રાજ્યસભામાં પી ચિદંબરમને જવાબ આપતા અમિત શાહે કહ્યું- 'કોઈ હિંદુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે'- ન્યૂઝ અપડેટ

'ઑપરેશન સિંદૂર' પર ચાલતી વિશેષ ચર્ચા દરમિયાન રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ ગૃહમંત્રી પી ચિદંબરમ પર નિશાન તાક્યું.

અમિત શાહે કહ્યું, "ચિદંબરમે કહ્યું કે એવું ન કહી શકાય કે ઑપરેશન સિંદૂર નિર્ણાયક હતું."

તેમણે કહ્યું કે, "ચિદંબરમ સાહેબ અહીં નથી, પણ હું તેમને જવાબ આપવા માગું છું. ચિદંબરમ સાહેબ, શું1965ની લડાઈ નિર્ણાયક હતી? તો પછી આતંકવાદ કેમ ફેલાયો? 1971ની લડાઈ નિર્ણાયક હતી? તો પછી આતંકવાદ કેમ ફેલાયો?"

અમિત શાહે કહ્યું, "જ્યાર સુધી દુશ્મન કાં તો ડરી ન જાય અથવા સુધરી ન જાય, ક્યારેય નિર્ણાયક અંત નહીં આવે."

અમિત શાહે કહ્યું, "આટલાં વર્ષોમાં તેમને ડરાવવાની કોઈ પ્રક્રિયા જ ન થઈ, તેઓ કેમ ડરશે? નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. સર્જિકલ સ્ટ્રાઇક કરી, ઍર સ્ટ્રાઇક કરી અને પછી 'ઑપરેશન સિંદૂર'. ડર પેદા થઈ ગયો છે."

અમિત શાહે કહ્યું, "મુંબઈ હુમલાને લઈને દિગ્વિજય સિંહે કહ્યું કે હુમલો આરએસએસે કરાવ્યો છે."

અમિત શાહે કહ્યું કે, "હિંદુ આતંકનો વિચાર કોણે મૂક્યો? હું દુનિયા સામે દેશની જનતાની સામે ગૌરવથી કહું છું કે હિંદુ ક્યારે આતંકવાદી ન હોઈ શકે."

આની પહેલાં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદંબરમે મંગળવારના રાજ્યસભામાં કહ્યું હતું કે, "જો તમે મને પૂછ્યું કે શું ઑપરેશન સિંદૂર મજબૂત હતું? તો મારો જવાબ હા છે? હા. શું આ નિર્ણાયક હતું? તો હું કહીશ કે તેનો જવાબ સમય આપશે."

ચિદંબરમે પોતાના ભાષણમાં સેનાના વખાણ કરતા કહ્યું કે સેનાએ જે રીતે સ્થિતિને સંભાળી, એ પ્રશંસનીય છે. પૂર્વ ગૃહમંત્રીએ સરકારને પૂછ્યું કે જો ઑપરેશન સિંદૂર સફળ રહ્યું તો પછી પાકિસ્તાન સાથે સંઘર્ષવિરામ પર સહમતી કેમ આપી?

ચિદંબરમે વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "દુનિયાએ આતંકવાદની ટીકા કરી, પરંતુ કોઈએ પાકિસ્તાનનું નામ ન લીધું."

ભારત વર્સિસ ઇંગ્લૅન્ડ શ્રેણી: બેન સ્ટોક્સ છેલ્લી ટેસ્ટમાંથી બહાર, ઇંગ્લૅન્ડ ટીમમાં કુલ ચાર ફેરફાર

ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઈજાને કારણે ભારત સામેની વર્તમાન શ્રેણીની અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે.

હવે ઓલી પોપ તેમના સ્થાને ઇંગ્લૅન્ડનું નેતૃત્વ કરશે.

શ્રેણીની છેલ્લી ટેસ્ટ ગુરુવાર, 31 જુલાઈના રોજ ઓવલ ખાતે શરૂ થશે. આ ટેસ્ટમાં સ્ટોક્સની જગ્યાએ જેકબ બેથેલ રમશે.

આ ઉપરાંત, જોફ્રા આર્ચર, બ્રાઇડન કાર્સ અને લિયમ ડૉસન પણ છેલ્લી ટેસ્ટમાં રમશે નહીં. ગસ એટકિન્સન, જોસ ટંગ અને જેમી ઓવર્ટન તેમની જગ્યાએ લેશે.

