રામ સુતાર : 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' બનાવનારા શિલ્પકારનું નિધન, તેમણે બનાવેલાં શિલ્પો દુનિયાભરનાં શહેરોમાં પ્રશંસાને પાત્ર બન્યાં

ઇમેજ સ્રોત, statue of unity/X
વિખ્યાત શિલ્પકાર રામ સુતારનું વૃદ્ધાવસ્થાને કારણે 101 વર્ષની ઉંમરે નિધન થયું છે, જેમણે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું નિર્માણ કર્યું હતું.
જોકે, રામ સુતાર પોતે એક એટલા વિરાટ મૂર્તિકાર હતા કે તેમની કૃતિઓ દુનિયાના અનેક દેશોમાં હાજરી ધરાવે છે.
તેમની ઘણી કલાકૃતિઓની ભારત અને દુનિયામાં પ્રશંસા થઈ છે.
દિલ્હીના સંસદ ભવનમાં રહેલાં ઘણાં શિલ્પો તેમના દ્વારા બનાવવામાં આવ્યાં હતાં.
તેમને હાલમાં જ મહારાષ્ટ્ર ભૂષણ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રામ સુતારને 'પદ્મશ્રી' ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોણ હતા રામ સુતાર?

ઇમેજ સ્રોત, Getty Images
રામ સુતાર મૂળ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના વતની હતા અને મુંબઈની જેજે સ્કૂલ ઑફ આર્ટમાંથી પોતાનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારથી જ તેમણે પોતાનું જીવન મૂર્તિકળાને સમર્પિત કરી દીધું હતું.
તેમણે બનાવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની બહુ સરાહના કરવામાં આવી છે.
આ પ્રતિમાને ફ્રાન્સ, અમેરિકા, ઇટાલી, આર્જેન્ટિના, રશિયા, ઇંગ્લૅન્ડ, મલેશિયા, જર્મની, ઑસ્ટ્રેલિયા, ચીન, ઇજિપ્ત, પોલૅન્ડ, સાઉથ આફ્રિકા અને બીજા અનેક દેશો સહિત દુનિયાનાં 450થી વધુ શહેરોમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુનિયાભરના અનેક કલાકારોએ તેમની પાસેથી શીખવા માટે તેમના સ્ટુડિયોની મુલાકાત લીધી છે અને કેટલાક લોકોએ તેમની કૃતિની તુલના રોડિન અને માઇકલ ઍન્જલોની કળા સાથે પણ કરી છે.
આજે તેમની કંપનીઓ 'રામ સુતાર આર્ટ ક્રિયેશન્સ પ્રાઇવેટ લિમિટેડ' અને 'રામ સુતાર ફાઇન આર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં ગણાય છે, જે શાનદાર મૂર્તિઓ બનાવે છે.
દુનિયાની સૌથી ભવ્ય મૂર્તિ કેમ બનાવી?

ઇમેજ સ્રોત, Ram Sutar
રામ સુતાર સ્કૂલમાં હતા ત્યારે તેમણે પહેલી વખત અમેરિકાની સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીની તસવીર જોઈ હતી. ત્યારથી તેમના મનમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવવાની ઇચ્છા હતી.
આ દરમિયાન ગુજરાતમાં સાધુ બેટસ્થિત સરદાર સરોવર ડૅમ પર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સ્થાપનાની સાથે તેમનું સ્વપ્ન સાકાર થયું. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા 522 ફૂટ ઊંચી છે અને તે દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે.
તેમના એક પુત્ર અનિલ સુતાર પણ મૂર્તિકાર છે. હાલમાં તેઓ ભારતમાં અનેક પ્રતિમાઓનું નિર્માણ કરી રહ્યા છે, જેમાં અયોધ્યામાં પ્રસ્તાવિત ભગવાન રામની 251 મીટર ઊંચી પ્રતિમા પણ સામેલ છે.

ઇમેજ સ્રોત, Ram Sutar
'રામ સુતાર તેમની કળાકૃતિઓના કારણે હંમેશાં યાદ રહેશે'

ઇમેજ સ્રોત, Narendra Modi/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રામ સુતારના અવસાનથી કલાજગતમાં શોકની લહેર દોડી ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું કે "શ્રી રામ સુતારજીના નિધનથી બહુ દુ:ખ થયું છે. તેઓ કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી સહિત ભારતને અનેક આઇકૉનિક પ્રતિમાઓ આપી હતી. તેમની કળાને ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સામૂહિક મિજાજની શક્તિશાળી અભિવ્યક્તિ તરીકે હંમેશાં યાદ રાખવામાં આવશે."
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "વરિષ્ઠ શિલ્પકાર મહારાષ્ટ્ર ભૂષણ, ડૉ. રામ સુતારના નિધનના સમાચાર દુ:ખદ છે. મેં તેમના પુત્ર અનિલ સુતારને ફોન કરીને શોક વ્યક્ત કર્યો અને તેમને સાંત્વના આપી."
ફડનવીસે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, 100 વર્ષની ઉંમરે પણ તેઓ ઇંદુ મિલમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારકના નિર્માણ કાર્યમાં લાગેલા હતા. સંસદ ભવનના પરિસરમાં તેમણે બનાવેલી ઘણી મૂર્તિઓ છે.
મુખ્ય મંત્રી ફડનવીસે કહ્યું કે "તેમણે શિવાજી મહારાજ, ડૉ. બાબા સાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલે તથા આપણા વારકરી સંતોની મૂર્તિઓને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ મૂર્તિઓના માધ્યમથી તેમની કળા સદીઓ સુધી આપણી સ્મૃતિઓમાં જળવાઈ રહેશે અને દરેક મૂર્તિને જોતી વખતે આપણે તેમને યાદ કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












