સરદાર@150 : રાજ્યોને એકતાંતણે બાંધવાનું કામ કરનાર વલ્લભભાઈ પટેલના જીવનની અજાણી વાતો

ઇમેજ સ્રોત, Sardar Patel Trust
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર

'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.
તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થયો છે. આ અંતિમ લેખ છે.

સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યૂ ઑફ યુનિટી, એકતાનગરમાં અનેક પ્રકારનાં ઉજવણાં થયાં--અને તેમાંથી મોટા ભાગનાંને સરદારનાં જીવનકાર્યો સાથે કશો સંબંધ નથી. સવાલ તો એ પણ થવો જોઈએ કે આખેઆખા સરદાર પટેલને 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'માં કે ભારતમાં રાજ્યોનાં વિલીનીકરણમાં સીમિત કરી દેવા કેટલી હદે યોગ્ય છે? એ તેમનું જીવન 'અવતારકાર્ય' જેટલું મહત્ત્વનું હોવા અને ગણાવા છતાં, સરદારનાં 75 વર્ષના આયુષ્યનાં છેલ્લાં ત્રણેક વર્ષ જ વિલીનીકરણની કામગીરીનાં હતાં. ત્યાર પહેલાંનાં 72 વર્ષનું શું? તે સરદારની સ્મૃતિ ક્યાં?
'અવતારકાર્ય' પહેલાંનો સંતોષ

ઇમેજ સ્રોત, Sardar Patel Trust
'હિંદ છોડો' ચળવળ (1942)ના પગલે ટોચના તમામ નેતાઓની ધરપકડ થઈ ત્યારે સરદાર, જવાહરલાલ નહેરુ, આચાર્ય કૃપલાણી, મૌલાના આઝાદ સહિતના નેતાઓને મહારાષ્ટ્રના અહમદનગર કિલ્લામાં રાજકીય કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. ત્યારે સરદારની વય 67 વર્ષની હતી અને તેમની તબિયતના ઘણા પ્રશ્નો હતા. અચોક્કસ મુદતના જેલકાળ અને ત્યારે મોટી ગણાતી ઉંમર ધ્યાનમાં રાખતાં, તેઓ આઝાદી સુધી જીવીત રહેવાશે કે કેમ, એવું પણ સરદારને થતું હતું. ત્યારે તેમણે પુત્રી મણિબહેનને એક પત્રમાં લખ્યું હતું,
'ઈશ્વરની ઇચ્છા હશે ત્યાં સુધી નભશે. એની ઇચ્છા બોલાવી લેવાની હશે તો તૈયાર બેઠો છું. આ જિંદગીનું કામ પૂરું થયું હશે તો જવાનું અને બાકી હશે તો ત્યાં સુધી રહેવાનું એની કોને ખબર પડે?...મને તો 69 વર્ષ થયાં અને જિંદગીમાં જે કંઈ કરવા જેવું હતું તે કરી દીધું છે અને હજી પણ છેવટ સુધી જેને ધર્મ માન્યો છે તે બજાવતાં છૂટી જઉં તો એથી બીજું રૂડું શું હોઈ શકે?' (અહમદનગર ફૉર્ટ, 1-4-1943)
વિલીનીકરણ પહેલાં સરદારે 'જે કરવા જેવું હતું તે કરી દીધું છે' --એવો સંતોષ વ્યક્ત કર્યો હતો, તે શું? તે કાર્યોની યાદીમાં બગલમાં થયેલા ગૂમડામાં ધગધગતો સળીયો ચાંપી દેવાના કે પત્નીનાં મૃત્યુનો તાર વાંચીને, તેને ખિસ્સામાં મુકીને વકીલ તરીકે દલીલ આગળ ચલાવવાના કે બારડોલી સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યાના કિસ્સાઓથી આગળ બીજું ઘણું છે, જે જાહેર હોવા છતાં લોકસ્મૃતિમાંથી અને સંસ્થાકીય સ્મૃતિમાંથી પણ ભૂંસાઈ ચૂક્યું છે.
સત્યાગ્રહી 'વીર વલ્લભભાઈ'