પાંચ ટેસ્ટ મેચની આ શ્રેણીમાં, યજમાન ઇંગ્લૅન્ડ 2-1થી આગળ છે. શ્રેણીની ચોથી ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાઈ હતી જે ડ્રૉ રહી હતી.

અમેરિકા, જાપાન, રશિયા બાદ હવે આ દેશોમાં સુનામીની ચેતવણી

ફ્રાન્સ પ્રેસના અહેવાલ મુજબ, પેરુ અને ઇક્વાડોરના ગૈલાપાગોસ ટાપુઓમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અધિકારીઓએ કહ્યું છે કે ભૂકંપના કેન્દ્રની નજીક હોવાથી પૂર્વ ચીનમાં પણ સુનામીની શક્યતા છે.

આ ઉપરાંત, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, અન્ય વિસ્તારોની સરખામણીએ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં તીવ્રતા ઓછી હોવાની શક્યતા છે.

ફિલિપાઇન્સની જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન એજન્સીએ સુનામીની ચેતવણી આપી છે.

દરમિયાન, ઇન્ડોનેશિયાની હવામાન વિભાગ અને જીઓફિઝીક્સ એજન્સીએ પૂર્વ ઇન્ડોનેશિયાના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી આપી છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે રશિયાના પૂર્વી કામચાટકા દ્વીપકલ્પ નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.

આ પછી, રશિયા, જાપાન અને અમેરિકામાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

અમરનાથ યાત્રા કેમ એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી?

જમ્મુ-કાશ્મીરની સૂચના અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, અમરનાથ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આ યાત્રા પહલગામ અને બાલટાલ વચ્ચે સ્થગિત થઈ છે.

વિભાગે ઍક્સ પર જણાવ્યું કે, શ્રીઅમરનાથજી યાત્રા પહલગામ અને બાલટાલ બંને બેઝ કૅમ્પોથી 30 જુલાઈ,2025 સુધી સ્થગિત કરી દીધી છે. કાશ્મીરના ડીવીઝનલ કમિશ્નર વિજય કુમાર બિધૂડીએ જણાવ્યું કે, "30 જુલાઈ,2025ની સવારથી સતત ભારે વરસાદને કારણે બંને બેઝ કૅમ્પ બાલટાલ અને નુનવાન/ચંદનવાડીથી યાત્રા શરૂ થઈ શકી નથી."

સૂચના અને જનસંપર્ક વિભાગે જણાવ્યું, "અત્યાર સુધી શ્રીઅમરનાથજી યાત્રા 2025 દરમિયાન 3.93 લાખથી વધારે તીર્થયાત્રિકો પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યા છે."

બે વર્ષના ગેપ બાદ શ્રીઅમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ છે. આ યાત્રા 43 દિવસો સુધી ચાલશે.

"લોહી અને પાણી એકસાથે વહી ન શકે": વિદેશમંત્રી

વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે સિંધુ જળ કરાર ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પોતાનું સમર્થન બંધ નહીં કરે.

જયશંકરે કહ્યું કે, "લોહી અને પાણી એકસાથે વહી ન શકે."

ઑપરેશન સિંદૂરને લઈને સંસદમાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર રાજયસભાને સંબોધિત કરી રહ્યા હતા. એ દરમિયાન એમણે સિંધુ જળ કરારને લઈને આ વાત કરી હતી.

જયશંકરે કહ્યું, સિંધુ જળ કરાર ઘણી રીતે અલગ છે. હું દુનિયામાં આવા કોઈ કરાર અંગે વિચારી નથી શકતો જેમાં કોઈ દેશે પોતાની પ્રમુખ નદીને બીજા દેશમાં વહેવા દીધી હોય.

આ સિવાય જયશંકરે પહલગામ હુમલો, કૂટનીતિ અને ભારતના વલણ અંગે સંસદને જાણકારી આપી હતી.

કૉંગ્રેસ સાંસદ જયરામ રમેશે સવાલ કર્યો હતો કે, "શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં મધ્યસ્થી અંગે જુઠ્ઠું બોલી રહ્યા છે?"

આના પર જયશંકરે કહ્યું, "હું એમને (જયરામ રમેશ)ને કહેવા માગુ છું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે 22 એપ્રિલથી 16 જૂન સુધી એક પણ ફોન કૉલ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે થયો નથી."

