શાહરુખ ખાન : બોલીવૂડના કિંગ ઑફ રોમાન્સે લગ્નજીવન માટે શું સોનેરી સલાહ આપી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નૂર નાનજી
- પદ, કલ્ચર રિપોર્ટર
મેગાસ્ટાર શાહરુખ ખાને બોલીવૂડના 'કિંગ ઑફ રોમાન્સ' તરીકે ખ્યાતિ મેળવી છે.
મારાં નવાં-સવાં જ લગ્ન થયાં હોવાથી સેન્ટ્રલ લંડનમાં જ્યારે શાહરુખ ખાન સાથે મારી મુલાકાત થઈ, ત્યારે મેં તેમને પૂછી જ લીધું - નવપરિણીત દંપતી માટે તમારી શું સલાહ છે?
શાહરુખ કોઈ પ્રતિક્રિયા આપે, તે પહેલાં કાજોલે જવાબ આપી દીધો, "શાહરુખની તમામ ફિલ્મોનો વિષય લગ્ન પૂર્વેના સંબંધો પર આધારિત છે, લગ્ન પછી નહીં," આટલું બોલીને તેઓ હસી પડ્યાં.
શાહરુખે તેમાં સૂર પૂરાવતાં કહ્યું, "હજી હમણા સુધી તમે યોગ્ય ઉમેદવાર હતાં અને હું તમને સલાહ આપી શક્યો હોત. પણ હવે તમારાં લગ્ન થઈ ગયાં છે, એટલે હું તમારી કશી મદદ કરી શકીશ નહીં."
ઉલ્લેખનીય છે કે, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ની સુપરહિટ જોડી શાહરુખ અને કાજોલના સ્ટેચ્યૂને લિસેસ્ટર સ્ક્વેરમાં મૂકવામાં આવતાં બંને સ્ટાર્સ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
જોકે, ઉપરોક્ત વાતચીત બાદ પણ સુપરસ્ટારે સુખી લગ્નજીવન માટે મૂલ્યવાન શિખામણ આપી હતી.
"મારી સમજ અનુસાર, તમારે રોમાન્સ કરવો જોઈએ, ગીતો ગાવાં જોઈએ," એમ તેમણે જણાવ્યું હતું.
"અને તમે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જોઈ હોવી જોઈએ," એમ કાજોલે ઉમેર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
DDLJ - અથવા તો 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' - ભારતીય સિનેમાની સૌથી લાંબા સમય સુધી થિયેટરમાં ચાલેલી ફિલ્મ છે અને શાહરુખ તથા કાજોલ તેનાં મુખ્ય કલાકારો છે.
ફિલ્મની રિલીઝને 30 વર્ષ પૂર્ણ થયાં, તે નિમિત્તે વરસાદી વાતાવરણ વચ્ચે શાહરુખ-કાજોલના સ્ટેચ્યૂનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
'મારા ત્રણેય બાળકોને આ સ્ટેચ્યૂ દેખાડીશ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શાહરુખની ગણના દેશના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાં થાય છે અને ભારત ઉપરાંત વિદેશમાં પણ તેમના લાખો પ્રશંસકો છે.
આકર્ષક અને મજાકિયા અંદાજ માટે જાણીતા શાહરુખને "અતિ મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક નિકાસ" તરીકે પણ વર્ણવવામાં આવે છે. પ્રશંસકોએ તેને પ્રેમથી 'કિંગખાન' કે 'બોલીવૂડના બાદશાહ' જેવાં બિરુદો આપ્યાં છે.
સ્ટેચ્યૂના અનાવરણ પ્રસંગે તેમની અને કાજોલની ઝલક મેળવવા માટે પ્રશંસકો એકઠા થઈ ગયા હતા અને બંને સ્ટાર્સના આગમન સમયે લોકોની કિલકારીઓ ગૂંજી ઊઠી હતી.
આ કાર્યક્રમ બાદ બીબીસી ન્યૂઝ સાથે વાત કરતાં શાહરુખે જણાવ્યું હતું કે, "આ સ્ટેચ્યૂ લાઇફ-સાઇઝ ડોલ જેવું લાગી રહ્યું છે."
"મને લાગે છે કે, હું ઘણો હેન્ડસમ લાગું છું. તું પણ ખૂબ સુંદર દેખાઈ રહી છે," એમ તેમણે કાજોલને કહ્યું હતું.
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મને બોલીવૂડ સિનેમાની રોમિયો ઍન્ડ જુલિયેટનું બિરુદ મળ્યું છે. ફિલ્મમાં યુરોપ અને ભારતની પાર્શ્વભૂમિમાં રાજ અને સિમરનની પ્રેમકથા વર્ણવવામાં આવી છે.
ફિલ્મનાં કેટલાંક દૃશ્યોનું શૂટિંગ યુકે તથા લિસેસ્ટર સ્ક્વેર ખાતે થયું છે.
આ સાથે નવું સ્ટેચ્યૂ લિસેસ્ટર સ્ક્વેરના સીન્સ ઇન ધી સ્ક્વેર ટ્રેઈલમાં હેરી પોટર, પેડિંગ્ટન અને બ્રિજેટ જોન્સનાં સ્કલ્પ્ચર્સ સાથે સામેલ થઈ ગયું છે.
શાહરુખ ખાને કહ્યું હતું કે, લંડનમાં બોલીવૂડની ફિલ્મોની લોકપ્રિયતાને જોતાં અહીં સ્ટેચ્યૂનું અનાવરણ પ્રાસંગિક બની રહે છે.
"આધુનિક સમયમાં ભારતીય સિનેમાની વૈશ્વિક સ્તરની ઓળખ ઊભી કરવામાં ઇંગ્લૅન્ડના દર્શકોનો ઘણો મોટો ફાળો રહેલો છે," એમ તેમણે જણાવ્યું હતું.
60 વર્ષીય શાહરુખે કહ્યું હતું કે, તે તેમનાં ત્રણ બાળકોને આ સ્ટેચ્યૂ બતાવવા માટે ઉત્સુક છે.
તો તેમનાં કો-સ્ટાર કાજોલે કહ્યું હતું કે, "આ પ્રકારની ઉજવણી "અદભુત" અને સાથે જ "અવિશ્વસનીય" છે."
ભારતના મુખ્ય ફિલ્મ ઉદ્યોગ એવા બોલીવૂડમાં દર વર્ષે સેંકડો ફિલ્મોનું નિર્માણ થાય છે અને વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં તે ભારે લોકપ્રિયતા ધરાવે છે.
ફિલ્મ ઉદ્યોગ માટે હવે કપરી સ્પર્ધા

ઇમેજ સ્રોત, YASH RAJ FILMS
પરંતુ વિશ્વભરના અન્ય ફિલ્મ ઉદ્યોગોની માફક મહામારીને કારણે મહિનાઓ સુધી થિયેટરો બંધ રહેવાને કારણે તેમજ સ્ટ્રીમિંગ સર્વિસનો પ્રભાવ વધવાથી બોલીવૂડે પણ ચઢાવ-ઉતારનો સામનો કરવો પડ્યો છે. બોલીવૂડ હજી સુધી તેનો અગાઉ જેવો પ્રભાવ પાછો લાવી શક્યું નથી.
ઉદ્યોગમાં હાલ ચાલી રહેલી મંદી વિશે પૂછવામાં આવતાં કાજોલે કહ્યું હતું કે, તેમનું માનવું છે કે, વર્તમાન સમયમાં દર્શકો માટેની સ્પર્ધા ઘણી વધી ગઈ હોવાથી આ સ્થિતિ પ્રવર્તી રહી છે.
"લોકો પાસે હવે એવા વિકલ્પો ઉપલબ્ધ છે કે, તેઓ થિયેટરમાં ફિલ્મ જોવા જવા ઇચ્છે છે કે નહીં. અને જ્યારે લોકો પાસે એક કરતાં વધુ વિકલ્પો હોય, ત્યારે કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ બની રહે છે," એમ તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું.
