એ ગામ જ્યાં કાયદાની એક કલમને લીધે એક દાયકા સુધી કોઈ ઉત્સવ ન ઊજવાયો

- લેેખક, માયાકૃષ્ણન.કે
- પદ, બીબીસી તામિલ માટે
તામિલનાડુમાં કલ્લાકુરિચી જિલ્લો છે. જેમાં પાંડિયનકુપ્પમ નામનું એક ગામ આવેલું છે. ત્યાં લીમડાના ઝાડની નીચે કેટલાક લોકો વાતચીત કરતા હતા. જેમાં 52 વર્ષના ચેલ્લમુથુ પણ હતા. ચેલ્લમુથુ ખૂબ ખુશ જણાઈ રહ્યા હતા. તેમની પાસે ઊભેલા રામાસામી, કલ્યાણ અને થંગરાસુને જોતા પણ લાગ્યું તેઓ આનંદમાં છે. તેમની સાથે વાતચીત કરતા ખબર પડી કે આ તમામ એ વાતથી રાજી હતા કે આ દિવસ પહેલાં તેમણે આટલો લાંબો સમય એકબીજા સાથે વર્ષો પહેલાં ગાળ્યો હતો.
આ પાંડિયનકુપ્પમ ગામમાં છેલ્લાં દસ વર્ષથી સતત કલમ 144 લાગુ હતી. એટલે કે આ ગામના લોકોએ પાછલાં દસ વર્ષથી સરકારી, રાજકીય કે રમતગમત સ્પર્ધાને લગતાં એક પણ આયોજનો જોયાં નહોતાં. અહીંની પરિસ્થિતિ એટલી હદે તંગ હતી કે સામાન્ય રીતે શહેરોમાં લાગુ કરવામાં આવતી કલમ 144ની મુદ્દત આ ગામમાં એક-બે વખત નહીં પણ 36 વખત વિસ્તારવામાં આવી હતી.
આ તંગ પરિસ્થિતિ શું હતી? તેનું કારણ શું હતું? હવે ગામમાં કેવી પરિસ્થિતિ છે? આ સવાલોના જવાબ મેળવવા બીબીસીએ પાંડિયનકુપ્પમ ગામની મુલાકાત લીધી હતી.
બીબીસી જ્યારે આ ગામમાં પહોંચ્યું ગ્રામજનો મજૂર દિન નિમિત્તે ખાસ આયોજિત ગ્રામસભામાં એકત્ર થયા હતા.
પાંડિયનકુપ્પમ ગામે આ પહેલાં પણ મજૂર દિનની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ એ સમયે બન્ને પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેથી ગીત-સંગીતનો કાર્યક્રમ વચ્ચેથી જ અટકાવી દેવામાં આવ્યો હતો.

‘પ્રતિબંધ 10 વર્ષ ચાલ્યો’

એ દિવસ યાદ કરતાં ચેલ્લમુથુએ જણાવ્યું કે, “એ પછી અમારા ગામમાં પોલીસ આવી હતી. બન્ને પક્ષ વચ્ચે સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ એક પ્રતિબંધક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. અમારી વચ્ચે દુશ્મનાવટ વધવા લાગી હતી. બન્ને પક્ષે ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ અદાલતમાં દલીલબાજી થઈ હતી. અદાલતે ભલે આદેશ આપ્યો, પરંતુ અમારા ગામમાંના બે સમુદાય વચ્ચે એકતાના અભાવને કારણે કશું થઈ શકે તેમ ન હતું. અમારા સમુદાયના લોકો ક્યારેય હાર માનતા નથી. સામા પક્ષના લોકોને પણ હાર મંજૂર ન હતી. સરકારી અધિકારીએ બન્ને સમુદાયના લોકો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. એ માટે અનેક બેઠકો યોજાઈ હતી. તેમાં મેં પણ ભાગ લીધો હતો, પરંતુ સમસ્યાનું નિરાકરણ થયું ન હતું.”
ચેલ્લામુથુ ઉમેરે છે કે, “આ વિવાદના પગલે ગામમાં સરકારી, રાજકીય કાર્યક્રમો, તહેવારો કે રમતગમત સ્પર્ધા જેવા કોઈ પણ આયોજનની પરવાનગી આપવામાં આવી ન હતી. 2015માં વાતચીત ફરી શરૂ થઈ હતી, પરંતુ સમાધાન થયું નહીં.”
તેમણે એમ પણ કહ્યું કે “બીજો કોઈ વિકલ્પ ન હોવાથી સરકારી અધિકારી કલમ 144ના અમલની મુદ્દત વધારતા રહ્યા હતા. અમારા ઉપનગરમાં 10 વર્ષ સુધી કલમ 144નો અમલ ચાલુ રહ્યો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આજે 10 વર્ષ બાદ વાતાવરણ સામાન્ય છે. પાંડિયનકુપ્પમ ગામે હવે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે.
બીબીસીએ ચેલ્લામુથુને પૂછ્યું કે આ તંગ પરિસ્થિતિ સુધરી કેવી રીતે? એના જવાબમાં ચેલ્લમુથુએ કહ્યું હતું કે “સ્થાનિક ચૂંટણીમાં અમે અમારી ગ્રામપંચાયતના પ્રમુખની ચૂંટણી સર્વસંમતિથી કરી હતી. તેમણે એક સભાને સંબોધન કર્યું હતું અને બન્ને સમુદાયને ગામના વિકાસ માટે સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો હતો.”
આ સભા વખતે ભૂતકાળમાં જે વિવાદ થયો હતો તેની પણ ચર્ચા થઈ હતી. જેન વિશે ગ્રામપંચાયતના પ્રમુખે સમુદાયના સભ્યોને જણાવ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં યોજાનારા રથ ઉત્સવોમાં ભાગ પણ લઈ શકશે અને રથના દોરડાં પણ ખેંચી શકશે. જોકે સામે પક્ષે બીજા સમુદાયે કેટલીક શરતો રજૂ કરી હતી. તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