લૉર્ડ મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે નિધન, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી

જાણીતા બ્રિટિશ-ભારતીય અર્થશાસ્ત્રી અને હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય લૉર્ડ મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે.

લંડનમાં તેમના પરિવારના નિકટના સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આરોગ્યને લગતા કારણોથી ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉર્ડ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, "પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી વ્યથિત છું."

તેમણે કહ્યું કે "તેઓ હંમેશાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત-બ્રિટનના સંબંધોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવી. અમારી ચર્ચાઓને હંમેશાં યાદ રાખીશ, જેમાં તેમણે પોતાના બહુમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

લૉર્ડ મેઘનાદ દેસાઈનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમણે ભારત અને બ્રિટન વચ્ચે સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

પદ્મશ્રીથી સન્માનિત મેઘનાદ દેસાઈ 1965થી 2003 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવતા હતા. 1971માં તેઓ લેબર પાર્ટીમાં જોડાયા અને જૂન 1991માં હાઉસ ઑફ લૉર્ડ્સમાં ગયા.

ત્યાં તેમના સાથી રામી રેન્જરે તેમને સમુદાયના એક સ્થંભ તરીકે ઓળખાવ્યા. દેસાઈએ સંસદ ભવનમાં ગાંધી સ્મારક પ્રતિમા સહિત કેટલાંય કામોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.

રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ : અમેરિકા, જાપાન અને રશિયામાં સુનામીની ચેતવણી

રશિયાના પૂર્વ કિનારે મંગળવારે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે.

યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું કે કમચટકા પ્રાયદ્વિપમાં પેટ્રોપાવલોવ્સ્કથી લગભગ 136 કિલોમીટર પૂર્વમાં 19 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.

સ્થાનિક ગવર્નરે આ ભૂકંપને તાજેતરના દાયકાઓમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા.

યુએસજીએસનું કહેવું છે કે આગામી ત્રણ કલાકમાં રશિયા અને જાપાનના સમુદ્રકિનારે ખતરનાક સુનામીની લહેરો પહોંચી શકે છે. અમેરિકન અધિકારીઓએ અલાસ્કા સહિત અનેક ક્ષેત્રો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.

જાપાનની હવામાન એજન્સીએ પણ પ્રશાંત સમુદ્રના કિનારે લગભગ 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠવાની ચેતવણી આપી છે. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 હોવાનું જણાવાયું હતું, પરંતુ પછી તેને સુધારીને 8.8 કરવામાં આવી હતી.

યુએસજીએસએ જોખમી વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સરકારનાં સૂચનોનું પાલન કરવાની સલાહ આપી છે.

પેલેસ્ટાઈનને બ્રિટન માન્યતા આપશે, પરંતુ કેટલીક શરતો રાખી

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં યુએનની જનરલ એસેમ્બલીની બેઠકમાં તેઓ પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપશે, પરંતુ આના માટે કેટલીક શરતો રાખી છે.

સ્ટાર્મરે કૅબિનેટ નોટની માહિતી આપતા કહ્યું કે "ઇઝરાયલ સરકાર ગાઝામાં ભયાનક સ્થિતિને ખતમ કરવા માટે નક્કર પગલાં નહીં લે, યુદ્ધ વિરામની જાહેરાત નહીં કરે, ગાઝાના પશ્ચિમી કિનારે તેનો કોઈ કબજો નથી તે સ્પષ્ટ નહીં કરે અને લાંબા સમયની શાંતિ પ્રક્રિયા માટે પ્રતિબદ્ધ નહીં થાય" તો બ્રિટન પેલેસ્ટાઈનને માન્યતા આપશે.

તેમણે કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે કોઈ સમાનતા નથી. બ્રિટનની હમાસ પાસે સ્પષ્ટ માંગણી છે કે તમામ બંધકોને મુક્ત કરવા પડશે, યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કરવા પડશે અને ગાઝાની સરકારમાં તે કોઈ ભૂમિકા નહીં ભજવે તથા હથિયારો છોડવા પડશે.

વડા પ્રધાન સ્ટાર્મરે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અગાઉ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પક્ષ પાસે વિટોનો અધિકાર ન હોય. તેથી બંને પક્ષોએ કેટલી હદે શરતો પૂરી કરવામાં આવી છે તેનું આકલન કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન