25 હજાર રૂપિયામાં પાણીની એક બૉટલ વેચાય એ 'ફાઇન વૉટર' શું છે?

    • લેેખક, સુનિથ પરેરા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

હજારોની વાઇન અને લાખોની વ્હિસ્કીની બૉટલના સમાચાર તો સાંભળ્યા છે પણ તેની જગ્યાએ ફૅન્સી વૉટર ઑફર કરતી કોઈ રેસ્ટોરાં વિશે તમે ક્યારેય સાંભળ્યું છે?

અહીં જે પાણીની વાત કરવામાં આવી રહી છે તેની ગુણવત્તા સ્ટાન્ડર્ડ મિનરલ કે નળમાંથી આવતા પીવા યોગ્ય પાણી કરતાં બહુ જ ઊંચી હોય છે અને તેની કિંમત મોં અને આંખો પહોળી થઈ જાય એટલી બધી હોય છે.

આ પાણીને અલગઅલગ વ્યંજનો સાથે કે માત્ર વાઇન સાથે લઈ શકાય છે.

આવા મોંઘાદાટ પાણીને ફાઇન વૉટર તરીકે ઓળખવામાં આવે છે અને જ્વાળામુખીના ખડકો, ગ્લેશિયર્સ અથવા પીગળતી હિમશિલાઓ અથવા ઝાકળનાં ટીપાંમાંથી મેળવવામાં આવે છે. આવું પાણી સીધું વાદળોમાંથી પણ મેળવવામાં આવે છે.

આવી રીતે મેળવવામાં આવેલાં દરેક પાણીમાં, એ જ્યાંથી મેળવવામાં આવ્યું હોય ત્યાંની વિશિષ્ટતા હોય છે અને સામાન્ય બૉટલ્ડ વૉટરથી વિપરીત આ પાણી તદ્દન અનપ્રોસેસ્ડ હોય છે.

હવે વિશ્વભરમાં ફાઇન વૉટરની સંખ્યાબંધ બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે અને એવા નિષ્ણાતો પણ છે, જે તમને તેના વિશે સલાહ આપી શકે.

કઈ રીતે આ પાણી બીજાથી અલગ છે?

વાઇન એક એવી વસ્તુ છે તેના સ્વાદ અને સુગંધનાં માનકો સુનિશ્ચિત કરવા માટે ટેસ્ટિંગની પરંપરા રહી છે અને કેટલાક લોકો પ્રોફેશનલ સ્તરે વાઇન ટેસ્ટિંગનું કામ કરે છે, જેમને સોમેલિયર્સ કહેવાય છે.

વાઇન ટેસ્ટિંગની માફક આવા પાણી માટે વૉટર સોમેલિયર્સ છે, જેમનું કામ દરેક ઉત્પાદનનું મૂલ્યાંકન કરવાનું અને તેને ખનિજો, સ્વાદ તથા માઉથફીલની દૃષ્ટિએ અલગ પાડવાનું છે.

લંડનમાં પૉપ-અપ સ્ટોર ચલાવતા વૉટર કન્સલ્ટન્ટ અને સૉમેલિયર મિલિન પટેલે કહ્યું હતું, "પાણી એ માત્ર પાણી નથી. આપણા વિશ્વમાં દરેક પાણી અલગ છે અને તેનો આગવો સ્વાદ છે."

મિલિન પટેલ પાણીમાં રસ ધરાવતા લોકો માટે ટેસ્ટિંગ સેશન્સનું આયોજન કરે છે. તેમાં નળ અને બૉટલ્ડ વૉટર સહિતના વિવિધ પાણીનો સમાવેશ થાય છે.

બીબીસી સાથે વાત કરતાં પટેલે જણાવ્યું હતું કે તેઓ ખાસ કરીને યુવા પેઢીને પાણીના વિવિધ પ્રકારો અને તેના સ્વાદ વિશે શિક્ષિત કરવાનું મિશન ચલાવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, "સ્કૂલમાં આપણે હાઈડ્રોલિજકલ ચક્ર વિશે – બાષ્પીભવન, ઘનીકરણ અને અવક્ષેપના પાઠ ભણ્યા હતા એ તમને યાદ હશે, પરંતુ આપણે રીમિનરલાઇઝેશનનો અભ્યાસ કરવાનું ચૂકી ગયા હતા."

"એકવાર પાણી જમીન પર પડે પછી તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સિલિકા વગેરે જેવાં ખનિજો જમીનમાંથી શોષી લે છે. આ પ્રક્રિયાને લીધે પાણીમાં ખનિજોનો સ્વાદ ભળે છે."

કુદરતી રીતે જમીનમાં ન ઊતરેલા આઈસબર્ગ્સ અને વરસાદ જેવા સ્રોતમાંથી મળેલા પાણીમાં સામાન્ય રીતે ઝરણા અને કૂવાઓના પાણીની તુલનામાં ટોટલ ડિઝૉલ્વ્ડ સૉલિડ્સ (ટીડીએસ) (પાણીમાં ભળેલા તત્વો) નું પ્રમાણ ઓછું હોય છે.

કેટલું મોઘું છે આ પાણી?

મિલિન પટેલ પાસે વિશ્વભરના વિવિધ પાણીનો સંગ્રહ છે. તેમાં નળમાંથી આવતા પાણીથી માંડીને ફાઇન વૉટર સુધીનો સમાવેશ થાય છે, જેની એક બૉટલની કિંમત 318 ડૉલર છે એટલે 25 હજાર રૂપિયાથી વધુ.

પટેલ દ્વારા ચલાવવામાં આવતાં સેશન્સમાં આવા પાણીનો સ્વાદ ચાખ્યા પછી લોકો દરેક પ્રકારનાં પાણીના આગવા સ્વાદના વર્ણનનો પ્રયાસ કરતા હોય છે.

પટેલે કહ્યું હતું, "પાણી સ્વાદહીન નથી હોતું એ સમજવાની તક અમે લોકોને આપીએ છીએ. તમે પાણીને ઍક્સપ્લોર કરવાનું અને વિચારપૂર્વક પીવાનું શરૂ કરો પછી જે શબ્દાવલી સર્જાય છે તે આશ્ચર્યજનક હોય છે. અમને નરમ, ક્રીમી, મખમલી, જીભ પર ઝણઝણાટી થાય તેવું, કડવું અને ક્યારેક ખાટું એવા શબ્દો સાંભળવા મળે છે. હું તેને ઍક્વાટેસ્ટોલૉજી કહું છું."

તેમણે ઉમેર્યું હતું, "ઘણા લોકો અમને વારંવાર કહે છેઃ ઓહ, આ મને મારા બાળપણની યાદ અપાવે છે, આ મને રજાના દિવસોની યાદ અપાવે છે કે આ મને મારાં દાદા-દાદીના ઘરની યાદ અપાવે છે.”

મોઘુંદાટ પાણી ચાખવાની સ્પર્ધાઓ

દર વર્ષે ફાઇન વૉટર ટેસ્ટિંગની પરિષદ યોજવામાં આવે છે. તેમાં ભૂટાનથી માંડીને ઍક્વાડોર સુધીના ફાઇન વૉટર ઉત્પાદકો એકઠા થાય છે અને સાથે મળીને વૉટર ટેસ્ટિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરે છે.

આ વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેતા મોટા ભાગના લોકો અંતરિયાળ વિસ્તારમાંથી પાણીનું ઉત્પાદન કરતા પરિવારોના હોય છે.

ફાઇન વૉટર સોસાયટી અને ફાઇન વૉટર એકૅડમીના સહ-સ્થાપક ડૉ. માઇકલ માશ્ચાએ કહ્યું હતું, "શરૂઆતમાં વૉટર ટેસ્ટિંગના વિચારને હાસ્યાસ્પદ ગણવામાં આવતો હતો."

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "મેં આખી પ્રક્રિયા લગભગ 20 વર્ષ પહેલાં, મારે દારૂ પીવાનું બંધ કરવું પડ્યું ત્યારે શરૂ કરી હતી. વાઇનની બૉટલ હઠાવી લેવામાં આવી ત્યારે મારી નજર ટેબલ પરની બીજી બૉટલ પર પડી હતી. એ પાણીની બૉટલ હતી. મેં વિચાર્યું હતું કે મારી ભોગવાદી જિજ્ઞાસાનો ઉપયોગ કરીને વાઇનને બદલે પાણીને અજમાવવું જોઈએ."

તેઓ માને છે કે ફાઇન વૉટર હાઈડ્રેશન ઉપરાંત ઘણું બધું પ્રદાન કરે છે અને એ કશુંક નવું જાણવાની, શેર કરવાની અને માણવાની તક છે. તમે બાળકો સાથે પણ આવું કરી શકો છો.

ડૉ. માશ્ચાનો દાવો છે કે ફાઇન વૉટરની માગ વધી રહી છે અને તેનું કારણ ખાસ કરીને તંદુરસ્ત જીવનશૈલીને અનુસરતી યુવા પેઢીમાં આલ્કોહોલ અને કાર્બોરેટેડ સૉફ્ટ ડ્રિંક્સનાં ઓછાં સેવનનું વલણ છે.

આ દુર્લભ, અનપ્રોસેસ્ડ વૉટરનું વિન્ટેજ વાઇનની માફક તેના સ્રોત અને ઉત્પાદનની કહાણી સાથે માર્કેટિંગ કરી શકાય છે, જે તેને વધુ આકર્ષક બનાવવામાં મદદ કરે છે.

રેસ્ટોરાંના મેન્યૂમાં વિવિધ પ્રકારનાં પાણીનો સમાવેશ

સ્પેન અને અમેરિકા જેવા દેશોમાં કેટલીક રેસ્ટોરાં, તેમની વાનગીઓ સાથે ચોક્કસ પ્રકારના ફાઇન વૉટરને સાંકળતું મેન્યૂ ઑફર કરી રહી છે.

ડૉ. માશ્ચાએ કહ્યું હતું, "હું હાલ અમેરિકાની થ્રી-સ્ટાર મિશેલિન રેસ્ટોરાં માટે વૉટર મેન્યૂ બનાવી રહ્યો છું. વાનગીઓ અને વાતાવરણને પૂરક બને તેવું કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા બારથી પંદર પ્રકારનાં પાણીને તેમાં સ્થાન આપવાની અમારી યોજના છે."

"તમે માછલીની વાનગી ખાતા હશો ત્યારે તમને સ્ટીકની વાનગી સાથે આપવામાં આવતા પાણીને બદલે અલગ પ્રકારનું પાણી સર્વ કરવામાં આવશે. એ પાણીમાં ખનિજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, જેથી માછલીની વાનગીનો સ્વાદ માણવામાં ખલેલ ન પડે."

ડૉ. માશ્ચા સુપર-લકઝરી હાઉસિંગ અને ઍપાર્ટમેન્ટ પ્રોજેક્ટ્સ માટે પણ કામ કરે છે. તેમાં વાઇન સેલરને બદલે ‘વૉટર ઍક્સપિરિયન્સ રૂમ’ હશે.

ડૉ. માશ્ચાના જણાવ્યા મુજબ, ધાર્મિક કારણોસર આલ્કોહોલનું સેવન ન કરતા લોકોમાં, ખાસ કરીને લગ્નોમાં પણ ફાઇન વૉટર લોકપ્રિય છે. મોંઘા શેમ્પેઇનને બદલે આ ફાઇન વૉટર ભેટનો શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો દાવો તેમણે કર્યો હતો.

અલબત, આ ટ્રેન્ડની ટીકા કરતા લોકો પણ છે.

'નૈતિક રીતે ખોટું'

વિશ્વમાં લાખો લોકો એવા છે, જેમણે શુદ્ધ પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, જ્યારે ઘણા લોકો મૂળભૂત રીતે સૌથી વધુ જરૂરી આ ચીજમાંથી કમાણી કરવા પર ભાર મૂકે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, 2022 સુધી 2.2 અબજ લોકોને સલામત રીતે મેળવવામાં આવેલું પીવાનું પાણી ઉપલબ્ધ ન હતું. તેમાં 70.3 કરોડ એવા લોકોનો સમાવેશ થાય છે, જેમને પાણીની મૂળભૂત સુવિધા સુધ્ધાં મળતી નથી.