કોઈ સભા નહીં, કોઈ ઉત્સવ નહીં

વિવાદ વર્ષ 2012માં શરૂ થયો હતો. ત્યારબાદ વર્ષ 2015માં ફરીથી ગામમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. ગામમાં બન્ને પક્ષો વચ્ચે સહજ સંબંધ રહ્યો ન હતો. એ ઘડીથી લઈને 30 નવેમ્બર 2022 સુધીમાં આ ગામમાં 36 વખત કલમ 144 લાગુ કરવાનો આદેશ લંબાવવામાં આવ્યો હતો.
જ્યાં કલમ 144 લાગુ થાય ત્યાં કોઈ ઉજવણી ન કરી શકાય, ક્યાંય ભીડ એકત્ર ન થઈ શકે અને કોઈ કાર્યક્રમનું આયોજન પણ ન થઈ શકે. એટલે દસ વર્ષ આ ગામના 144 કલમ હેઠળ જ પસાર થઈ ગયાં હતાં.
શાંતિ સ્થાપવા માટે યોજાયેલી આઠ બેઠકો પછી પણ સમાધાન સાધી શકાયું ન હતું. આખરે એ દિવસનો સૂર્ય ઉગ્યો. જે દિવસે આ ગામમાં શાંતિનું કિરણ પ્રવેશ્યું હતું. કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર શ્રવણકુમારના નેતૃત્વ હેઠળ 22 ફેબ્રુઆરી 2023ના રોજ એક બેઠક યોજાઈ હતી. કોટકસિયાર પવિત્રાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં બન્ને પક્ષ વચ્ચે સૌહાર્દપૂર્ણ સમજૂતી થઈ હતી.
એ પછી કલમ ક્રમાંક 144નો અમલ સંપૂર્ણપણે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત પહેલી મેના રોજ પાંડિયનકુપ્પમ ગામે આટલાં વર્ષે પહેલી વખત મજૂર દિન નિમિત્તે બેઠકનું આયોજન ગોઠવાયું હતું.

તહેવાર ઊજવવા પિયર જવું પડે

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચેલ્લામુથુના પાડોશી થંગારાસુએ કહ્યું હતું કે “હું 48 વર્ષનો છું. મેં 10 વર્ષ પછી જાહેર સમારંભમાં હાજરી આપી. હું બહુ રાજી થયો છું. હવે પરિસ્થિતિ પહેલાં જેવી થઈ ગઈ છે.”
બીબીસી ચેલ્લામુથુ સાથે વાત કરી આગળ ચાલ્યું. એવામાં બીબીસીએ જોયું કે બે મહિલા એકમેકના ખભા પર હાથ રાખી વાતો કરતી હતી. આ મહિલાનું નામ એઝિલારસી અને પરમેશ્વરી હતું. તેમણે બીબીસી સાથે વાત કરી હતી. પરમેશ્વરીએ જણાવ્યું કે, “હું વરદાનપુર ગામની છું. મારાં લગ્ન આ શહેરમાં થયાં છે. એ પછી આઠ વર્ષથી આ ગામમાં રહું છું. એ દરમિયાન અહીં ખાસ કશું થયું નથી. તહેવારો ઊજવવા અને રમતગમત સ્પર્ધાનો આનંદ લેવા હું મારા પિયર જતી હતી.”
એ પછી બીબીસી ગામની બહાર આવેલા અય્યનાર ચોલાયમ્મન મંદિરે પહોંચ્યું હતું. મંદિર ઘનઘોર વૃક્ષો વડે ઘેરાયેલું છે. ખાસ કોઈ અવરજવર ન હતી. કેટલીક મહિલાઓની સાથે હાથમાં લાંબી લાકડી લઈને ઊભેલાં 72 વર્ષનાં પોન્નમા બળબળતા તાપમાં બકરીઓ ચરાવી રહ્યાં હતાં.
પોન્નમાએ કહ્યું હતું કે “હું વૃદ્ધ થઈ ગઈ છું. હું ગાય-બકરી ચરાવીને ગુજરાન ચલાવું છું. બન્ને સમુદાય વચ્ચે સંઘર્ષને કારણે ગામમાં રથદોડ બંધ થઈ ગઈ હતી. તેને લીધે અમે બધા દુઃખી થઈ ગયાં હતાં. મને રથ ઉત્સવ જોવાનું ગમે છે, પરંતુ અમારા ગામમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેથી રથ ઉત્સવ નિહાળી શકતી ન હતી. અમે થિમ્માપુરમ અને નાગકુપ્પમ જેવા આજુબાજુનાં ગામોમાં જતાં હતાં અને એવા કાર્યક્રમો નિહાળતા હતાં. એ ગામના લોકો અને મારા સગા-સંબંધી મારી મજાક કરતા હતા. તેઓ કહેતા કે તમારા ગામમાં પણ બન્ને સમુદાયે એક થઈને આવા કાર્યક્રમ યોજવા જોઈએ. એ સાંભળીને કોઈએ મારા ગાલ પર થપ્પડ મારી હોય એવું લાગ્યું હતું, પણ શું કરવું?”
પાંડિયનકુપ્પમમાંથી પ્રતિબંધને લગતો આદેશ ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી પોતે રાજી થયા હોવાનું જણાવતાં તેમણે ગળગળા અવાજમાં કહ્યું હતું કે “હું મરતાં પહેલાં મારા ગામમાં જ તહેવાર જોવા ઇચ્છું છું.”
બીબીસી ગામમાં પાછું ફર્યું ત્યારે તેમની મુલાકાત કુમારેસન સાથે થઈ હતી. તેમણે કહ્યું હતું કે “અમારા ગામમાં 5,000 લોકોની વસ્તી છે. તેમાં આદિ દ્વવિડ, અરુંધતિયાર અને વન્નીયાર જેવા વિવિધ સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. અમે હળીમળીને રહેતા હતા, પરંતુ 2012ના રથ મહોત્સવ વખતે એક અનિચ્છનીય ઘટના ઘટી હતી.”
તેમણે ઉમેર્યું હતું કે “અમારા ગામમાં સુંદર મંદિર છે. તે નિહાળવા હજારો લોકો આવતા હતા. દુઃખની વાત એ છે કે અમારા ગામમાં છેલ્લા દસ વર્ષથી કોઈ ઉત્સવનું આયોજન થયું ન હતું. દરેક સમસ્યાનો સુખદ અંત આવે છે. અમારા માટે પણ એવું થયું. ગામમાં એકતા અને શાંતિ ફરી સ્થપાઈ છે. પ્રતિબંધ લાગુ કરતો આદેશ હટાવી લેવામાં આવ્યો છે. નવી દુનિયામાં કદમ માંડીને અમે ખુશ છીએ.”

