કે આ પ્રકારની ચેષ્ટાનું કોઇપણ પરિણામ આવી શકે છે.”
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને રશિયામાં ભારતના રાજદૂત કંવલ સિબ્બલે કહ્યું કે, “અમેરિકા આવી ઉશ્કેરણી કરીને શું હાંસલ કરવા માંગે છે તે સમજવું મુશ્કેલ છે. જેઓ ભારતના સાર્વભૌમત્ત્વ વિરુદ્ધ કામ કરી રહ્યા છે તેમને અમેરિકા પ્રોત્સાહિત કરી રહ્યું છે. જો વ્હાઇટ હાઉસ તેની સ્થિતિ સ્પષ્ટ નહીં કરે તો તે ભારત માટે આ આંચકા સ્વરૂપ છે.”
આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત જોરાવર દુલત સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “એવું લાગે છે કે અમેરિકા ભારતને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
ખાલિસ્તાનના નેતાઓ સાથે અમેરિકન અધિકારીઓની બેઠક પર વિદેશી બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ લખ્યું, "બાઇડન પ્રશાસન ભારત વિરુદ્ધ શીખ આતંકવાદના કાર્ડનો ઉપયોગ કરીને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા દ્વારા શૅર કરવામાં આવેલી અધૂરી માહિતીને કારણે ભારત અને કૅનેડા વચ્ચે વિવાદ શરૂ થયો હતો.”
ધ વિલ્સન સેન્ટરના દક્ષિણ એશિયાના નિર્દેશક માઈકલ કુગલમેને લખ્યું કે, "શીખ કાર્યકર્તા સાથે વ્હાઇટ હાઉસની બેઠક દર્શાવે છે કે ખાલિસ્તાનનો મુદ્દો દ્વિપક્ષીય સંબંધોમાં તણાવનો મુખ્ય સ્ત્રોત છે અને રહેશે. અમેરિકામાં ચૂંટણી કોણ જીતશે તેનાથી કોઈ ફરક પડતો નથી.”
આ ટ્વીટનો જવાબ આપતા કંવલ સિબ્બલે સોશિયલ મીડિયા પર લખ્યું, "ખાલિસ્તાનીઓનું સ્વાગત કરીને અમેરિકા આ મુદ્દા પર તણાવ ઘટાડવાને બદલે તેને વધારી રહ્યું છે. શું અમેરિકા ખાલિસ્તાનીઓના ઍજેન્ડાને યોગ્ય ઠેરવે છે?”
ધ હિંદુ અખબારના ફોરેન એડિટર સ્ટેનલી જોનીનું માનવું છે કે, "અમેરિકન અધિકારીઓ અમેરિકામાં રહેતા શીખ નાગરિકોને મળે તેમાં કંઈ ખોટું નથી. પરંતુ અલગતાવાદને સમર્થન આપતા કાર્યકર્તાને કેવા સમયે મળ્યા એ કોઈનાથી છુપાયેલું નથી. યાદ રહે કે જ્યારે મોદી જુલાઈમાં રશિયા ગયા હતા ત્યારે વૉશિંગ્ટનમાં એક મહત્ત્વપૂર્ણ નાટો સમિટ ચાલી રહી હતી. હવે જ્યારે મોદી ક્વાડ સમિટ માટે અમેરિકા ગયા છે ત્યારે અમેરિકન અધિકારીઓ ખાલિસ્તાન સમર્થકોને મળી રહ્યા છે. અમેરિકા-ભારત સંબંધોમાં હવે આ સામાન્ય થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયાના સ્ટેટ મીડિયા આરટી પર પ્રતિબંધ લગાવે.”
પૂર્વ પીએમ મનમોહન સિંહના સલાહકાર સંજય બારુએ ટ્વીટ કર્યું કે, “અમેરિકા અને ચીન દ્વારા એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ભારત એ જાણી લે કે તેનું સ્થાન શું છે. ચીન ઈચ્છે છે કે ભારત તેને આધીન રહે, અમેરિકા ઇચ્છે છે કે ભારત મર્યાદા ઓળંગે નહીં. ચાર ટ્રિલિયનની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલ પસંદગીઓ છે.”
ભારત, અમેરિકા અને પન્નુ
ભારત અને અમેરિકા વચ્ચેના વિવાદનું એક કારણ ગુરુપતવંત સિંહ પન્નુ છે.
અમેરિકાના પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ભારતના નિખિલ ગુપ્તાને કોઈ અનામ ભારતીય અધિકારી તરફથી ગુરપતવંતસિંહ પન્નુની હત્યા કરવા માટે સૂચનાઓ મળી હતી.
નવેમ્બર, 2023માં વ્હાઇટ હાઉસે આ મામલો ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો હતો.
ભારત આ આરોપને નકારી રહ્યું છે. ભારતનું કહેવું છે કે તેને આ કથિત ષડયંત્ર સાથે કોઈ લેવાદેવા નથી.
પન્નુ પાસે અમેરિકાની સાથે જ કૅનેડાની નાગરિકતા છે. હાલમાં તેઓ ન્યૂ યૉર્કમાં રહે છે.
તેઓ અલગતાવાદી ખાલિસ્તાની ચળવળને સમર્થન આપતી સંસ્થા 'શીખ ફૉર જસ્ટિસ'ના સ્થાપક અને વકીલ છે. ભારત સરકારે 2020માં પન્નુને 'આતંકવાદી' જાહેર કર્યા હતા.
તેઓ શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરના સહયોગી રહ્યા છે. નિજ્જરની કૅનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વ્યવસાયે વકીલ પન્નુનો પરિવાર પહેલાં પંજાબના નાથુ ચક ગામમાં રહેતો હતો અને પછી અમૃતસર નજીક ખાનકોટમાં સ્થાયી થયો હતો. પન્નુના પિતા મહિન્દરસિંહ પંજાબ માર્કેટિંગ બૉર્ડના સેક્રેટરી હતા.
પન્નુને એક ભાઈ અને એક બહેન છે. તેમણે પ્રારંભિક શિક્ષણ લુધિયાણામાં લીધું હતું. પન્નુએ 1990ના દાયકામાં પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેઓ કૉલેજકાળથી જ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય બન્યા હતા.
વર્ષ 1991-92માં પન્નુ અમેરિકા ગયા, જ્યાં તેમણે કનેક્ટિકટ યુનિવર્સિટીમાં ઍડમિશન લીધું. અહીંથી પન્નુએ ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં MBA અને કાયદાની ડિગ્રી લીધી.
અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી, પન્નુએ 2014 સુધી ન્યૂ યૉર્કમાં વૉલ સ્ટ્રીટમાં સિસ્ટમ ઍનાલિસ્ટ તરીકે કામ કર્યું, જે દરમિયાન પન્નુ રાજકીય રીતે પણ સક્રિય રહ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