અન્ય ટીકાકારો એવી દલીલ કરે છે કે આ ફેશન એક પ્રકારની છેતરપિંડી છે. પાણી માત્ર પાણી હોય છે અને નળના પીવાલાયક પાણી, બૉટલોમાં મળતા પાણી અને કથિત ફાઈન વોટર વચ્ચે કોઈ ફરક નથી. બીજી તરફ પર્યાવરણવાદીઓ જણાવે છે કે કોઈ પણ પ્રકારનું બોટલ્ટ વૉટર પૃથ્વી માટે નુકસાનકારક છે, કારણ કે તેની ખાલી બૉટલ કચરો સર્જે છે અથવા કચરાના ઢગલામાં જાય છે.

લંડનની ગ્રેશમ કલેજમાં પર્યાવરણના પ્રોફેસર એમેરિટા કેરોલીન રૉબર્ટ્સ માને છે કે લાખો લોકો સ્વચ્છ પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે પાણીની એક બૉટલ માટે સેંકડો રૂપિયા ખર્ચવા એ અનૈતિક છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું,"આ કામ તો તમે લોકો સાથે રાત્રિભોજન માટે બહાર જાઓ ત્યારે તમારી સંપત્તિનું પ્રદર્શન કરવા જેવું છે. હું પાણીની ઍન્ટાર્કટિકા અથવા હવાઈમાં ક્યાંકથી લાવવામાં આવેલા પાણીની આ બૉટલ માટે પૈસા ચૂકવું છું, એવું તમે કહેશો તો લોકોને સારું લાગશે, પરંતુ વાસ્તવમાં તેનાથી કોઈને ફાયદો થવાનો નથી. આ બધો પૈસાનો ખેલ છે."

તેમણે ઉમેર્યું હતું, "વધારે મહત્ત્વની વાત એ છે કે તે પર્યાવરણને બહુ નુકસાનકારક છે. તે માઈક્રોપ્લાસ્ટિક્સમાં ક્ષીણ થઈ જતું પ્લાસ્ટિક હોય, તેના ઉત્પાદન માટે અશ્મિભૂત ઈંધણની જરૂર પડતી હોય અથવા જેને અંતરિયાળ વિસ્તારમાંથી હજારો માઈલ દૂર લઈ જવા માટે પરિવહનની જરૂર હોય તેવો ભારે ગ્લાસ હોય. આ બધાની કાર્બન ઉત્સર્જન પર માઠી અસર થાય જ છે."

તેમણે એમ પણ કહ્યું હતું, "માત્ર પૈસા નહીં, પરંતુ આ કથિત ફાઇન વૉટર પર્યાવરણને જે નુકસાન કરે છે તે પણ મહત્ત્વનો મુદ્દો છે."

જોકે, ડૉ. માશ્ચા એવી દલીલ કરે છે કે ફાઇન વૉટરનું ઉત્પાદન માત્ર ધનિકો માટે જ કરવામાં આવતું નથી. કેટલુંક ગુણવત્તાયુક્ત ફાઇન વૉટર એવું છે, જેની કિંમત માત્ર બે ડૉલર (દોઢસો રૂપિયાથી વધુ) છે અને આ નેચરલ ફાઇન વૉટર અને પ્રોસેસ્ડ વૉટર વચ્ચેનો ફરક છે, જે પર્યાવરણને નકારાત્મક અસર કરી શકે છે.

તેમણે કહ્યું હતું, "ટકાઉપણાની દૃષ્ટિએ પ્લાસ્ટિકની બૉટલમાં નળનું પ્રૉસેસ્ડ વોટર ભરવાનો કોઈ અર્થ નથી. તમે એસયુવીમાં બેસીને સુપરમાર્કેટ જાઓ છો, પ્લાસ્ટિકની બૉટલ્સ ખરીદીને ઘરે લાવો છો. તેમાંથી પાણી પીઓ છો અને ખાલી બૉટલો ફેંકી દો છો. તે અત્યંત ખર્ચાળ છે."

હાઇડ્રેશન માટે પ્રોસેસ્ડ બૉટલ્ડ વૉટરને બદલે નળના પાણીના ઉપયોગનું સૂચન તેઓ કરે છે.

તેમના કહેવા મુજબ, "આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે નળું પીવાલાયક પાણી ગટગટાવવું એ ખરેખર એક વિશેષાધિકાર છે, જે વિશ્વભરના ઘણા લોકો પાસે નથી."