‘કૉટન કેન્ડી’નો બીજો ટુકડો ક્યારેય મળ્યો નહીં

પાંડિયનકુપ્પમ ગામમાં રહેતી કૉલેજની વિદ્યાર્થિની વિનોદિનીએ બીબીસી સાથે ખચકાટ સાથે વાત શરૂ કરી હતી.
તેણે કહ્યું હતું કે “છેલ્લે ઉત્સવનું આયોજન થયું ત્યારે હું 11 વર્ષની હતી. એ દિવસે હું મારા પિતા સાથે ગઈ હતી. મેં ‘કૉટન કેન્ડી’ ખાધી હતી તે મને હજુ પણ યાદ છે. મેં મારા પિતાને કહ્યું હતું કે વધુ એક ‘કૉટન કેન્ડી’ ખરીદી આપો. તેમણે કહેલું કે તે આવતા વર્ષે ખરીદી આપશે. પણ આવતું તો વર્ષ આવ્યું, પરંતુ ઉત્સવનું આયોજન ક્યારેય થતું નહીં, અને મને ‘કૉટન કેન્ડી’ ખાવા ન મળી."
તેમણે વધુમાં કહ્યું કે, "અમારા ગામમાં 10 વર્ષ સુધી કોઈ તહેવારની ઉજવણી કે સ્પર્ધાનું આયોજન થયું ન હતું. મેં સ્કૂલ-કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. લગ્ન કરવા જેવડી થઈ ગઈ છું. હવે તહેવાર આવે છે ત્યારે નાના બાળકની જેમ તેને ઉજવવાનો કે આનંદ માણવાનો કોઈ વિચાર આવતો નથી. ભાવિ પેઢી ખુશ રહે તો સારું.”

મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને પોલીસ માટે અવિસ્મરણીય ઘટના

રાજાવેલુ 2012માં પાંડિયનકુપ્પમ ગામમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ તેમના વતન ચિન્નાસલેમમાં રહે છે. રાજાવેલુએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ ભલે નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ પાંડિયનકુપ્પમ ગામના એ કાર્યક્રમને ક્યારેય ભૂલી શક્યા નથી.
તેમણે કહ્યું હતું કે, “પાંડિયનકુપ્પમ ગામના લોકોએ વર્ષ 2012માં એક જાહેર પરીક્ષા અને સમારંભના આયોજનનો નિર્ણય કર્યો હતો. એ વખતે બન્ને સમુદાય વચ્ચે સમસ્યા સર્જાઈ હતી અને તેમાંથી તોફાન ફાટી નિકળ્યું હતું. તેને રોકવા માટે પ્રતિબંધને લગતા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. બન્ને પક્ષ અદાલતમાં ગયા હતા. પાંડિયનકુપ્પમ ગામમાં મહિનાઓ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કલ્લાકુરિચી જિલ્લો બન્યો ત્યારબાદ જે સમસ્યા શરૂ થઈ હતી તેનું નિરાકરણ છેક હવે થયું છે.”
ત્યારબાદ બીબીસી પંચાયત પરિષદની ઓફિસે પહોંચ્યું હતું. ગત ચૂંટણીમાં નિર્વિરોધ ચૂંટાયેલા શનમુગમ તેના પ્રમુખ છે. તેમને બન્ને સમુદાય સાથે સુમેળ હતો. જેથી બન્ને પક્ષે સાથે મળીને તેમને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા.
શનમુગમે કહ્યું હતું કે “કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો અમલ કરવો હોય તો પંચાયત પરિષદની બેઠકો યોજવી જરૂરી છે. એ પછી જ લોકોની જરૂરિયાત સંતોષતી દરખાસ્તો પસાર કરી શકીએ. અમે એ બાબતે લોકો સાથે વાત કરી હતી. પરિણામે હવે સમસ્યાનું નિવારણ થઈ ગયું છે. 11 વર્ષ પછી અમે મજૂર દિન નિમિત્તે ગ્રામ સભાની બેઠક સારી રીતે યોજી શક્યા છીએ.”
પંચાયત ઓફિસમાં ઘરનો આવકવેરો ચૂકવવા આવેલાં સંગીતાએ કહ્યું હતું કે “સમસ્યાનું સારી રીતે નિવારણ થયું એ જાણીને આનંદ થાય છે. હવે તહેવારોમાં બધાં લોકો ભાગ લઈ શકશે અને ગામ લોકોના અન્ય શહેરોમાં રહેતા સગાસંબંધી પણ હાજરી આપી શકશે.”
કવિરાસુના જણાવ્યાં મુજબ, તેઓ 10 વર્ષના હતા અને તહેવારો વખતે સગાસંબંધી સાથે રમતા હતા એ તેમને હજુ પણ યાદ છે. આઈટીઆઈમાં અભ્યાસ કર્યા બાદ ઘરેથી કામ કરતા કવિરાસુએ કહ્યું હતું કે “હવે વિદ્યાર્થી રમતગમત સ્પર્ધામાં ખુશીથી ભાગ લઈને વિજેતા થવાની મારી ઇચ્છા છે.”
સકથિવેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “તહેવારોની ઉજવણી બંધ કરવામાં આવી ત્યારે હું 28 વર્ષનો હતો. અમારી વચ્ચે ક્યારેય લડાઈ થઈ નથી. અમે ગામમાં એકમેકને મામન, મચાન, અન્ના અને થમ્બી કહીને બોલાવીએ છીએ. બન્ને સમુદાય વચ્ચેના અહંકારને કારણે કલમ 144ના અમલની મુદ્દત સતત વધતી રહી હતી.”
ચિન્નાસેલમ યુનિયન કમિટીના ઉપાધ્યક્ષ અન્બુ મણિમારને પહેલી મેના રોજ યોજાયેલી ગ્રામ સભાની બેઠકમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે “મેં બન્ને સમુદાયના લોકો સાથે અનેક વખત વાત કરી હતી. તેમણે કહેલું કે અમે એક છીએ. હું તેમને શાંતિ સભામાં મળ્યો ત્યારે બધાં બહુ ખુશ હતા. હું પણ ખુશ હતો.”