ઇમેજ સ્રોત, Getty Images
વલ્લભભાઈને 'સરદાર' બનાવનાર બારડોલીનો સત્યાગ્રહ (1928) તો તેમની આગેવાની હેઠળનો છેલ્લો સત્યાગ્રહ હતો. ત્યાર પછી 1930ની દાંડી કૂચમાં ગાંધીજીની ધરપકડ થાય તો વલ્લભભાઈ સુકાન સંભાળે એવી વાત હતી, પરંતુ તેમની જ ધરપકડ થઈ જતાં એ દિવસ ન આવ્યો.
વલ્લભભાઈ 1918માં પહેલી વાર, અમદાવાદની માયા મુકીને ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહમાં રહેવા તૈયાર થયા, ત્યારે બંને એકબીજાને તપાસતા હતા. વલ્લભભાઈ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહથી પ્રભાવિત હતા અને ગાંધીજી અક્કડ વલણ માટે જાણીતા આ પટેલ બૅરિસ્ટરને ઓળખી રહ્યા હતા. પરંતુ થોડા મહિનામાં બંનેને સમજાઈ ગયું કે બાકીનું જીવન એકબીજા વિના નહીં ચાલે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યાર પછી વલ્લભભાઈએ ગાંધીજીના જેલવાસ દરમિયાન નાગપુરના ઝંડા સત્યાગ્રહ (1923) નિમિત્તે પહેલી વાર ગુજરાતની બહાર નીકળ્યા, પણ ગાંધીજીના પાકા અને તેજસ્વી અનુયાયી તરીકેની તેમની છાપ પડી એ જ વર્ષના બોરસદ સત્યાગ્રહથી. ત્યાં બહારવટિયાઓને આશ્રય આપવાના આરોપસર લોકો પર નખાયેલા શિક્ષાત્મક દંડ સામે વલ્લભભાઈએ નિતાંત ગાંધીપદ્ધતિથી સત્યાગ્રહ શરૂ કરાવ્યો, જેમાં લોકોના પક્ષે દુઃખ વેઠવાની તૈયારી મુખ્ય હતી.
તે સત્યાગ્રહમાં મળેલી જીત શુદ્ધ અને સંપૂર્ણ હતી. જીત્યા પછીની સભામાં તેમણે સરકાર પ્રત્યે દ્વેષ ન રાખવાની સલાહ આપીને ગાંધીજીના શિષ્ય તરીકેનું પદ ઉજાળ્યું. છેક, 1920ના દાયકાની શરૂઆતમાં જ વલ્લભભાઈ માનતા અને કહેતા હતા કે ગાંધીજીએ આપણને જે આપવાનું હતું તે આપી દીધું છે અને તેના અમલની જવાબદારી હવે આપણી પર છે.
બારડોલી સત્યાગ્રહ (1928) વખતે ગાંધીજી બહાર હતા અને વલ્લભભાઈને તેમણે કહ્યું હતું કે મારી હાજરી તમારા ખિસ્સામાં સમજજો. પણ એવો વારો ન આવ્યો. સરકારે વલ્લભભાઈની ધરપકડ ન કરી અને બારડોલીમાં વલ્લભભાઈએ અનેક પ્રતાપી સાથીદારોની મદદથી લોકોને સત્ય ખાતર આત્મભોગના રસ્તે ધપવાની જે દોરવણી આપી, તેનાથી તેમનું અને બારડોલીનું નામ ભારતભરમાં ગાજ્યું. આ સત્યાગ્રહે તેમને ફક્ત 'સરદાર' તરીકે જ નહીં, રાષ્ટ્રીય નેતા તરીકે મજબૂતીથી સ્થાપિત કર્યા.
લોકોના દુઃખમાં મોખરે રહીને નેતાગીરી

