ભારતનો પડોશી દેશ અફીણની ખેતીમાં અફઘાનિસ્તાનને પછાડી નંબર વન કેવી રીતે બન્યો?

    • લેેખક, કો કો આંગ
    • પદ, બીબીસી ન્યૂઝ

સંયુક્ત રાષ્ટ્રના તાજેતરમાં થયેલા સર્વે અનુસાર મ્યાનમાર પહેલી વાર અફઘાનિસ્તાનને પાછળ છોડીને અફીણનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે.

મ્યાનમાર એ ગેરકાયદે ડ્રગ્સના કારોબાર માટે બદનામ એવા લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચે સ્થિત ‘ગૉલ્ડન ટ્રાયન્ગલ’ ક્ષેત્રનો ભાગ ગણાય છે.

આ ક્ષેત્રમાં દાયકાઓથી અફીણની ખેતી થતી રહી છે, જે હેરોઇન તૈયાર કરવા માટે અગત્યની સામગ્રી છે.

આ લેખમાં એ કારણો વિશે ચર્ચા કરવામાં આવી છે જેના કારણે આ યુદ્ધગ્રસ્ત દેશ અફીણના ઉત્પાદનમાં અવ્વલ બની ગયો છે.

ગૃહયુદ્ધ બદતર થતું ગયું

બ્રિટિશ શાસનમાંથી વર્ષ 1948માં આઝાદ થયા બાદ મ્યાનમારની કેન્દ્ર સરકાર જાતીય અલ્પસંખ્યક સમૂહો સાથે સતત સંઘર્ષ કરતી રહી છે. આ જાતીય સમૂહો સરહદો સાથે જોડાયેલા પહાડી ક્ષેત્રોમાં રહે છે.

છેલ્લે વર્ષ 2021માં થયેલા સૈન્ય તખ્તાપલટે દેશને બે ભાગમાં વહેંચી દીધો હતો.

સેનાએ લોકશાહીની પુન:સ્થાપના કરવાની માગ કરી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર હિંસક કાર્યવાહી કરી.

વિપક્ષી આંદોલનકારીઓએ થાઇલૅન્ડ, ચીન અને ભારત સાથે જોડાયેલી સીમાઓ પર ઉગ્રવાદીઓ સાથે હાથ મિલાવ્યો અને કેટલાક લોકો ટ્રેનિંગ લઇને પાછા આવ્યા તથા દેશની સેના સામે લડવા લાગ્યા.

આ આંદોલનકારીઓ સાથે મળીને એક સશસ્ત્ર સમૂહનું ગઠન કર્યું જે પીપલ્ઝ ડીફેન્સ ફોર્સિસ (પીડીએફ)ના નામે ઓળખાય છે.

તખ્તાપલટ થયા પછી સત્તા પરથી બેદખલ કરી દેવાયેલી સરકારે નેશનલ યુનિટી ગવર્મન્ટ (એનયુજી)ની રચના કરી. સાથેસાથે જ કારેન, કાચિન, કારેની અને ચિન જેવાં કેટલાંક સ્થાપિત જાતીય સમૂહોએ એનયુજી સાથે જોડાણ કરી લીધું.

એનયુજીની લડાકુ સેનાને પણ પીડીએફ કહેવામાં આવે છે.

પરંતુ થાઇલૅન્ડ અને ચીન સાથે જોડાયેલા સરહદી રાજ્ય શૈનમાં અનેક જૂથો આ અભિયાનનો હિસ્સો ન બન્યાં. આ વિસ્તાર દુનિયામાં માદક પદાર્થોના ઉત્પાદન માટે કુખ્યાત છે. અહીંની કાયદો વ્યવસ્થા પણ પડી ભાંગી છે.

તખ્તાપલટ થયાને લગભગ ત્રણ વર્ષ વીતી ગયા બાદ જાતીય સશસ્ત્ર સમૂહોના સમર્થન સાથે પીડીએફ એક મહત્ત્વપૂર્ણ લશ્કરી સમૂહમાં રૂપાંતરિત થઈ ગયું છે.

મોટા પ્રમાણમાં થઈ રહેલા સંઘર્ષો દરેક દિશાઓમાં ફેલાઈ રહ્યા છે અને સેનાની પહોંચ હવે દેશના કેટલાક ભાગો સુધી જ છે. એવામાં ગૉલ્ડન ટ્રાયેન્ગલ સહિત અને વિસ્તારોમાં વ્યવસ્થાતંત્રમાં અનેક છીંડાં છે.

અફઘાનિસ્તાનમાં અફીણ પર પ્રતિબંધ

એપ્રિલ 2022માં તાલિબાને જ્યારથી અફીણની ખેતી પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી અફઘાનિસ્તાનમાં તેનું ઉત્પાદન જલદીથી ઘટવા માંડ્યું.

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાનના અફીણ પર કરેલો સર્વે દર્શાવે છે કે દેશમાં 2022માં 6200 ટન અફીણની ખેતી થઈ હતી. તે વર્ષ 2023માં 95 ટકા ઘટીને 333 ટન જ થઈ ગઈ છે.

તે દરમિયાન મ્યાનમારમાં અફીણનું ઉત્પાદન 36 ટકા વધીને 1080 ટન સુધી પહોંચી ગયું.

જોકે, તે અફઘાનિસ્તાનના 6200 ટન ઉત્પાદનની સરખામણીએ ઘણું ઓછું છે.

