'મને પરિવારના મૃતદેહો શેરીમાંથી મળ્યા'- અફઘાનિસ્તાનમાં પૂરગ્રસ્ત લોકોની વેદના

- લેેખક, યામા બરીઝ
- પદ, બીબીસી પશ્તો, અફઘાનિસ્તાનના બઘલાનથી
પૂરનાં પાણીથી પ્રભાવિત થયાના એક દિવસ બાદ નૂર મોહમ્મદને તેમના પરિવારના મૃતદેહો રસ્તા પરથી અને ખેતરોમાંથી મળ્યા.
75 વર્ષીય નૂર મોહમ્મદ તેમના ઘરથી માત્ર 100 મીટરના અંતરે હતા, જ્યારે તેમણે તેમની તરફ આવી રહેલા ધસમસતા પાણીનો અવાજ સાંભળ્યો.
તેઓ તેમના ઘર તરફ દોડીને ગયા, જ્યાં તેમનાં પત્ની, બહેન, પુત્ર અને તેમના બે પૌત્રો આરામ કરી રહ્યાં હતાં.
પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
અચાનક આવેલા પાણીના પ્રવાહમાં તેમનું ઘર અને પરિવાર બંને વહી ગયાં.
10મી મેની રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલું પૂર એ સૂકા શિયાળા બાદ આવેલા ભયંકર તોફાનનું પરિણામ હતું. સૂકાભઠ્ઠ શિયાળાને કારણે જમીન વધુ કડક થઈ ગઈ હોવાથી તે બધું પાણી શોષી ન શકે.
પાંચ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ પ્રમાણે 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે બે હજારથી વધુ ઘર પૂરને કારણે જમીનદોસ્ત થઈ ગયાં છે. ઉત્તર અફઘાનિસ્તાનના બઘલાન પ્રાંતના પાંચ જિલ્લા આ પૂરથી પ્રભાવિત થયા છે. મૃત્યુદર હજુ પણ વધશે તેવું મનાઈ રહ્યું છે.
બડાખસ્તાન, ઘોક અને પશ્ચિમી હેરાતના પ્રાંતમાં પણ પૂરને કારણે ભારે નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૂર કહે છે, “હું નિરાશ, હતાશ થઈ ગયો હતો.”
બઘલાનના ગાઝ નામના ગામડામાં તેમનું ઘર આવેલું હતું ત્યાં જઈને નૂર એ સાંજે પોતાના પરિવારની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ, દુર્ભાગ્યવશ તેમને કોઈ નિશાન મળ્યાં નહીં.
લગભગ મધરાતે એક વાગ્યે તેમણે થાકીને આ કામ છોડી દીધું અને ત્યાંથી ત્રણ કલાકના અંતરે આવેલા પોતાની દીકરી સઇદાના ઘરે ચાલ્યા ગયા.
બીજા દિવસે તેઓ પાછા તેમના ઘરે આવ્યા તો ત્યાંથી તેમને તેમના પરિવારજનોના મૃતદેહો મળ્યા.
તેઓ કહે છે, “એ અત્યંત વિનાશક પૂર હતું.”
'કેટલાક વિસ્તારોમાં તો હવે કંઈ જ બચ્યું નથી'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નૂરનું કહેવું છે કે તેમણે તેમના જીવનમાં ક્યારેય આ પ્રકારની કુદરતી આપત્તિ જોઈ નથી. સિવિલ વૉર કે પ્લેગ સમયે પણ આવો ભયંકર અનુભવ થયો નથી.
સઈદાની 25 વર્ષીય પુત્રી (નૂરની પૌત્રી)નું આ પૂરમાં મૃત્યુ થઈ ગયું. તેમના કહ્યા પ્રમાણે પૂરનો અવાજ કોઈ દૈત્ય જેવો વર્તાતો હતો અને તેઓ ડરી ગયાં હતાં.
નૂર જ્યાં રહે છે એ ગાઝ ગામમાં હજુ પણ રોડ મારફત પહોંચી શકાય તેમ નથી. મોટા ભાગના પરિવારોએ તેમના બે કે ત્રણ સંબંધીઓને પૂરમાં ગુમાવી દીધા છે અને તેઓ કોઈ મદદ મળે તેની રાહમાં છે.
રોઝાતુલ્લાહ નામના નર્સે પૂરથી સૌથી વધુ પ્રભાવિત ગામ ફુલ્લોલની તેમની ટીમ સાથે મુલાકાત લીધી હતી. તેઓ કહે છે, “અમે એ વિસ્તારોમાં ગયા હતા, જ્યાં હવે કંઈ જ બચ્યું નથી.”
પેરામેડિકલ ટીમ, અન્ય 15 નર્સ અને ડૉક્ટરો સાથે ઓ સમંગન પ્રાંતમાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા.
તેઓ કહે છે કે તેમણે 200થી વધુ ઈજાગ્રસ્ત લોકોને મદદ કરી હતી. જેમાં એક વ્યક્તિએ તો તેના 16 પરિવારજનોને ગુમાવી દીધા હતા.
તેઓ કહે છે, “અમે જે જોયું એ કાળજું કંપાવી દેનારું હતું. લોકો મૃતદેહો કાઢી રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં મકાનો અને ખેતરોને નુકસાન થયું છે.”
ખેતરો કાદવથી તરબોળ, પાક નાશ પામ્યો