"પણ મારું માનવું છે કે, કૉમ્યુનિટી વ્યૂઇંગ (સમૂહમાં જોવું) હંમેશાં મોજુદ રહેશે. આપણને સાથે મળીને ચીજો જોવાનું, તેનો આનંદ ઉઠાવવાનું ગમે છે," એમ શાહરુખે જણાવ્યું હતું.
શાહરુખ ખાને હિંદી ફિલ્મ ઉદ્યોગમાં ત્રણ દાયકા કરતાં વધુ સમય વિતાવ્યો છે અને એક અભિનેતાથી લઈને મોટું પ્રોડક્શન હાઉસ ચલાવવાની તથા ક્રિકેટ ટીમની માલિકી ધરાવવા સુધીની સફર કાપી છે.
એક નવી યાદી અનુસાર, કિંગખાનનું નામ તાજેતરમાં જ અબજોપતિ ક્લબમાં ઉમેરાયું છે અને વિશ્વના ધનપતિ કલાકારોની હરોળમાં તે સામેલ થયો છે.
આ સાથે શાહરુખ ખાન આર્નોલ્ડ શ્વાર્ઝનેગર, પૉપસ્ટાર રિહાના, ગોલ્ફર ટાઇગર વૂડ્ઝ અને સિંગર ટેલર સ્વિફ્ટ જેવી હસ્તીઓની શ્રેણીમાં આવી ગયા છે.
પરદેશમાં પણ ભારતીય ફિલ્મોનો સાંસ્કૃતિક પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
2023માં ચાર વર્ષના વિરામ બાદ શાહરુખ રૂપેરી પડદે પાછા ફર્યા હતા અને તાજેતરમાં જ તેમની આગામી ઍક્શન ફિલ્મ 'કિંગ'નું ટીઝર પ્રસિદ્ધ થયું છે.
લિસેસ્ટર સ્ક્વેરના સીન્સ ઇન ધી સ્ક્વેર ટ્રેઇલનું સંચાલન વેસ્ટમિનિસ્ટર સિટી કાઉન્સિલની સહાયથી હાર્ટ ઑફ લંડન બિઝનેસ ઍલાયન્સ દ્વારા કરવામાં આવે છે.
ગયા મહિને બ્રિજેટ જોન્સના સ્ટેચ્યૂને અહીં સામેલ કરવામાં આવ્યું હતું.
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું નિર્માણ કરનારા નિર્માણગૃહ યશરાજ ફિલ્મ્સના સીઇઓ અક્ષય વિધાણીએ જણાવ્યું હતું કે, "યુકેમાં ફિલ્મનું બહુમાન થતું જોવું એ ગૌરવપ્રદ ક્ષણ છે."
"મેરી પોપિન્સ, જીન કેલી તથા હેરી પોટર જેવાં નામોની હરોળમાં સામેલગીરી વિશ્વભરમાં DDLJ ફિલ્મે ઊભો કરેલો સાંસ્કૃતિક પ્રભાવ દર્શાવે છે."
હાર્ટ ઑફ લંડન બિઝનેસ ઍલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ રોસ મોર્ગને જણાવ્યું હતું, "અમારા સીન્સ ઇન ધી સ્ક્વેર ટ્રેઇલ ખાતે શાહરુખ ખાન અને કાજોલ જેવાં વૈશ્વિક મેગાસ્ટાર્સને આવકારતાં અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ."
"દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એક સિનેમેટિક ઘટના છે, જેણે પેઢીઓને આકાર આપ્યો છે અને લંડન દ્વારા ભારતીય સિનેમાને અપાયેલી અંજલિ એક એવી કથાને બિરદાવે છે, જેના જાદુએ વિશ્વભરના ઑડિયન્સને જકડી રાખ્યું છે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