આઠ વખત શાંતિ બેઠક, પ્રતિબંધ લાગુ કરતા આદેશની મુદ્દત 36 વખત વધી

પાંડિયનકુપ્પમ ગામની સમસ્યા વિશે બીબીસીએ કલ્લાકુરિચી જિલ્લાના એસપી મોહનરાજ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે “કલમ 144 હેઠળ ગામ વિસ્તારમાં એકઠા થવા, વાત કરવા, રાજકીય કાર્યક્રમ યોજવા અને અન્ય કોઈ કાર્યક્રમ સહિતની મોટાભાગની ગતિવિધિ પર પ્રતિબંધ હતો. તામિલનાડુ સરકાર, જિલ્લા કલેક્ટર અને પોલીસની હાજરીમાં અગ્રણી વ્યક્તિઓ સાથે શાંતિ બેઠક યોજવામાં આવી હતી. તેમાં બન્ને પક્ષે જણાવ્યું હતું કે તેઓ ગામના વિકાસ માટે ખભેખભા મેળવીને કામ કરશે. એ પછી પ્રતિબંધનો આદેશ પાછો ખેંચવામાં આવ્યો હતો.”

એકતા હશે તો ગામનો વિકાસ થશે

પાંડિયનકુલ્લમ ગામની સમસ્યાનું નિવારણ કેવી રીતે કર્યું, એવો સવાલ અમે કલ્લાકુરિથીના જિલ્લા કલેક્ટર શ્રવનકુમારને કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે “મે દિવસ નિમિત્તે રાજ્યની તમામ ગ્રામ પરિષદોની બેઠક યોજાવી જોઈએ તેવો આદેશ તામિલનાડુ સરકારે આપ્યો હતો. એ મુજબ મહેસૂલ વિભાગ અને ગ્રામ્ય વિકાસ વિભાગના અધિકારીઓને પૂછ્યું હતું કે જિલ્લાના કયા ગામોમાં ગ્રામ પરિષદની બેઠકો યોજાઈ નથી. તેમણે અમને પાંડિયનકુપ્પમ ગામ વિશે જણાવ્યું હતું. અમે અધિકારીઓને પૂછ્યું હતું કે સમસ્યા શું છે? એ જાણ્યા પછી અમે અગ્રણીઓને બોલાવીને તત્કાળ શાંતિ બેઠક યોજવાનો આદેશ આપ્યો હતો.”

એ બેઠકમાં તમામ અગ્રણીઓ અને ગ્રામ પંચાયતના વડાએ ભાગ લીધો હતો. મેં બધાને જણાવ્યું હતું કે ગામના વિકાસમાં બધાની ભૂમિકા હોય છે. ગામની પ્રગતિ કરવી હોય તો બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.
બધા એ વાત સાથે સંમત થયા હતા. બન્ને પક્ષના લોકોએ એકમેકને સાથે હાથ મેળવ્યા હતા અને જણાવ્યું હતું કે અમે સમારંભનું આયોજન પણ કરીશું.
એ પછી પ્રતિબંધને લગતો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ગ્રામ સભાની બેઠક પણ સારી રીતે યોજાઈ હતી.
છેલ્લા 10 વર્ષથી અમલમાં રહેલા પ્રતિબંધના આદેશો પાછા ખેંચી લેવામાં આવ્યા હોવાથી હવે પાંડિયમકુપ્પમના રહેવાસીઓ બહુ ખુશ છે.