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીજીની સૌથી મોટી વિશેષતા એ હતી કે જેટલી કુશળતાથી તે સરકારના વિરોધમાં સત્યાગ્રહ ચલાવી શકતા હતા, તેટલી જ શક્તિથી રચનાત્મક કાર્યો પણ હાથ ધરી શકતા હતા.
બૅરિસ્ટરના અભ્યાસની સાથે વહીવટી કુશળતા અને જન્મજાત કોઠાસૂઝ ધરાવતા વલ્લભભાઈએ પણ તે બાબતમાં ગાંધીજીનો વારસો દીપાવ્યો.
ખેડા જિલ્લામાં 1927માં પૂરને કારણે ભારે તારાજી થઈ ત્યારે વલ્લભભાઈએ સરકારમાં તો ઠીક, કૉંગ્રેસમાં પણ પ્રમુખપદ જેવા કોઈ હોદ્દા વિના, જે રીતે રાહતકાર્યોનું આયોજન કર્યું તે આઝાદી પછીની અને વર્તમાન સરકારો માટે પણ ઉદાહરણરૂપ છે.
મદદનું આયોજન, વધુ પડતી મદદનો ઇન્કાર, તારાજ થયેલા લોકોને મદદ છતાં તે મદદ-આશ્રિત ન બની જાય તેની તકેદારી, નકલી લોકો ફાળો ઉઘરાવી ન જાય તેની ચીવટ, મદદ રસ્તા પરનાં ગામોમાં ખડકાવાને બદલે યોગ્ય ઠેકાણે પહોંચાડવાની સૂઝ—તેમની આ રીતની કામગીરીનાં અંગ્રેજ વાઇસરોયે પણ વખાણ કર્યાં.
એવી રીતે, બોરસદમાં 1935માં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે વલ્લભભાઈએ ત્યાં જઈને થાણું જમાવ્યું, સૌથી પહેલાં મુંબઈથી એક ડૉક્ટરને બોલાવીને આ રોગનો વૈજ્ઞાનિક ઢબે શી રીતે પ્રતિકાર થઈ શકે તે જાણ્યું, પછી વિવિધ કાર્યો માટેની ટુકડી બનાવી, પ્લેગ જેવા ચેપી રોગનો મામલો હોવા છતાં, પોતે ઘરે ઘરે ફર્યા, બોરસદમાં એક વૃક્ષ નીચે ખાટલો ઢાળીને પોતાનું કાર્યાલય બનાવી દીધું, પછી તો ગાંધીજી અને મહાદેવ દેસાઈ પણ બોરસદ આવ્યા અને રહ્યા. ગાંધીજી (અને મહાદેવભાઈ) સાથે લગભગ દોઢેક વર્ષ સુધી જેલમાં સાથે રહેવાનું મળ્યું હોય એવા એક માત્ર નેતા સરદાર હતા.
ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ માટે ફાળો ઉઘરાવવામાં અને તેને સ્થિર કરવામાં પણ વલ્લભભાઈ ઉત્સાહભેર સામેલ થયા.
અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સભ્ય અને પછી પ્રમુખ હતા ત્યારે શહેરમાં ફાટી નીકળેલા રોગચાળામાં રાહતકાર્યોથી માંડીને શહેરની સ્વચ્છતા જેવી બાબતમાં તેમણે મોખરે રહીને મોરચો સંભાળ્યો અને દર્શાવી આપ્યું કે હોદ્દો ને સત્તા પણ તેમના માટે લોકોની સેવા કરવાનું માધ્યમ હતી. ગાંધીજીના સંસ્પર્શે પાકો થયેલો એ પાઠ તે આજીવન ભૂલ્યા નહીં. આઝાદી પછી જવાહરલાલ નહેરુ સાથે મતભેદો છતાં તેમની સાથે મળીને કામ કરવામાં ગાંધીજીના શિષ્ય તરીકેની સાર્થકતા જોઈ.
કૉંગ્રેસના કડક-શિસ્તબદ્ધ સંચાલક

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસની ગુજરાતની પ્રાંતિક સમિતિની લગભગ બે દાયકા સુધી આગેવાની કરનાર સરદારે કૉંગ્રેસના આંતરિક સંગઠનને મજબૂત અને શિસ્તબદ્ધ બનાવ્યું.
સંગઠન માટે ભંડોળ એકઠું કરવામાં પણ કોઈ તેમની બરાબરી કરી શકતું ન હતું. આ ઉપરાંત, માણસ પારખવાની અને ઓછું બોલીને વધુ કામ કરવાની તેમની શક્તિને કારણે રાષ્ટ્રીય સ્તરે તેમનો પ્રભાવ એવો પડ્યો કે 1937માં થયેલી પ્રાંતોની ચૂંટણી વખતે સરદાર અને નહેરુ કૉંગ્રેસના ટોચના બે નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા.
1937ની ચૂંટણી પછી પ્રાંતોમાં રચાયેલી સરકારોમાં નહેરુ અને સરદારે કોઈ હોદ્દો લેવાને બદલે, રાષ્ટ્રીય સ્તરે રહીને આખા પક્ષની કામગીરી પર દેખરેખ રાખવાનું નક્કી કર્યું.
1937ની ચૂંટણીથી શરૂ કરીને પછીની દરેક ચૂંટણીઓમાં ભંડોળ ઉઘરાવવા અને ઉમેદવારો નક્કી કરવાનું કામ સરદારને હસ્તક રહેતું. તેમાં ક્યારેક રાજકીય ગણતરીઓ ભળવા છતાં અને સૈદ્ધાંતિક બાંધછોડના પ્રશ્નો આવવા છતાં, તેમની કડકાઈએ એક પક્ષ તરીકે કૉંગ્રેસને મજબૂતી આપી.
કૉંગ્રેસ માટે તેમણે લાખો રૂપિયા ઉઘરાવ્યા અને તેનો ચોખ્ખો વહીવટ કર્યો, પરંતુ તેમનું અંગત જીવન એકદમ સાદગીમય રહ્યું. આઝાદી પછી તેમણે વિલીનીકરણ ઉપરાંત બંધારણના ઘડતરમાં, સનદી સેવાઓનું માળખું ઊભું કરવામાં, સાથી નેતાઓને માર્ગદર્શન આપીને વાસ્તવવાદી વહીવટ ચલાવવામાં, નહેરુ સાથે મતભેદ છતાં તેમના સાથી તરીકે દેશનું શાસન સ્થિર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. વિલીનીકરણના સૂત્રધાર સરદારને યાદ કરવા જ જોઈએ, પણ તે સિવાયના સરદારને ભૂલીને ફક્ત એટલું જ યાદ કરવું તે સરદારને 'અન્યાય' છે-- એવો અન્યાય, જે 'સરદારને અન્યાય'ની બૂમો પાડનારાને પણ દેખાતો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