પરંતુ મ્યાનમારમાં હાલની અસ્થિરતાને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એ ચિંતા વધી છે કે અહીં અફીણના ઉત્પાદનમાં હજુ વધારો થઈ શકે છે.

અફીણનો ઊંચો ભાવ

અફઘાનિસ્તાનમાં ખેતી પર પ્રતિબંધને કારણે અફીણની કિંમતોમાં ઉછાળો આવ્યો.

અફીણની ખેતી કરનારા ખેડૂતોને સરેરાશ એક કિલો માટે 355 ડૉલર રૂપિયા આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 2022ની સરખામણીએ આ કિંમત 75 ટકા વધારે છે.

તેના કારણે જ વધારેમાં વધારે ખેડૂતો અફીણની ખેતી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. એ પણ ત્યારે કે જ્યારે કોરોના મહામારી અને સૈન્યશાસકોના કુપ્રબંધનના બેવડા મારને કારણે મ્યાનમારની અર્થવ્યવસ્થા સતત નીચે જઈ રહી છે.

દુનિયાભરમાં સપ્લાયમાં આવેલી કમીને કારણે પણ ગોલ્ડન ટ્રાયેન્ગલે અફીણની માગમાં વધારો કરવામાં પણ ફાળો આપ્યો છે.

ખેડૂતો પાસે સીમિત વિકલ્પો

એવું નથી કે અફીણની ખેતીને ઓછી કરવાની કોશિશ નથી થઈ. ખેડૂતોએ પણ નફાના ઈરાદાથી ખાંડ, રબ્બર અને ફળોની ખેતીમાં વધારો કર્યો હતો પણ તેમને ઊગાડવા અફીણની સરખામણીએ મુશ્કેલ છે.

વધુમાં આ વૈકલ્પિક પાકોને દૂરદૂરના વિસ્તારોથી મુખ્ય બજારો સુધી લાવવું અઘરું પડે છે. વળી, ખરીદદારો અફીણને ખરીદવા માટે તેના ખેતરો સુધી પહોંચી જાય છે. આ રીતે ખેડૂતોનો ટ્રાન્સપૉર્ટનો ખર્ચ પણ વધી જાય છે.

હાલમાં થયેલા તખ્તાપલટને કારણે મ્યાનમારને અત્યંત ઓછા પ્રમાણમાં વિદેશી રોકાણ કે આંતરરાષ્ટ્રીય સહાયતા મળી રહી છે. જેના કારણે ખેડૂતોને આવકનાં અન્ય સાધનો શોધવાં મુશ્કેલ પડે છે.

માનવાધિકારોના પણ ખરાબ રેકૉર્ડને કારણે અને સૈન્યશાસકોની જવાબદારી ન હોવાને કારણે, અફીણ અને અન્ય નશીલા પદાર્થોના ઉત્પાદનને ખતમ કરવા માટે મ્યાનમાર સુધી આંતરરાષ્ટ્રીય મદદ પણ ઓછી પહોંચે છે.

વિસ્તારમાં અરાજકતાનો માહોલ

ગોલ્ડન ટ્રાયેન્ગલ ક્ષેત્ર દાયકાઓથી વૈશ્વિક ટ્રાન્સનેશનલ અપરાધોનો ગઢ રહ્યું છે. અહીં સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન, ગેરકાયદે હથિયારોનો કારોબાર, જુગાર, માનવતસ્કરી અને ઑનલાઇન ફ્રૉડ જેવાં તમામ કામ થતાં આવ્યાં છે.

દૂરસુદૂરના વિસ્તારોમાં આવેલા આ પહાડી ક્ષેત્રની સીમાઓ અસુરક્ષિત છે. અહીં પેટ્રોલિંગ પણ થતું નથી, જેના કારણે અપરાધીઓ માટે આ વિસ્તાર છટકબારી સમાન છે.

ઉત્તરી શૈન રાજ્યમાં હાલમાં જ થયેલી અથડામણોને ચીનમાં ઑનલાઇન ગોટાળાઓ સાથે જોડાયેલી જગ્યાઓ પર છાપેમારી સાથે જોડવામાં આવે છે. આ તમામ ઠેકાણાં મ્યાનમારથી ચલાવાઈ રહ્યા હતા.

અફીણના ઉત્પાદનને જડમૂળમાંથી બંધ કરી દેવું એ તો મ્યાનમાર સામે રહેલી અનેક મુશ્કેલીઓમાંથી ફક્ત એક મુશ્કેલી છે. તખ્તાપલટ પછી દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક, દરેક મોરચે પતન થઈ રહેલું દેખાય છે.

હાલનું સૈન્યશાસન દેશને નિયંત્રિત કરવામાં જ સંઘર્ષ કરી રહ્યું છે. એવામાં નશાકારક પદાર્થોની સમસ્યા સામે લડવું એ તેમની પ્રાથમિકતામાં હોય તેની બહુ ઓછી સંભાવના છે.

સૈનિકો અને જાતીય સશસ્ત્ર સમૂહો સહિત અનેક લોકો ગેરકાયદે ડ્રગ્સના ઉત્પાદનથી ફાયદો કમાઈ રહ્યા છે. આ લોકો તેમના વિસ્તારોમાંથી પસાર થઈ રહેલા અફીણના વેપારીઓ પાસેથી કર વસૂલી રહ્યા છે.

એક અસ્થિર માહોલમાં જ્યારે અફીણ કમાણીનું મુખ્ય સાધન બની ગયું હોય ત્યારે તેની ખેતી અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું કદાચ જ કોઈ સાહસ કરી શકે.