તેમણે કરેલા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં પણ રોઝાતુલ્લાહ અને તેમની ટીમ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી શકી નહીં. એ વિસ્તારોમાં લોકોને સખત મદદની જરૂર છે અને ત્યાં પાણીજન્ય રોગો પણ ફાટી નીકળવાની દહેશત છે.
રોઝાતુલ્લાહ ચેતવણી આપે છે કે ત્યાં પીવાનું પાણી પણ નથી.
જ્યાં-જ્યાં તેમની ટીમ પહોંચી શકી ત્યાં-ત્યાં તેમણે મોબાઇલ મદદ કેન્દ્ર શરૂ કર્યાં અને મૃતદેહોને હઠાવવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે.
ગુદાન બાલા નામના નજીકના ગામમાં મોહમ્મદ રસૂલ એક પછી એક સિગારેટ તેમના ખેતર પાસે બેસીને ફૂંકી રહ્યા હતા. એક સમયે આ ખેતરમાં પાક લહેરાતો હતો. હવે આખું ખેતર કાદવયુક્ત પાણીથી ભરાઈ ગયું છે.
આખા રસ્તે અમે લગભગ એકસમાન દૃશ્ય જોયું જેમાં કપાસ અને ઘઉંનાં ખેતરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં હતાં.
મોહમ્મદ પોતાને નસીબદાર માને છે, કારણ કે તેમનો પરિવાર બચી ગયો છે. જોકે, તેમણે બાકીનું બધું જ ગુમાવી દીધું છે.
'પૂરે અમારું બધું જ લઈ લીધું'

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ મને તેમનાં ખેતરો બતાવતા કહે છે કે તેમનો તમામ પાક નષ્ટ થઈ ગયો છે.
તેઓ કહે છે, “મારી આવકનો આ એકમાત્ર સ્રોત હતો. હવે હું જાણે કે લાચાર છું.”
80 ટકા અફઘાન લોકોની જેમ, તેઓ તેમની આવક માટે ખેતી પર નિર્ભર છે. મોહમ્મદ કહે છે કે તેમને ખ્યાલ નથી કે તેઓ કેવી રીતે ગુજારો કરશે.
થોડા અંતરે રહેલા તેમના ઘરના અવશેષો તરફ નિર્દેશ કરતાં કહે છે કે તેઓ ત્યાં જઈ શકે તેમ નથી, કારણ કે ત્યાં પાણીનું સ્તર હજુ પણ ઘણું વધારે છે.
"મારી પાસે હવે કંઈ બચ્યું નથી, મારે શું કરવું? મારી પાસે કુટુંબ છે, પણ તેમનું ભરણપોષણ કરવા માટે મારી પાસે કંઈ જ નથી."
પૂર આવ્યું તે પહેલાં યુએનનો અંદાજ કહે છે લગભગ 2.4 કરોડ લોકોને એટલે કે અફઘાનિસ્તાનની અડધાથી વધુ વસ્તીને આ વર્ષે માનવતાવાદી સહાયની કોઈને કોઈ સ્વરૂપે જરૂર પડશે.
માત્ર પાકને જ અસર થઈ હોય એવું નથી. મોહમ્મદ કહે છે કે તેમના પાડોશીએ તેમની બે ગાયો પૂરમાં ગુમાવી દીધી છે. ગાયો તેમની આજીવિકાનું એકમાત્ર સાધન હતી.
નૂર કે જેઓ હવે તેમની પુત્રી સાથે રહે છે, તેઓ કહે છે કે તેમની પાસે હવે પહેરેલાં કપડાં સિવાય કશું જ નથી.
તેઓ જે ઘરમાં રહેતા હતા તેને તેમના પિતાએ 65 વર્ષ પહેલાં બનાવ્યું હતું.
"મને ભવિષ્ય વિશે ઘણી આશા હતી. મારો પુત્ર અને પૌત્રી શિક્ષક હતાં અને મને તેમનો ગર્વ હતો, કારણ કે તેઓ દેશના ભવિષ્યમાં યોગદાન આપી રહ્યાં હતાં."
બંને હવે મૃત્યુ પામ્યાં છે.
નૂર નિસાસો નાખતા કહે છે, "પૂરે અમારું બધું જ લઈ લીધું."












